માતાનું ઋણ – સુરેશ દલાલ 18


(આદરણીય શ્રી મફતકાકાએ તેમના દિવંગત માતુશ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતાને અંજલિ આપવા યોજેલ કાર્યક્રમમાં પૂજ્ય મોરારિબાપુના સાન્નિધ્યમાં શ્રી હરીન્દ્ર દવે, શ્રી સુરેશ દલાલ અને શ્રી ગુણવંત શાહે આપેલ વકતવ્યમાંથી આજે પ્રસ્તુત છે શ્રી સુરેશ દલાલનું ‘મા’ વિશેનું સુંદર વક્તવ્ય.)

પૂ.મોરારિબાપુ, હરીન્દ્ર, ગુણવંતભાઇ, મફતભાઇ, વિનુભાઇ મહેતા અને મિત્રો.

અહીં મંચ ઉપર બધા જ પુરુષો ભેગા થયા છે. કોઇ પણ સ્ત્રી નથી. આમાંના કોઇને અનુભવ નથી કે What it is to be a mother. માનો પ્રેમ જાણવો, માણવો અને વખાણવો એ અલગ વાત છે. અને ‘મા’ હોવું એક અનન્ય અનુભવ છે. મેં તો વિનુભાઇને કહ્યું હતું કે અમારી જોડે એક બહેનને રાખો. એમને થયું કે હું S.N.D.T. માં છું એટલે પક્ષપાત કરું છું. એવું નહોતું, પણ કોઇપણ બહેન અહીં બોલે તો વધારે સારું.

હવે મને મારા પ્રવચનની જે ભૂમિકા છે એ સ્પષ્ટ કરવી છે. અંગત અને બિનાંગતના, તાદાત્મ્ય અને તાટસ્થ્ય, સ્વલક્ષી અને પરલક્ષીતાના સીમાડા ઉપર ઊભા રહીને ઝાઝે ભાગે સાહિત્યમાંથી પ્રગટ થતી ‘મા’ની છબી ઉપસાવવાનો મારો પ્રયત્ન છે. આ જ મારો ટ્યુન છે અને ટોન છે. ‘મા’ સ્વયં ગીત છે. એ આપણા જ કાન સાંભળે એમ ગુંજવાનું હોય છે. જાહેરમાં એનું ગીત પણ ના હોય અને એનું કોરસ પણ ના હોય. જીવનની યુનિવર્સિટીમાં ‘મા’ વિશેની ડિગ્રીનાં સર્ટિફિકેટ ન ફડાય. ‘મા’ એ કોન્વોકેશનનો વિષય નથી. કન્વીકશનનો વિષય છે. મારા આ વ્યાખ્યાનમાં એકસૂત્રતા છે અને નથી. મારું આ વ્યાખ્યાન, વ્યાખ્યાન છે, આખ્યાન પણ છે, ગીત પણ છે, ગદ્ય પણ છે અને કશુંક નામ પાડીને કહી શકીએ એવું કશું નથી અને છતાંય આ બધું જ છે.

મારે સૌથી પહેલા જો ‘મા’ વિશે કોઇ પણ કવિતાની પંક્તિ યાદ કરવાની હોય તો હું રામનારાયણ પાઠકની પંક્તિ યાદ યાદ કરું. બહુ અદભુત કાવ્ય છે. આપણી પ્રજાને નવું એટલા માટે લાગશે કે, કોઇ વાંચતું નથી એટલે નિરાંત છે. અદભુત કાવ્ય છે. એમણે શું કર્યું? પહેલા પંક્તિ સાંભળો. ભજનનો ઢાળ છે. કવિ જાણે છે કે ભજનના ઢાળમાં કોઇ સોફીસ્ટીકેશન ન આવે એટલે ‘પ્રથમ’ નહીં ‘પરથમ’, ‘પ્રણામ’ નહીં ‘પરણામ’. તો એ કહે છે:

“પરથમ પરણામ મારાં માતાજીને કહેજો,”

‘મારા’ શબ્દ કેમ મૂક્યો છે?

મારા પરથમ પરણામ તરીકે પણ ચાલે, અને પરથમ પરણામ ‘મારાં માતાજીને’ આપણે ‘મા’ કહીએ એમાં કોઇ દહાડો સંતોષ નથી થતો. મારી માતા ‘My Mother.’ એટલે

“પરથમ પરણામ મારાં માતાજીને કહેજો,
માન્યું જેણે માટીને રતનજી.”

હું આ કાવ્યની કલ્પના એવી રીતે કરું છું કે એક માણસ આ જીવનમાંથી વિદાય લે છે ત્યારે એ ક્ષણે એને એક વિચાર આવે છે કે મારે કોનાં કોનાં ઋણ સ્વીકારવાનાં? આપણે અમથા અહીંયા ઊભા છીએ તો પણ માઇકવાળાનો આભાર માનીએ છીએ. તો આપણે જે વખતે જતા હોઇએ ત્યારે, પહેલું કોણ યાદ આવે છે? જીવનની છેલ્લી ક્ષણ છે ત્યારે પહેલું જેણે જીવનની પહેલી ક્ષણ આપી તે મા યાદ આવે છે.

“પરથમ પરણામ મારાં માતાજીને કહેજો,
માન્યું જેણે માટીને રતનજી.
ભૂખ્યા રહી જમાડ્યા અમને
જાગી ઊંઘાડ્યા એવા
કીધાં રે કાયાના જતનજી.”

આમાં ‘ભૂખ્યા રહી જમાડ્યા’ મારી દૃષ્ટિએ સૌથી મહત્વનો શબ્દ તે ‘જતન’ છે. હું અહીંયા ઊભો છું. તમે અહીંયા બેઠા છો. આપણામાં કોઇ ખોડખાંપણ નથી. તો માએ કેટલું જતન કર્યું હશે? આપણે પડી ન જઇએ, કોઇ સાહસ ન કરી બેસીએ, દાઝી ન જઇએ…. એનો અર્થ એવો નથી કે જેનામાં ખોડખાંપણ છે એની માતાએ દરકાર નથી કરી. પણ “ભૂખ્યા રહીને જમાડ્યા અમને જાગીને ઊંઘાડ્યા એવા કાયાના કીધાં જતનજી.”

