ભોળાભાઈ પટેલ અને ‘ચિલિકા’નું વર્ણન – પ્રવીણભાઈ ઠક્કર


ચિલિકા… શ્રી ભોળાભાઇ પટેલ રચિત પ્રવાસ વર્ણનોના નિબંધની પુસ્તિકા ‘વિદિશા’ નું એક પ્રકરણ છે.. એ પ્રકરણમાં ઓરિસ્સાના ‘ચિલિકા’ સરોવારને કેન્દ્રમાં રાખીને વર્ણન છે.

ચિલિકા સરોવર વિષે ઉડીયા કવિ શ્રી રાધાનાથ રાય અને બંગાળી કવિશ્રી બુધ્ધદેવ બસુ ની પંક્તિઓ પણ શ્રી ભોળાભાઇએ સમાવિષ્ઠ કરી છે. આ રહી તે પંક્તિઓ..

ઉડીયા કવિની રચનામાં ‘ળ’ નો પ્રચુર પ્રયોગ છે.

ઉત્કળ-કમળા-વિળાસ દીર્ઘિકા
મરાળ-માળિની નીળાંબુ ચિલિકા
ઉત્કળર તુંહી ચારુ અળંકાર
ઉત્કળભુવને શોભાર ભંડાર
– રાધાનાથ રાય

કિ ભાલો આમાર લાગલો આજ
એઇ સકાલ બેલાય કેમન ક‘રે બલિ.
કી નિર્મલ નીલ એઇ આકાશ,
કી અસહ્ય સુંદર,
યેન ગુણીર કણ્ઠેર અબાધ ઉન્યુક્ત તાન,
દિગન્ત થેકે દિગન્તે…
– બુધ્ધદેવ બસુ

શ્રી ભોળાભાઇ પટેલ લિખિત ‘ચિલિકા’ અવલોકીને કંઇક આવું સમજાયું – ભોળાભાઇના શબ્દો માત્ર વાંચવાના નથી – વાંચીને, અવલોકીને, વાગોળીને એને માણવાના હોય છે ! લેખકશ્રી કહે છે… તે નીચે મારા શબ્દોમાં છે.

કવિતા વાંચીએ કે અન્ય કોઇ કલાને નીરખીએ તો તેનું જે વિષયવસ્તુ હોય, તે આપણી કલ્પનાનું પણ વિષય વસ્તુ બને. અને પછી જ્યારે એ કલ્પના વાળી જ બાબત આપણી આંખોથી પ્રત્યક્ષ જોવાનું બને ત્યારે કલ્પનાની આંખો વડે જોવાયેલું હોય એનાથી કંઇક જુદા જ પ્રકારની સૌંદર્યાનુભૂતિ થાય.

બીજા શબ્દોમાં, શબ્દોના માધ્યમથી મનોભૂમિની પૃષ્ઠભૂમિ પર જે કલ્પના સ્ફૂરીત કે અંકીત થઇ હોય તેને પ્રત્યક્ષ નજરે જોતાં કંઇક જુદી જ સૌંદર્યાનુભૂતિ થવાની. તેમ છતાં પણ કલ્પના જગતનો જે આસ્વાદ હોય તે કલાગત અને અનન્ય હોવાનો. એવો પૂર્વાખ્યાલ ભલેને પ્રત્યક્ષદર્શનની પ્રથમ અનુભૂતિ વખતે થતાં રોમાંચથી સભર ના પણ હોય, તો ય, કલ્પનાગત ખ્યાલ ભાવના સમન્વિત હોવાથી અનેરો બની રહે છે. – ભોળાભાઇ ચિલિકાના વર્ણન પહેલાં આવી વાત રજુ કરે છે.

ટૂંકમાં, શબ્દો જ્યારે ભાવ જગતને ઝંકૃત કરી જાય તો, કલ્પનાઓના ગગનોમાં પણ એક ભાવના સમન્વિત હોવાથી સૌંદર્યાનુભૂતિ સાકાર થઇને અનુભૂત થઇ શકે.. !! ?? એ માટે તો ભોળાભાઇ લિખિત ‘ચિલિકા’ને વાંચીને, અવલોકીને, વાગોળીને એને માણવું પડે.

મૂળ વાત તો એટલી જ છે કે, પ્રત્યક્ષ નજરે જોયા પછી તો છેવટે મનોભૂમિની પૃષ્ઠભૂમિ પર તે દર્શનની છાપ જ અંકીત રહેવાની ને ? અને પછી જ્યારે એની વાત કરીએ તો, એ શબ્દોથી પણ સજીવન થાય.. એ જ રીતે જો પહેલાં શબ્દોથી નિહાળીએ અને અવલોકીએ તો પછી પ્રત્યક્ષનું શું મહત્વ છે…?

