બે ગઝલો… – અમૃત ઘાયલ 1


૧.

ઈશારો ય કેવો મભમ થઈ ગયો છે,
અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે.

દુભવવું એ દુનિયાનો ક્રમ થઈ ગયો છે,
તડપવું એ દિલનો નિયમ થઈ ગયો છે.

ફરી દિલનો ઘેરો જખમ થઈ ગયો છે,
ચલિત પ્રેમ સાબિત કદમ થઈ ગયો છે.

હવે ગમ હકીકતમાં ગમ થઈ ગયો છે,
સુગમ કોયડો બહુ વિષમ થઈ ગયો છે.

જખમ ખુદ જખમનો મલમ થઈ ગયો છે,
ઘણીવાર એવો ય ભ્રમ થઈ ગયો છે.

અમે એક ફાટેલ પ્યાલો પીધો’તો,
નવાઈ છે એ પણ હજમ થઈ ગયો છે.

નજર એમણે ફેરવી શું લીધી છે !
જીવનમાં ઘણો કેફ કમ થઈ ગયો છે.

અમારા જ હાથે, અમારા જ માથે,
ઘણીવાર ભારે સિતમ થઈ ગયો છે.

જુવાનીના સોગન, જુવાનીના મદમાં
જુવાની ઉપર પણ જુલમ થઈ ગયો છે.

ઘણી વાર વેરણ દયા થઈ ગઈ છે,
ઘણી વાર વેરી ધરમ થઈ ગયો છે.

નથી આંખમાં છાંત સુદ્ધાં શરમની,
જમાનોય શો બેશરમ થઈ ગયો છે.

નહીં ચાલવા દે એ અંધેર આવું,
નવાં માનવીનો જનમ થઈ ગયો છે.

ન હો કેમ દર્દીલી ‘ઘાયલ’ની ગઝલો
દરદમાં જ પાગલ ખતમ થઈ ગયો છે.

૨.

ચાહ કરે છે, લાડ કરે છે,
પ્રેમ નહીં, એ પાડ કરે છે.

જો ચાહે તો ભીની નજરો
ભીંતોમાં તિરાડ કરે છે.

કેદ થકીયે વ્યગ્ર વધારે
અમને બંધ કમાડ કરે છે.

કુદરત પણ કાંટાની કાયમ
ફૂલો ફરતી વાડ કરે છે.

જીવ કરે છે થોડી વાતો,
થોડી વાતો ઝાડ કરે છે.

એક પગે ત્યાં ઊભો ઊભો
કોની તપસ્યા તાડ કરે છે.

‘ઘાયલ’ આ વાચાળ વરૂઓ
ક્યાં ઓછી રંજાડ કરે છે?

– અમૃત ઘાયલ

બિલિપત્ર

એક પણ એવી ઉષા ઉગી નથી આકાશમાં
પુષ્પ જેના કંઠમાં જુજ આશનાં મોહ્યાં ન હો
એક પણ સંધ્યા નથી એવી ગઈ જીવન મહીં,
જેના પાલવથી મેં મારા આંસુઓ લોહ્યાં ન હો.

– અમૃત ઘાયલ

અમૃત ઘાયલ સાહેબની બે અપ્રતિમ ગઝલ – ઈશારો ય કેવો મભમ થઈ ગયો છે, અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે – અને – ચાહ કરે છે, લાડ કરે છે, પ્રેમ નહીં, એ પાડ કરે છે….. આપ સૌ માટે ઉપલબ્ધ છે. લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય કોડીયાં સંપાદનમાંથી આ રચનાઓ સાભાર લેવામાં આવી છે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “બે ગઝલો… – અમૃત ઘાયલ

 • vimala

  ઇશારો ય કેવો મભમ થઈ ગયો છે.
  અગમ થઇ ગયો છે, નિગમ થઈ ગયો છે.

  હવે ગમ હકિકતમાં ગૂમ થઈ ગયો છે,
  સુગમ કોયડો બહુ વિષમ થઈ ગયો છે…

  આટલું તો માત્ર નોંધવા ખાતર…..બાકી બન્ને સર્વાંગ સુંદર ગઝલ અને બિલિપત્ર …ઉપલબ્ધ કરાવવા બદલ આભાર.