ત્રણ પ્રેરક કાવ્યરચનાઓ.. – કરસનદાસ માણેક 5 comments


કરસનદાસ માણેક કેવળ કવિ નહોતા, તેમણે અનેક નવલિકા અને નાટકો પણ લખ્યાં છે. આખ્યાન ને વ્યાખ્યાન એમને હાથવગાં. ‘સારથિ’ અને ‘નચિકેતા’ના તેઓ તંત્રી હતા. માણેક એટલે શબ્દોનો ધોધ. ગાંધીયુગના કવિ. આજે પ્રસ્તુત છે શ્રી કરસનદાસ માણેકની ત્રણ સુંદર પદ્યરચનાઓ. જાનારાને જાવા દેજે.., હે જીવનદાતા આવો, તથા ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો ! ત્રણેય રચનાઓ સુંદર અને મનનીય છે.

૧. જાનારાને…..

જાનારાને જાવા દેજે:
એકલવાયું અંતર તારું
ચૂપ રહી ચીરવા દેજે !
જાનારાને જાવા દેજે !

લાવજે ના લોચનમાં પાણી;
ધ્રુજવા દેજે લેશ ન વાણી,
પ્રાણના પુષ્પની પાંખડી પાંખડી
છાનોમાનો છેદાવા દેજે !
જાનારાને જાવા દેજે !

નીરવ જીરવી લેજે ઝુરાપા,
છોને પડે તારે કાળજે કાપા:
હૈયાની ધરતી તરસી, તારાં
શોણિતથી સીંચાવા દેજે !
જાનારાને જાવા દેજે !

ઝંખનાની કાળી ઘોર ગુલામી;
વહોરજે ના વેદનાઓ નકામી.
સપનાની તારી વાડી રૂપાળીને
સામે ચાલી વેડાવા દેજે !
જાનારાને જાવા દેજે !

૨. હે જીવનદાતા

હે જીવનદાતા આવો,
આવો ઓ ઘનશ્યામ, આમ ના આતમને અકળાવો !

મૂંગા મોરની કેકા બનીને
બની ચાતકનો પાવો;
સૂની પડી વર્ષાની વીણા અંકે લઇ બજાવો !
હે જીવનદાતા આવો !

આવો વીજઝગારે હરિવર,
મેઘ-મલ્હારે આવો :
ચિરપ્યાસીની પ્યાસ બુઝાવા અમૃત—ધાર વહાવો !
હે જીવનદાતા આવો !

૩. ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો !

ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો; લાવ્યો કાંઇ તાકીદના પયગામ:
ઉપાડો ડેરો રે તંબુ આત્મા, વસુધાના વધાવો મુકામ ! ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો !

ભલે રે આવ્યો રે હરિનો ખેપિયા, ભલે લાવ્યો તાકીદના પયગામ;
આવું જો ઊભાઊભ તારી સાથમાં: વસુધાનો વધાવું મુકામ ! ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો !

નથી કંઇ કહેવું, નથી કંઇ કારવવું, નથી કોઇને સોંપવી સંભાળ:
ઉઘાડા જિંદગીના મારા ચોપડા; નથી એમાં ઉકેલતાં આળ ! ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો!

નથી કંઇ છાનું, નથી કંઇ છપનું, બધુંય જુગતે જાહેર:
આટોપું આ પળે મારી જાતરા; હાલું તારી હારે હરિને ઘેર ! ભલે રે આવ્યો રે હરિના ખેપિયા !

– કરસનદાસ માણેક


5 thoughts on “ત્રણ પ્રેરક કાવ્યરચનાઓ.. – કરસનદાસ માણેક

 • સુભાષ પટેલ

  મને પણ પૂ. કરસનદાસ માણેકને જોવા અને સાંભળવાનું સદ્ભાગ્ય મળ્યું છે.
  નખશીખ ગાંધીવાદી હતાં એમની ઘણી કવિતાઓ સ્કૂલમાં ભણી હતી. તેમાં “આસુંભીના રે હરિનાં લોચનિયાં મેં દીઠાં (નવા વર્ષે થતો અણકોટ જોઇને)” એ શિક્ષક ભણાવતા હોય તે હજી તાદૃષ્ય થાય છે.

 • indushah

  સુંદર કાવ્યો
  તેમના કિર્તનો નાનપણમાં વિલેપાર્લેમાં માણ્યા છે,માણેકકાકાના ઘેર પણ બપોરના રિસેસ સમયે પહૉંચી જતા અને કવિતાઓ સાંભળાતા, આજે આપના બ્લોગપરના કાવ્યો વાંચી માણેકકાકાની યાદમાં આંખ ભીની થય ગઇ.

 • harshajagdish

  કરસનદાસ માણેક ની જીવન-ફિલસુફીથી કોણ અજાણ છે ?’જાનારાને જાવા દેજે ‘મારું પ્રિય કાવ્ય છે.મારી પ્રેરણા પણ છે.અને મને ‘ભલે રે આવ્યો હરિનો ખેપિયો ‘બહુ ગમ્યું.

 • jignesh

  અતિ સુન્દર હિર્યદય સ્પર્શ્ સબ્દો અન્તર મા તાર સનધઅયો હોય તોજ અવા સબ્દો ઉમતે જિગ્નેશ ના હધ્ય થિ કવિ ને વન્દન

Comments are closed.