આ કાવ્ય જેના મોંઢામાં મુકાય છે તે હું હોઇ શકું, તમે હોઇ શકો. હું એક વિશિષ્ટ પરિસ્થિતિ કલ્પું છું કે કોઇક એક માણસ લગભગ એની છેલ્લી ઘડી છે. આ માણસ નગુણો નથી. મોટા ભાગના માણસો તો પહેલી ઘડીથી છેલ્લી ઘડી સુધી નગુણા જ હોય છે, પણ આ કવિને એમ થાય છે કે હું અહીંથી જાઉં છું ત્યારે હું કોનો કોનો ઋણી છું ! તમે શાંતિથી વિચાર કરો કે આપણે કેટલા બધાના ઋણી છીએ ! જન્મથી માંડીને મરણ સુધી આપણે આટલું જીવ્યા, આટલું જોયું, આટલું માણ્યુ, આટલું અનુભવ્યું, આટલું લડ્યા, આટલું ઝગડ્યા એ માટે કોના ઋણી છીએ? પણ મરણ વખતે સૌથી પહેલું ઋણ જેણે જન્મ આપ્યો છે તે જનેતાનું.

પ્રસૂતિની વેદનાને એક બાજુ હડસેલીને જ્યારે માતા હસી પડે છે તે ઇશ્વરનો સૌથી મોટો ચમત્કાર છે. ચમત્કારની પ્રત્યેક પળ જન્માષ્ટમી છે. મા એટલે ચિત્કાર અને ચમત્કાર.
દેહમાંથી જે દેહ આપે, જીવમાંથી જીવ આપે, દીવામાંથી દીવો પ્રગટાવે, અપેક્ષા વિના પારાવાર સ્નેહ આપે, જેના પ્રેમનાં લેખાંજોખાં થઇ ન શકે તે મા. ‘મા’નો અર્થ જોડણીકોશમાં જોવાનો નથી હોતો. એ જીવનકોશમાં જોવાનો હોય છે. જીવનકોશમાં પણ જોવા જઇએ તો એનો એક જ અર્થ નથી હોતો. હૃદયથી પ્રત્યેકની મા એક જ હોય છે. સ્વભાવથી પ્રત્યેકના પિતા જુદા હોય છે. માનો એક જ અર્થ હોય છે – અને તે માનો ચહેરો. ભગવાનને પ્રાથના કરતા નાના બાળકને પૂછીએ કે ભગવાનનો ચહેરો કેવો છે, તો એ વર્ણન કરશે તે એની માતા જેવો જ હશે. માની આંખમાં આંસુનું તળાવ હોઠ સ્મિતનાં કમળ અને આસપાસ સુવાસ અને સંગીત હોય છે. મા એટલે સલામતી. ગર્ભમાંથી બાળક પ્રગટે છે એટલે તરત એને વીંટાળીએ લઇએ છીએ, કારણ કે જાણે એમાં એને ગર્ભાશયની હૂંફ મળે છે.

બાળક મોટું થાય પછી ગાભું લઇને ફરતું હોય છે. ગાભું એની સાથે ને સાથે હરતીફરતી મા છે. સ્થૂળ રીતે જનમનાળ કપાય છે પણ સૂક્ષ્મ રીતે કપાતી નથી. એ સમય જતાં સ્મરણનાળ થાય છે.

આપણા અસ્તિત્વની આસપાસ મા હંમેશા એક આબોહવારૂપે, કલાઇમૅટરૂપે, જીવનભરના વાતાવરણરૂપે હવાની જેમ હોય છે. રડવું હોય તો પિતાનો ખભો મળે પણ માતાનો તો ખોળો જ મળે.

સામાન્ય રીતે બાળક જેટલો ભરોસો માતામાં મૂકે છે, એટલો પિતામાં મૂકતું નથી. પિતાને કોઇ વાત પહોંચાડવાની હોય તો એ મોટે ભાગે માતા દ્વારા જ પહોંચાડાય છે. પિતાની હાક અને ધાક હોય છે. માતાનો ભય હોતો નથી. ભય વિનાનો સંબંધ એ જ સાચો સંબંધ હોય છે. સૌથી પહેલું, શબ્દો વિના અપાયેલું અભયવચન એ માતાનું હોય છે.

મા જાણે ઇશ્વરની જેમ અંતર્યામી છે. પોતાના સંતાનને શું જોઇએ છે, એ કોઠાસૂઝથી જાણે છે. એક સંવેદનશીલ, બુદ્ધિશાળી અને માની અતિશય લાડકી છોકરીએ કહ્યું કે હું મારી મા સાથે લડું – ઝઘડું – વહાલ કરું, મનફાવે તેમ વર્તું પણ જો બીજી કોઇ વ્યક્તિ, મારી મા સાથે ગમે તે રીતે વર્તે કે ગમે તે બોલે તે સહેજ પણ સહન ન કરી લઉં, પછી ભલે એ મારા પિતા હોય, હું બધું જ જોઇ શકું છું. એક મારી માનાં આંસુ નથી જોઇ શકતી.

મા ક્રિયાપદ છે, નામ નથી. કોઇ પણ માણસનો જગતમાં સૌથી પહેલો શારીરિક, માનસિક ને આધ્યાત્મિક સંબંધ માતાથી શરૂ થાય છે. મા માત્ર ગર્ભ ધારણ નથી કરતી, પોષણ કરે છે, જન્મ આપે છે, ઉછેરે છે અને સામાજિક રચના એવી છે કે બાળકની પાછળ નામ પિતાનું લખાય છે. પિતાનો પ્રેમ સૂર્ય જેવો છે. માતાનો પ્રેમ ચંદ્ર જેવો છે.
‘Mother is a verb but a noun.’ નામ તો પિતા ખાટી જાય. આમાં આપણા સમાજની ટ્રેજડી છે. હરીન્દ્રે કે મારે એવી પ્રતિજ્ઞા લેવી જોઇએ કે જો ખરેખર Motherhood નો મહિમા હોય તો અમારા છોકરાના નામ પાછળ અમારી પત્નીનું નામ લખાશે. મિતાલી સુશીલા દલાલ ગણાય. તો એ બધાનો અર્થ છે. બાકી અમથા – અમથા Motherhood નાં ગાણાં ગાઇએ એનો શો અર્થ છે. મિતાલી સુશીલા દલાલ Not સુરેશ દલાલ. માતૃત્વનાં ગાણાં કોણે ગાયાં ખબર છે? ચતુર પુરુષોએ ગાયાં છે, કારણકે, ‘They Want more and more’ સ્ત્રીઓના જે ભાગ પાડ્યા કે સ્ત્રી કેવી હોવી જોઇએ.

