બદમાશ (ટૂંકી વાર્તા) – ઝવેરચંદ મેઘાણી 9


આપણા રાષ્ટ્રીય શાયર અને ગુજરાતીના આગવા લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીનો ૨૮ ઓગસ્ટે – આજે જન્મદિવસ છે, તેમને આજના દિવસે તેમની જ એક સુંદર વાર્તા દ્વારા યાદ કરીએ, અક્ષરનાદ અને સમગ્ર વાચક પરિવાર તરફથી શ્રી મેઘાણીને વંદન

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઇએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફગાવ્યાં. રૂક્ષ્મિણીએ એ પછડાટમાંથી ઊઠી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રૈન સ્ટેશન-યાર્ડને વટાવી ગઇ.

ખાલી પડેલા પ્લાટફોર્મ પર જે કોઇ આ દૃશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ વરસાવી : ‘સા’બલોકના પોરિયા થઇ ગયા બધા ! – ‘પંક્ચ્યુઅલ’ ટાઇમ પર જ આવનારા !’

‘— ને પછી બૈરું કોને ભળાવે છે તેનોય વિચાર ન કરે !’

આ વાક્યે રામલાલને ચમકાવ્યો. ડબામાં કોણ હતું? પોતે કોને ભલામણ કરી હતી? યાદદાસ્તને નિચોવી જોઇ. એના નાકને દેશી બીડીના ગોટેગોટ ધુમાડાની દુર્ગંધ યાદ આવી. એના કાન પર આઠ – દસ ઘોઘરા અવાજોમાંથી ગલીચ વાક્યોના ટુકડા અફળાયા. એની આંખોએ તો સ્પષ્ટ કોઇ ચહેરો પકડ્યો જ નહોતો; માત્ર જે અસ્પષ્ટ આકારો આંખો સામે ઘૂમતા હતા તેમાં કાળી ટોપી, કાળી દાઢી, કાળી લુંગી વગેરેની કાળાશ જ વધુ જોર કરી મન પર એક કાળી ચિંતાનું વાદળું રચતી હતી. ફાટકમાંથી બહાર નીકળતાં એક જાણીતા ગૃહસ્થે રામલાલને પૂછ્યું : ‘કોણ – સંગાથ કોણ હતો રામલાલભાઇ “‘

‘સંગાથ તો કોઇ જ ન મળ્યો.’

‘ત્યારે તમે એ કોને કહેતા’તા-કે, ભાઇ, આ બચ્ચાંનું ધ્યાન રાખજો !’

‘મેં કહ્યું ખરું… પણ કોને કહ્યું તેનું તો મનેય ભાન નથી.’

‘આટલી ઉતાવળ નહોતી કરવી; કાલે મોકલવાં’તાં.’

‘હવે મને પસ્તાવો થાય છે.’

‘કોણ જાણે, આપણા લોકો આગગાડીને દેખીને ભૂરાંટા જ થાય છે — ભૂરાંટા.’

‘ભૂરાંટા’ શબ્દ રામલાલની છાતી સોંસરો ગયો. એ કાઠિયાવાડી ગલોફામાંથી છૂટેલ શબ્દમાં રામલાલના આ આચરણનું આબેહૂબ ચિત્ર હતું. લાલ લૂગડું દેખીને ગોધો વકરે, ઊંટને ભાળીને ભેંસ વીફરે, મિલ – માલિકને જોતાં આજકાલનો મજૂર – નેતા ચમકે, તેમ જ રામલાલ રેલગાડીના ગાર્ડ – ડબાનું લાલ ફાનસ ચલાયમાન થયું જોઇ પાગલ બની ગયો — એટલો બધો પાગલ બની ગયો કે કીકાને અને કીકાની બાને જીવતાં, વહાલસોયાં સ્વજનો લેખે વીસરી જઇ સામાનનાં નિષ્પ્રાણ પોટકાં સમજી લીધાં. અરે રામ! માણસ પોટકાને પણ કોઇક જાણીતા અથવા ભરોસાપાત્ર સથવારાજોગ જ રવાના કરે. એક વાર દેશમાં કાચી હાફૂસનો કરંડિયો મોકલવો હતો. ત્યારે પોતાના એક સંબંધી જોડે મોકલવાનોય વિશ્વાસ નહોતો કર્યો રામલાલે, કેમ કે એ સંબંધી રસ્તામાંથી કચુંબર કરવાય એકાદ કાચી કેરી કાઢી લેશે. એવો એને અંદેશો થયેલો. તો પછી આજ આ પોતે શું કરી બેઠો?

