માનવતાના વેરી – સ્વામી આનંદ 4


(૧)

નિશાળોમાં ઈતિહાસ શીખતો આજનો આપણો કુમળી વયનો કિશોર જંગીસખાં, તૈમૂર, નાદિરને હજારો નિર્દોઅ માણસોની કતલ કરનારા એશિયાના નરરાક્ષસો તરીકે ઓળખે છે. બંગાળના નવાબ સિરાજઉદદૌલાએ કલકત્તાની કાળકોટડીમાં ૧૪૪ માણસોને રાત આખી ગોંધી, ગૂંગળાવી માર્યાની ઉટપટાંગ કહાણી અંગ્રેજ રાજકર્તાઓએ આપણી તેમજ પોતાની પ્રજાને ઈતિહાસને નામે પેઢીઓ સુધી ભણાવી. ઇઁગ્લેંડના રાજકવિએ તૈમૂરને ૪૦૦૦૦ માથા વાઢીને પોતાની કબર ચણનારો કહ્યો.

જે ગોરી પ્રજાઓએ આ બધા એશિયાઈ હત્યારાઓની સાચીખોટી કહાણીઓ ઈતિહાસને નામે દુનિયાની પ્રજાઓમાં વહેતી મૂકી. તેમનો પોતાનો રેકડ ‘અવરનું તો એક પણ આપનાં અઢાર છે’ વાળે ન્યાયે એશિયાઈ હત્યારાઓને ક્યાંયે વટાવી જાય એવો છતાં તેમણે તે ધર્મપ્રેમ દેશપ્રેમ, સામ્રાજ્યભક્તિ એવાં એવાં રૂડાંરૂપાળાં નામ દઈને રંગીન પ્રજાઓ આગળ સિફતથી મૂક્યો. ચંગીસ, તૈમૂર, નાદિર આખરે તો વ્યક્તિગત વંટોળિયા કે વાવાઝોડાં હતાં; જ્યારે એશિયા, આફ્રિકા, મધ્ય કે દક્ષિણ અમેરિકાની નિરુપદ્રવી પાપભીરુ અને બાળક સમી નિર્દોષ પ્રજાઓ પર ધર્મ કે દેશને નામે સામુદાયિક અને સંગઠિત આક્રમણ કરીને તેમનો નાશ કે રક્તશોષણ કરનારી સામ્રાજ્યવાદી ગોરી પ્રજાઓએ કરેલી કતલો તે વરતાવેલા કાળા કેર, ધર્મની કે દેશની ઉજ્જવળ સેવા તરીકે ઓળખવામાં આવ્યા! ધર્મને નામે વર્ષો સુધી પોપની આજ્ઞાના બહાને આખા યુરોપમાં થયેલી હજારો લાખો ધર્મપરાયણ ખિસ્તીઓની હોળીઓ, હરનાન્ડો કોસ્ટીઝ અને બીજા સ્પેનવાસી હુમલાખોર વિજેતાઓએ મધ્ય અમેરિકામાં ગુજારેલા સિતમો, બેલ્જીયન કોંગોમાં રાજા લિયોપોલ્ડની હબસીઓના લોહી નીંગળતી રાજવટ, ‘૫૭ના બળવા પછી હિંદમાં પોતાની રાજવટની ધાક બેસાડવા અંગ્રેજોએ ચલાવેલી બેફામ ખૂનામરકી, છેલ્લા બે મહાયુદ્ધોમાં લાખો કરોડોને હિસાબે નવલોહિયા જુવાનોને તોપોના મારા તરીકે વાપરનારા યુરોપના રાજકારણી મુત્સદ્દીઓ, વરસો બાદ ઝલાઈને ૬૦ લાખ યહૂદીઓને ભઠ્ઠીમાં જીવતા બાળ્યા બાદ ફાંસીએ ચડેલો નાઝી આઈકમૅન અને હિરોશિમા પર એટમબોમ્બ ઝીંકીને એક જ કોળીયે બે લાખ જેટલા જાપાનીઓને ભરખનાર અમેરિકન વિમાની, એ બધાના રેકોર્ડ આગળ આજે ઈતિહાસ ભણતા કિશોરની નજરમાં જૂના ચંગીઝ, તૈમૂર બાપડા આળસુ અળસિયાં જેવાં લાગે એમ છે.