કાર્યેષુ મંત્રી ભોજ્યેસુ માતા, શયનેષુ રંભા !

પુરુષ આટલો વહેંચાયો છે ખરો? એના ભાગ પાડ્યા છે? અમૃતા પ્રીતમે બહુ સરસ વાત કરી છે. આ સ્ત્રી માટે ત્રણ ઓરડા છે. એક ઓરડો કિચન, બીજો ઓરડો શયનખંડ અને ત્રીજો ઓરડો ડ્રોઇંગરૂમ જેમાં તેને કઠપૂતળીની જેમ બેસવાનું. એને પોતાને, અવકાશ ક્યાં છે? આમાં સ્ક્વેરફીટની, ઓરડાની વાત નથી. સ્ત્રીનો પોતાનો ઓરડો ક્યાં છે?

“હું જન્મ્યો ત્યારે
મેં રડીને ઇશ્વરનો આભાર માન્યો હતો
અને મારી માતાએ હસીને
આંસુ અને સ્મિતનું
સંયોજન કે પૃથક્કરણ
પરમેશ્વર પણ કરી શકે છે ખરા?
પિતા અને પરમેશ્વરનું કામ તો
સત્યના સાક્ષી થવાનું.”

પિતા સત્ય નથી, સત્યના સાક્ષી છે. માતા સત્ય છે અથવા એમ કહી શકીએ કે માતા જેવું કોઇ સત્ય નથી. માતા ધરતી છે અને પિતા આકાશ છે. જગતનું સૌથી પહેલું ચુંબન માતાનું હોય છે. વિનોબા ભાવેએ કહ્યું’તું કે જગતમાં બધું જ પસંદ કરી શકાય છે, માતા પસંદ કરી શકાતી નથી. માતા સ્વ-ધર્મ જેવી છે. માતા એ જ વિધાતા છે એની જોડે એક જ પ્રાસ મળે છે, શાતા. આમ જરા વિચાર કરો. Mother માંથી ‘M’ ખસેડી લો તો ‘Other’ રહેશે. ‘Other’ એટલે શું? મા તેમા બીજા બધા વગડાના વા. મા-માતા-બા-કોઇ પણ નામનો ઉચ્ચાર કરો. મોઢું ખૂલી જાય છે. આ સાંકેતિક છે, કારણ કે મા સાથે જીવન ખૂલી જાય છે. બૃહદ્ ધર્મપુરાણ પૂર્વખંડ: અધ્યાય-૨ માં માતાનાં એકવીસ નામો છે: માતા, ધરિત્રી, જનની, દર્યાર્દ્રહૃદયા, શિવા, ત્રિભુવનશ્રેષ્ઠા, દેવી, નિર્દોષા, સર્વદુ:ખહરા, પરમ આરાધનિયા, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, સ્વાહા, સ્વધા, ગૌરી, પદ્મા, વિજયા, જયા તથા દુ:ખ્હન્ત્રી. ‘મા’ માટે જુદી જુદી ભાષાઓમાં પહેલો અક્ષર ‘મ’ આવે છે. સંસ્કૃત: માતૃ, ગુજરાતી માતા, મા, માડી, માવડી, માતુશ્રી, માવલડી, મરાઠી: માઉલી, ચીની: મુચીન, મામા, અંગ્રેજી: મધર, મમ્મી, મૉમ, ફ્રેંચ: માતર, આપણી માતાની વિભાવના દેવી સુધી પહોંચેલી છે. દુર્ગામાતા, અંબામાતા, માતા સરસ્વતી, સંતોષી, કાળકામાતા, કાલીમાતા, સિદ્ધમાતા, મહાલક્ષ્મીમાતા, પાર્વતી, ભવાનીમાતા, અંબાભવાનીમાતા, માતા રન્નાદે, રાંદલમા, શીતળામા, ગૌરીમાતા, ગોરમા, ગૌમાતા. માતાનાં આ 21 નામો છે આપણી માતાની વિભાવના.

કાકાસાહેબે નદીને લોકમાતા કહી છે પણ મહાભારતકારે નદીઓ ને વિશ્વસ્ય માતર: કહી છે.. વિશ્વની માતા કહી છે. આ સંસાર છે એ પહાડ જેવો કઠોર અને અવિચળ છે,એમાં જો કોઇ વહેતું તત્ત્વ હોય તો નદી જેવો માતાનો પ્રેમ.ક્યાંય પણ કશુંક પવિત્ર અને સંસ્કારી કે પૂજનીય દેખાય ત્યારે આપણે તેની સાથે ‘માતા’ શબ્દને જોડ્યો છે. એમાં કેટલું બધુ6 ઔચિત્ય છે: પ્રકૃતિમૈયા, ધરતીમાતા, ભારતમાતા, માતૃભાષા, માતૃભૂમિ, માભોમ, માદરે વતન,

માતૃદિન, મધર્સ-ડે. અમેરિકનો તો એક દિવસ પણ ઊજવે છે, તેનો આપણે શું કામ વિરોધ કરીએ. એક દિવસ તો ઊજવવા દો. એટલું તો યાદ કરે, એ લોકો નહીં તો સાવ નકામા થઇ જશે. આમેય તે કામના રહ્યા નથી. તો આપણે કંઇ બધા દિવસ ઉપવાસ ન કરીએ, પણ એક દિવસ અગિયારસ કરવી સારી એટલે એમાં કશં ખોટું નથી.
કવિ વ્લેસીમીર હોલનનું ‘માતા’ વિશે કાવ્ય છે જેનો અનુવાદ હર્ષિદા પંડિતે કર્યો છે:

માતા
તમે કદી તમારી માને
તમારા માટે
પથારી પાથરતી જોઇ છે ખરી?
કેવી રીતે ચાદરને ખેંચે છે,
સીધી કરે છે,
સુંવાળી સુંવાળી બનાવીને ખોસે છે
કે જેથી તમને
એની એકાદ કરચલી પણ ખૂંચે નહીં.
એના શ્વાસ,
હાથ અને હથેળીની ગતિ
બધું વહાલું વહાલું લાગે છે
જાણે હજીયે હાથ પરસીપોલીસમાંની
વિગતની આગ ઠારતા ન હોય
એમ અબ ઘડીએ જ
દૂર ચીની દરિયાકાંઠાના કે
અજાણ્યા સાગરના અનાગત તોફાનને
શાંત પાડી પંપાળતા ન હોય !

