ફૂંક વાગશે ફરી…. – પુષ્પાબેન વ્યાસ 6 comments


નજર કરું ત્યાં નારાયણ ને હાથ ધરું ત્યાં હરિ
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી.

હૈયાદુબળી હું ને પાછી મોઢે મોળી ખરી
દીવો પ્રગટ્યો ત્યાં તો, ટવરક ટવરક વાતું કરી.

ઘંટી, પાણી, વાસીદું ને ચૂલો ઘરવખરી
જ્યાં જ્યાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી.

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી
મેં તો વાવી જાર, પાક્યાં મોતી ફાટું ભરી.

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી
પાછું વાળી જોયું ત્યાં તો આંબા ને મંજરી.

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી
ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી.

આંગણ વાવું કદંબિયો ને ઘટમાં યમુના ભરી
પંડ મારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી.

– પુષ્પાબેન વ્યાસ

કોઈ ગીત કે ગઝલ એટલી સુંદર કૃતિ હોય કે તેને વાંચતા વાંચતા ગાવાની ઈચ્છા થઈ આવે, એ મનમાં આપમેળે ગણગણાવા લાગે ત્યારે એટલું તો ચોક્કસ કે મનના વણજોયા તારને સ્પર્શતું એ ગીત કોઈક તો વિશેષતા ધરાવતું હશે જ. ગીતમાં કવયિત્રી સર્જનહાર પ્રત્યેની શ્રદ્ધાની વાત કહે છે. પ્રસ્તુત કૃતિમાં ક્યાંક રચનાકારને આધ્યાત્મિક જગત સાથે સીધો તર સંધાયો હોય એવી સંવેદના વાચકને થાય છે. પોતાના ભાવજગતમાં રહીને જે રચનાકારોની કૃતિઓ આપોઆપ ઉતરે છે તેમનો કૃત્રિમ રીતે કારખાનામાં બનતી વસ્તુઓની જેમ સર્જન કરતા સર્જકો કરતાં અંદાઝ સમૂગળો અલગ જ અનુભવાય છે. પ્રસ્તુત કૃતિ પણ જાણે આખેઆખી રચનાકારના માનસમાં ઉપસી હોય એવી સુંદર અને શ્રદ્ધાસભર છે.

બિલિપત્ર

સંકલ્પશક્તિ અને જીદ વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે, કોઈ વસ્તુ કે ધ્યેય પ્રાપ્તિની જીદ પકડવી અને એ માટેની સંકલ્પશક્તિ હોવી એ બંને અલગ વાત છે, એકમાં દ્રઢતા છે તો બીજામાં અનિશ્ચિત મક્કમતા.

જીદમાં પ્રાપ્તિના ગમે તે રસ્તા અપનાવાય છે, ચાહે સાચા કે ખોટા – જ્યારે સંકલ્પશક્તિ સન્માર્ગે ધ્યેયપ્રાપ્તિની રીત છે. જીદ ફક્ત એક જ ધ્યેય પૂરતી સંભવે છે જ્યારે સંકલ્પ ભવિષ્યના ધ્યેય માટે પણ પ્રેરણા પૂરી પાડે છે.

– જીજ્ઞેશ અધ્યારૂ


6 thoughts on “ફૂંક વાગશે ફરી…. – પુષ્પાબેન વ્યાસ

 • gajanand j. trivedi

  મોરના ઇન્દા ચિતર્આવા પદે. બહુ જ સરસ ગૈ શકયા તેવિ કવિતા. અભિનન્દન્.

 • gopal

  ઢઐ અક્ષર ધાગો કાઢુઁ તેનેી તકલી ભરી… કડી સૌથી વધુ ગમી.
  ગોપાલ ઢાઇ

 • P.K.Davda

  લાંબા સમય બાદ અંતરને છબી જાય એવી રચના બ્લોગમા જોવા મળી. પુષ્પાબહેનને અંતકરણ પૂર્વક અભિનંદન.

 • rameshbapalalshah

  આટલી મજાની કવિતા આપનાર પુષ્પાબહેન એટલે જાણીતા કવિ શ્રી ત્રિભુવન વ્યાસના દીકરી જ ને ?
  જણાવજો. તેઓ રાજકોટ રહે છે. મારા એક સંબંધીના બહેનપણી છે.

  • AksharNaad.com Post author

   પ્રિય રમેશભાઈ,

   હા, પુષ્પાબહેન કવિ શ્રી ત્રિભુવન વ્યાસના દીકરી છે. આપની ધારણા સાચી છે. તેમની અનેક સરસ અને આવી જ સંઘેડાઉતાર કવિતાઓ ગત થોડાક દિવસોમાં માણવા મળી છે.

Comments are closed.