વન્સ અગેઈન…(ટૂંકી વાર્તા) – અજય ઓઝા 7


‘નાઇન્ટી નાઇન પોઇન્ટ નાઇન, રેડિયો ભાવેણા એફ.એમ., નાચતે રહો – બચતે રહો, હમારે સાથ ગાતે રહો.’ – દશકા પહેલા પ્રારંભ થયેલા ભાવનગરના પહેલવહેલા એફ. એમ. સ્ટેશનના પ્રથમ આર. જે. બનેલા ઉમંગના એ ધમાકેદાર અવાજને આજે પણ યાદ કરું છું તો મારા કાનમાં ફરી ગુંજવા લાગે છે. અરે, રેડિયો પરની જ શું કામ? એણે કહેલી કેટલી બધી વાતો આજે મને સમજાય છે! આજે થાકેલી, હારેલી હું ફરી તેની પાસે જાઉં છું ત્યારે એની યાદો હજુ પણ કેટલી તાજી તાજી લાગે છે! સાંભળ્યું છે કે એણે હજુ પણ લગ્ન નથી કર્યા, ભોળો જ સાવ, નહીં તો? બિચારો પણ ખરો, મારી જ રાહ જોતો હશે શું? રેડિયો પર પણ હવે તો તેનો અવાજ સાંભળવા મળતો નથી, તો શું કરતો હશે?

શહેરમાં સૌ પ્રથમ ભાવેણા એફ. એમ. નો પ્રારંભ થયો હતો ત્યારથી જ ફર્સ્ટ આર. જે. તરીકે ઉમંગ ની પસંદગી થઈ હતી. કેમ ન થાય? એનો અવાજ પણ એવો મધુર અને એટલો જ કર્ણપ્રિય. માઇક્રોફોન હાથમાં ઝાલી ખાસ છાંટમાં એના સ્વરો ગુંજવા લાગે;

“ભાવેણા એફ. એમ. પર આપનું સ્વાગત છે, સર્વાઇવ યોર સેલ્ફ, સર્વાઇવ નેચર. વી આર નાઉ મૂવીંગ ઓન ન્યુ એમેઝીંગ સોંગ, સો ગાય્ઝ વન્સ અગેઇન, નાચતે રહો – બચતે રહો, હમારે સાથ ગાતે રહો. હમેશા ગુનગુનાતે રહો મેરે સાથ… વન્સ અગેઇન.”

પછી વહેતા એ ન્યુ સોંગ ને સાંભળવા માટે તો આખુંય શહેર થનગની રહ્યું હોય, પણ મને એથીય વધારે ઉત્તેજના એ ગીત પૂરું થયા પછી ફરી સાંભળવા મળનારા ઉમંગના એ મીઠા અવાજ માટે રહેતી.

…શું દિવસો હતા એ? રેડિયો નાઇન્ટી નાઇન પોઇન્ટ નાઇન ભાવેણા એફ. એમ. દ્વારા હમેશા બે કલાક પ્રસારિત થતા કાર્યક્રમ ‘વન્સ અગેઇન’ના સંચાલનમાં આર. જે. ઉમંગ ના મનમોહક અવાજનો જાદૂ શ્રોતાઓ પર છવાઈ રહે! તેની લહેજતદાર વાતોમાં શ્રોતાઓ પરવશ ખેંચાઈ આવે. રાત્રે ૮ થી ૧૦ શહેરની ગલીએ ગલીમાં ૯૯.૯ ની ફ્રીકવન્સી સેટ થઈ જાય. પાનની કેબિન થી માંડીને પેટ્રોલપમ્પ સુધીના સ્થળોએ ભાવેણા એફ. એમ. વાગતું હોય. વાહનો પર જઈ રહેલા લોકોના મોબાઈલ સાથે જોડાયેલા ઈયરપીસ કાનમાં ખોસાય જાય, જેમાં પણ ઉમંગના જ સ્વરો લહેરાતા હોય. શહેરમાં યોજાતી ડીનરપાર્ટીઓ, ફેક્ટરીઓની કેન્ટીન, ડાયનીંગ હોલ, અને ગાર્ડન હોટેલોના સ્પીકર્સ પણ આ ‘વન્સ અગેઈન’ના પ્રસારણે જ ઊભરાતી રહે. કેટલાક રસિયાઓ તો વળી, છત પર ટહેલતાં ટહેલતાં ઉમંગના લય ને માણતાં જોવા મળે!