બીજો એક માણસ રામલાલને કાનમાં વાત કહી ગયો. વાત કહેતા કહેતાં એ કહેનારની આંખો ચારે બાજુ જોતી હતી : જાણે કે રખેને કોઇક આ સ્ટેશનની દીવાલોના અથવા લાદીના પથ્થરો ઊંચા કરીને છૂરી હુલાવતા નીકળી પડવાનો હોય! તેણે વાત કહી તે આ હતી :

‘શેઠ, એ ડબામાં તો અમદાવાદ શહેરના બદમાશોનો સરદાર અલારખો બેઠો’તો, ને બીજા આઠ-દશ એના ભંગેડીગંજેડી ગળાકટુ સાથીઓ હતા. હું ત્યાં જ ઊભેલો હતો. ભેગી એક રાંડ હતી. તમામ મળીને રાંડની ઠઠ્ઠા કરતા’તા. એ રાંડને બધા ધકાવી ધકાવી અલારખાને માથે નાખતા’તા. એ ચેષ્ટાઓ મેં નજરોનજર ભાળી. ત્રીસ પાસીન્જરોનો ડબો, છતાં એમાં દસ ઉપર અગિયારમું કોઇ પાસીન્જર નહોતું બેઠું. મોઢાં જોઇ જોઇને જ તમામ લોકો આગલા ડબાઓમાં જઇ ભરાયાં. શેઠ, તમે તમારાં બાલબચ્ચાંને વાઘવરુની વચ્ચે દેખીપેખીને ક્યાં ફેંક્યાં?’

રામલાલ થીજી જ ગયો. પેલાએ ફરી એક વાર ચોમેર નજર ખેંચી ખેંચી ચહેરા આડે હાથનો પડદો કર્યો, ને કહેવાનું હતું તે પૂરું કર્યું: ‘શેઠ, આઠે-પંદરે દા’ડે અલારખીઓ આંહીનાં ફેરા મારે છે. એના ફેરા શરૂ થયા પછી રેલગાડીના ડબાઓમાંથી પાંચ વાર તો ખૂનની લાશો હાથ આવી, ને આ શહેરમાં સાતેક લૂંટો થઇ. આ કાળાં કામોનો કરનાર કોણ તે તો સહુ જાણે છે. પોલીસ શું નથી જાણતી એમ તમે કહો છો? હું કહું છું કે પોલીસ ચોક્કસ જાણે છે – પણ પોલીસને અલારખાએ ગળા લગી ધરવી નાખ્યા છે. હવે શું કહો છો, મારા સાહેબ ! એ તો ‘કેના બાપની ગુજરાત’ જેવું છે! ‘સરકારના રાજમાં ઢેઢ મારે ધક્કે: દેવ ગિયા ડુંગરે ને પીર ગિયા મક્કે’ વાળી વાત થઇ છે. વરણાવરણી ભ્રષ્ટ થઇ ગઇ, ગાંધીએ ભૂંડું કરી નાખ્યું. આમાં શું રાખ સવરાજ મળવાનું હતું? સારા પ્રતાપ માનો અંગરેજી રાજના…’

આવું તો બહુ બહુ તત્વદર્શન ઠાલવી દઇ પોતાના હ્રદયનો ઊભરો હળવો કરવાની એ આસામીને તલપાપડ હતી; પરંતુ જ્યારે એ આસામીએ જોયું કે રામલાલનું તો ધ્યાન જ બીજે કોઇ સ્થળે ગુમ થયું છે, ત્યારે પછી એ ત્યાંથી ખસ્યો; ખસીને દૂર જઇ એક બીજા માણસ સાથે કશીક વાત કરવા લાગ્યો. બેઉ વચ્ચે ઠઠ્ઠા ચાલતી હતી, બેઉ રામલાલની સામે હાથની એવી ચેષ્ટા કરતા હતા કે જે ચેષ્ટનો, દૂરથી જોનારાંને, ‘મીઠાં વિનાનો લાગે છે’ એવો કંઇક અર્થ બંધ બેસે.