(૨)

અણુશસ્ત્રોના ઉદ્રેકને કારણે આખી માનવજાતિને માથે આજે ઊભું થયેલું જોખમ કેવું કારમું છે? અને તે આજના બલાઢ્ય રાષ્ટ્રોના અરસપરસના રાગદ્વેષોને કારણે કેટલું નજીક આવી લાગ્યું છે, એનો ખ્યાલ હવે સહુને આવવા લાગ્યો છે.

જે વૈજ્ઞાનિકોએ અણુશોધો કરવા પાછળ જીવતર સોંઘાં કર્યાં તેઓ આજે રાજદ્વારીઓને હાથે થઈ રહેલી તે શોધોની વિટંબણા જોઈ હાથ ઘસી રહ્યો છે. પણ ગાંઠેથી રતન છોડીને આપી દીધા પછી રાજદ્વારી ધણિયામાઓ આગળ તેઓ બધા લાચાર રાંકડ બની ગયા છે. એમનું હવે કશું ચાલતું નથી.

હિરોશિમા ઉપર અણુબોમ્બ ઝીંકનારો અમેરિકન જુવાન રાજદ્વારી કે મુત્સદ્દી નહોતો, સાદો વિમાની હતો. તેના દેશપ્રેમની ભાવનાને વટાવીને જેમણે તેને લાખો નિર્દોષ માનવી – સ્ત્રી – પુરુષ – બાળકોનો ખૂની બ અનાવ્યો એ રીઢા રાજ ધુરંધરો આજે હિરોશિમાની હોળીએ ક્યાંયે ટપી જાય એવી જગવ્યાપી નરમેઘ કરવાના પેંતરા ટાઢે કોઠે રચી રહ્યા છે; જ્યારે એમની કારવાઈઓનો હાથો બનેલો પેલો વિમાની, એક પક્ષના કથન મુજબ છેલ્લા અનેક વર્ષોથી ખોપરી વછોડેલ અશ્વત્થામાની જેમ પાગલ બનીને ‘હું ખૂની’, ‘હું ખૂની’ ‘હિરોશિમાનો સંહાર કરનાર હું પોતે’ એમ ચૌટેચકલે ને છાપાંઓની કટારોમાં પોકારતો ગામે ગોંદરે રખડી રહ્યો છે. નવ વખત પાગલખાને પૂરાયો, સાત વખત અમેરિકન સત્તાધીશોએ તેને જેલમાં પૂર્યો, બે વખત એણે પોતાનો જીવ કાઢી નાંખવા સારુ આપઘાતના પ્રયત્નો કર્યા ! કર્યા કરમના પસ્તાવાનો કીડો અહર્નિશ આઢે પહોર એને કોરી ખાય છે પણ વૈજ્ઞાનિકોની કે આ બધી સેતાનિયતની સામે પોકાર કરનારા દુનિયાના ધુરંધર નીતિજ્ઞોની, પેલા રીઢા રાજદ્વારીઓને કશી જ પડી નથી.

દુનિયાના લાખો પ્રામાણિક શ્રમજીવી માનવીઓએ સર્જેલી અબજોની સંપત તેમના સુખારોગ્ય સંતોષને ખાતર વપરાવાને બદલે આજે આ વિનાશકારી અણુશસ્ત્રો બનાવવા પાછળ જે રીતે પાણી પેઠે ખર્ચાઈ રહી છે તે અણુશસ્ત્રોના આખા નતીજા વિશે એ જ અણુશોધો કરનારા વૈજ્ઞાનિકો તરફથી થઈ રહેલી આગાહીઓ માણસમાત્રને થથરાવી મૂકે એમ છે. આવી સામગ્રી માટે આખી માનવજાતિના કિસ્મતની હોડ રમનારા આજના મુત્સદ્દીઓ આગળ જૂના જંગિષ્ઠ તૈમૂર, સ્પેનિશ ઈન્કિવઝિશનવાળા સાવ ઝંખવાણા પડે.

અજબની વાત તો એ છે કે પોતાને જ્ઞાનવિજ્ઞાનની ટોચે પહોંચેલા ગણનારા આજના આ રાજદ્વારીઓ પોતે પણ પોતાની કારવાઈઓની શક્યતાઓની ધાકે આજે થથરી ઉઠ્યા છે. છતાં પોતાની આપઘાતી કારવાઈઓથી વાજ આવતા નથી બલ્કે ‘હાર્યો જુગારી બમણું રમે’ તેમ પોતાની જ ઘેલછા, મૂર્છા મૂઢતામાં બધા ઉન્મત છે અને જે વૈજ્ઞાનિકોએ તેમને અણુવિજ્ઞાનની નવાજેશ કરી તેમને ગજવે ઘાલી શાહુકાર બનીને ફરે છે.