માનવેતર સૃષ્ટિ, જેમાં પશુઓ-પંખીઓ જીવ ને જંતુઓ પણ આવી જાય. એમાં પણ માતૃભાવ તો હોય જ છે. આ બહુ સહજ અને સ્વાભાવિક છે. વર્તનમાં પણ જોઇ શકો. બિલાડી બચ્ચાને પોતાના મોઢામાં એવી રીતે ઊંચકે છે કે બચ્ચું પડી ન જાય, તેમ જ બચ્ચાને દાંતથી ઇજા પણ ન થાય.

મનુષ્ય પાસે વાણી છે, ભાષા છે એટલે માતાના પ્રેમની ઉષ્મા અને સુષમાને પ્રગટ કરી શકે છે, એ એનું સદ્ ભાગ્ય છે. મારી માતાને અમે ભાભી કહેતાં. અનેક પ્રસંગોમાંથી બે પ્રસંગ મારી આંખ સમક્ષ સતત તરવર્યા કરે છે. હું સાતેક વર્ષનો હોઇશ. વિશ્વયુદ્ધનો સમય હતો. મુંબઇ ખાલી થતું હતું . શહેરની સડક પર માણસો કરતાં ‘ To be let’ નાં પાટિયાં વધારે દેખાતાં હતાં. અમારું બધું જ મુંબઇમાં. તે વખતે અમારા ઘરધણીએ મારાં માબાપને સમજાવ્યાં ને કહ્યું કે અમે ખંભાત જઇએ છીએ અને મુંબઇમાં ગમે ત્યારે બૉમ્બમારો થશે, કોણ રહેશે,કોણ નહીં રહે, એની કાંઇ ખબર નથી. તો તમે નાના દીકરા લલિતને તમારી પાસે અહીં મુંબઇ રાખો અને અરવિંદ ને સુરેશને અમારી જોડે ખંભાત મોકલો. એમણે આનાકાની કરતાં સંમતિ આપી. કદાચ સાંજની ટ્રેન હશે. મારા પિતા, જેમને અમે ‘ભાઇ’ કહેતા, એ ઑફિસે ગયા હતા અને મારી માતા અમને નીચે સુધી મૂકવા આવ્યાં. એ એવી રીતે અમારી સામે જોતાં હતાં, જાણે અમને એ છેલ્લી વાર આંખ ભરીભરીને ન જોતાં હોય ! એમનો એ ચહેરો આજે પણ મારી આંખ સામે એવો ને એવો ઊપસી આવે છે. ખંભાતના વિશાળ ઘરમાં એ ઉદાસ ચહેરાને મેં અનેક વાર યાદ કર્યો છે અને એ વખતે ઘરઝુરાપો-માઝુરાપો અનુભવ્યો છે.

મારી માતાની અંતિમ ઘડી હતી. મારાં માસી કહે, કે તું એમને કાનમાં કંઇક છેલ્લી ઘડીએ કહે. મેં માત્ર એટલું જ કહ્યું કે’ભાભી, તમે જેમ રોજ સાંજે મંદિરે જતાં હતાં એમ જ અહીંથી જાઓ.’ જે માતાએ જીવનમાં આપણને આવકાર આપ્યો હોય, એને ‘જાઓ’ કહેતા6 કેમ જીવ ચાલે? અને છતાંય, માનો જીવ- શાંતિથી જતો હોય તો આમ કર્યા વિના પણ છૂટકો નહોતો. એણે સાંભળ્યું કે નહીં એની આપણને કંઇ ખબર નથી. કદાચ નહીં જ સાંભળ્યું હોય. પણ આ વાક્ય બોલતાં બહુ મુશ્કેલી પડેલી.

બરકત વિરાણીની પંક્તિ મને યાદ આવે છે કે, ‘જેણે મારાં હાલરડાં ગાયાં એનાં મરશિયાં આજે અમારે ગાવાનાં?’મારે માટે માનો એક બૃહદ અર્થ છે. મારી એક વ્યાખ્યા છે કે, ‘જે જતન કરે તે મા.’

ઉમાશંકર ચુનીલાલ મડિયાને મધર મડિયા કહેતા. અને જતન એટલે શું? બહુ સ્થૂળ દાખલો આપું છું કે આપણને છીંક આવે એ પહેલાં એ રૂમાલ આપી દે એ જતન. માને એટલે તો અંતર્યામી કહી છે. આપણને શું જોઇએ? એ એને પહેલા ખબર પડે.’એટલે જ જતન કરે તે મા.’ અને આમ મને મારી માતામાં તો માતાનો અનુભવ થયો હતો, પણ ઘણી વાર મારા મોટાભાઇ અરવિંદ અને આશામાં અને માધુરીબહેન શાહમાં મને એટલો બધો અનુભવ થયો હતો કે’ ‘It is my secret. It is my happiness. I just want to share with myself.’ અને એટલે કહીશ નહીં. માનો પ્રેમ એટલો અંગત છે કે એની જાહેરમાં વાત કરવી મુશ્કેલ છે.

સિદ્ધિ અને પ્રસિદ્ધિ પામેલાં તેમ જ બદનામી પામેલાં સોએક સ્ત્રીપુરુષની માતા વિશેનું એક પુસ્તક હાથમાં આવ્યું. એમાં રાજકારણના માણસો, સૈનિકો, લેખકો, વૈજ્ઞાનિકો, સંગીતકારો, ગુનેગારો, સંતો ઇત્યાદિની માતા વિશે સચિત્ર રૂપરેખા છે.

હેલન કેલર માતા વિશે કહે છે, ‘માના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું? તે મારી એટલી નિકટ છે છે એટલે તો એના વિશે કંઇ પણ બોલવું વિક્ટ છે અને મને એમાં અસંસ્કારિતા લાગે છે.’ જ્યોર્જ વૉશિંગ્ટનની માતા યુદ્ધ દરમિયાન એવું કહે છે કે મારો જ્યોર્જ ઘરે પાછો આવે અને બાગબગીચા સંભાળે તોય ઘણું. સ્ટેલીનની માતાની ઝંખના હતી કે એ પાદરી થાય તો સારું. હિટલર જેવો હિટલર, પોતાના ખાનગી ખંડમાં માત્ર બે જ છબી રાખતો. એક પોતાના મરી ગયેલા શૉફરની અને એક છબી પોતાની માતાની. જ્યારે હિટલરની માતા મૃત્યુપામ્યાં ત્યારે ફૅમિલી ડૉક્ટરે કહ્યું કે મેં કોઇ જુવાન માણસને આટલું ધોધમાર રડતો જોયો નથી.