રામલાલને તાર-ઑફિસ પર જવું હતું. તાર-ઑફિસ પોતાની સામે જ હતી. આંધળોય વાંચી શકે એવા અક્ષરો ‘તાર-ઑફિસ’ વીજળીના તેજે સળગી રહ્યા હતા. છતાં રામલાલ એટલો ગુમસાન હતો કે એને બાજુએથી જતા માણસને પૂછવું પડ્યું.

તારનું ફારમ મેળવીને એ અંદર સંદેશો બેસારવા લગ્યો. ગાડી અત્યારે ક્યાં હશે તેની પૂછ્પરછ કરી જોઇ. સંભવિત સ્ટેશનના માસ્તર પર તાર લખ્યો. ઓછામાં ઓછી શબ્દ – સંખ્યા બનાવી નવ આનામાં પતી જાય છે એવું જાણતાં પોતાની અક્કલમંદી પર આફ્રિન અનુભવ્યું. તાર બારી પર મૂકી, બાધો એક રૂપિયો સેરવ્યો.

‘બીજા બે રૂપિયા.’ તાર-માસ્તરે જરાક ડોકું ઊંચું કરી પાછું કંઇક લખતાં લખતાં ટૂંક્ર્ર માગણી કરી.

‘શાના?’ રામલાલ સહેજ તપ્યો ‘અજાણ્યા જાણીને શું…’

‘એક્સેસ ચાર્જ’ તાર-માસ્તરે જવાબ આપ્યો.

‘શાનો?’

‘લેઇટ ફી, પ્લસ સન્ડે.’

રામલાલને જાણે કોઇએ ગાઢી નિદ્રામાંથી ઢંઢોળ્યો. ત્રણ રૂપિયા? ત્રણ રૂપિયાની રકમ એણે ખાનગી તારમાં અવતાર ધરીને ખરચી નહોતી. ખરેખર શું ત્રણ રૂપિયા ખરચવા જેવું સંકટ ઊભું થયું છે? શું મારી પત્ની પોતાની જાણે જ અક્કલ ચલાવી ડબો બદલી નહિ નાખે? શું મારાં આટલા વર્ષોના સહવાસ પછી પણ એનામાં અક્કલ નહિ વધી હોય? કોણ જાણે ? બૈરું છે, સ્ત્રીની બુદ્ધિ હમેશાં પાનીએ જ હોય છે; ભૂલ ખાઇ બેસશે… પણ શું એ કંઇ વિપત્તિ પડતાં સાંકળ નહિ ખેંચી લ્યે? એ બેઠી હશે ત્યાંથી સાંકળ તો નજીક જ હશે ને? પણ સાંકળ કદાચ જામ થઇ ગઇ હશે તો? અમસ્થાય આ રેલવેવાળાઓ સંકટ – સાંકળને ક્યાં ચાલુ સ્થિતિમાં રાખે છે?… પણ તો પછી શું એ ચીસ નહિ પાડી શકે? શું કીકો ચીસ નહિ પાડે? પેલા ડાકુ અલારખાનો પંજો એના મોંને દબાવી રાખશે તો?…’ આવી વિચાર-પરંપરા વહેતી થઇ હતી, તેમાં તાર-માસ્તરે પેલો રૂપિયો તથા તારનું પતાકડું બહાર હડસેલીને ભંગ પાડ્યો; વિશેષમાં ઉમેર્યું ‘શેઠજી, વિચાર કરીને સવારે જ આવજો-સોમવાર થઇ જશે !’

રામલાલને પોતાની જાત પ્રત્યે તે જ પળે ઊંડો તિરસ્કાર ઊપજ્યો. એની કલ્પનાએ સ્ત્રીને જંગલના અંધકારમાં, અસહાયતાની ચીસો પણ ન પાડી શકે તેવી સ્થિતિ વચ્ચે, ચૂંથાતી દીઠી. એનું નાનું બાળક તો જાણે ફડકીને ક્યારનું ફાટી પડ્યું હશે !

‘ઓ મારા પ્રભુ ! ચૌદ લોકના નાથ ! ગરૂડગામી ! -એવી પ્રાર્થના એના નિ:શ્વાસમાંથી ઉચ્ચારણ પામી. એણે તારનું કાગળિયું પાછું બારીમાં સેરવી પાંચ રૂપિયાની નોટ નાખી.’

‘રિપ્લાય પ્રીપેઇડ?’ તાર-માસ્તરે પોતાની પરિભાષામાં જ ટૂંકો પ્રશ્ન કર્યો. દરેક મનુષ્ય પોતાના ધંધાની ભાષાને જ પ્રથમ પદ આપે છે, ને સમજી લ્યે છે કે બીજાં સહુએ એની ભાષા શીખી લેવી જ રહી.

‘હેંજી?… એં – ના – ના હા જી, હા જી, રિપ્લાય મંગાવી આપો.’ રામલાલ માંડ માંડ બોલી શક્યો.

જાણે કે રામલાલના હ્રદયમાં એક ગળણી ગોઠવાયેલી હતી. એ ગળણી હતી વ્યવહારુ ડહાપણની. પોતાના હરેક વિચારને પોતે એ ગળણીએ ગાળ્યા પછે જ અમલમાં મૂકતો. તાર – માસ્તરે આઠ આના પોતાના ગજવામાં સેરવીને થોડાક પૈસા પાછ ફેંક્યા. તે પછી ઘણી ઘણી વિધિક્રિયાઓ બાદ તાર જ્યારે યંત્ર પર ખટખટવા લાગ્યો ત્યારે રામલાલને હિંમત આવી. એ પ્રત્યેક ખખડાટમાંથી એની કલ્પનાના કાન પર પોલીસનાં કદમો સંભળાયાં, હાથકડીના ઝંકાર ગુંજ્યા, અલારખિયા બદમાશને કાંડે એ કડીને ભીડતી ચાવીના કિચુડાટ ઊઠ્યા.

જવાબનું પતાકડું કવરમાં બીડીને જ્યારે તારવાળાએ રામલાલને આપ્યું ત્યારે એને એક પલ કેવી શાતા વળી ગઇ ! ફોડીને વાંચે ત્યાં આટલું જ લખેલું, ‘ગાડી પાંચ મિનિટ પહેલાં જ છૂટી ગઇ છે.’

વધુ પૈસા ખરચવાની હિંમત હારી જઇ રામલાલે ઇશ્વરનો જ આધાર લીધો. એ છેક પુરાતન યુગનો માણસ હોત તો કુલ-દેવતાને કશીક માનતા માની લેત; ને છેક અર્વાચીન જમાનાનો હોત તો પૂરેપૂરો પુરુષાર્થ અજમાવત. પણ વચલી દશામાં લટકતો હોવાથી ઘેર પહોંચ્યો, ને પલંગમાં પડ્યો, ત્યારે એની ચોગમ ભયના આકારો ભમવા લાગ્યા. નીંદ નહોતી, પણ મગજ થાકી લોથ થઇ ગયું હતું; જ્ઞાનતંતુઓ ઉગ્ર બન્યાં હતાં; ને ન સ્મૃતિ કે ન સ્વપ્ન-પણ બન્નેની મિલાવટમાંથી નીપજેલ એક ભય-કથાએ એને પસીને રેબઝેબ કર્યો હતો. એને એવો ભાસ થયો કે પોતે જે માણસને, ‘મારાં બાલબચ્ચાંને સંભાળજો….’ – એવું કહ્યું હતું તે માણસનો પોતાને અગાઉ એક વાર ક્યાંઇક ભેટો થયો હતો. ક્યાં થયો હશે?