ઉમંગના ઉત્સાહી અવાજમાં બહુ ભારે રીધમ હોય. વાત કહેતાં કહેતાં એ સાંભળનારના હદયમાં ઊંડે ને ઊંડે ઊતરતો રહે, માત્ર મારા પર જ નહીં, આપણી જાણ બહાર જ એ સૌ કોઈના મન પર પણ કબ્જો જમાવી દે. અનોખી અદામાં એ પોતાની વાતોમાં સૌને તરબોળ કરી મૂકે;

“વન્સ અગેઇન… મિત્રો, બોરતળાવના કિનારે, તખ્તેશ્વરના ઢાળે, તાપણે શેકાતા હૂંફાળા શિયાળે, પીલગાર્ડનમાં બનેલા વિદેશી પંખીઓના માળે, પ્રિયતમની આંખોના ઉલાળે, ગર્લફ્રેન્ડના રોમૅન્ટિક ઈશારે, આપણે મળી રહ્યા છીએ સુમધુર સદાબહાર સંગીતના સથવારે, ચાલો ઝુમીએ ફરી એકવાર… વન્સ અગેઇન.”

– ને સાચે જ શહેર આખુંય ઝૂમી ઊઠે… વન્સ અગેઇન!

કહે છે કે ભગવાનનોય કોઈ ભગવાન હોય છે, એમ લોકોના મન પર કાબૂ જમાવનાર ઉમંગના દિલ પર પણ મેં કબજો જમાવ્યો હતો. હું રહી સિંગર. ઇનફેક્ટ ઉમંગે જ મને સંગીતનો શોખ જગાવ્યો હતો. તેની મદદથી શહેરના જાણીતા સંગીતકારો પાસેથી તાલીમ મેળવી અને ધીરે ધીરે સિંગર તરીકે એસ્ટાબ્લીશ થવા હું જઈ રહી હતી. આર. જે. માં જેમ ઉમંગનું નામ મશહૂર એમ જ શહેરની શ્રેષ્ઠ ગાયિકા તરીકે મિસ શેફાલીનું એટલે કે મારું નામ મશહૂર બનવા માંડ્યું!

ભાવેણા એફ. એમ. પર મારું કોઈ ગીત રજૂ થવાનું હોય ત્યારે ઉમંગના અવાજનો અંદાજ કંઈ ઓર જ હોય; “હવે રજૂ થાય છે માત્ર ને માત્ર નસીબદાર શ્રોતાઓ માટે ભાવેણાની લતા મંગેશકર કોકિલ કંઠી શેફાલીના સુમધુર સ્વરોમાં એક નવું જ ગીત, દિલ થામ કે સુનિયે યે સંગીત, ક્યુંકી ગા રહા હૈ મેરા મીત… મિસ શેફાલી.”

પછી રજૂ થતા ગીત દરમિયાન કાચથી મઢાયેલી ઉમંગની રેકોર્ડિંગ ચેમ્બરની ગ્લાસવોલની પેલે પાર સ્ટુડિયોના સોફા પર ઇયરપીસ વડે ગીત સાંભળી રહેલી હું મનોમન ફુલાતી હોઉં, અને ઉમંગ કાચની આરપાર દેખાઈ રહેલી મારી કમનીય કાયાના કાચ જેવા સૌંદર્યને પી રહ્યો હોય, લુચ્ચો…