અબ્રાહમ લિંકને એવો એકરાર કર્યો છે કે જે કંઇ છું કે જે કંઇ થવા માગું છું એનો બધો જ જશ દેવદૂત જેવી મારી માને ફાળે જાય છે. મને યાદ છે મારી માતાની પ્રાર્થનાઓ અને એ પ્રાર્થનાઓ સતત મારી સાથે જ રહે છે, મારી જિંદગી સાથે જડાયેલી છે.

વિક્ટર હ્યુગો કહે છે, માતાના હાથ એટલી બધી નજાકતથી હર્યાભર્યા હોય ચે કે બાળક એમાં ગાઢ નિદ્રા માણી શકે છે. હેંરી બિયર કહે છે, ઇશ્વરને પહેલી વાર માતાનો વિચાર આવ્યો હશે ત્યારે ખુદ ખુદાના ચહેરા પર એક સંતોષનું સ્મિત ફરક્યું હશે અને તરત જ એણે માનું સર્જન કર્યું હશે. મા વિશે ઇશ્વરની કલ્પના આવી હશે. ચિક્કાર સમૃદ્ધ, હ્રદયના ઊંડાણથી ભરી ભરી, અત્યંત દિવ્ય, આત્મશક્તિ અને સૌંદર્યથી સભર સભર.

ઇન્ગ્રીડ બર્ગમૅનને એના જન્મદિવસે કોઇએ ફૂલ આપ્યાં, તો પહેલું કામ એણે એ ફૂલ પોતાની માતાની કબર પાસે મૂકવાનું કર્યું. ખલિલ જિબ્રાન ની માતાનો એમના જીવન પર એટલો બધો પ્રભાવ હતો કે હતો કે ક્યારેક એમ જ લાગે કે આ કવિ માતાના શાણપણનો અઢળક વારસો ભોગવી રહ્યા છે. માતા સ્વરૂપવાન અને નમ્ર. તેઓ બહુ જ સરસ ગાતાં.જિબ્રામ કહેત કે મારી માતા અખૂટ કવિતા જીવ્યાં છે. ભલે એમણે એકે પંક્તિ લખી ન હોય. માતાના હ્રદયના આ મૂંગા ગીતને દીકરાએ જ જાણે વાચા આપી. એક રીતે જોઇએ તો જિબ્રનની પ્રગટ કવિતા એ જિબ્રાનનાં માતા કમિલાની કવિતા. જાણે કે જિબ્રાન પોતેજ એની માતાનું મહાકાવ્ય છે. પોતાની માતાને નિમિત્ત એમણે જગતની તમામ માતાઓને અંજલિ આપી છે.

પૃથ્વીએ એ વૃક્ષો અને ફૂલોની માતા છે, એ જન્મ આપે છે અને જતન કરે છે. વૃક્ષો અને ફૂલો એ ફળ અને બીજની માતા છે. માતૃત્ત્વ એ પ્રકૃતિની નિયતિ છે, સૌંદર્ય અને પ્રેમથી સભર એનો આત્મા સનાતન છે. જિબ્રાનના હ્રદયમાં ‘માત્રાવાસ્યં ઇદમ્ સર્વમ્ ’ ની ભાવના જાણે કે સમુદ્ર થઇને ઘૂઘવતી હતી. ખલિલ જિબ્રાન કહે છે કે આખા વિશ્વમાં જો એક વૃક્ષ હોય તો જગતમાં તમામ રાષ્ટ્રો એની યાત્રાએ નીકળે અને એને ચરણે પડી એની પૂજા કરે. વૃક્ષને એ વહાલ કરતા, પોતાની માતાને કરતા હોય એમ. માતા સાથે, કહો કે એમને મૈત્રીનો સંબંધ હતો. એમણે જિબ્રાન વિશે એક વાર કહ્યું હતું, ‘ મારો દીકરો માનસશાસ્ત્રની સરહદો ઓળંગી ગયો છે- અતિક્રમી ગયો છે. એ માનસશાસ્ત્રથી પર છે.’ માતાના આ ઉદ્ ગાર જ્ઞાનના નહીં, કોઠાસૂઝના હતા. માતા દીકરાની બાબતમાં તટસ્થ નહોતાં એવું રખે કોઇ માને. પ્રારંભમાં અરેબિક ભાષામાં લખાયેલી ‘ The Prophet’ જ્યારે જિબ્રાને માતાને વાંચી સંભળાવી ત્યારે માએ કહ્યું,’હમણાં રહેવા દે, પરિપક્વ થવા દે.’

માતાપુત્ર વચ્ચેનો એક યાદગાર પ્રસંગ. એક વાર માએ દીકરાને કહ્યું,’ જો તું સંન્યાસી થયો હોત અને મઠમાં હોત તો તારે અને લોકોને બંનેને માટે સારું હતું.’ દીકરાએ જવાબ આપ્યો,’હા, એ સાચું છે, પણ હું આ વિશ્વમાં આવ્યો એ પહેલાં જ મેં તને માતા તરીકે સ્વીકારી હતી.’ માએ જવાબ આપ્યો,’તું આવ્યો ન હોત તો તું દેવદૂત હોત.’ ખલિલે ખુમારી સાથે કહ્યું ‘ હજી આજે પણ હું દેવદૂત છું !’ માએ કહ્યું ‘પણ તને પાંખો ક્યાં છે?’ ખલિલે માના હાથ ફેલાવીને પોતાને ખભે જાણે કે લગાડ્યા ને કહ્યું, ‘ જો મારી પાંખો આ રહી.’ માએ માત્ર નિસાસો નાખી કહ્યું, ‘ એ પાંખો તૂટેલી છે.’ મા સાથેનો આ સંવાદ એમના ભીતરમાં એટલી હદે ઘર કરી ગયો કે પછી એમણે એ કથાકૃતિ રચી, એનું નામ ‘ The Broken wings’ આપ્યું.

માતા એ શાશ્વતીનું બીજું નામ છે.