હા, હા, યાદ આવ્યું: રેલગાડીની જ એક મુસાફરીમાં. ઓચિંતાનો એક રાતે એ અમારા નાના ખાનામાં આવી ચડેલો. એનું મોં ભયાનક હતું, છતાં એણે મારી સામે હાથ જોડેલા કે, ‘ભાઇસાબ, થોડી વાર છિપાવા આપો. એકરાર કરું છું કે, મારી પાસે ચાર અફીણના ગોટા છે — ને મારી પાછળ પોલીસ છે.’ આ કાલાવાલાના જવાબમાં પોતે કહ્યું હતું કે ‘નહીં – નહીં બદમાશ – યહાં નહિ… નિકલ જાઓ યહાંસે.’

એ મારી પત્ની રૂક્ષ્મિણી સામે ફરીને કરગર્યો હતો કે ‘તું મેરી અમ્મા ! મુઝે છિપને દે.’ પત્નીએ કહેલું કે, ‘છોને બેઠો !’

મેં પત્નીને ઝાડી નાખી. ‘પોલીસ – પોલીસ’ ની બૂમ પાડેલી. પોલીસે આવીને એને પકડ્યો હતો. મને અદાલતમાં શાબાશી મળી હતી — ને એ બદમાશને ત્રણ વર્ષની ટીપ મળી ત્યારે મારી સામે જોઇ એણે શપથ લીધા હતા કે ‘રામલાલ, છૂટ્યા પછી તને જોઇ લઇશ…’

એ જ એ માણસ : એણે મારી પત્નીને પૂછપરછ કરી – વૈર વાળ્યું – ખૂન પીધું – હાય ! ઓય !… રામલાલ પોતાના ઓયકારમાંથી જ જાગી ઊઠ્યો. પ્રભાત આખરે પડવાનું તો હતું જ – તે પડ્યું. દસેક વાગ્યે રામલાલને પોતાના સાળાનો તાર મળ્યો કે, બધા ઘણાં જ સુખરૂપ પહોંચી ગયાં છે. ત્રીજે દિવસે પત્નીનો લાંબો કાગળ આવ્યો. રામલાલને અચંબો થયો. રૂક્ષ્મિણીએ કોઇ વાર આટલી ઝડપે પહોંચનો કાગળ નહોતો લખ્યો.

આ કાગળ એક ઓછું ભણેલી, અણઘડ સ્ત્રીની ભાષામાં હતો. શરૂઆત ‘વહાલા’ અથવા ‘મારા વહાલા’ અથવા ‘મારા પ્રાણપ્રિય વહાલા સ્વામીનાથ’ જેવા કોઇ સંબોધન વડે ન થતાં સીધેસીધી વેપારી શૈલીએ મુદ્દાની વાત વડે જ થઈ હતી; એથી કરીને એ પત્ર એન્જિનથી શોભતી જૂની આગગાડીને બદલે વગર એન્જિનની વીજળીક ટ્રેઇન જેવો બાંડો ને બેડોળ લાગતો હતો. આ રહ્યો કાગળ-એમાં ફક્ત વિરામચિહ્નો અમારા કરેલાં છે:

તમને તે કાંઇ વિચાર થયો? મેં કેટલું કહ્યું કે મને ભલા થઇને, પાણીનો એક કૂંજો અપાવો – પિત્તળનો નહિ ને માટીનો અપાવો. પણ તમે તો એકના બે ન થયા; કહ્યું કે, ટેશને ટેશને પાણી મળે છે, તો લોટાથી કેમ ન ચાલે? ઠીક લ્યો તમારો બોલ રિયો. રસ્તે પાણીની વપત પડી. છોકરાં નાનાં – રાડ્યો પાડે. ભેળા હતા તેમણે ખાવાનું ચોખામું હિન્દુનું અપાવ્યું. છોકરાં ‘પાણી’ ‘પાણી’ કરે, ને ટેશને ટેશને એ ભાઇ દોડી દોડી પાણી આણી આપે; મને તો કાંઇ પૂછે-કરે નહિ, પણ જોડનાને ક્યા કરે: ‘ઇસકા ધણીએ અમકું બોલ્યા – ઇસકું ધ્યાન રાખજો !’

નૈ નૈ ને પચાસ વાર એણે આ – નું આ વચન ગોખ્યું હતું: ‘ઇસકા ધણીને અમકું ક્યા હે કે, ઇસકા ધ્યાન રખજો !’ બોલતો જાય – ને શું રાજી થાય !

