શકુની ની રોજનીશી (ભાગ ૬) – મોંઘવારી અને ગાંધાર બંધ 4


મોંઘવારી, ભ્રષ્ટાચાર અને પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા રાજકારણીઓ સર્વવ્યાપક સાવર્ત્રિક અને સમયના બંધનોથી પર સમસ્યા છે. મહાભારત કાળમાં પણ આ સમસ્યા હતી જ! શકુનીજીની ડાયરીના પૃષ્ઠ ક્રમાંક ૪૨૦ પર આ બાબતનો ઉલ્લેખ છે. અક્ષરનાદ પર પાંચ પાંચ લેખ મૂક્યા હોવા છતાં શકુનીજીએ કોપીરાઈટ ઉલ્લંઘનનો કોઈ કૅસ કર્યો નથી એટલે મને લાગે છે કે મારે આ ડાયરીનું પબ્લિકેશન પૅઈડ કરી દેવું જોઈએ. ઍનીવેઝ આજે વાંચીએ શકુનીજીના વિચારો, તારીખ ૨૩ જુલાઈ ૨૨ ડી.કે. (ડ્યુરીંગ કૃષ્ણ) શકુનીજીની ડાયરીના અન્ય પાનાઓ આપ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

* * *

આજે આખોય દિવસ ખૂબ અકળાવનારો હતો. સવારમાં ઉઠ્યો ત્યારથી પરમદિવસે મેં તરતા મૂકેલા વિધાન સામે મીડીયા અને પત્રકારોનો આખો સમૂહ મારા એકદંડિયા મહેલની સામે જમા થઈ રહ્યો હતો. પરમદિવસે મને મારા સેક્રેટરીએ કહ્યું હતું કે ‘આજ કુછ તૂફાની કરતે હૈ’ અને મેં પ્રિ-બજેટ ભાષણમાં સંથાગારમાં કહેલું કે કેટલાક કરવેરા, કેટલાક ભાવવધારા કરવા એ સરકારની મજબૂરી છે, ઘોડાગાડી અને બળદગાડા માટે વાપરવામાં આવતા બળતણ (બળદગાડામાં જોડાતા બળદો અને ઘોડાગાડીમાં જોડવામાં આવતા ઘોડાઓના ખોરાક)ના ભાવ અનિયંત્રિત કરેલ છે, વળી હસ્તિનાપુર મુદ્રાની સામે ગાંધારમુદ્રાનું સતત થઈ રહેલું અવમૂલ્યન જોતાં હસ્તિનાપુરથી આયાત કરવામાં આવતા બળતણના ભાવ આપોઆપ જ વધી ગયા, એ બધે પહોંચી વળવા ભાવ અનિચ્છાએ વધારવો પડ્યો છે. વિરોધપક્ષોએ ગઈકાલે સંથાગારમાં મુદ્દો ઉછાળ્યો કે મારુ અકાઊન્ટ ‘રિઝર્વ બેન્ક ઑફ હસ્તિનાપુર’ માં છે અને ત્યાંની મુદ્રામાં જ મારી પાસે કાળુ નાણું ત્યાં જમા છે, તેથી હું પોતે જ ગાંધારની મુદ્રાઓનું અવમૂલ્યન થવા દઉં છું. કોને ખબર આ બધી વાતો બહાર કેમ આવી જાય છે !

વાતનું બેકગ્રાઊન્ડ પણ લખવું જોઈશે – ‘ફાટા’ નામની ગાડાઓનું ઉત્પાદન કરતી કંપનીએ તેમનું બળદગાડાનું સૌથી સસ્તુ મોડૅલ બજારમાં ઉતાર્યું છે, જેનું નામ છે ‘ધેનો’ અને બળદની એવરેજ પણ તેમાં સવાકિલો ચંદી પ્રતિ કિલોમીટર જેવી આવે છે. સામે પક્ષે ઘોડાગાડીઓનું ઉત્પાદન કરતી ‘અંજની’ એ તેમનું સૌથી વધુ વેચાઈ રહેલ મૉડેલ ૪૨૦ માં સુધારા વધારા કર્યા છે, જેમાં ઘોડાની એવરેજ અડધો કિલો ચંદી પ્રતિ કિલોમીટર આવે છે. આ બંને કંપનીઓમાં મારો ‘શૅર’ છે. હવે ચંદીના વેચાણમાં થનારો ઘટાડો અમારી ગાંધાર ચંદી કોર્પોરેશન લિમિટેડ અને ગાંધારીસ્તાન ચંદોલીયમના નફામાં ગાબડું પડશે. એ બંનેમાં પણ મારો ‘શૅર’ છે. નફામાંની એ ખોટને પહોંચી વળવા મેં ચંદીનો ભાવ થોડોક વધાર્યો. આ જ વાતનો ફાયદો લઈને વિરોધપક્ષો સંથાગારમાં અમારા પર તૂટી પડ્યા. ચંદીના ભાવમાં ફક્ત પ્રતિ કિલો સાત કાષાર્પણનો ભાવ વધારો કર્યો તો જાણે આખી જીવનવ્યવસ્થા બગાડી નાંખી હોય તેમ લોકો વિરોધ પર ઉતરી આવ્યા. આવતા અઠવાડીયે તેમણે ગાંધાર બંધનું એલાન પણ આપ્યું છે.

