જગતને પોષનાર આશુતોષ પોતે દરિદ્ર કેમ? – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1


महोक्षः खट्वाङ्गं परशुरजिनं भस्म फणिनः
कपालं चेतीयत्तव वरद तन्त्रोपकरणम्‌।
सुरास्तां तामृद्धिं दधति तु भवद्भूप्रणिहितां
न हि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रमयति ॥८॥

સગુણ અને નિર્ગુણ સ્વરૂપની સ્તુતિ કરવી અત્યંત મુશ્કેલ હોવાથી ભગવાનના કોઈ એક અવતાર કે તેના લીલા સ્વરૂપનું વર્ણન કરતાં ગંધર્વરાજ પુષ્પદંત કહે છે, હે વરદ એટલે કે વરદાન આપનારા મહાદેવ… વર એટલે ઈષ્ટ કે શ્રેષ્ઠ વસ્તુ દરેક વરદાનના પ્રત્યુત્તરમાં માત્ર તથાસ્તુ એટલે કે માંગનારની સર્વ ઈચ્છા પૂરી થાવ એમ કલ્યાણ કરનારા, આપના કુટુંબનું ભરણપોષણ માટે આપની પાસે સાધન શું છે? જેમ વ્યવહારમાં ઘર, પરિવાર ચલાવવા માટે નોકરી, ધંધો કરતા હોઈએ તેમ પુષ્પદંત મહારાજ વિચારે છે કે ભગવાનનું ઘર તો સમગ્ર વિશ્વ છે તો ભગવાન કયા સાધનોથી વિશ્વનું પાલન પોષણ કરે છે?

આપણે ત્યાં તત્વદર્શન કરવા માટે ૧૨ દર્શનશાસ્ત્રોની ચર્ચા કરવામાં આવે છે, જેમાંનું એક છે કપિલમુનિ દ્વારા રચિત સાંખ્યદર્શન. આ સાંખ્યદર્શનમાં જગતનું વર્ણન કરતાં આઠ તત્વોનું નિરુપણ કરવામાં આવ્યું છે. તેમાંથી એક તત્વ તે પરમાત્મા અને બાકીના સાત તત્વોમાં પુરુષ પ્રધાન મહત્ત્વ અહંકાર પંચ તન્માત્રા ઈન્દ્રિયો અને પંચમહાભૂત, આકાશ, અગ્નિ, વાયુ, પાણી અને પૃથ્વી. અહીં આ શ્લોકમાં જે સાત સાધનોનું વર્ણન કર્યું છે તેને આ સાત તત્વોના પ્રતીકરૂપ ગણી શકાય.

શંકર ભગવાનનું સ્વરૂપ કે જેમાં આ સાત વસ્તુઓ જોવા મળે છે તેનું વર્ણન કરતા કવિ કહે છે કે ઘરડો બળદ એ આપનું વાહન છે. હાથમાં ખટ્વાંગરૂપી દંડ છે. પરશુરૂપી શસ્ત્ર છે. કોઈ પશુનું ચર્મ આપ વસ્ત્ર તરીકે ધારણ કરો છો. ચિતાની ભસ્મનું રાખનું શરીર ઉપર લેપન કરો છો. સર્પના અલંકાર ધારણ કરો છો અને સ્મશાનમાં મળી આવતી મૃતદેહોની ખોપડીની માળા બનાવીને આપ પહેરો છો. વિશ્વના પાલન પોષણ માટેની આપની પાસે આ જ સામગ્રી છે.

અહીં આપણે એક એક સાધનને લઈને તેનું થોડું ચિંતન કરીએ..

સર્વ પ્રથમ મહોક્ષઃ એટલે કે નંદી જે ભગવાનનું વાહન છે એ વિશે વાત કરીએ. નંદી અથવા બળદ એ અહંકારનું પ્રતીક છે. નાની નાની વાતોમાં પણ આપણો આ અહંકાર પ્રગટ થાય છે. આ અહંકાર જ આપણને અલ્પ વસ્તુના સ્વામી બનાવે છે. કંઈક સારું વક્તવ્ય આપી શક્તા હોય, કંઈક સારી રસોઈ બનાવી શક્તા હોવ કે કંઈક સારું કાર્ય કરી શક્તા હોવ અને જો કોઈ તમારા થોડા ઘણા, સાચા કે ખોટા વખાણ કરે એટલે પત્યું. બસ, તરતજ મનમાં ભાવ જન્મશે… જોયું, આ કામ મારા જેવું કોઈ કરી શકે? છે કોઈ મારા જેવા જે સેવા કરવામાં આખી જાતને ઘસી નાખે? જેમ સુંદર, સુગંધિત દૂધપાકમાં ઝેરનું એક ટીપું દૂધપાકને બગાડી નાખે તેમ ગમે તેવા સુંદર કાર્યને આપણી અભિમાન કરવાની વૃત્તિ બગાડી નાખે છે. કોઈ દીન દુખિયાની સેવા કરવી એ સારુ કર્મ છે પણ જો હું આવી સેવા છાપામાં મારું નામ આવે કે મારો ફોટો આવે તેને માટે કરતો હોઉં તો તમે કોની સેવા કરો છો? તમારા અહંકારની જ તો… લોકપ્રસિદ્ધિ માટેની લોકસેવા એ સાચા અર્થમાં સેવા છે જ નહીં. આ જ અહમ.. અહમ.. કરતો અહંકારરૂપી નંદી ભગવાનની સામે બેસી જાય અને પોતાના સર્વ અહંકાર ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દે તો ભગવાન શિવજી આ જ નંદીને પોતાનું સાધન બનાવી સદા તેની પાસે રાખે છે તેથી નંદી એ ભગવાનને સમર્પિત અહંકારનું પ્રતીક છે.