વળી, વચ્ચે વચ્ચે  ક્રિકેટમેચનો સ્કોર પણ જણાવતો રહે, “ઊંચા લક્ષ્યાંકનો પીછો કરી રહી રહેલી ભારતીય ટીમ વધુ એક જીત તરફ આગળ વધી રહી છે, વન્સ અગેઇન.” તો વળી કદી ટ્રાફિકની માહિતિ પણ આપે, “ચિત્રાથી રાજકોટ રોડ પર વાહનોનો ભારે ધસારો થવાને કારણે હેવી વાહનોનો ટ્રાફિક માઢીયા રોડ તરફ વાળી દેવામાં આવ્યો છે, જો તમે શહેરની બહાર હો અને સીટીમાં આવવાની ઉતાવળ હોય તો જ્વેર્લ્સ સર્કલ થી વિક્ટોરિયા પાર્કના માર્ગ પરથી આવશો. એ રસ્તે ‘સર્વાઈવ નેચર, સર્વાઈવ યોર સેલ્ફ’ – નો મેસેજ આપતા નાઇન્ટી નાઇન પોઇન્ટ નાઇન, રેડિયો ભાવેણા એફ. એમ.ના લગાવેલા મોટા હોર્ડિંગ બોર્ડ પાસે થઈને તમે સીટીમાં ઝડપથી પહોચી શક્શો…  જ્યાં અમે આપનુ સ્વાગત કરીશું… વન્સ અગેઇન…” આ રીતે કોઈ વાર અવનવી જોક પણ સંભળાવે, ને આમ આખાયે પ્રોગ્રામના એ બે કલાક ક્યાં પસાર થઈ જાય એની કોઈને સુધ પણ ન રહે!

ઉમંગે આ રીતે મને સંગીતની દુનિયામાં પ્રવેશ તો કરાવેલો, પણ મૂળે હું તો જરા કરિયર ઓરિઍન્ટેડ છોકરી ખરી. મારે માત્ર સારી ગાયિકા બની અટકી નથી જવું. મારે તો ફિલ્મ સિંગર બનવું છે. અહીં વિકાસની વિપુલ તકો કેવી? બહુ બહુ તો ટાઉનહોલ કે એથી વધીને યશવંતરાય નાટ્યગૃહમાં બે – ચાર ગીતો ગાવાનું થાય, થોડી ઘણી કોમ્પ્લીમેન્ટસ પણ મળે, વિશેષ કશું જ નહી, બસ. પણ એથી શું? એમાં ક્યાંય નાણાંની વાત તો આવે જ ક્યાંથી? મારે માત્ર ભાવનગરના મુઠ્ઠીભર શ્રોતાઓ સમક્ષ રજૂ થવું પણ નહોતું, મારી તો ઈન્ડસ્ટ્રીમાં ફેમસ થવાની મહેચ્છા હતી. ફિલ્મોમાં સ્વર આપવાની ઊંડી અને જબરી એષણા જાગેલી મારા કણકણમાં ને દ્રઢ નિર્ધાર એવો કે હું એ કરીને જ રહીશ.

હા, ઉમંગને છોડવો પડેલો, પણ સારા કરિયર માટે કંઈ ને કંઈ ભોગ તો આપવો જ પડતો હોય છે ને! પ્રસિદ્ધિ મેળવવા માટે કશુંક ગુમાવવુ પડતું હોય છે ને મારે માટે મારી કારકિર્દી કિંમતી, પ્રસિદ્ધિ હતી તો ઉમંગને નારાજ કરવો જ પડ્યો, શું કરું?

આ માટે ધીરે ધીરે ઉમંગનો સાથ છોડીને મુંબઈ કનેક્શન ધરાવતા લોકોનો હાથ પકડવાનું જરૂરી હતું. મારી સાથે હમેશા ડ્યુએટમાં મેઇલ સિંગર તરીકે પર્ફોર્મ કરતા વિરાગને અનેકવાર ઈન્ડસ્ટ્રીમાં તક મળેલી. એણે મને પણ તક આપવાનું પ્રોમિસ કરેલુ, પણ ઉમંગ સાથેનો મારો સંબંધ એને પસંદ નહોતો. વિરાગે એક – બે વાર મને કહેલું, “શેફાલી, તારા અવાજમાં તો ગજબનો જાદૂ છે જાદૂ. તું મુક્ત આકાશમાં વિહરતા વિહરતા ટહુકતી કોયલ છે. અને ઉમંગ તો એફ. એમ.ના પિંજરે બક બક કરતો એક પોપટ માત્ર! પાંજરે પૂરાયેલા એ પંખીને માટે આર. જે. થી વિશેષ કોઈ પ્લેસમેન્ટ નથી. પણ કોયલે કદી કોઈ લીમડાની ડાળીએ માળા બાંધી રહેવાનું ન હોય, ઈન્ડસ્ટ્રીમાં તારે માટે ઊજળું ભવિષ્ય છે, તારી લાઈફ બની જશે.”