શ્રી ભોળાભાઇ પટેલ દ્વારા અંકુરીત ‘ચિલિકા’ નિબંધ અવલોકીને થયેલી એક રચના …

સ્વપ્ન જગતની નક્કર અનુભૂતિ…

ચિલિકા, ઓ ચિલિકા !
કવિશ્રી રાઘાનાથ રાયની
સતત સાહચર્યપૂર્ણ સખી,

ઓ, ચિલિકા !!
નીલ વર્ણ સુંદર મનોહર સોહાય,
સુપ્રભાતે ને સમી સાંજે,
અપ્રતિમ સૌંદર્યથી તારા,
કો વિધ વિધ રંગો સમ વર્ષા વિખેરાય !

ઉંચા-નીચા પહાડોની મધ્યે,
તરુવરના ઝુંડોથી આચ્છાદિત,
જડત્વમાં પણ એક ચૈતન્ય પ્રસરે !!
આભૂષણોની રમણીયતા ને શોભાનો ભંડાર,
મનોહર મનરંજક ઝાંખી તારી !
માનવસહ પશુ પંખીને ય ચાહત તારી,
હંસ વિહંગોને ય તું સેવ્યમાન, ઓ ચિલિકા !

ગાઢ રાગાનુભુતિપૂર્ણ અપ્રતિમ સૌંદર્ય તારુ,
મનોહર ને એક કલાગત આસ્વાદ !!
ભાવપૂર્ણ દર્શન તારુ, અનન્ય ને અનેરું,
કવિશ્રી ભોળાભાઇ પટેલને મન દર્શન તારું
– પંચેન્દ્રિયોની ઇન્દ્રિયાતીત આહલાદ્ક અનુભૂતિ !!

ઓ ચિલિકા ! મનમાં એક આશ ઝૂરે,
તડપન જાગે, પામવા એ આસ્વાદ,
આહલાદ્ક આંખોની એવી કોઇ તૃપ્તિ કાજે,
ઉર્મિઓની ઉત્કટતાનો એક વંટોળીયો !!

સંસ્પર્શથી તારા ઝંકૃત, સમગ્ર ચેતનાતંત્ર,
કવિતામય અનુભૂતિ કોમળ કોમળ,
ઉત્કટતા ને સ્ફુરણા એવી ઉઠે,
નિરક્ષરની પણ સર્જનાત્મકતા ખીલે,

એક રોમાંચક આહલાદક રાગાનુભૂતિ,
ગ્રસી લે યુગો તરસ્યા મનને એ સૌંદર્યાનુભૂતિ,
નીલવર્ણ જળરાશિથી છલોછલ ઓ સરોવર… ચિલિકા !!

– પી. યુ. ઠક્કર..

આપણી ભાષાના એક આગવા સર્જક, નિબંધકાર, વિવેચક અને અનુવાદક એવા શ્રી ભોળાભાઈ પટેલનું ગત અઠવાડીયે નિધન થયું, તેમના અનેક સર્જનોમાં વિદિશા (૧૯૮૦) એ તેમનો પ્રવાસનિબંધોનો આગવો સંગ્રહ. આ પુસ્તકનું મુખ્ય ક્લેવર પ્રવાસ નિબંધોનું છે. ‘વિદિશા’, ‘ભૂવનેશ્વર’, ‘માંડું’, ‘ઈમ્ફાલ’, ‘જેસલમેર’, ‘ચિલિકા’, ‘બ્રહ્મા’, ‘ખજુરાહો’, ‘કાશી’, ‘રામેશ્વરમ્’- એમ દસ સ્થળોનાં પ્રવાસ ઉપરાંત લેખકે પોતાના ગામનું ભ્રમણ પણ અહીં વર્ણવ્યું છે. વર્ણનોમાં અનેરુ તત્વ છે જે ચિત્રને આંખો સામે ખડું કરી દે છે. તેમના વર્ણનોમાં સૂક્ષ્મતા અને સૌંદર્ય ભારોભાર છે. તેમાંથી ચિલિકા’ ના વર્ણન અંગેની વાત શ્રી પ્રવીણભાઈ ઠક્કરે અહીં કરી છે. સદગતના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે આવો તેમને શબ્દરૂપી શ્રદ્ધા સુમન અર્પીએ.

આપનો પ્રતિભાવ આપો....