આપણે ત્યાં અનેક વિશેષણોથી માતાને નવાજી છે. ગુણગાન-કીર્તન ગાયાં છે. માતૃદેવો ભવથી માંડીને ‘પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ ઇત્યાદિ. અહીં આપેલાં વિશેષણો માતાના ગુણનું વર્ણન કરે છે. માતા: પ્રેરણામૂર્તિ, વાત્સ્યલમૂર્તિ, જયોતિર્મયી જનની, પ્રેમમૂર્તિ, કરુણામૂર્તિ, ત્યાગમૂર્તિ, સમર્પિતા, દયાળુ, મયાળુ, પ્રેમાળ, સહનશીલતાની મૂર્તિ, અન્નપૂર્ણા, વહાલસોયી, મમતામયી, આદરણીય, પૂજનીય, સ્નેહમયી, મમતાળુ, ભલીભોળી, સ્નેહાળ, સૌજન્યમૂર્તિ, સંવેદનામૂર્તિ, પ્રેમસ્વરૂપ, તીર્થોત્તમ, પુણ્યશ્લોક, વાત્સ્લ્યસિંધુ ઇત્યાદિ.

ધેર કેન બી ધ અધર સાઇડ ઑફ ધે મધર. દુનિયામાં એવાય ઘણા માણસો છે કે જેમને સગી મા હોવા છતાંય માતાનો પ્રેમ મળ્યો નથી. અહીં કોઇ નિંદાનો સવાલ નથી, પણ વિચારવાની વાત છે. આપણે સમજવું જોઇએ કે એ મા છે, છતાં પણ એ માણસ છે, તો માણસમાત્રમાં રહેલા સ્વાર્થ, છળકપટ, પ્રપંચ- આ બધું પણ કેટલીક માતાઓમાં હોય છે એનાં માઠાં પરિણામ સંતાનોને ભોગવવાં પડે છે.

મા એ મા તો છે જ પણ એક ક્ષણ એવો વિચાર કરવાનું મન પણ થાય છે કે આજથી પચાસ-પંચોતેર વર્ષ પહેલાંની મા અને આજની મમ્મીમાં કોઇ ફેર હોય ખરો? શહેરના ભદ્ર વર્ગની સ્ત્રીઓ શિક્ષણ પામેલી છે, એટલે કદાચ બાળકની કેળવણીમાં વધુ રસ લેતી હોય. પહેલાંની માતાઓ સંયુક્ત કુટુંબમાં રહીને સમગ્ર સમય કુટુંબને જ આપતી હતી અને એ વખતે સંયુક્ત કુટુંબમાં બાળકો ઝાઝાં હોવાથી બાળકો જાણે કે આપમેળે જ ઊછરતાં હોય એવું લગે. કુટુંબનું સૌથી મોટું બાળક હોય એ જ જાણે કે બાકીનાંને ઉછેરે. આજે કુટુંબ વિભક્ત થયાં છે. મોટાં ભાગનાં કુટુંબોમાં એક કે બેથી વધારે બાળકો નથી હોતાં. પ્રરંભમાં બધી જ એકાગ્રતા બાળક પ્રત્યે હોય છે. જોકે બાળકની તમામ જવાબદારી સામાન્ય રીતે કેવળ માતા પર નથી હોતી. બાઇ અને આયાઓ વચ્ચે પણ વહેંચાય છે. પ્લે-ગ્રૂપ ! એ એક પ્રકારની આયા જ છે. શ્રીમંતની સ્ત્રીઓ મોટે ભાગે પોતાનો સમય મંડળોમાં, સામાજિક પ્રવૃત્તિઓમાં, કલ્બમાં અને પત્તાં રમવામાં વીતાવે છે. બાળકને જે કાંઇ ભૌતિક સુખ જોઇતું હોય તે પૂરું પાડે છે. ઘણી વાર માબાપ હરવાફરવામાં એટલાં રચ્યાંપચ્યાં હોય છે કે હઠે ભરાયેલા બાળકને શાંત કરવા માટે મોંઘાદાટ રમકડાં આપે અને તાત્કાલિક પ્રશ્ન ઉકેલી નાખે. આવાં એક માબાપને મેં કહ્યું હતું કે છોકરાને તમારી તરસ છે, એને પાણી જોઇએ છે અને તમે સોડા આપો છો. અ છોકરો ભવિષ્યમાં તમારા માથા પર છાણં થાપશે. ત્યારે મને એવો જ જવાબ મળ્યો કે આય બાય પીસ. હું કેવી રીતે સમજાવું કે શાંતિ એ તો મનની વસ્તુ છે, એ બજારમાંથી ખરીદી ન શકાય. જે સ્ત્રીઓ નોકરી કરે છે અથવા પોતાની કારકિર્દી બનાવવામાં રચીપચી હોય છે, એમનાં સંતાનોને પણ સમયનો તો અભાવ જ રહે છે. જોકે આમાં કેટલો સમય આપો છો એ મહત્ત્વનું નથી પણ કેવી રીતે આપો છો એ મહત્ત્વનું છે. તમે સંપૂર્ણપણે એ સમયમાં એકાગ્ર રહો છો કે ડિવાઇડ જ રહો છો ?

પ્રેમ આંધળો છે પણ માતૃપ્રેમ, માતાનો બાળક પ્રત્યેનો, સંતાન પ્રત્યેનો પ્રેમ સવિશેષ આંધળો છે. ઉત્સાહી અને હરખપદુડાં માબાપને સંતાનો વિશે વાત કરતાં સાંભળો, તરત ખ્યાલ આવશે કે કેવી કેવી અતિશયોક્તિ કરે છે. હજી છોકરું જન્મ્યું નથી ત્યાં તો પૂછવા લાગે છે કે કોના જેવું છે? જ્યોતીન્દ્ર દવેએ આના અનુસંધાનમાં એક વાત કહી હતી કે મને ભલે માંસના લોચા જેવું લાગતું હોય, છતાં પણ હું કહું કે બહુ રૂપાળું છે, આંખ માની છે, નાક બાપનું છે. બંને રાજી રહે. છોકરાને માથે વાળ વધારે હશે તો કહેશે વાળ એટલા સારા છે કે આમાંથી વિગ બનાવી શકાય અને ટાલ હશે તો કહેશે કે નસીબદાર છે. આ પ્રેમ કેટલી હદે આંધળો છે કે ત્રણ જ દિવસનુ6 છોકરું હોય અને જરાક હલચલ કરે તો તરત કહે, કેટલી સરસ રીતે આળસ મરડે છે. છોકરું થોડું મોટું થાય અને ભૂલેચૂકે દીવાલ પર એકાદ લીટો કરે તો કહેશે કે કનુ દેસાઇ કે હુસેન થશે. સંતાનો એ આપણા અહ નો વિસ્તાર છે. ઘણા માણસો પોતાનો વંશ રહે એટલા માટે જ પુત્રની ઝંખના કરે છે. આ કંઇ નિરામય દૃષ્ટિ નથી.. મને એવાં માબાપ પણ નથી ગમતાં કે જે કહે આ તો ઘડપણની લાકડી છે. સંતાનોનો પ્રાસ કંતાનો જોડે ન મળવો જોઇએ. એમનું સ્વતંત્ર અસ્તિત્વ છે.સ્વતંત્ર વ્યક્તિત્વ છે. આપણા ઘડપણનાં પગલૂછણિયાં નથી.