વિરાગની વાત મને સહેજ પણ ખોટી નહોતી લાગતી. એટલે હું તો ઉમંગને પણ અવાર નવાર સમજાવતી, “જિંદગીમાં માણસે નિરંતર આગળ વધવા મથ્યા કરવાનું હોય. તું પણ આ પઢાવેલા પોપટની જોબથી ક્યાં સુધી ચલાવી લઈશ? જરા મારા જેવું પણ વિચાર, બી પ્રેક્ટીકલ એન્ડ બી મેચ્યોર ઉમંગ.”

૫ણ ઉમંગ નિરુત્તર રહી મારી આંખોમાના સપનાઓને જોવા લાગે.

ક્રોધમાં કોઈવાર કહેતી, “કાચની કેદમાં કહ્યાગરા કાગડા – શી કટર કટર કેટલી કર્યા કરીશ?”

પણ ઉમંગ મારી આ મહત્વાકાંક્ષાથી ડરતો હતો કે ઈર્ષ્યા કરતો હતો એ મને સમજાતું નહોતું. એ કહેતો, “પ્રગતિ ક્યારેય કોઈને અપ્રિય ન હોય, પણ એ પ્રગતિ માટે કોઈ પણનો સાથ છોડી દેવો કે ગમે તેનો હાથ સાહી લેવો, એનું નામ દુર્ગતિ જ હોય શકે. શેફાલી, તું આગળ વધે એનો મને આનંદ હોય જ, તારું નામ રોશન થાય એ તો મને પણ ગમે. પણ એ જો રોશની તારી પોતાની અંદરના અજવાળાની ન હોય તો જરા વિચારવું પડે ને?”

“તારી વાતો મને નહીં સમજાય, ઇન્ફેક્ટ તારે જ મારી વાતને સમજવાની કોશિશ કરવાની જરુર છે. હું કોઈ બીજાના ઉધાર અજવાળા લેતી નથી. લોકો એકબીજાની મદદ તો કરે જ ને? જેવી રીતે સંગીતની તાલીમ અપાવવામાં તે મારી મદદ કરી હતી, એમ જ વિરાગ પણ મારી મદદ કરે છે. એમા શું? ને આમ પણ આજે હું જે કંઈ છું એ તો મારા પોતાના અવાજ થકી જ છું ને? સ્ટેજ પર મારા સ્થાને કોઈ વાર એક અંતરો ગાવા ઊભો થઈ જોઈશ તો ખબર પડશે કે પર્ફોર્મન્સ કેટલું મુશ્કેલ હોય છે!” હું મારી વાતમાં વજન ઉમેરતી.

એના પર મારી વાતની કોઈ અસર થતી હોય એમ લાગતું નહીં એટલે હું મનોમન ધૂંધવાઈ ઊઠતી. એ કહે, “હું જાણું છું તારું કામ કેટલું અઘરું છે, ને એ પણ જાણું છું કે તું શું કરવા ઈચ્છે છે. એટલે વધારે કશુ કહેવાની મને આવશ્યકતા જણાતી નથી, તું મારાથી દૂર જઈશ એનો મને હમેશા અફસોસ રહેશે. પણ જ્યારે મારી જરૂર પડે ત્યારે કોઈ પણ હિચકિચાહટ વગર મારી પાસે આવી શકે છે.”

એ વખતે મને શી ખબર કે તેની એ વાત આમ સાચી સાબિત થશે. આજે મારે ખરેખર એની શી જરૂર પડી? હું એને શોધતી શોધતી કેમ અહીં આવી પહોચી? ક્યાં હશે ઉમંગ? મને લાગે છે કે અત્યારે એ ઘેર જ હોવો જોઈએ.

