બે અછાંદસ – વિજય જોશી 1


૧. ઉઝરડા

મન તો હતું,
નિઃશબ્દ નિઃસ્તબ્ધ કોરું,
તો’ય,
કેમ દેખાતા હશે
અસ્પષ્ટ જૂના ઉઝરડા?
ઢાંકી ઢાંકીને થાક્યો,
તો’ય,
સ્મૃતિના અંધારાને
કેમ તડ પાડતા હશે,
યાદોના અજવાળાં?
એકાંતની આદત તો પાડી’તી
તો’ય,
કેમ આકાશમાં કાણાં પાડતાં હશે,
અશ્રુ-ધારાના અખંડ છાંટા?
ખબર છે કે મૃગજળ એક આભાસ છે,
તો’ય
કેમ પલળવાની રાહ જોતા હશે,
ધગધગતી રેતીના આ ઢગલાં?
મન તો છે,
નિઃશબ્દ નિઃસ્તબ્ધ કોરું.
તો’ય,
કેમ દેખાતા હશે,
વધારે સ્પષ્ટ તાજા ઉઝરડા?

૨. જીંદગી

કાન ગયા સાંભળ્યા વગર.
સ્મૃતિ ગયી સ્મરણ કર્યા વગર.
અવાજ ગયો પડઘા પાડ્યા વગર.
નામ ગયું નામ કમાવ્યા વગર.
આંખો ગઈ દુનિયા જોયા વગર.
પગ ગયા પગલાં પાડ્યા વગર.
જીંદગી વેડફી જીવન જીવ્યા વગર.
ઘોડિયાથી
સ્મશાન સુધી
સફર કરી,
જન્મ લીધા વગર.
મૃત્યુ પામ્યા વગર.

– વિજય જોશી

વિજયભાઈનો પરિચય અક્ષરનાદના વાચકોને આપવાની કોઈ આવશ્યકતા નથી. અક્ષરદેહે આ પહેલા પણ તેઓ અક્ષરનાદ પર ઉપસ્થિત થયેલા છે જ, આજે ફરી એક વાર બે સુંદર અછાંદસ લઈને તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થયાં છે. પ્રથમ અછાંદસમાં જ્યાં તેઓ જો – તો ની વાતને એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે ત્યાં બીજી રચનામાં જીવનના મર્મને, તેની સાચી મહત્તાને સમજવાનો પ્રયત્ન કરતા જણાય છે. આવી સબળ કૃતિઓ તેમનું મોટું જમાપાસું છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવાબદલ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “બે અછાંદસ – વિજય જોશી

 • Pushpakant Talati

  આ રજુ થયેલા બે આછાંદશ માં બીજું બહુજ સરસ તેમજ ઘણુંજ ગહન લાગ્યું. તે એક ઉત્તમ અને ઉમદા ફીલસુફી નું એક સુપર મિશાલ / ઉદાહરણ પુરું પાડે છે.
  ” – જીંદગી પુરી થઈ ગઈ – અને તે પણ જન્મ લીધા વગર અને મ્રુત્યુ પામ્યા વગર જ -”
  વાહ ખરેખર અદભુત વિચારધારા
  ખુબ ખુબ અભિનંદન.
  હું ; પુષ્પકાન્ત તલાટી તરફથી હાર્દિક શુભેચ્છાઓ.- સરસ .