આપણે જોરશોરથી માતૃત્વનો મહિમા ગાઇએ છીએ, પણ માતા સિવાય પણ સ્ત્રી એ સ્ત્રી છે એ વાતને સગવડપૂર્વક ભૂલી જઇએ છીએ. સંતાનના લગ્નની મહત્ત્વની વિધિમાં માતા બાજુમાં બેઠી હોય એટલું જ પણ એને ભાગે છેવટે પોતાના પતિની કોણીએ હાથ લગાડ્યા સિવાય કાંઇ કરવાનું નથી હોતું.

માણસના ભાગ્યમાં જે હોય એ તો એણે વેઠવાનું જ છે, પણ પાઠકસાહેબ વિધાતાને, ઇશ્વરને કહે છે કે, ‘ગુંજાશથી વધુ દુ:ખ કોઇને ન આપવું, હજી જે બાળક માતાની વેલથી છૂટું નથી પડ્યું, હજી જગત દેખતાં શીખ્યું નથી, હજી લાડથી રડ્યું નથી, હસ્યું નથી, હજી હઠ કરીને કશું માગી પણ શક્યું નથી, હજી એને માતાની પૂરેપૂરી પહેચાન પણ નથીથઇ ત્યારે હે ઇશ્વર ! એને નમાયું અને ઓશિયાળું કરીને જગતના જંગલમાં મૂકવાની ભૂલ ન કરતો.’

મહાભારતના શાંતિપર્વમાં સરસ વાત કરવામાં આવી છે. માણસ ખરેખર વૃદ્ધ ક્યારે થાય છે? કહ્યું કે માતાનો વિયોગ થાય ત્યારે માણસને પોતાની ઉંમર વધી ગયાનું ભાન થાય છે. કોઇને ત્યાં દીકરાના દીકરા રમતા હોય પણ જો એની મા જીવતી હોય તો 99 વર્ષે પણ એને પોતે નાનો બાળક હોય એમ લાગે છે અને મા પાસે એ રીતે લાડ પણ કરે છે. શાંતિપૂર્વક જાણે કે માનો મહિમા ગાતું પર્વ હોય એમ વ્યાસજી કહે છે,’મા જેવો છાંયડો ક્યાંય હોય નહીં, માતા જેવી કોઇ ગતિ નહીં, માતા સમું બીજું કોઇ છત્ર નહીં અને મા જેવું પ્રિય કોઇ હોય જ નહીં.’

માતાપિતા માટે જગતની મોટામાં મોટી કરુણ ઘટના કઇ?માતાપિતાની હયાતીમાં સંતાનનું મૃત્યુ, તે વંશજ પૂર્વજ બની જાય ત્યારે ઇશ્વરને પણ ગુનેગાર ગણવાનું મન થાય.
ઉમાશંકર જોશી માતા વિષે કહે છે કે,’માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણ કોણ ચૂકવી શક્યું છે? ખરું જોતાં એ ઋણ નથી. ઋણ ગણીને એનો રોપિય-પૈસામાં હિસાબ માંડવામાં અને જગતની માતાઓનાં ઋણ ચૂકવવાનો સ્વયં ભગવાન હવાલો લે તો ભગવાનનુ પણ દેવાળું નીકળે.’


Leave a Reply to Dhirajlal SonejiCancel reply

18 thoughts on “માતાનું ઋણ – સુરેશ દલાલ

  • Nirav

    એક એક શબ્દ મા “મા” ની લાગણી નો એહસાસ કરાવે પાપણો ની દિવાલો નો ભેજ જાણે અશ્રુ થૈને હ્રદય ની ધરતી ને ભીઁજવે એવા આ અવર્ણીય સઁવાદ ને સલામ.

  • Dhirajlal Soneji

    માને શબ્દોથી વાર્ણવી ન શકાઈ. ભલે ઈશ્વરને વર્ણવી શકીઍ.
    મા પાસે જીવ્યા છે તેઓની અનુભુતિ ઈશ્વરનાસાક્ષાતકરથી પણ વધુ હોય છે

  • Renik

    Really nice !! its not wonder that..in entire world almost all writer or poeter , they never forget to cover maa , mum or mom , B’coz there si no alternate ! Thanks for posting on Aksharnad.

  • snehkumar shukla

    SUPERB ,NO OTHER WORDS.
    MOTHER IS THE FIRST TEACHER OF EACH CHILD.SHE CONTINUE HER BASICS YEAR AFTER YEAR.BOTH MOTHER AND CHILDREN SHOULD READ THIS ARTICLE SO THAT CHILDREN REALISE THE ROLE OF MOTHER IN THEIR LIFE AND MOTHER UNDERSTAND HER RESPONSIBILITY TOWORDS THEIR CHILDREN.
    THANKS TO AKSHARNAD FOR THIS NICE PRESENTATION.

  • Hemant shah ( Rajpipla - Gujarat

    ખુબ સરસ લેખ !!!!

    બધા ગુજરાતિ એ વાચ્વા જેવો સરસ નિબન્ધ !!!!

