બાળગીતા – મહેન્દ્ર નાયક (ઈ-પુસ્તક ડાઉનલોડ) 3 comments


વિષ્ણુપુરાણમાં એક કથા છે, જેમાં અતિશય અત્યાચારો અને પાપોથી ત્રાસેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી વૈકુંઠમાં વિષ્ણુ પાસે પહોંચે છે અને પોતાની દયાજનક સ્થિાતિનું વર્ણન કરી પોતાને બચાવી લેવા પ્રાર્થના – આજીજી કરે છે. વિષ્ણું પણ એની કથા સાંભળી ખુબ જ દુઃખી થાય છે અને એને સાંત્વના આપે છે કે એ ટૂંક સમયમાં જ એક ગોપાલના સ્વરૂપે પૃથ્વીએ પર અવતરશે અને એના બધા જ ભક્તોને દુર્જનો, રાક્ષસો અને અસુરોના ત્રાસથી છોડાવશે તથા ધર્મની પુનઃ સંસ્થાંપના કરશે.

પરિણામે કપરા સંજોગોમાં કૃષ્ણનનું આગમન થાય છે – ગોકુળ વૃંદાવન તેમનું ધામ બને છે અને એ પોતાનું કાર્ય ત્યાંથીજ આરંભ કરે છે. સમયાંતરે એમણે આપેલા વચન મુજબ પૃથ્વી પરના પાપોને એક પછી એક દુષ્ટો નાબૂદ કરે છે અને અંતે પોતાના મિત્ર – સખા અને ભક્તન અર્જુનને ગીતાનો પાઠ ભણાવી – તેના થકી મહાભારતનું યુદ્ધ જીતીને પોતાનું કાર્ય પૂર્ણ કરે છે.

આ ગીતા તે એજ છે ગીતા જેને ઋષિ મુનિઓએ બીરદાવી છે. તેમણે નોંધ્યું છે કે વેદોરૂપી ઘાસ ચરીને અનેક ઉપનિષદો રૂપી ગાયો અસ્તિત્વમાં આવી અને વેદવ્યાસે આ ગાયોનું દોહન કરીને ગીતારૂપી દૂધનું શ્રીકૃષ્ણનના હાથે અર્જુનને પાન કરાવ્યું.

એ જ ગીતાએ કેવળ અર્જુનને જ મહાભારતમાં વિજય અપાવ્યો એવું નથી પરંતુ, એ ગીતા આજે પણ એટલી જ પ્રસ્તુ‍ત છે અને આજના આ વિષમ કાળમાં દરેક માનવીને પોતાની અંદર અને બહાર ચાલી રહેલા મહાભારતના યુદ્ધને જીતવામાં મદદરૂપ થઈ શકે છે. આ જ્ઞાન અગાઉ પણ વારંવાર વિસરાયું હતું અને આજે પણ એજ પરિસ્થિતી છે, ત્યારે ફરી કોઈ ગોપાલ આવી તમારી રક્ષા કરે તેની રાહ જોયા વિના ગીતાના આ પાઠનો અભ્‍યાસ કરી સૌ પોતપોતાના આંતરિક અને બાહ્ય મહાભારત પર વિજય મેળવશે તો એજ સાચો કર્મયોગ કહેવાશે.

આવશ્યકતા છે કે આવો પાઠ અને તેનો અભ્યાસ બાળવયથી જ થાય. અને આ બાળવય માત્ર શારીરિક જ ન રહેતા આધ્યાત્મિક હોય તો પણ તેને સ્વીકારી એનું અધ્યયન અને અનુસરણ થાય એ ઈચ્છાનિય છે.

આવી એક દૃષ્ટિ રાખી અત્રે ગીતાના સંદેશને સરળ રીતે રજુ કરવાનો પ્રયત્નદ કર્યો છે. આશા છે એ દરેકને ઉપયોગી થશે.

– મહેન્દ્ર નાયક, નવસારી

* * * * *

પુસ્તકની શરૂઆત કાંઈક આમ છે…

આભા : દાદાજી, હું આ ભગવદ્‌ ગીતાના બોધને બરાબર સમજી નથી શકતી, શું તમે મને એમાં કાંઈ મદદ કરશો?

દાદાજી : જરૂર, આભા, મને તો એમાં આનંદ જ થશે. તારે એ ખરેખર જાણવું રહ્યું કે આ પવિત્ર ગ્રંથ આપણ સૌને આ જગતમાં સુખ અને શાંતિથી કેવીરીતે જીવવું એનો જ બોધ આપે છે. આ સનાતન ધર્મ જેને આપણે હિન્દુ ધર્મ તરીકે ઓળખીએ છીએ, તેનો એ અતિ પુરાતન ગ્રંથ છે, પરંતુ એને જગતમાં કોઈ પણ ધર્મ પાળનારા, સહેલાઈથી સમજી અને અનુસરી શકે છે. ગીતમાં કુલ ૧૮ પ્રકરણો કે અધ્યાય છે અને બધુ મળીને માત્ર ૭૦૦ શ્લોકોમાં જ એ સમાયેલ છે. કોઈપણ વ્યક્તિ રોજનો થોડા અમસ્તા શ્લોકોનો અભ્યાસ કરી ટૂંક સમયમાં જ એનો સાર ગ્રહણ કરી શકે છે.

‘ભગવદ્‌’ શબ્દ‍નો અર્થ થાય પ્રભુ કે મહાપ્રભુ જેને આપણે ભગવાન્‌ કહીએ છીએ. ગીતા નો અર્થ થાય કવિતા કે કાવ્ય . એ રીતે ભગવદ્‌ ગીતાનો અર્થ થાય ભગવાનનું કાવ્ય અથવા પવિત્ર કવિતા, કારણ એને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ ગાએલ છે.

ચાલ, સૌ પ્રથમ હું તને ગીતા અંગેની પ્રાથમિક સમજ આપું…

* * * *

તો આશા છે આપ સર્વેને આ પુસ્તક ઉપયોગી નીવડશે…

પ્રસ્તુત પુસ્તક યુનિકોડમાં ટાઈપ સાથે અક્ષરનાદના ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવી પ્રસ્તુત કરવાની અનેરી તક આપવા બદલ શ્રી મહેન્દ્રભાઈ નાયકનો આભાર. આજથી ડાઉનલોડ માટે આ ઈ-પુસ્તક અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાંથી – અહીં ક્લિક કરીને મેળવી શકાય છે.


3 thoughts on “બાળગીતા – મહેન્દ્ર નાયક (ઈ-પુસ્તક ડાઉનલોડ)

Comments are closed.