બીજુ સાધન ખટવાંગ રૂપી દંડ છે. ભગવદગીતામાં કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે હે જીવ, કર્મણિ એવ તવ અધિકારઃ ન ફલેષુ. ફલેષુ મમ એવ અધિકારઃ એટલે કે આપણો કર્મ કરવા રૂપ પ્રયત્નમાં જ અધિકાર કે સ્વતંત્રતા છે. કર્મનું ફળ નક્કી કરવામાં આપણે સ્વતંત્ર છીએ નહીં. કર્મનું ફળ નક્કી કરવાનો અધિકાર એકમાત્ર ઈશ્વરને જ છે. તો ઈશ્વર કર્મફળ આપીને આ જગતને ચલાવે છે. જગતમાં બનતી ઘટના પાછળ ઈશ્વરના, કુદરતના નિયમ જ કામ કરે છે. જેમ કે ગુરુત્વાકર્ષનનો નિયમ કે અગ્નિનો બાળવાનો કે ગરમી કે પ્રકાશ આપવાનો નિયમ, પાણીનો તરસ છીપાવવાનો કે નીચેની તરફ જવાનો નિયમ વગેરે ઈશ્વરદત્ત જ નિયંત્રિત થયેલા નિયમો છે. તેવી જ રીતે મનુષ્યને તેના કર્મ અને તેની ભાવના મુજબ પાપ પુણ્યનો હિસાબ મળે છે. સૃષ્ટિ પ્રક્રિયાને અનુકૂળ ક્રમ એ પુણ્ય જન્માવે અને પ્રતિકુળ કર્મ પાપ જન્માવે છે. તેથી ભગવાનના હાથમાં રહેલું ખટ્વાંગ કર્મફળ દાતાના રૂપમાં જગતને નિયંત્રિત કરતું પ્રતીક છે.

ત્રીજુ પ્રતીક પરશુ એટલે કુહાડી, જેનો ઉપયોગ વૃક્ષના ઉચ્છેદન માટે કરવામાં આવે છે. જીવને સંતાપ અને દુઃખ દેનારો આ સંસાર એ જ વૃક્ષ છે. ભગવદગીતાના પંદરમા અધ્યાયમાં કૃષ્ણ પરમાત્માએ આ જ સંસારરૂપી વૃક્ષને અસંગતારૂપી શસ્ત્રથી છેદવાની આજ્ઞા કરી છે. ભગવાનના હાથમાં જે પરશુ છે તે જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતીક છે. ભગવાનની પ્રાપ્તિ માટે ભક્ત જ્યારે શિવજીના ચરણોમાં સમર્પિત થાય છે ત્યારે ભગવાન શિવજી એ ભક્તને સંતાપ આપનાર – ત્રાસ દેનાર સંસારનું ઉચ્છેદન કરી નાખે છે.

ચોથું પ્રતીક મૃગચર્મનું છે. પશુનું ચર્મ એ પાશવી વૃત્તિઓનું પ્રતીક છે. પાશવત પશુઃ જે બંધનમાં બંધાઈ જાય તેને પશુ કહે છે. આપણી અંદર જે કામ ક્રોધ લોભ મોહ મત્સર જેવી વૃત્તિઓ છે તે જ આપણને સંસારથી બાંધી દે છે. આ બધી વૃત્તિઓના શિવજી સ્વામી છે. ભૂત, પિશાચ, પ્રેત વગેરે ગણોને શિવજી પોતાના સહચર તરીકે સાથે રાખે છે. આ જ પશુવૃત્તિઓને ભગવાન ચર્મના વસ્ત્ર તરીકે શરીરના આચ્છાદન માટે ઉપયોગ કરે છે જે બતાવે છે કે ભગવાન વૃત્તિઓને વશ નથી પણ વૃત્તિઓ ભગવાનને વશ છે તેથી તો ભગવાનને વશી કહેવામાં આવે છે.

પાંચમું પ્રતીક એ ચિતાની ભસ્મ.. આ ભસ્મને વિભૂતિ પણ કહેવામાં આવે છે. વિભૂતિ એટલે ઐશ્વર્ય, વિશ્વનું સર્વ ઐશ્વર્ય પરમાત્માના નિયંત્રણમાં છે અને જે સર્વનું ભક્ષણ કરે છે, સર્વ પાપ બાળી દે છે તેને ભસ્મ કહે છે.