(૩)

આ વૈજ્ઞાનિકોમાંનો સહુથી મોટો નોબેલ ઈનામ વિજેતા લાઈનસ પોલિંગ આજે હાથ ઘસી રહ્યો છે. એણે દ ઉનિયાભરના એના ૧૧૦૦૦ જાતભાઈઓ (વૈજ્ઞાનિકોની) સહીઓ મેળવીને ઘોડાપૂરે આવી રહેલા અણુશસ્ત્રોના સર્વનાશ સામે દુનિયાના રાજદ્વારીઓને ગંહીર ચેતવણીઓની ઝડી વરસાવી. પણ એના અને એની જમાતના આ પોઆરોને સત્તાધીશો આજે સાંભળતા નથી, બલ્કે ઘણી વાર સરકારને નામે કાયદેસર કારવાઈઓ કરીને આવા વિરોધીઓને મોઢે ડૂચા દેતાં કે જેલમાં ગોંધી દેતા અચકાંતા નથી.

ઈંગ્લેંડના જઈફ ઉમરાવ બટ્રાન્ડ રસેલે ૯૦ વરસની ઉંમરે આ અણુશસ્ત્રોના અખતરા સામે ઈંગ્લેંડમાં મોરચો માંડ્યો. એણે પોતાના ૧૦૦ સાથીઓ જોડે કૂચ કરીને લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં અણુકારવાઈઓ સામે પોકાર કર્યો. પણ તેને અને તેના સાથીઓને આકરી જેલવાસની સજા દેવા ઉપરાંત આજના રાજદ્વારીઓને બીજુ સૂઝ્યું નહીં. વિજ્ઞાન શિરોમણી લાઈન્સ પોલિંગે રસેલ તથા તેમના ભેરુઓને સંદેશો મોકલ્યો કે હું તમારી સાથે છું, એની સાથે એના જમાનાના પેલા ૧૧૦૦૦ સહીઓવાળા પણ હશે જ. દિલગીરીની વાત એટલી જ કે રસેલે ગાંધીજીના વારસ હિંદને કરેલી અપીલનો જવાબ એને નહેરુ તરફથી નકારમાં મળ્યો. સધિયારાની બીના એટલી જ કે તે પછી રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદે અણુ અખતરા સામે પરિષદ બોલાવીને તેનો વિરોધ કરેલો.

(૪)

લાઈનસ પોલિંગે આજની દુનિયા આગળ રજૂ કરેલી માહિતિ સહુએ સમજી લેવા લાયક છે, જેથી કોઈને પણ પોતાની નિષ્ક્રિયતા ઢાંકવા અજાણપણાનું બહાનું ન રહે.

એ વિજ્ઞાન શિરોમણીએ ટ્રફાલ્ગર સ્ક્વેરની રેલી પ્રસંગે મોકલેલા નિવેદનનો સારાંશ આ રહ્યો –

“અણુયુદ્ધની તૈયારીઓ વિશે દુનિયાને સાચી સમજ અપાતી નથી. એક વૈજ્ઞાનિક તરીકે એનાં પરિણામો તેમજ ભાવિનો મેં અભ્યાસ કર્યો છે. તેની મુખ્ય વિગતો ૧૧૦૦૦ વૈજ્ઞાનિકોની સહીવાલી જે અરજી મેં ઘડી તેમાં આપી છે. દેશદેશની સરકારોને તેમજ પ્રજાઓને આ અંગે જગાડવા તેમજ અણુયુદ્ધના કારમાં પરિણામો સમજાવવા મેં પ્રયત્નો કર્યા છે, લેખો લખ્યા છે, પ્રવાસો ખેડ્યા છે. મારી નમ્ર અરજ એટલી જ છે કે એક જાણકાર વૈજ્ઞાનિક તરીકે મેં રજૂ કરેલી વિગતો અને હકીકતો વિશ્વાસપાત્ર પુરાવા તરીકે લેખાવી જોઈએ.