જો કે મેં આ ભાવવધારાને વ્યાજબી દર્શાવતી એક પ્રેસનોટ રીલીઝ કરી છે જે મુજબ
– ભાવવધારાને લીધે લોકો વાહનોનો ઉપયોગ ઘટાડશે જેથી બળદ / ઘોડાના મળ મૂત્ર, ઉડતી ધૂળ, અવાજ વગેરે પ્રદૂષણોમાંથી છૂટકારો મળશે.
– મદ્યપાન કરીને વાહનચાલન કરવું શક્ય નહીં રહે કારણ કે આટલા ભાવવધારા પછી મદ્ય ખરીદવાના પૈસા જ કોઈ પાસે નહીં રહે.
– વિશ્વરેકોઋડ બનશે સસ્તામાં સસ્તુ વાહન અને મોંઘામાં મોંઘું બળતણ

હવે તમે જ કહો, જો લોકો પાસે એટલું ધન હોય કે તેઓ બળદ, બળદગાડું, ઘોડા, ઘોડાગાડી વગેરે વસાવી શકે તો પછી ચંદીના ભાવમાં થોડોક વધારો થાય તો તેમને પેટમાં કેમ દુઃખે છે? એમનું કહેવું છે કે અમારા પૂર્વ પ્રધાન અર્થશાસ્ત્રી અને તત્કાલીન પ્રધાન મંત્રી મગધ, મદ્ર, વિદેહ અને છેક કાંપિલ્ય સુધી જેમની વિદ્વત્તાના વખાણ થાય છે તેવા શ્રી ભુવન મોહન ખારીશીંગ પોતાના દેશની અર્થવ્યવસ્થા જ સંભાળી શક્તા નથી તો સામે પક્ષે તત્કાલીન અર્થશાશ્ત્રી બોલએન્ડ મુકરજી પ્રધાન રાષ્ટ્રપતિ થવાની શક્યતાઓ તપાસવામાં વ્યસ્ત હોવાથી તેમને અર્થશાસ્ત્રમાં નહીં પરંતુ રાષ્ટ્રપતિભવનના બગીચાની લૉનમાં વધારે રસ છે.

કૃષકો કૃષિઉત્પાદન સફળ જવાને લીધે હતાશ છે, ગાંધાર રાષ્ટ્રીય ભંડારણ નિગમના ગોડાઊનમાં અનેકો ટન અનાજ પડી – સડી રહ્યું છે જેને ખરીદનાર કોઈ નથી (આમ પણ એ કોઈને આપવાનું નથી). ગત વર્ષે ભંડારેલ એ અનાજનો હેતુ આ વર્ષે તેને બમણા ભાવે વેચવાનો હતો, પરંતુ વધુ ઉત્પાદને યોજના આયોગના પ્રમુખ ડોન્ટ મેક દેશ દીવાલીયાના આયોજન પર પાણી ફેરવી નાંખ્યુ. અને કૃષિ મંત્રી શરત પાવરની કમાવાની આખી યોજના ઉંધી પડી ગઈ. મીડીયા સુધી આવી વાતો કોણ પહોંચાડી આવે છે એ જ ખબર નથી પડતી.