    હેમન્ત શાહ્

  • La' Kant

    જો કે અગાઉ પણ વિનંતી કરી જ છે! છતાં ભાઈશ્રી હરીશ રાઠોડ ની જરૂરતમાં સૂરપૂરાવું છૂ! તમે વિષેશ રીક્વેસ્ટ સામે ખાસ વ્યવસ્થા સહ મોકલી શકો એવું કૈક ન જ થઇ શકે? ઈ -મેલથી પણ મોકલી શકો…સિલેક્ટીવ બેસીસ પર … જરૂર ધ્યાન આપશોજી,જીગ્નેશ્વ્હાલા!!!

    • AksharNaad.com Post author

      ઘણા વખતથી આપ સૌ તરફથી કૃતિઓ ડાઉનલોડ કરી શકાય / સંગ્રહી અને વહેંચી શકાય તે માટેની આ માંગણી છે, એકાદ બે દિવસમાં જે તે લેખની નીચે જ તેની પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા મૂકવાનો પ્રયત્ન કરીશ. ફક્ત બે ત્રણ દિવસ રાહ જોશો.

      આપ સૌની હક સાથેની પ્રેમભરી માંગણી બદલ ખૂબ ખૂબ આભાર.

      જીજ્ઞેશ અધ્યારૂ

  • La' Kant

    ‘બાય ડીફોલ્ટ’ આપણ ને બધ્ધાને ઈશ્વરની કુદરતી વ્યવસ્થા તરફથી એક અનમોલ ભેટ એટલે ” મા ” !
    આ બધા-વિચારો, વ્યાખ્યાઓ ,વાતો,કવિતાઓ,અવતરણો, પ્રિય કવિશ્રી ડો. સુ.દ. ના સ્વમુખેથી સાંભળ્યાનો લહાવો લીધો છે! એ એક મારી સદનસીબી છે!
    તેઓ શબ્દ-સાહિત્યના ” કિંગ ખાન ” (બાદશાહ,શ હેનશા હ )છે જ.
    સો સો સલ્લામ તેમના વાક્પટુતા,કાવ્યમયતા , સૌહાર્દ , અને કટાક્ષભરી પૈની ધારવાળી શબ્દયોજના ભરી વાણી અને કલમ માટે . ત્રણ પેઢીના સાહિત્ય વિકાસ-ક્રમ ના તેઓ અધિકારી ” સ્વામી ” છે! એક સબળ ધરોહર
    છે! ઘણા નવીપેઢીના કવિઓ એ તેમનામાંથી પ્રેરણા લીધી છે, નકલ પણ કરી છે. હું એમાંનો એક.તેમને “હાસ્ય-વ્યંગ”- હ્યુંમર-સેન્સ શ્વાસ જેવો સહજ
    છે !તાલીઓ પડાવી લઇ જઈ શકે એવી એમની શૈલી રહી છે.એક વય- કાળ માં તેઓ માટે “અભિમાની”/અહંકારી” એવા વિશેષણો પણ વપરાતા સાંભળ્યા છે. ચંદ્રકાંત બક્ષીને અને એમની હાજરીને કારણે ઘણા પ્રતિસ્પર્ધીઓ બે અલગ છેડાના હોઈ’ “લવ-હેટ “ભર્યો માહોલ માણી ચુક્યા છે. આજે જેમ ‘કાજલબેન ઓઝા વૈદ્ય ‘ પોતાને બિનહરીફ માને છે તેમ એવું સ્ટેટસ ” સાડા હક ઇત્તે રખ ” ની અદાથી ભોગવી ચૂકયા છે.
    હવે, કોઈના પ્રશંશા કે/અને નિંદા તેમને ન જ સ્પર્શે એવા, ” સંત-કક્ષાની મનોદશાના સંતૃપ્ત ધણી હોય એવું તેમના ઘણા લખાણોમાં પ્રતિબિમ્બિત થાય છે! જીગ્નેશ્ભાઈને અને તેમને આભાર અને “ઋણ-સ્વીકારસહ વંદન -(ભૂલ-ચૂક માટે ક્ષન્તવ્ય)-લા’કાન્ત ‘”કંઈક ” /૧૧-૬-૧૨

  • Ghanshyam Jani

    માં,બા, આ બને સબ્દો માં,માં સબ્દ પ્રચલિત વધારે છે,પણ પ્રાયોગિક સબ્દ બા વધારે છે.અનુભૂતિ માં જે આનંદ મળે છે.તેજ સાચો આનંદ છે. બા બા બુમો પાડવા કરતા મન માં ફક્ત માનું સ્મરણ કરતા જે અલોકિક આનંદ છે તે ઈશ્વર પ્રાપ્તિ થી ઓછુ મુલ્યવાન નથી. આજ નો યુગ કે પછી આજ ની પેઢી “વારે વળે તેવી નથી ,હારે વળે” તેવી છે જેથી વધરે પ્રમાણ માં મળેલ છે તેનું સુખ પામી સકતો નથી પણ ગુમાવ્યું જે તેની દુખ જાણી સકે છે.આજ નો યુવક માબાપ ની વાત માનવાજ તૈયાર નથી ત્યારે કીધેલું અનુસરણ કયારેય નથી કરવાનો.આજના વડીલો પાશે એટલો આત્મવિશ્વાસ નથી કે આપેઢીને કઈ સમજાવી સકે નથી તેવા કોઈ સમાજ સુધારક કે જે માઈલ સ્ટોન બની સકે.અમારા જમાના માં આ બની ગયા અમારા જમાના માં આમ થતું હતું .માટે સોઉં મિત્રો ને પાર્થના કે આવા લોકો ખોટા નથી પણ સમાજ ની પગદંડી બની સકે તેવા કાર્યો કરી યુવા ધન ને હિંદુ સંસ્કૃતિ તરફ વળવા વાળા કાર્યો કરી એક દ્રષ્ટાંત ઉભું કરો.

  • Harish Rathod

    રમેશભાઈ ચાંપાનેરી, વલસાડના ઉપરોક્ત મંતવ્યને હું અક્ષરસઃ ટેકો આપું છું.

  • Ramesh Champaneri valsad

    જીગ્નેશભાઈ પ્રસંશાની વાત નથી. પણ આ લેખને અક્ષરનાદમા સમાવીને તમે સ્વયં મા બન્યા છો. તમે એનું સર્જન ભલે નથી કર્યું પણ આયાના ભાવે જતન કરીને વાત્સલ્યની સરવાણી વાંચક સુધી વહેવડાવી છે. શ્રી સુ.દ. તો સાહિત્યની જનેતા છે. તમને બંનેને અભિનંદન.