શું કહીશ એને? ખરેખર તો શું મોં બતાવીશ એને? – એવો સવાલ પણ થવો જોઈએ. પણ એણે જ તો કહ્યુ હતું કે જરૂર પડે આવી જજે, તો બસ આવી ગઈ. જરૂર વગર પણ આવી જ શકાય ને? ને મેં તો સાંભળ્યુ છે કે એણે હજુ પણ લગ્ન કર્યા નથી. બાપડો.. મારી જ તો રાહ જોતો હશે શું? અરે, હવે તો ભાવેણા એફ.એમ. પર પણ એનો અવાજ સાંભળવા નથી મળતો, જો કે સાંભળવાનો મને સમય જ ક્યાં હતો? કદાચ એણે આર. જે.નું કામ કરવાનું છોડી દીધું હશે, કે પછી એનો અવાજ હવે એટલો સુંદર ન રહ્યો હોય!

અવાજ ને શું થવાનું ભઈ? આટલા વખતે મારો પણ અવાજ તો એવો ને એવો જ રહ્યો છે ને? એ પણ મારી જેમ પોતાના અવાજની ખૂબ કાળજી લેતો. ઈચ્છે તો એ પણ સારું ગાઈ શકે, ઈનફેક્ટ ઘણીવાર એણે પણ પર્ફોર્મન્સ આપેલું છે એ હું ક્યાં નથી જાણતી. હું પણ હજુ સારું ગાઈ શકું છું. આ તો વિરાગ સાથે જરા ઝગડો થયો, એમાં…

વિરાગ સાથે શરૂઆત તો બહુ જ સારી રહેલી. ધાર્યા મુજબ જ મુંબઈમાં બધું ગોઠવાતું ગયું. ઉમંગને પણ ભૂલી ગઈ હતી. પ્લે – બેક સિંગર તરીકે સ્થાન મેળવવામાં પણ સફળતા મળી ગઈ. ને વળી, વિરાગે લગ્ન માટે પ્રપોઝલ મૂકી કે તરત જ મેં સ્વીકારી લીધી. બધું ધાર્યા પ્રમાણે જ થયું. પણ મેગાસીટીના દૂષણો બહુ ઝડપથી વિરાગમાં વસવા લાગ્યા. પરિણામે સંઘર્ષો વધવા માંડ્યા. છેવટે નિર્ણય તો મારે જ લેવો પડે ને? લઈ લીધો નિર્ણય, આપી દીધું અલ્ટીમેટમ વિરાગને. એને કશી અસર ન થઈ, એટલે હું..

…દોડી આવી ઉમંગ ને લેવા માટે, હા, એને લેવા માટે જ આવી છું. એ હજુ પણ મને ચાહતો હશે તો ના નહીં પાડી શકે. આખરે એ જ તો મારો પહેલો પ્રેમ છે! એને પણ મુંબઈમાં સિંગર બનાવી દેવાની છું. એના અવાજની આ નાનકડા શહેરમાં શી કદર થાય? હું જ એને એના અવાજની કિંમત સમજાવીશ. વિરાગને પણ દેખાડી દેવાની ચેલેન્જ આપી છે.

ખૂલ્લા દરવાજામાંથી હું અંદર પ્રવેશી ત્યારે ઉમંગ તેના ઘરમાં એકલો જ હતો.

“અરે, શેફાલી, તું?” – ના, એ બોલ્યો નહીં, પણ એના ચહેરાની ઉપસેલી રેખાઓમાંના આ સુખદ આશ્ચર્યને મેં જાતે જ ઉકેલી લીધું. બેડ પર લાંબો થયેલો એ, મને જોતાં જ તેની આંખોમા આવેલી ચમક જોઈને અરધી લડાઈ જીતી ગયાનો ઊભરો મને ગળા સુધી આવી ગયો.

હું પણ ઉત્સાહમાં બોલી, “ઉમંગ, આઈ એમ બેક, આઈ એમ વિથ યૂ નાઉ, – વન્સ અગેઇન…”

ઊભો થઈ તે સામેના શો-કેસમાં રહેલા “વન્સ અગેઇન” ના વિવિધ એચીવમેન્ટસ, પોતે મેળવેલાં અનેકાનેક ખિતાબો આર્દ્ર નજરે માત્ર સંકેતથી બતાવે છે; સૌથી વધુ રેડિયો કાર્યક્રમોનુ એન્કરીંગ કરવા બદલ મળેલ સર્ટીફિકેટ, મોસ્ટ પોપ્યુલર પ્રોગ્રામ એવોર્ડ, લીમ્કા રેકર્ડ બુકમાં સૌથી વધુ સંખ્યાના સુંદર પ્રોગ્રામ કરવા બદલ સ્થાન, બેસ્ટ એફ. એમ. આર. જે. એવોર્ડ, – અનેક અચીવમન્ટથી ભરચક છે ઉમંગનો એ શો – કેસ. વળી એ દીવાલ પર લગાવેલા ફોટોગ્રાફ તરફ જુએ છે. કદાચ હવે તે આર. જે. નથી રહ્યો. નો પ્રોબ્લેમ! હવે તો એને આર. જે. હુ રહેવા પણ નથી દેવાની. મારો પતિ આર. જે. શી રીતે હોઇ શકે? ઉમંગ પણ મુંબઈનો સિંગર બનશે. હવે તો મારી પણ પહોંચ બની છે. લોકો પાસેથી કેમ કામ લેવું એ મને ઓછું શીખવવું પડે? પહેલા ઉમંગ પાસેથી, પછી વિરાગ પાસેથી, એમ કેટલાય લોકો પાસેથી કામ મે લીધું જ છે ને! ત્યારે તો આજે આટલે પહોચી શકાયું છે.

“ઉમંગ, હું તને લેવા આવી છું.” મેં કહ્યુ.

એની આંખોમાં પ્રશ્નાર્થ ડોકાય છે. કદાચ એ કશીક વિમાસણમાં જણાય છે, હા, સાચી વાત છે, એને વિમાસણ તો હોવાની જ ને. નારાજ પણ હોય. બની શકે કે એને મારા અને વિરાગના લગ્નની પણ જાણ થઈ હોય. મારે ઘણી બધી સ્પષ્ટતાઓ કરવી પડશે એવું લાગતાં મેં આગળ કહ્યું,

“તારી વાત સાચી પડી ઉમંગ, વિરાગ સાથે બહુ ફાવ્યું જ નહીં.” મારે શબ્દો ગોઠવવામાં પહેલીવાર જરા મુશ્કેલી પડી રહી હતી. “શું થયું કે વિરાગ થોડો જક્કી માણસ નિકળ્યો. મારા જેવી સાલસ છોકરીને તો પળમાં છેતરી શકે એવો. તું જ કહે ને એની લુચ્ચાઈ મને શી રીતે પરવડે? છોડી આવી, બધું જ, વિરાગ ને પણ. હવે તો બસ તારી જ થઈ ને રહીશ. તારે જ મારો સાથ આપવાનો છે. તું મારી સાથે મુંબઈ આવશે ને?”

મારા સવાલનો જવાબ આપવા માટે એ કદાચ તૈયાર જ ન જણાયો. જરા ધ્યાનથી હું જોઉં છું તો હવે ખ્યાલ આવે છે કે એ ખૂબ થાકેલો દેખાય છે, કદાચ માંદો પણ હોય. એના વાળ વિખરાયેલા છે, શર્ટ તો પહેર્યું જ નથી, આંખો પણ ઊંડી ઊતરી હોય એમ જણાય છે.

ઉમંગ ઊભો થાય છે, હું ફરી મારી વાત આગળ વધારું છું, “ઉમંગ… ઉમંગ, તું થાકેલો જણાય છે, તબિયત તો સારી છે ને? ચાલ તૈયાર થઈ જા, મેં બધું જ વિચારી રાખ્યું છે. યૂ નો, મુંબઈમાં હવે મારી પણ ઓળખ ઊભી થઈ છે. તું પણ સારું ગાઈ શકે છે, તને પણ ચાન્સ અપાવીશ. ચિંતાને કોઈ કારણ નથી, ઉમંગ.”

એ ઊભો થઈ બાલ્કની ભણી ચાલ્યો જાય છે. એનુ ભેદી મૌન મારી ચિંતાનુ કારણ બની રહ્યું છે. એ બાલ્કનીમાં બહાર જોતો ઊભો છે. અચાનક બેડ પાસે પડેલી એક મેડીકલ ફાઈલ પર મારી નજર પડે છે, હું તરત એ લઈ ત્વરાથી જોઉં છું, ને મારા પર વીજળી પડે છે… ઓ માય ગોડ…!