હમણાં હમણાં વત્સ દુર્યોધન ખૂબ ચિંતામાં રહે છે. પાંડવો સાથે તેમનો જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં વનભ્રમણનો કાર્યક્રમ નક્કી થયો છે. આ માટે મિનિસ્ટ્રી ઑફ એનવાયરોમેન્ટ એન્ડ ફોરેસ્ટની પરમિશન લેવાઈ ગઈ છે. અને કાંઠાળ પ્રદેશોમાં ફરવાનો કાર્યક્રમ હોવાથી મિનિસ્ટ્રી ઑફ ડિફેન્સ અને ક્રેઝ રેગ્યુલેટરી ઝોનની પણ પરવાનગીઓ આવી ગઈ છે. અમારું, આઈ મીન જીજાશ્રીનું રાજ્ય હોવા છતા અમારે બધે ‘ચા-પાણી’ના કાષાર્પણ ખર્ચવા પડ્યા છે કારણકે જીજાજી સદાય સાઈલેન્ટ મોડ પર જ રહે છે. કાર્યક્રમ ઘડાયો ત્યારથી દુર્યોધનને ચિંતા છે કે ભીમ બધું જ ભોજન આરોગી જશે તો તેને શું મળશે. આ વાતથી એક સુંદર વિચાર મને આવ્યો જે મુજબ મેં મારા ગુપ્તચરોને ગઈકાલથી એ જાણવા લગાડી દીધેલા કે જો ભીમ આટલું બધું ખાતો હોય તો એમના ઘરનું બજેટ કેમ ચાલે છે? આમ પણ એ લોકો બિલો પોવર્ટી લાઈન વર્ગમાં આવતા નથી અને અમે તેમને અબોવ પોવર્ટી લાઈન ના વર્ગમાં આવવા દેતાં નથી. એટલે એમના ઘરખર્ચની જોગવાઈઓ કઈ રીતે થાય છે એ જાણવું અતિ આવશ્યક છે.

એ મુજબ આજે સવારે એક ગુપ્તચરનીએ સમાચાર આપ્યા કે પાંચ પાંચ પાંડવો અને માતા કુંતાનું ભોજન બનાવી બનાવીને દ્રૌપદી ખૂબ થાકી જાય છે. એ માટે જાણે કોઈ પ્રસંગ હોય એ રીતે તેણે ભોજનની તૈયારીઓ કરવી પડે છે. અમારે ત્યાં તો કંદોઈઓ રસોઈ બનાવે છે અને ભાતભાતના પકવાનો બને છે, પરંતુ રાજ્યાશ્રિત હોવા છતાં એ સેવકોની સગવડ પાંડવોને ઉપલબ્ધ કરાવાઈ નથી. દ્રૌપદી સરલા હલાલની રૅસિપી બુક વાપરીને અનેક વાનગીઓ બનાવે છે, અને તેમને ડિફેન્સ મિનિસ્ટર વિદુરના ઘરેથી સામગ્રી પહોંચાડવામાં આવે છે. તેણે એવા પણ સમાચાર આપ્યા છે કે ભીમનો પ્રિય ખોરાક લાડવા છે. મોંઘવારીને લીધે લાડવાની ફિગર સાઈઝ ઝીરો થઈ ગઈ છે, એ લાડવી જ રહી છે પરંતુ ભીમના ભોજનપ્રેમ પર તેની કોઈ અસર થતી નથી. આ ડીટેઈલ્સને ધ્યાનમાં રાખીને તેને ઠેકાણે પાડવા કાંઈક વિચારવું પડશે. પાંડવોને ઠેકાણે પાડવાની તક હોવાથી મારી નજર આ વનભ્રમણ પર છે !

મોંઘવારી સર્વત્ર વ્યાપક છે છતાંય અમને ક્યાંથી એ નડે? મોંઘવારી તો અમારી ગાંધારજનોની કુળદેવી છે, અને ભ્રષ્ટાચાર કુળદેવતા કહેવાય એટલી હદે ફેલાયેલ છે, પરંતુ મારો ‘કટ્’ બધે મળતો હોવાથી મેં એ બાબતે કાંઈ પણ પ્રતિભાવ આપવાની ના કહી દીધી. હવે આ ગાંધાર બંધ પર બધાની નજર છે ! જોઈએ કેટલીક વાર બંધ પાળે છે કારણકે ચંદીના ભાવમાં વધારો આવતા પખવાડીયે ફરીથી કરવાનું ગોઠવાઈ રહ્યું છે.

Sign (હિઝ હાઈનેસ પ્રિન્સ ઑફ ગાંધાર મહામહિમ શકુની)

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “શકુની ની રોજનીશી (ભાગ ૬) – મોંઘવારી અને ગાંધાર બંધ