હવે માંડીને વાત કરું છું: ગાડી ઊપડ્યા પછી તરત જ એણે પેલી બાઇને પોતાના- મૂવું શરમ આવે છે – ખોળામાંથી ઉતારી મૂકી કહ્યું કે થોડી છેટી બેશ. ભેળા હતા તેમને તમામને કહ્યું કે ‘ખિલખિલ હસવું બંધ કરો ને બીડીના ધુમાડા ઓ બાજુ મત કાઢો; કેમ કે ઇસકા ધણી અમકુ બોલ ગિયા કે, ઇસકા ધ્યાન રખજો.’

પછી બધાં ધીરે ધીરે ધીરે વાતો કરતા હતા. પછે તો ઘણાખરા ઊંઘી ગયા; પણ એ ભાઇ કે’ કે, ‘અમ નૈ ઊંઘું; ઇસકા ધણી અમકુ કહે ગિયા કે…’ વગેરે.

એ બેઠો જ રહ્યો. મને તો કાંઇ ફાળ ને ફડકો – કાંઇ ફાળ ને ફડકો ! કોણ જાણે શા કારણે જાગતો હશે, મને કહે કે, અમા, તમ સૂઇ જાવ. પણ હું શે સુખે સૂઉં? ખોટેખોટું સૂતી. બબલી રૂવે… રૂવે… બૌની બૌ રૂવે. એ ભાઇ ઊઠ્યો; મને કહે કે, ‘અમા, કપડા દે.’

મેં ધાર્યું કે, લૂંટવા આવ્યો છે. મેં હાથ જોડીને રોતે રોતે કહ્યું : ‘ભાઇ, વીરા, આ બધુંય લઇ જા, ફક્ત મારા શરીરને અડકીશ માં, ને મારાં ત્રણ છોકરાંને ઝાલીશ મા.’ હું તો ઉતારવા માંડી ડોકના દાગીના. એ તો ઊભો ઊભો દાંત કાઢે. ઘોડિયાનું ખોયું પોટકીમાં ખોસેલું, તે એણે પોતાની જાણે જ ખેંચી લીધું. પોતાની કને દોરી હતી. ડબાનાં પાટિયાં જોડે ઘોડિયું બાંધ્યું. બબલીને અંદર સુવાડી. છેટે બેઠો હીંચોળ્યા કરે, ને એની પઠાણી બોલીમાં કોણ જાણે શાંયે હાલાં ગાય ! મને થયું કે, ‘જો તો ખરી, મોઇ ! તાલ છે ને ! એક તો હસવું, ને બીજી હાણ્ય. આ દાઢી-મૂછોનો ધણી, સાત હાથનો ઊંચો ખવીસ, કોણ જાણે ક્યાંથી બાયડીના જેવો કંઠ કાઢીને ગાય છે !’ ગાતો ગાતો એ તો મંડ્યો રોવા: આંસુડાં તો ચોધાર ચાલ્યાં જાય. ખૂબ રોઇને મનમાં મનમાં બોલતો જાય કે ‘બીબી ! બચ્ચા કિધર ! તું કિધાર ! હમ કિધર !’

બબલીયે રાંડ કેવી ! હું રોજ મરી – પીટીને ઊંઘાડું – ને આંઇ તો આને હીંચોળ્યે ઘોંટી ગઇ. અરેરે ! તમે કોઇ દાડો મારી બબલીને હીંચોળી છે? કોઇ દાડો હાલાંનો એક રાગડોય કાઢ્યો છે ! તમે તો જ્યારે હું વીનવું ત્યારે, બસ એમ જ કહીને ઊભા રહો કે ‘એ મારૂં કામ નહીં; હું મરદ છું. જોજો – મરદ જોયા ન હોય તો !’