છઠ્ઠું પ્રતીક અનેક ફેણ ધરાવતા સર્પો જે શિવજીના આભૂષણ છે. આ સર્પો વિષયો પ્રત્યેની કામનાના પ્રતીક છે. વિષયભોગની કામના જ આપણી વિવેકશક્તિને હણી નાખે છે. મહાદેવની કૃપાથી તેના ભક્તોને તેની આ વિષયકામનારૂપ માયા સંતાપ ન દેતાં અનુકૂળ થઈને રહે છે.

સાતમું પ્રતીક છે કપાલ, ખોપરી. આ ખોપરીઓ સમત્વનું દર્શન કરાવે છે. કોઈપણ પશુની ખોપરી હોય કે માણસની, તે સર્વને શિવજી એક ધાગારૂપ સૂત્રમાં પહેરાવી ડોકમાં માળા તરીકે પહેરે છે આમ વિવિધ પ્રતીકોની મદદથી આપણે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં તેનામાં લીન થઈ શકીએ…

ભગવાનની આ દરિદ્રતાજનક ઘરવખરી સાધકનો ગુણ જણાવે છે. વ્યક્તિએ સાધનનો ઉપયોગ જરૂર કરવો જોઈએ, ઉપભોગ પરાયણ ન બનવું જોઈએ. ઉપયોગમાં વ્યક્તિ સ્વતંત્ર હોય છે જ્યારે ઉપભોગમાં વ્યક્તિ પરતંત્ર થઈ બંધાઈ જાય છે. અનાવશ્યક પરિગ્રહનો ત્યાગ એ ભક્તિનું લક્ષણ છે.

દરિદ્રઃ તુષ્ટેપિ કિં દાસ્યતિ? આવા દરિદ્ર ભગવાનને પ્રસન્ન કરવાથી આપણને શો લાભ?

આ શંકાના જવાબમાં પુષ્પદંત કહે છે કે દેવતાઓ અને દાનવો સુખ કે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા તો શિવજી પાસે જ જાય છે કારણ કે તેમનું નામ જ આશુતોષ એટલે કે બીજાની બધી ઈચ્છા પૂરી કરનાર છે અને આવી સમૃદ્ધિ મહાદેવ કૃપા દ્રષ્ટિ માત્રથી જ ભક્તો પર વરસાવે છે.

જો આવી સરળતાથી જ ભોગ વૈભવનું દાન ભગવાન શિવજી કરી શક્તા હોય તો પછી ભગવાન પોતે આમ દરિદ્રતાપૂર્વક કેમ રહે છે? તેના ઉત્તરમાં કવિરાજ કહે છે કે ખરેખર વિષયરૂપી મૃગજળની તૃષ્ણા સ્વાત્મારામ એવા પરમેશ્વરમાં ક્યારે ભ્રમ ઉત્પન્ન કરી શક્તી નથી. ભગવદગીતાના બીજા અધ્યાયમાં અર્જુન જ્યારે જ્ઞાનિ પુરુષના લક્ષણો વિશે પૂછે છે ત્યારે ભગવાન કૃષ્ણ પણ આ જ રહસ્યને ઉદઘાટિત કરે છે કે, આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞ સ્તદોચ્યતે. પોતાના આત્માથી પોતાના આત્મામાં જ જે સંતુષ્ટ રહે છે તેને સ્થિતપ્રજ્ઞ કે જ્ઞાનિ કહેવામાં આવે છે. આવા સુખ સાગરરૂપ આત્મામાં પ્રસન્ન અને સંતુષ્ટ રહેનાર, ભગવાનને આ તુચ્છ વિષયો કેવી રીતે ભ્રમિત કરી શકે? આ વિષયરૂપ સંસાર તો ઈશ્વરની માયામાંથી જન્મે છે અને આ માયારૂપી શક્તિ એ ભગવાનના સંપૂર્ણ નિયંત્રણમાં રહે છે.

આ પરથી આપણે સમજી શકીએ કે ભગવાન પાસે આપણે શું માંગવું જોઈએ? એક તરફ ભગવાનની માયા છે જેને સંસારની સિદ્ધિઓ કહેવામાં આવે છે, જેમાં ગાડી, બંગલો, પતિ, પત્ની, બાળકો વગેરે આવે અને બીજી તરફ માયાપતિ, જગતપતિ ઈશ્વર છે. આ પસંદગી કરવાની સ્વતંત્રતા જ આપણને જીવનની પૂર્ણતા તરફ લઈ જઈ શકે. ભગવાન વિશ્વેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કે આવી જીવન સફળતાને વરેલા કૃષ્ણપ્રેમી ભક્ત મીરાબાઈના આ વચનો આપણા માટે પણ સત્યરૂપ બને કે ‘મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ.’

– સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી


આપનો પ્રતિભાવ આપો....

One thought on “જગતને પોષનાર આશુતોષ પોતે દરિદ્ર કેમ? – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી