ત્રણ વર્ષાકાવ્યો (ભાગ ૬) – સંકલિત 1


૨૬. મોસમ – દેવિકા ધૃવ

આહ, છલકતી ને મહેકતી મોસમ છે,
થોડી સરકતી ને બહેકતી મોસમ છે.

સવાર મેઘલી, છે અંધાર છાઈ, ઝબૂકતી વીજળી ને અંબર હેલી,
શીકરોની ટપલી ને હવા યે ઘેલી, ઉર્મિની ભરતી અંતરમાં રેલી
હાય હૈયું ધક ધક ધડકાવતી મોસમ છે,
આજ કૈંક યૌવનને શરમાવતી મોસમ છે.

સમીરના સૂસવાટા ઝુલ્ફો રમાડતા, હ્રદયની રેશમી તળાઈને સ્પર્શતા,
માટીની મીઠી મીઠી સોડમ વહાવતા, માદક ઉન્માદી અંગડાઈ મરોડતા
નસનસમાં નર્તન જગાવતી મોસમ છે,
અંગઅંગમાં અગન ઉછાળતી મોસમ છે.

નભના નેવેથી ઝરમરતી ધારમાં, નાહ્યા કરું ઉભી પાછલી રવેશમાં,
ખોતર્યા કરું ઝીણી ફાંસ જેવી યાદમાં, કલરવતા પંખીના સૂરીલા ગાનમાં
ભીનાં ભીનાં ગીતો ગવડાવતી મોસમ છે,
મહોબ્બતની મશાલને મમળાવતી મોસમ છે.

– દેવિકા ધૃવ

૨૭. મારી સૈ – મનોજ ખંડેરિયા

અષાઢી વાદળાંનો ઉડ્યો ઉમંગ
મારી આંખમાં ચણોઠિયું ઉગી રે સૈ
આંગળીની જેમ રાખી ઈચ્છાઓ હાથમાં તે
આજ હવે આકાશે પૂગી રે સૈ.

મારા કામખાની કસમાં બંધાઈ ગઈ રાત
થાય તૂટું તૂટું રે મારી સૈ
કાચ જેવી હું તો કિરણ જોઈ ઝબકું ને
ફટ્ટ કરતી પળમાં ફૂટું રે મારી સૈ

પરસાળે પગલું હું કેમ કરી માંડું કે
મેંદીની ભાત પગે કરડે રે સૈ
મૂઠીની જેમ હું તો થઈ જાઉં બંધ ને
મનમાં પરોઢ રાતું ઉઘડે રે સૈ

નળિયાને એવું તો થઈ બેઠું શું ય કે
આખો દિ’ કાગ જેમ બોલે રે સૈ
આભને ઊતરતું રોકી લ્યો કોઈ
મારા સપનામાં ડુંગર ડોલે રે સૈ.

– મનોજ ખંડેરિયા

૨૮.  છલકે મારાં ગીત.. – પ્રજારામ રાવળ

છલકે મારાં ગીત !
ઉરનું સરોવર છલોછલ છલકી જાય અમિત !

દશ દિશાથી વાયરા આજે મલય કેરા વાય;
આંબાડાળે અદીઠ કોકિલ મન મૂકીને ગાય;
મનમાં બેસી મલકે મીઠું મનનો મારો મિત ! છલકે મારાં ગીત !

જેમ વસંતે મંજરી ફૂટે વરસે આષાઢધારા
જેમ નદીનાં ભૂખરાં વારિ છલકે બેઉ કિનારા;
મન ભરીન મલકે એવી કોઈ અજાણી પ્રીત ! છલકે મારાં ગીત !

– પ્રજારામ રાવળ

આજે પ્રસ્તુત છે ફક્ત ત્રણ વર્ષાકાવ્યો, દેવિકા ધૃવ, પ્રજારામ રાવળ અને મનોજ ખંડેરિયાની આ સુંદર રચનાઓ છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલા વર્ષાકાવ્યોની આ મજલિસને અનોખા રંગે રંગીને તરબરત રસસભર કરશે એ ચોક્કસ. આપને આ ઈ-વર્ષાઋતુ કેવી લાગે છે તે ચોક્કસ કહેશો.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ત્રણ વર્ષાકાવ્યો (ભાગ ૬) – સંકલિત