ઉત્કંઠા (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 5


રાહ જોવાની દરેક પળ અકળાવનારી હોય છે. હૈયામાં અવનવા વિચાર સર્જાય, નજરો વ્યાકુળ બનીને સાથ ન આપે, ક્યારેક ચહેરા પર ગુસ્સો પણ છવાય, હોઠને પીસવાનું મન થાય ! સમય પણ ધીરેથી પસાર થતો માલૂમ પડે. સોહન આ જ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. ઘડીક એ સામે જોઈ લે છે ને ઘડીક ઘડિયાળ માં જોઈ લે છે. ‘હજી રૂચી કેમ ન આવી ?’ એમ મનમાં જ બબડે છે. ઘડિયાળ પર શંકા ગઈ કે કદાચ સેલ ખલાસ થયો કે બગડી ગઈ નથી ને ! વળી મન સાથે સમાધાન કર્યું કે ના.. ના.. કાંટા સ્થિર નથી, એ તો ફરે છે. છતાં એને ક્યાંય ચેન નથી. ઉભા ઉભા રાહ જોઇને પગ પણ દુ:ખતા હોય તેમ લાગ્યું. ‘નક્કી એની કોઈ ફ્રેન્ડ જોડે બહાર ગઈ હશે. ચિબાવલી પિન્કી ઘણી વાર એને શોપિંગ કરવા સાથે લઇ જતી ને કદાચ આજ પણ’ એમ મનને રાજી રાખવા વિચાર્યું. સમય પણ ઘણો વહી ગયો હતો ને પોતે એટલું જરૂર જાણતો હતો કે સૂર્યાસ્ત પછી રૂચી નહીં જ આવે.. જેવો સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો ને સોહન પણ ઉદાસ ચહેરે ઘર ભણી પાછો વળ્યો. કાંઈ વાંધો નહીં, એક અઠવાડીયુ ઓર !

બીજા અઠવાડિયે રૂચી બરોબર સમયે આવી ગઈ જેથી સોહન નો ગુસ્સો થોડો નરમ થયો હોય ! કહે, “સોરી સોહન , મેં તને રાહ જોવડાવીને નારાજ કરેલો.” રૂચી બોલી પણ સોહન એમ જ બેઠો રહ્યો.

“ખરી વાત છે. ઇટ્સ ઓકે “

“તારી નારાજગી તારી જગ્યાએ વ્યાજબી છે, પણ એટલું નહીં પૂછે કે હું કેમ ન આવી ?”

“હીનાએ તને રોકી રાખેલી ? “

“ના, કાશ હું પણ છોકરો હોત”

“કાં એવું બોલવું પડ્યું ? તારું દિલ દુભાય એવો મારો ઈરાદો નથી, ને હું નથી ચાહતો કે આપણી વચ્ચે કોઈ ગેરસમજ થાય” શાંતિથી સોહન બોલ્યો જેથી રૂચીને જરા શાતા વળે. રૂચી શાંત જ બેઠી રહી એટલે ફરી સોહન બોલ્યો, “રાહ તો ઠીક, પણ ઉભા ઉભા થાકી ગયેલો”

“ખરી વાત છે થાકી જવાય , પણ બેસીને રાહ જોઈ શકાય ખરી કે ?”

“હું માનું છે કે તારા જેટલો ફિલસૂફ નથી, પણ એકવાર તું મારી રાહ જોતી હોય ને હું ના આવું તો ! “

“સમય કદાચ એ હાલતમાં મુકશે તો એવું પણ કરવું પડશે. ખેર, મારું નહિ આવવાનું કારણ ખાસ નહોતું પણ જરા તબિયત…. થોડું માથું ભારે ભારે લાગતું હતું. બને તો માફ કરી દે.”

“છોડ એ બધું  . .હું સન્ડે મૂવી જોવા જવાનું વિચારું છું”

“સારો વિચાર છે, હં… કયા શોમાં જવાનો ?”

“જવાનો ?” એકદમ ડઘાઈને પૂછ્યું.

“કેમ કઈ અવળું બોલાઈ ગયું?”

“જરાક …. તું એવું વિચારી શકે ખરી કે હું એકલો મૂવી જોવા જાઉં ?”

“કેમ તેં કદી એકલા મૂવી નથી જોયા ?”

માય ગોડ, ખરી ગડમથલ છે. રૂચી સાથે જીભાજોડી એટલે નિશ્ચિત હાર ! એટલે તે કઈ જવાબ આપ્યા વગર બેઠો રહ્યો.

“સોહન , કદાચ હું બધાથી અલગ છોકરી છું. મને અડવાનું પણ નહિ , સીમીત વાતો તે પણ એકબીજાથી થોડું અંતર રાખીને કરવાની. માનું છું કે હું કઈ અતિ દેખાવડી નથી કે નથી મારી પાસે ખૂબ પૈસા. સાધારણ પિતાની એકની એક દીકરી છું. જમાના પ્રમાણે હું થોડી વધારે સખત છું. પણ સોરી, હું તારી જોડે મૂવી જોવા નહિ આવું. “

“કારણ ? “

“તું એટલો બાલીશ તો નથી કે મારે તને કારણ આપવું પડે”

“ઠીક છે , યુ આર રાઇટ.” ને મનને મનાવી ને મૂવીને લગતી વધુ કોઈ વાત ન ખોલી.