એ ફાઈલ કહી રહી છે કે ઉમંગને સ્વરપેટીનું કેન્સર થયા બાદ સર્જરી દ્વારા તેની સ્વરપેટી દૂર કરવામાં આવી છે! ઓહ, હાઉ કેન આઈ બિલીવ? મતલબ, ઉમંગ બિલકુલ મૂંગો છે? જરા ખુદને સંભાળીને વિચારું છુ તો સમજાય છે; આનો અર્થ તો એ થયો કે ઉમંગ હવે ક્યારેય બોલી શક્શે નહીં? તો પછી? તો પછી… એને મુંબઈ લઈ જવાથી પણ શુ? બાપ રે, ખોટી મહેનત કરી આટલા શબ્દો ગોઠવવાની, અરે, જો આ ખબર હોત તો અહીં સુધી આવવાની પણ મહેનત હું શું કામ કરું?

હવે ? ફરી શબ્દો ગોઠવવા પડશે…

“ઉમંગ…” મેં હીંમત એકઠી કરી એને અંદર બોલાવ્યો. એ અંદર આવ્યો. મે પેલી ફાઈલ એક તરફ મૂકી, ને કહ્યું, “ત.. તને.. સ્વરપેટીનું ટ્યુમર થયું? મ.. મને તો.. અત્યારે ખબર…” હડબડાહટમાં મારાથી ત.. ત.. પ.. પ.. થતું હતું.

ઉમંગ મારી સામે જોઈ હસી રહ્યો. ક્યારની હું બડબડ કરી રહી હતી, હવે સમજાયું કે એ કેમ ચૂપ હતો. પળભર તો સંદેહ પણ થયો કે અત્યાર સુધી હું બોલી રહી હતી એ બધું એણે સાંભળ્યું તો હશે ને? હુંય સાવ જ બુદ્ધુ, એ કાંઈ જન્મજાત બહેરો – મૂંગો ઓછો છે? મુઆએ બધું જ સાંભળ્યું છે, ને એટલે જ મને ફરી પામવાના આનંદમાં કેવો ખુશ થતો હસે છે! કદાચ એ અધકચરું બોલી પણ શકતો હોય તો પણ એ હવે ક્યારેય ગાઈ તો શકે જ નહીં ને? એને ઈન્ડસ્ટ્રીમાં લઈ જઈ શું કરવાનું? નેચરલી, ઉમંગને ત્યાં લઈ જવા કરતા તો વિરાગને મનાવી લેવો બહેતર છે! મેં જરા ઉતાવળ ન કરી હોત તો, હમેશાની મુજબ મારું ધાર્યું જ થાત. હવે વાતને ફેરવી તોળવા માટે ફરી શબ્દો ગોઠવવા જોઈશે. નો પ્રોબ્લેમ, ઈન્ડસ્ટ્રીમાં ગયા પછી જરા અભિનય પણ ફાવી ગયો છે.

મેં શરૂ કર્યું, “તું હસે છે ઉમંગ? મતલબ, તેં પકડી પાડી મને, ઓહ, યુ આર જીનિયસ ઉમંગ! સોરી ઉમંગ, પણ મને પહેલેથી જ તારી આ સર્જરીના સમાચાર મળી ગયા હતા, એટલે જરા તને ખુશ જોવા માટે હું જુઠ્ઠું બોલી. હું તને ઉદાસ શી રીતે જોઈ શકું? એની વે.. ચિંતા ન કરીશ, વિરાગ સાથે મારું લગ્નજીવન ખૂબ સારૂ ચાલે છે, એ ખૂબ સાચવે છે મને. પણ હા, મુંબઈની લાઈફ.. ઉફ્ફ… મુંબઈની લાઈફ આમ પણ તારા જેવા સરળ માણસને પસંદ પડે એવી ક્યાં હોય છે, એ તો તું જાણે જ છે, ઉમંગ!”

“હા, બિલકુલ બરાબર, હું જાણું છુ, અને જોઊં પણ છું, મુંબઈની લાઈફ તારામાં કેવા કેવા રંગ દેખાડી રહી છે!  મને એ પસંદ પડે કે કેમ એ તો પછીની વાત છે, પણ, તારી સાથે હું મુંબઈ આવવાનું ક્યારેય પસંદ ન કરું… સમજી?” – મારા આશ્ચર્ય વચ્ચે ઉમંગ બોલ્યો!

હું તો અવાક… જડબેસલાક! ઉમંગ તો એકદમ સ્વસ્થ છે! કશુંક બોલવા જાઉં છું તો પણ શબ્દો તો નિકળતા જ નથી. કદાચ હવે મારી સ્વરપેટી પર સર્જરી થવા જઈ રહી છે કે શું? હું જ મૂંગી થઈ ગઈ કે?

ઉમંગ બોલે છે, “હમણાં જ વિરાગ સાથે તારા ‘સુખી’ લગ્નજીવનની વાત ફોન પર થઈ. તે જોઈ એ ફાઈલ મારા ભાઈની છે, હું મેડીક્લેઇમના કાગળો તૈયાર કરી રહ્યો હતો, એટલે કદાચ એના પર ક્યાંક મારું નામ તારી નજરે ચડ્યું હશે. બટ, આઈ એમ ક્વાએટ વેલ, મિસ (!) શેફાલી.”

માય ગોડ.. ફાઈલ પર નામ જ મે ક્યાં જોયું? કંઈ વાંધો નહી, પોઝીટીવ થિંકીંગના પુસ્તકો મેં પણ વાંચ્યાં છે. એ સ્વસ્થ છે એ પણ સારી જ વાત છે ને. શક્યતાનું વધુ એક દ્વાર ખૂલી રહ્યું છે એમ માનવું. સ્વસ્થ હશે તો આજે નહીં તો કાલે, એને મનાવી શકાશે.

ચહેરા પર આનંદની વધુમાં વધુ રેખાઓ લાવી ને હું એની નજીક સરકીને કહું છું,

“સો… એની વે… યૂ સર્વાઈવ્ડ… હાં ? આઈ એમ સો હેપ્પી..”

ઉમંગ મારાથી દૂર બાલ્કની ભણી જાય છે, પછી મારા તરફ ફર્યા વગર જ બોલે છે,

“યા… વન્સ અગેઇન, યૂ નો… આઈ સર્વાઈવ્ડ… વન્સ અગેઇન…”

 – અજયભાઈ ઓઝા

અમુક સ્વાર્થપરાયણ લોકો દ્વારા આધુનિક યુગમાં દરેક લાગણીની કિંમત અંકાઈ રહી છે, પ્રેમ હોય કે મિત્રતા, બધા સંબંધોમાં સ્વાર્થની છાંટ દેખાવા લાગી છે, આવા જ એક પ્રસંગની કહાણી પ્રસ્તુત વાર્તા રજૂ કરે છે. ખૂબ સુંદર રીતે ગૂંથાયેલી વાર્તામાં વાચક સતત ગૂંથાયેલો રહે છે. અખંડ આનંદ સામયિકના જુલાઈ 2012ના અંકમાં પ્રસિદ્ધ થયેલ પ્રસ્તુત સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ભાવનગરના શ્રી અજયભાઈ ઓઝાનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમ આમ જ સુંદર રચનાઓ દ્વારા આપણું મનોરંજન કરતી રહે તેવી શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “વન્સ અગેઈન…(ટૂંકી વાર્તા) – અજય ઓઝા

  • sudhir patel

    ખૂબ જ સુંદર પ્રસંગોની ગૂંથણી અને અણધાર્યા વળાંકો દ્વારા માનવ લાગણીઓને વાચા આપતી વાર્તા માણવી ગમી!

    લેખક-મિત્ર અજયભાઈ ઓઝાને હાર્દિક અભિનંદન!
    સુધીર પટેલ.

  • vishwadeep barad

    અજયભાઈના હસ્તે લખાયેલી વાર્તા સુંદરજ હોય? વાર્તામામ કથા વસ્તું સુઘડતા સાથે વાંચકોને જકડી રાખે એજ વાર્તા વાંછકોને ગમે છે જે અજય ઓઝામાં મળે.. અભિનંદન..

  • dr.firdaus dekhaiya

    વાહ.. જોરદાર. વાર્તાનું સત્વ જેવું નાજુક છે એટલી જ કલાત્મકતાથી લેખકે રજૂ કરી છે.. અજયભાઈને અભિનંદન.