Daily Archives: May 8, 2012


ઓતરાતી દીવાલો – કાકાસાહેબ કાલેલકર 4

જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંણો ખોરાક, મજૂરી કરતાં પડેલા કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલા લખાણો એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધુમ્મસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માણ્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિ માતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દ્રષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્વનો તેટઓ જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષા દ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે દયા માગવાપણું બહુ ઓછું હોય અને છતાં એમાંથી હ્રદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે.