અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી.. – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી


ध्रुवं कश्चित्‌ सर्वं सकलमपरस्त्वध्रुवमिदं
परो ध्रौव्याऽध्रौव्ये जगति गदति व्यस्तविषये।
समस्तेऽप्येतस्मिन्‌ पुरमथन तैर्विस्मित इव
स्तुवन्‌ जिह्रेमि त्वां न खलु ननु धृष्टा मुखरता ॥९॥

ઈશ્વર અને તેના જગત વિશે વિચારકોમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ઈશ્વર વિશેની અનેક માન્યતાઓની ચર્ચા ૭મા શ્લોકમાં કરવામાં આવી હતી. જ્યારે હવે અહીં આ શ્લોકમાં વિચારકોની જગત પ્રત્યેની અનેક માન્યતાઓની ચર્ચા કરવામાં આવે છે.

तवैश्वर्यं यत्नाद्‌ यदुपरि विरिञ्चिर्हरिरधः
परिच्छेतुं यातावनलमनलस्कन्धवपुषः।
ततो भक्तिश्रद्धा-भरगुरु-गृणद्भ्यां गिरिश यत्‌
स्वयं तस्थे ताभ्यां तव किमनुवृत्तिर्न फलति ॥१०॥

પુષ્પદંત મહારાજ કહે છે કે, હે પુરમથન ! આપની સ્તુતિ કરતાં મને કોઈ લજ્જા થતી નથી. બીજા લોકો આપના અને આ જગત વિશે જે વચનો બોલી રહ્યા છે તે જોઈને હું સ્તબ્ધ થઈ ગયો છું…

વિચાર કરવાની સ્વતંત્રતાના ફળ સ્વરૂપે મનુષ્ય પોતા વિશે, જગત વિશે કે જીવનના સત્ય વિશે કોઈને કોઈ માન્યતા ધરાવતો હોય છે અને આ માન્યતા મુજબ જ તે વ્યક્તિ જીવન જીવવા પ્રેરાતો હોય છે. વ્યક્તિ હંમેશા પોતાના અનુભવની માપપટ્ટીથી સત્યને માપવા પ્રયત્ન કરતો હોય છે. જેમ કે આપણને અનુભવમાં આવતું આ જગત શું છે? શું આ જગત સત્ય છે? કેવી રીતે હોઈ શકે? આ એક વ્યવહારિક વ્યક્તિનો દ્રષ્ટિકોણ છે. તેની દલીલ એવી છે કે વ્યવહાર યોગ્યત્વાત સત્યમ્.. વ્યવહાર કરી શકાતો હોવાથી જગત સત્ય છે.

ઘણા આ જગતને સત્ય પણ નહીં, અસત્ય પણ નહીં પરંતુ ક્ષણિક કહે છે.

આમ ભગવાનના આ જગત વિશે સદીઓથી આવા વાદ-વિવાદ અને ચર્ચા-વિચારણાઓ ચાલ્યા કરે છે. વાસ્તવમાં આ જગત ઈશ્વરથી જુદું છે જ નહીં. ઈશ્વર આ જગત રૂપે… અનેક નામ અને રૂપોમાં અભિવ્યક્ત થયો છે. તેથી જ તો જ્ઞાની ભક્ત નરસિંહ મહેતા એમ કહે કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ… જુજવે રૂપે અનંત ભાસે… જો આખું વિશ્વ જ ભગવાન હોય તો આ જગત વિશે ભગવાનના અનેક વાદ-વિવાદ કરનારાઓ વાસ્તવમાં ભગવાનની જ સ્તુતિ કરી રહ્યા છે. તેઓ ઈશ્વરના એક ભાગને જ સત્ય માને છે, જેમ કે હાથીનું દર્શન કરવા ગયેલ અંધ મનુષ્યો હાથીને વર્ણવતા હોય છે, અહીંયાં હાથીના દર્શન માટેનું મુખ્ય પ્રમાણ અંગ આંકહ જેમની પાસે છે નહીં અને સ્પર્શેન્દ્રિય જે દર્શન માટે પ્રમાણભૂત નથી તેનાથી હાથીનો નિર્ણય કરવામાં આવે છે.

