વાચકોની પદ્ય રચનાઓ – સંકલિત 2


૧. છાની છાની નીકળે..

યાદ તારી ધારદાર,બહુ છાની છાની નીકળે.
બધાની આરપાર,બહુ છાની છાની નીકળે.

પળની મુલાકાત પછી જીવનપર્યંત નીકળે,
લટ જેમ વારંવાર,બહુ છાની છાની નીકળે.

વાંસળીની સૂર શબ્દાવલીની જેમ નીકળે,
મિસરી જેમ મિલનસાર,બહુ છાની છાની નીકળે.

વાસંતી વાયરાની લહેરખી ની જેમ નીકળે,
ઓચિંતી બેસુમાર,બહુ છાની છાની નીકળે.

લાગણી વીંધી ને બહુ લોહીલુહાણ નીકળે,
દુઃખ જેમ પારાવાર,બહુ છાની છાની નીકળે.

– રાહુલ શાહ

૨. મુકતક

સુખને દુઃખથી ભાગતા બચ્યો શેષ,
આ બચેલો શેષ તે મારા માટે તું.
જેને ભાગી નથી શકતું કોઈ દુઃખ,
એવો સબળો શેષ તે મારા માટે તું.

જિંદગી માં જીત કદી માની નથી,
અને હાર ને હાર કદી માની નથી.
ગબડી ને બસ આમ ચાલતા ગયા,
કરોળિયા ને આદર્શ માનતા ગયા.

સાવ કોરા કાગળ મોકલું,
આમ મારા વાવડ મોકલું,
નથી ભીનાશ આ પાંપણે બચી,
છતાં ભીના ભીના દ્રશ્યો મોકલું.

– રાહુલ શાહ (૨૭/૦૩/૨૦૧૨)

૩. સોનેરી સવાર !

કુંડાની એક ડાળ પર ફૂલ ખીલ્યું ને સવાર થઇ
ખીલેલા એક ફૂલથી એક રાત પણ ખુવાર થઈ

હું ભોગી પ્રકૃતિનો જે મળ્યું તેમાં જીવી જાણ્યું
જાણી લેજો કથન વિના જિંદગી બેસુમાર ગઈ

અલપ ઝલપ છે જિંદગી કંઈ આવ્યા કંઈ ગયા
પાક લણાય ગયા પછી ધરતી પણ ફરાર થઇ

ઓખાતને ઓળખ તું વિરાટ પગલા રહેવા દે
પરપોટો છે સાગર નથી ભ્રમ છે, લે ખાર ગઈ

જ્ઞાન ને અજ્ઞાનની સમઝણ વિનાની ઉમ્મીદો
તળીયા વિનાની હોડી છે શું ફરે તું સવાર થઈ

હસ્તી તારી કસ્તી તારી પવન અલખધણી નો
રસમંજનની સમઝણમાં સુંદર એક સવાર થઇ

– રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’

૪. ક્યારેક

ક્યારેક શબ્દો આકાશેથી ખરે,
ક્યારેક શબ્દો દરિયે જઈ ઠરે.

ક્યારેક શબ્દો પવનભેગા હરેફરે,
ક્યારેક શબ્દો સ્થિતપ્રજ્ઞ થઈ વૃક્ષમાં ઠરે.

ક્યારેક શબ્દો પંખીમાં ટહુકા થઈ ફરે,
ક્યારેક શબ્દો પાન પાન હરિ હરિ સ્મરે.

ક્યારેક શબ્દો ઝરણમાં ખળખળ ઝરે
ક્યારેક શબ્દો નદીની રેતમાં ભીનાશ ભરે.

ક્યારેક શબ્દો છીપલાં થઈ બાળપણમાં સરે,
ક્યારેક શબ્દો કિનારામાં લીલોતરી ભરે.

ક્યારેક શબ્દો ભીની માટીમાં સોડમ ભરે,
ક્યારેક શબ્દો પ્રિયજનમાં તડપન થઈ ફરે.

ક્યારેક શબ્દો કુંવારુ સ્વપ્ન થઈ ફરે
ક્યારેક શબ્દો આપ્તજનનું સ્મરણ થઈ ખરે.

ક્યારેક શબ્દો આકાશેથી ખરે.
ક્યારેક શબ્દો દરિયે જઈ ઠરે.

– જનક ઝીંઝુવાડીયા

આજે વાચકમિત્રો શ્રી જનકભાઈ ઝીંઝુવાડીયા, શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ અને શ્રી રાહુલભાઈ શાહની પદ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. વાચકોને આવી કૃતિઓના સર્જનની પ્રેરણા મળે, કેટલાક સિદ્ધહસ્ત વાચકોના સર્જનો પણ નવલોહીયા રચનાકારોને પ્રેરણા આપે અને તેમના સર્જનો વધુ ને વધુ પ્રાણવાન અને સત્વશીલ બને એવી આશા સાથે ત્રણેય સર્જકોને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “વાચકોની પદ્ય રચનાઓ – સંકલિત