સોહન અને રૂચી છેલ્લા છ મહિનાથી એકબીજાને આજ જગ્યા પર મળતા. રવિવાર ફિક્સ હતો. જો રવિવાર ચૂકાય તો તે પછીનો રવિવાર. રૂચી એકદમ મોડર્ન વિચારની હતી પણ જરાય ચલાવી લેવા કે કોઈ પણ પ્રકારની છૂટછાટ સોહનને આપવા માંગતી નહોતી. પહેલી વાર જયારે સોહને તેને મળવા માટેની વાત ખોલી ત્યારે જરા પણ શરમમાં રહ્યા વગર બોલેલી “સોહન, તને મળવામાં મને વાંધો નથી, પણ મારી અમુક આકરી શરતો છે. હોપ કે તને તે મંજૂર હોય” મક્કમતાથી રૂચી બોલી.

“કઈ શરતો ?”

“એક કે છીછરી વાતોને મારી પાસે કોઈ સ્થાન નથી, ને જયારે આપણે મળીયે ત્યારે આપણી વચ્ચે થોડું પણ અંતર – અને મને ટચ પણ નહિ કરવાની, સમજ્યો હું છું કહેવા માંગું છું ?”

“ટચ પણ નહિ …?”

“હા, એ પણ નહીં… મને જયારે એવું લાગશે ત્યારે તને ટચ નહિ પણ આલિંગનથી જકડી લઈશ, અને એના માટે હું કોઈની દરકાર નહીં કરું “આંખોને ઝપકાવતા તે બોલી.

“મને મંજૂર છે ” કહી ને તેણે રૂચીની શરતો પર હકારની મહોર મારી અને બંને છૂટા પડેલા.

સોહનને હતું કે છ મહિનાથી તેઓ મળી રહ્યા છે એટલે ફિલ્મ માટે માની જશે. પણ,.. નહિં , તેની આશા પર પાણી ફરી વળ્યું. ઘણી વાર સોહનને થતું કે શા માટે પોતે રૂચી માટે આમ ફીલ કરે છે? શા માટે એની બધી શરતો માન્ય રાખે છે? પણ નહિ , એની પાસે બધા જવાબ હતા, હજી તેને તે દિવસ યાદ હતો કે જયારે પોતે રૂચી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રાખેલો.

“રૂચી, મારા દિલમાં ધરબી રાખેલી વાતને બહાર લાવવા માંગું છું.”

“કહે, હું જરૂર સાંભળીશ, કહે” રૂચી બોલી પણ પાછું સોહનનું મોઢું સિવાઇ ગયું. કશું ના બોલી શક્યો એટલે રૂચી જ બોલી.

“મિસ્ટર સોહન, હું તારી પરિસ્થિતિ જાણું છું. કંઈ નહિ, કશું ના કહે, પણ હુંય તને કૈક કહેવા માંગું છું.”

“રીઅલી …?” ને તેના ચહેરા પર તેજ છવાઈ ગયું.

“હા… ઓ કે.. હવે કહે તું કૈક કહેવા જતો હતો.”

“હમ્મ્મ્મ …. રૂચી કદાચ હું મારા બધા ફીલિંગ્સ તને ના જણાવી શકું પણ એટલું જરૂર કહીશ કે દિવસ માં કેટલીયે વાર મારું દિલ તારા વિષે વિચારતું થઇ ગયું છે.”

“ઓ કે, મને એ કહે કે એમાં મારે તને કંઈ હેલ્પ કરવાની છે?” રૂચીનું દિલ પણ સોહન પર આવી ગયું હતું પણ તે ઝટ દઈ કહેવા માંગતી નહોતી ને પ્યારનો એઝહાર છોકરો પહેલા કરે તે શોભનીય તેમજ અનુસાશિત પણ ખરું.

“આઈ લવ યુ કહી ને પ્યારનો ઇજહાર કરવામાં હું નથી માનતો. ને એકતરફી પ્યાર ગાંડપણ છે”

“એ કહે કે તારા આ આર્ધ્ય પાછળનો હેતુ શો છે ?”

“ચોરી ચોરી કોઈને પ્યાર કરવામાં હું માનતો નથી”

“બહુ સારી વાત છે, પણ આ મારો જવાબ નથી, મારો પૂછવાનો આશય એ જ છે કે, રૂચી ને જ તારે પામવાની હેમ છે ?”

આસપાસ જોઇને સોહન બોલ્યો ” આમ તો વાત હું તારી સાથે જ કરી રહ્યો છું.”