આ બધું જોઈને પુષ્પદંત મહારાજ એકદમ આશ્ચર્યચક્તિ થઈ જાય છે અને તેથી કહે છે કે આપની સ્તુતિ કરતાં મને લજ્જા થતી નથી. ભગવાનનું વર્ણન કરવાની, જગત વિશે નિર્ણય કરવાની ઈચ્છાથી ભલભલા પંડિતો જન્મોના જન્મો સુધી ગોથા ખાઈ રહ્ય છે તે જોઈને આપની માયાથી, આપના મહિમાથી હું તો આશ્ચર્યચક્તિ થઈ ભાન ભૂલી રહ્યો છું. હે ભગવાન માત્ર સ્તુતિ કરવા રૂપ વાચાળતા ધૃષ્ટ નથી. આપની વિભૂતિ જ એટલી મહાન છે કે તે જ મારી વાણીને આપની સ્તુતિ કરવા પ્રેરે છે.

શ્લોક ચિંતન – નવ શ્લોક સુધીમાં ગંધર્વરાજ પુષ્પદંતે ભગવાનના અર્વાચીન સગુન સ્વરૂપના વર્ણન માટેની ભૂમિકા તૈયાર કરી. હવે પછીના ભાગમાં ભગવાનના મહિમાનું, તેમના અનુગ્રહનું વર્ણન પુરાણોક્ત બોધકથાના આધારે કરી રહ્યા છે.

અહીં પુષ્પદંત જણાવે છે કે હે રિરિશ ! હે ભગવાન, આપની સેવા શું ફળદાયી નથી બનતી? બને જ છે. ભગવાનની સેવા એ ભગવાન સુધી પહોંચવા માટેનું સરળત્તમ અને શ્રેષ્ઠ સાધન છે. વ્યવહારમાં કોઈ વ યક્તિ પ્રત્યેનો પ્રેમ તેમની સેવા દ્વારા જ પ્રગટ થાય છે. સેવા એ પ્રેમ અને સમર્પણની અભિવ્યક્તિ જ છે. નિષ્કામ સેવાથી અંતઃકરણની શુદ્દિ થાય છે. સેવાના ઘણા પ્રકારો છે. કોઈ મનથી, કોઈ તનથી કે કોઈ ધનથી સેવા કરી શકે છે. આ સેવારૂપ યજ્ઞ તમે તમારી પાસે જે પણ શક્તિ, સામર્થ્ય હોય તેનું સમર્પણ કરીને કરી શકો છો. શાસ્ત્રમાં ઈશ્વરના ગુણગાનરૂપ સ્તુતિકથનને પણ સેવારૂપ ગણવામાં આવ્યા છે. ભગવાનના દિવ્ય ગુણોનું ગાન કે તેના અવતારની લીલાઓનો સત્સંગ માણસને અહંકાર અને અભિમાનમાંથી મુક્ત કરે છે અને વ્યવહારમાં નમ્ર બનાવે છે.

આ વાતને સમજાવવા માટે શિવપુરાણની આ કથાનો આધાર લેવામાં આવ્યો છે. પૂર્વે કોઈ એક સમયે વિષ્ણુ ભગવાન શેષશય્યા પર યોગનિંદ્રામાં પોઢેલા હતા ત્યારે ત્યાં બ્રહ્માજી આવી ચડ્યા. વિષ્ણુ ભગવાન નિંદ્રામાં હતા તેથી તેમને બ્રહ્માજીના આગમનની જાણ ન થઈ અને તેથી ઉઠીને તેમને આવકાર આપવાનું ન બન્યું આથી બ્રહ્માજી નારાજ થઈ ગયા અને બંને વચ્ચે બેમાંથી કોણ મોટું એ વિશે વિવાદ જાગ્યો. બ્રહ્માજી કહે છે કે હું જગતનો સ્રષ્ટા છું, માટે હું મોટ ઓઅ ને વિષ્ણુ કહે કે તમે મારી નાભિમાંથી ઉત્પન્ન થયા છો એટલે હું મોટો. પછી ધીમે ધીમે યુદ્ધ શરૂ કર્યું, અને જ્યારે તે યુદ્ધ વધુને વધુ વિનાશક થવા લાગ્યું ત્યારે ગભરાયેલા દેવતાઓ એમાંથી જગતને બચાવી લેવા માટે પ્રાર્થના કરતાં શિવજી પાસે ગયા.