વળી એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે આ અણુ તૈયારીઓ અત્યારની ઝડપે ચાલુ રહે તો મેં ગણાવેલી સામગ્રી ૧૦ ગણી વધશે અને ગમે તે ક્ષણે આજની આખી દુનિયાનો ખાતમો થશે આ હું એક નિષ્ણાંત વૈજ્ઞાનિકને નાતે કહું છું.

અણુશસ્ત્રો સામે બચાવ જેવી વસ્તુ જ નથી.”

– સ્વામી આનંદ

વિશ્વ જે ઝડપે અણુયુદ્ધ તરફ આગળ વધી રહ્યુ છે, અણુશસ્ત્રો અને તેમના માટેના મિસાઈલ વગેરેની જે દોડ આજે ચાલી રહી છે તેમાં વિકાસ માટે વપરાવાના કરોડો અબજો રૂપિયા હોમાઈ રહ્યા છે. લોકો એક તરફ ગરીબ થઈ રહ્યા છે તો બીજી તરફ સુરક્ષાને નામે રાષ્ટ્રો અણુસત્તા બનવા તરફ આંધળી દોડ લગાવી રહ્યા છે. આ જ વિષય પરત્વે એક સ્વામી આનંદે વર્ષો પહેલા લખેલ લેખ આજે પ્રસ્તુત છે જે ‘માનવતાના વેરી’ માંથી લેવામાં આવ્યો છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “માનવતાના વેરી – સ્વામી આનંદ

  • PRAFUL SHAH

    SHRI GOPALBHAI, ,,,,,,,,,IT IS VERY EASY TO UNDERSTAND ..YOU HAVE TO GO BACK TO THE TIME SHRI JAWAHARLAL NEHRUJI DISAGREED TO TO LET ZINNA SAHEB PRIME-MINISTER OF WHOLE INDIA..TO AVERT PARTISION AND ITS HISTORY TILL DATE . ALSO WHEN, THE SELECTION OF SARDAR VALLABHBHAI PATEL AND JAWAHER FOR PRIME MINISTERSHIP. BAPU WAS NEGLECTED TO AVERT PARTISION AND ITS HISTORY. SAME WAY SARDAR AS SOLDIER ACCEPTED WORD OF BAPU. THIS IS HISTORY NOT IN DISCOVERY OF INDIA. WORLD WATCHED INDIA OF GANDHI AND APPEAL TO GANDHIAN INDIA, WAS OVER RULED, IN SPITE OF WISH OF ITS PRESIDENT GANDHIAN AND HUMITARIAN

  • gopal

    નેહરૂજી લિનસ પોલિઁગ અને બર્નાર્ડ રસેલ સાથે કેમ સમ્મત નથયા એ સમજાય એવી વાત નથી

  • PRAFUL SHAH

    SORRY..I WAS TRYING I LOST MY MY HARD SAYING,ERAISED OR DELATED . NO PROBLEM MAY BE MY MISTAKE AS I DO NOT KNOW MUCH OF COMPUTER STILL LEARNING,
    JUST I TOTALLY AGREE TO SHRI TULSIDASJI. I WILL TAKE TIME AND WRITE,…B U T..

    WE ALL INDIAN MUST FEEL SHAMED, DR, ANAND HAS BROUGHT HOW OUR THE THAN PRIME MINISTER JAWARLAL NEHRUJI- SELECTED BY OUR BAPUJI MAHATMA GANDHIJI THE THAN HUMITARIAN OF WORLD AND INDIA, BY HIS FRIEND LORD BRTAND RASEL AT AGE 90 PROTESTING…READ EVERY THING IS WORTH TO NOTE HOW OUR RULERS OR WORLD IS DOING..BYE NOW SORRY..ANY OTHER TIME GOD WILL SAVE HIS WORLD OR UNIVERSE HE IS G..O..AND D…..***GOD,**** DONT WORRY
    LIVE AND LET LIVE, AND ENJOY LIFE TILL YOU DIE…OR I…WHY WORRIE.NO HURRT -NO WORRY AND SEEK HARI-KRUPPA. KEEP.FAITH..

  • Tulsidas Kargathra

    Developing countries have spend their hard earned wealth in nuclear arms instead of the welfare of their citizen. The politicians of these countries have committed the greatest crime. In the name of democracy they have misused the power given by the people of their countries. They have grown fatter from public wealth rather then doing justice to trust of people. This will continue till there would be the revolution by havenots which has just begun with day to days news in news papers.