ઠીક, મૂકો એ વાત. એમ કરતાં તો રાતના ત્રણેક વાગ્યા હશે. એક જંકશન આવ્યું. અમારા ડબાની સામોસામ બગલથેલીઓને બિસ્તરાનો એક ઢગલો લઇ વીસેક ખાખી દરેસવાળા આવી ઊભા. પ્રથમ તો એ ભાઇ બેઠા હતા તે ખાના ઉપર ગયા… પણ જઇને તરત પાચા ફર્યા. મારા ખાના ઉપર આવીને, કહે કે, ‘બાઇ, આ ખાનું તમારે ખાલી કરવું પડશે.’

મેં કહ્યું : ‘શા માટે?’

એ કહે: ‘ખબર નથી ? લોકસેવકની સવારી જાય છે !’

હું સમજી ન શકી. મેં પૂછ્યું: ‘તમે સરકારવાળા છો?’

એ લોકો હસ્યા,કહે કે,’હા, હા, આજની નહિ પણ આવતીકાલની સરકારવાળા ! ચાલો-ઊતરો; તમને બાજુના ડબામાં બેસારી દઇએ.’

મેં દીન બનીને કહ્યું:’ભાઇ, મારાં નાનાં છોકરાં ઊંઘી ગયાં છે. મારી કને ઝાઝો સામાન છે.’

એ કહે: ‘શરમ છે, બાઇ ! લોકસેવકને ચરણે જ્યારે બીજી સ્ત્રીઓ દરદાગીના ને હીરા-મોતીના હાર ઠાલવે છે, ત્યારે તમે એક ખાનું ખાલી નથી કરી શકતાં? તમને એટલુંય નથી થતું કે લોકસેવકને ત્રીજા વર્ગના ડબામાં જ બેસવાનું વ્રત છે? અરેરે, તમને પેલી ‘શ્રેષ્ઠ ભિક્ષા’ વાળી કથાય નથી યાદ?’

હું તો કશું સમજી નહિ. માઆથી બોલાઇ ગયું કે, ‘મૂવા તમારા લોકસેવક ! જીવ શીદ ખાવ છો?’

મારા મોંમાંથી કવેણ તો નીકળી ગયું; પણ સાંભળીને પેલા કહે કે, ક્યાં જઇશ ! ટૂંકમાં, મારા માથે માછલાં ધોવા મંડ્યા, ને મારા પોટલાં ઊંચકી બાજુમાં કાઢવા ઉપર ચડયા. હું ‘એ ભાઇશાબ…’ એટલું કહું ત્યાં તો સામેના ખાનામાંથી પેલો ઊઠ્યો, ઉપર ચડેલા પીળા દરેસવાળાની બોચી ઝાલી, ઝાલીને આંખો ફાડી એટલું જ બોલ્યો કે ‘ઇસકા ધનીએ અમકું કહ્યા હેં કે, ઇસકા ધ્યાન રખના-માલૂમ?’

પેલા બધાની તો આંખો જ ફાટી રહી; ને પેલ્પ બોચીએથી ઝાલેલો તો વાદીના હાથમાં જેમ ચંદન – ઘો ટટળે એમ ટટળી રિયો. પછી કોની મગદૂર કે મારા ખાનામાં ચડે ! પેલો જે મને ઊતરવાનું કે’તો હતો, ને ‘લોકસેવક’ ‘લોકસેવક’ કરતો’તો, તે જ તરત કહેવા મંડી પડ્યો કે, ‘ભાઇઓ, ચાલો બીજે ડબે. કોમી એકતાને તોડવી ન જોઇએ. આપણે ગમે ત્યાં સાંકડમોકડે ભરાઇ જઇશું. પઠાણો તો આપણા સાચા ભાઇઓ છે.’

ને પછી કોઇક્ની જય બોલાવી, ‘અલા-હું-અકબર’ના અવાજ કર્યા ને રવાના થઇ ગયા.

એકલો પડીનેય પેલો તો જાણે કે પોતાના મનને કહેતો કે, ‘અમકું બોલા- ઇસકું ધ્યાન રખજો, સાબાશ !’