જ્યારે અંતિમ અસ્ત્ર તરીકે બ્રહ્માજીએ પાશુપતાસ્ત્ર છોડેલું અને વિષ્ણુએ મહેશ્વર અસ્ત્ર છોડેલું તે બંનેની વચ્ચે એક મહાન અગ્નિના સ્તંભના રૂપમાં નિષ્કલ સ્વરૂપે શિવજી પ્રગટ થયા. કહેવાય છે કે ભગવાન શિવજી સૌપ્રથમ લિંગ રૂપે આ રીતે જ પ્રગટ થયા. લિંગ એ શિવજીના નિર્ગુણ સ્વરૂપનું પ્રતીક છે. હવે આ નિષ્કલ રૂપ અગ્નિ સ્તંભને જોઈ બ્રહ્મા અને વિષ્ણુના શસ્ત્રો પડી ગયા અને બંને જણ આ અગ્નિ સ્તંભના આદિ તેમજ અંત શોધવા પ્રવૃત્ત થયા. વિષ્ણુ ભગવાન વરાહ રૂપે અગ્નિ સ્તંભનો આદિ શોધવા માટે પૃથ્વીને ખોદતાં ખોદતાં નીચે જવા લાગ્યા અને બ્રહ્માજી હંસના સ્વરૂપમાં અગ્નિ સ્તંભનો અંત શોધવા આકાશમાં ઉપર ને ઉપર ઉડવા લાગ્યા. આમ, એક હજાર વર્ષ સુધી બંને આદી અને અંત શોધવાની મહેનત કરતા રહ્યા પણ બંનેમાંથી કોઈને કશો પત્તો લાગ્યો નહીં. આખરે થાકીને તે બંને જ્યાં પહેલા હતા ત્યાં આવી ગયા ત્યારે બંનેએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની સ્તુતિ કરી અને પ્રાર્થનાના ફળ સ્વરૂપે બંનેની સમક્ષ ભગવાન સ્વયં પ્રગટ થયા.

અહીં પુષ્પદંત મહારાજ જણાવે છે કે અહંકારના સમર્પણ રૂપ પ્રાર્થના કરવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. શ્રદ્ધા અને ભક્તિસભર સેવા એ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનું અસાધારણ કારણ છે. આપણા મનમાં વારંવાર એવો પ્રશ્ન જન્મે છે કે હું આટલા વ્રત, જપ, તપ, ઉપવાસ અને રોજેરોજ ભગવાનને પ્રાર્થના કરું છું તો પણ ભગવાન મારી સમક્ષ કેમ પ્રગટ થતાં નથી? ભગવાન મને દર્શન કેમ દેતા નથી?

ભગવાનની સ્તુતિ શ્રદ્ધા અને ભક્તિથી ભરેલી હોય ત્યારે જ અસરકારક બને છે. જેમ કે મીરાંબાઈ ભગવાનને પ્રાર્થના કરે છે અને ઝેર અમૃત બની જાય. નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરે અને ભગવાન તેમના ઘરનું કામ કરી જાય, પ્રાર્થનામાં ચમત્કારની શક્તિ છે.

પુષ્પદંત મહારાજ અહીં ભગવાન શિવને હે રિરિશ એવા નામથી સંબોધે છે. અહીં ગિરિ શબ્દના બે અર્થ થાય છે, એક ગિરિ એટલે પર્વતોનો જે ઈશ્વર છે તે ગિરિશ અને બીજો પર્વત ઉપર જે શયન કરે છે એને કહેવાય ગિરિશ.

એક ગિરિનો સ્વામી છે, બીજો ગિરિ પર બિરાજમાન છે. અહીં ગિરિ એટલે પર્વત જેને વિશ્વનું કે આપણા શરીરનું પ્રતીક ગણી શકાય. આથી જે વિશ્વનો નિયંતા છે, સ્વામી છે તે ગિરિશ અને જે અંતરમાં બિરાજમાન છે તે ગિરિશ.

– સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

આપનો પ્રતિભાવ આપો....