અનેક પંથને અનુસરનારનું ધ્યેય તો એક જ… – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1


ત્રયી સાંખ્યં યોગઃ પશુપતિમતં વૈષ્ણવમિતિ
પ્રભિન્નૈ પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિય
રુચિના વૈચિત્ર્યા દ્જ્જી કુટિલ નાના પથજુષાં
નૃણમેકો ગમ્યસ્ત્વમસિ પયસામર્ણવ ઈવ .૭.

પ્રતિકૂળ તર્કનો પરિહાર કર્યા બાદ પુષ્પદંત મહારાજ હવે અલગ અલગ સંપ્રદાયમાં રહેલી ઈશ્વર વિશેની માન્યતાની ચર્ચા કરે છે. વિવિધતાથી ભરેલો આપણો દેશ ભારત ધર્મની બાબતમાં પણ અનેક પંથ અને સંપ્રદાયોથી ભરેલો છે. અને આ જ મુદ્દા પર તો વારંવાર આપણા પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે શૈવ લોકો શિવ માને તો જૈન લોકો અર્હંતને ભગવાન કહે છે, વૈષ્ણવ કૃષ્ણના નાના સ્વરૂપ લાલાને જ ઈશ્વર માને છે તો આમાંથી ભગવાન કોને માનશું? આટલા બધા મત ભક્તને મૂંઝવણમાં મૂકી દે છે. તેનો જવાબ આપતા ગંધર્વરાજ કહે છે કે જાતજાતના અનેક સરળ અને વિકટ પંથને અનુસરનારા મનુષ્યોનું આપ એક જ ધ્યેય છો, લક્ષ છો.

વ્યવહારમાં આપણને એક પ્રશ્ન વારંવાર પુછાઈ રહ્યો છે કે તમે કેટલા ભગવાનને માનો છો? તમારે ત્યાં રામ પણ ભગવાન, કૃષ્ણ પણ ભગવાન, શિવજી ઉપરાંત ગણપતિ, હનુમાનજી અને માતાઓમાં તો ગાયત્રીમાં, શીતળામાં, અંબામાં, દશામાં વગેરે વગેરે…

તે ઉપરાંત કેટલા બધા સંપ્રદાયો છે? આપણે ત્યાં તો એમ કહેવાય છે કે અમે ૩૩ કરોડ દેવી દેવતાઓને માનીએ છીએ તો એક હિન્દુ ભક્ત આટલા બધા ભગવાનોથી કન્ફ્યૂઝ ન થઈ જાય? તેનો જવાબ આપતા પુષ્પદંત મહારાજ કહે છે કે અમે ઘણા બધા ભગવાનને માનતા નથી, ભગવાન તો એક જ છે, તેના અનેક રૂપ હોઈ શકે. સત, ચિત આનંદરૂપ જે એક ચૈતન્ય છે તે જ રામ રૂપે, કૃષ્ણ રૂપે કે હનુમાનજી રૂપે છે તેથી જ તો આપણે ત્યાં કહેવાય છે કે ‘સર્વ દેવ નમસ્કારં કેશવં પ્રતિ ગચ્છતિ..’ તમે કોઈ પણ દેવતાને કે માતાજીને પૂજા, પ્રાર્થના કે નમસ્કાર કરો તે સર્વ કેશવરૂપ પરમાત્માને જ પહોંચે છે. જેમ કોઈ એક વ્યક્તિ ઉભો હોય અને તેનું ધ્યાન તમારા તરફ ખેંચવું હોય તો તમે તેની ટચલી આંગળી પકડો કે પહેલી આંગળી પકડો તે તમારી તરફ જોશે જ. તેમ ગમે તે ભગવાનના રૂપને ભજો, ભગવાન પ્રાર્થનાને કારણે તમારા તરફ જોશે.

તો પછી લોકો જુદા જુદા માર્ગ કેમ પસંદ કરે છે? પોતાની રૂચિ, સંસ્કાર અથવા વિચિત્રતાને લીધે. કોઈને પ્રાણાયામ ગમે, કોઈને જપ ગમે, કોઈને યાત્રા પ્રવાસ ગમે, કોઈને યજ્ઞયાગાદિ કરવા ગમે. પોતપોતાના સંસ્કાર પ્રમાણે દરેક વ્યક્તિ પોતાના ભગવાન પસંદ કરે છે. પ્રાણાયામ કરનાર, જપ-તપ કરનાર કે ધ્યાન કરનાર સર્વનું ગંતવ્યસ્થાન તો એક જ ઈશ્વર છે. આવી પરિપક્વ સમજણને કારણે એકબીજા પ્રત્યે સહાનુભૂતિ કે અનુકંપા જાગે. બધાનું ધ્યેય એક જ છે તો પછી બધાને એક કરવાની શું જરૂર છે? કોણ કોને પૂજે છે એ અગત્યનું નથી પણ કોઈકને પૂજે છે તે અગત્યનું છે. પોતાના અલ્પ તુચ્છ અહંકારને ભજવા કરતાં તો એક પથ્થરની પૂજા પણ કરે તે વધારે સારુમ છે.

અહીં ભગવાનને ભજવાના પાંચ માર્ગની ચર્ચા પુષ્પદંત મહારાજ કરે છે.

૧. ત્રણ વેદ
૨. સાંખ્ય મત કે જેના પ્રણેતા કપિલમુનિ છે
૩. અષ્ટાંગ યોગ
૪. પશુપતિ મત કે પાશુપત મત અને
૫. વૈષ્ણવ

આમ આ બધા મતોમાંથી લોકો પોતપોતાની રૂચિ અનુસાર માર્ગ પસંદ કરે છે અને ભગવાનને તે સ્વરૂપે ભજે છે.

આમ, આપણે ઈશ્વરને ભજવા માટે તેના રૂપોની ભિન્નતા સ્વીકારી છે. પણ ઈશ્વરનું સ્વરૂપ તો એક જ છે, એટલું જ નહીં આપણે તો બીજા ધર્મના ઈશ્વરને પણ ઈશ્વર માનવા તૈયાર છીએ. આપણા માટે તો સબ ભૂમિ ગોપાલકી, એક ઈશ્વરના ખ્યાલથી આગળની વાત કરીએ તો આપણે ત્યાં એમ કહેવાય છે કે આ સમગ્ર જગત ઈશ્વરથી જુદું જ નથી. ઈશાવાસ્યમ ઈદં સર્વમ્. અહિં જે પણ કંઈ છે તે સઘળું ઈશ્વર જ છે. જો બધું જ ઈશ્વર હોય તો કોનાથી ઝઘડો? કોનો વિરોધ? કોની ફરિયાદ કરશો?

– સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “અનેક પંથને અનુસરનારનું ધ્યેય તો એક જ… – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

  • gajanand j. trivedi

    સ્વામિજિના લેખો પુસ્તક રુપે મલે તો બહુ જ સઆરુ અભાર્