એમ લવતો લવતો એ પોતાને જ હાથે પોતાની છાતી થાબડતો હતો; ઘડીક પોતાની છાતી થાબડે, ને ઘડીક પોતાની પીઠ થાબડે; ગાંડો જ થઇ ગયો હતો એ તો !
સવારે હું ઊતરી ત્યારે એણે બચલાને, જેન્તીડાને તેમ જ ટપુડાને ઝાલી ઝાલીને બચીઓ ભરી; માથા ઉપર હાથ મૂકી કહ્યું કે, ‘સલામ માલેકુમ.’

મેં કહ્યું: ‘ભાઇ, તમે મારી બહુ પત રાખી. મુંબઇ આવો તો અમારે ઘેર આવજો. અમારું ઘર અમુક અમુક ગલીમાં છે, ને જેન્તીડાના બાપનું નામ “ર” અક્ષર ઉપર આવે છે.’ મારા ભાઇને મેં કહ્યું: ‘ભાઇ, આમને તમારા બનેવીનું પૂરું નામ તો આપો..’ મારા ભાઇએ કહ્યું: ‘રામલાલ ચુનીલાલ મેશરી.’ કહેતાં જ એના કાન ચમક્યા: ઘડીક તો એના ડોળા ફાટી રહ્યા. પછી એ હસી પડ્યો. મારા ભાઇએ એને આપણું સરનામું લખીને ચબરખી આપવા માંડી, પણ એણે હસીને ના પાડી; આકાશ સામે આંગળી ચીંધાડી.

લખિતંગ રૂખમણી.

પત્ર વાંચીને રામલાલે વળતી જ ટપાલે એક કાગળ લખી પત્નીને તેમ જ ભાઇને પુછાવ્યું કે, ‘પેલી મારા સરનામાની ચબરખી તમે એને આપી નથી- એની ખાતરી છે ને? જો એ ન આપી હોય તો એના ટુકડા કરી નાખજો; ને આપી હોય તો, ધર્મના સોગંદ દઉં છું, મને સત્ય જણાવશો – કે જેથી હું મારા ઘર ઉપર પોલીસનો બંદોબસ્ત કરાવું.’
જવાબમાં સાળાએ બનેવીને એ ચબરખી બીડી મોકલી. ભૂલભૂલમાં એ લખેલી ચબરખી સાળાની નોટ-બુકમાં જ રહી ગયેલી.

આમ છતાં, રામલાલ ભોળવાઇ ગાફલ બની જાય તેવો આદમી નહોતો; એણે પોલીસને આ બધી વાતની બાતમી આપી દીધી.

પોલીસના અધિકારીઓએ પણ, ‘આ મામલો ગંભીર છે’- એવી ચેતવણી આપી, રામલાલના મકાન ઉપર, રામલાલને ખરચે, રાતનો ખાસ ચોકીદાર ગોઠવી દીધો.
રૂક્ષ્મિણીની આંસુભરી કીકીઓ અલારખાભાઇની કલ્પિત આકૃતિને જાણે આંસુમાં નવરાવી રહી હતી.

– ઝવેરચંદ મેઘાણી


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “બદમાશ (ટૂંકી વાર્તા) – ઝવેરચંદ મેઘાણી

  • shaikh fahmida

    Ek siksika tarike 11 ma dhoran ma aa 6tho paath bhanavani khoob maja aavi. Khaas kari pela ratan par. ……” iska dhani amku bola iska ………
    Zaverchand meghani nu koi no ladakvayo geet mane khoob game vhe.temne gandhiji mate kahyu hatu……chello katoro zer no pi jaje bape e kharekhar adbhut che.

  • La' KANT

    માણસના પોતાના ખયાલો-માન્યતાઓના બદ્ધ દાયરા કેવા ને કેટલા નડી શકે?
    બદમાશ દેખાતા લોકો પણ કેટલી હદે પ્રમાણિક હોઈ શકે? અને સારા સાચા લોકોને હમેશા સારું જ મળી જતું હોય છે ! શ્રધ્ધાનો પણ સવાલ તો છે જ ..
    માંજો આવી ગયો જીગ્નેશભાઈ આભાર -લા’ કાન્ત / ૨૯-૮-૧૨

  • Amee

    i dont know why but when i was reading whole story is coming through my eyes….i never feel to deep in story like “Shri Zaverchand Meghani”…..

    Pls post more story from Shri Zaverchand…..