“સોહન, પ્યાર માટે મારા મનમાં વ્યાખ્યાઓ અલગ છે, મનની તડપ ને તનની લગન ને સંતોષવા પૂરતો પ્રેમ નથી. તું સારી રીતે જાણે છે આપણે ભારતમાં રહીએ છીએ. ને મને આપણી સંસ્કૃતિ પર ગર્વ છે. મારા વિચાર કદાચ તું કલ્પી પણ ના શકે એટલા મોડર્ન છે, થોડી હઠાગ્રહી પણ ખરી. મને પ્રપોઝ કરતા પહેલા આશા રાખું કે, મારી ગમા-અણગમા  વિશેની તને ખબર હોય. જયારે પણ મને ખબર પડશે કે તું મારી લાગણીઓનો દુરુપયોગ કરીશ, તને કદી નહિ બોલાવું.”

“હા રૂચી હું તને બરાબર જાણું છું ને વધારે જાણવા ઉત્સુક રહીશ.”

“વેલ, સોહન, તું પુરુષ છે ને હું છોકરી, તને પણ મારા માટે કહેવાની છૂટ છે, પણ તારા કહેતા પહેલા તને જણાવી દઉં કે, તને બોલવાનો મોકો નહિ આપું. ને જયારે મને એવું લાગશે ત્યારે તને મોઢું પણ નહિ બતાવું.”

“રૂચી, એકબીજાને ગમવા માંડતા પહેલા એકબીજાને ઓળખીને આગળ વધવામાં શાણપણ છે” સોહન મક્કમતાથી બોલ્યો કે રૂચી ને પણ શેર લોહી ચડ્યું હોય તેમ આનંદમાં આવી ગઈ ને હરખાઈ કે પોતે સોહન ને હાલ પૂરતો સિલેક્ટ કરવામાં ભૂલ નથી કરી.

રૂચી દ્રઢપણે માનતી કે પ્રેમ એકલો જ જીવનમાં જરૂરી નથી. પ્રેમની સાથોસાથ ઘણી ચીજોની જરૂર છે જેના વગર જીવન જીવવું અશક્ય છે. હજી તો બંને ભણતા હતા. ને આગળ જતા પોતાના માબાપ સોહનને સ્વીકારશે કે કેમ એ પ્રશ્ન તો હતો જ. છતાં જીવનમાં આવનારી પળોનો સામનો કર્યા વગર છૂટકો નહોતો. જીવનની ઈમારતના પાયામાં જરૂરી વસ્તુઓ ભેગી કરવામાં વધુ એક સંબંધની તૈયારી હતી.

સમય સરકતો ગયો ને હવે તો રુચી અને સોહન એકબીજાથી વધારે પરિચિત થઇ ગયા. એક બીજાની પસંદ- નાપસંદ નો ખ્યાલ રાખવા લાગ્યા. રૂચીને પહેલા હતું કે સોહન પણ બીજા છોકરા જેમ ખાલી ટાઇમ પાસ કરવા મારી સાથે પ્રેમ કરતો હોય ! એક દિવસ પોતાને પામીને મોટો આઘાત આપશે, પણ હજી સુધી તો સોહન ઘણી સારી રીતે વર્તતો હતો.  બધી શરતો ને આધીન રહી મળતો હતો. આટલા સમયના સહવાસ માં તેને ઘણી બધી વાતોથી સોહનને વાકેફ કર્યો છે. ને પછી તો સમય ને નસીબ ના જોરે જ જીવન પસાર કરવું રહ્યું. તેમ મનને મક્કમ કરીને સોહન સાથે અવારનવાર મળતી હતી.

“સોહન, કેમ આજે કંઈ ઉદાસ જેવો દેખાય છે ?” રુચીએ થોડી વાર થઇ છતાં સોહન ચૂપ જ બેઠો રહ્યો એટલે પૂછ્યું.

“કંઈ તો નથી, આજે મારા મનમાં એક નવો વિચાર આવ્યો છે, તને પણ ગમશે”

“શ્યોર, વ્હાય નોટ, કહે”

“આપણે ઘણા સમયથી મળીયે છીએ. ને હું તો તારાથી પરિચિત થઇ ગયો છું. ને આશા રાખું કે તું પણ”

“હા સોહન , હું પણ.”

સોહન આકાશ સામે જોઇને બોલ્યો, “એક છોકરા તરીકે મારી ફરજ છે કે પહેલા મારે મારા માતા પિતા ને વાત કરીને તારા માતા પિતા પાસે તારો પ્રસ્તાવ રાખવા કહેવું, એમાં જ તો આપણા પ્રેમની શોભા છે. ને ક્યાં સુધી આમજ ચોરીચોરી મળતા રહીશું ? હું  નથી ચાહતો કે કોઈ તારી સામે આંગળી પણ ચીંધે ?”

“ઓહ, સ્વીટ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ સોહન” ને તે સોહન ને વળગી પડી.

સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. આકાશમાં સૂર્યાસ્ત વેળાની ઉષા એ બંનેના મિલન ને વધાવતી રંગોળી પૂરી.

 – રીતેશ મોકાસણા


Leave a Reply to Ritesh Moakasana Cancel reply

5 thoughts on “ઉત્કંઠા (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા