હીરાની ખાણ (અધ્યાત્મ-કથાઓ) – ભાણદેવ 8


આફ્રિકામાં એક ખેડૂત રહેતો હતો, તેનુઁ ખેતર અને ખેતી સારાં હતાં. ખેડુત મહેનતુ અને ખેતીકામનો જાણકાર હતો. ખેતરમાંથી પર્યાપ્ત ઉત્પાદન મળતું હતું અને તેથી ખેડૂત સુખી હતો.

ખેડૂત સુખી હતો કારણ કે તે સંતુષ્ટ હતો. એક વાર તે ખેડૂત પોતાના ખેતરમાં પોતાનું પ્રિય ખેતીકાર્ય કરી રહ્યો હતો. તે વખતે એક ઝવેરી તેના ખેતર પર આવી ચડ્યો. આપણા તે સજ્જન ખેડૂતે તે અતિથિનું સ્વાગત કર્યું, તેમનું અભિવાદન કર્યું.

અતિથિ અને યજમાન, બંને ખેતરમાં બેઠા. અતિથિ ઝવેરીએ યજમાન ખેડૂતને પૂછ્યું, “તમે ખેતી તો બરાબર કરો છો અને તમારા માટે તે બરાબર છે પણ તમે હીરા વિશે કાંઈ જાણો છો?”

“ના રે ! હું તો હીરા વિશે કાંઈ જાણતો નથી, મેં તો હીરો ક્યારેય જોયો પણ નથી.”

“અરે, ભલા માણસ! હીરો તો એક બહુ મૂલ્યવાન દ્વવ્ય છે. એક એક હીરો એવો મૂલ્યવાન હોય છે કે તેનાથી આ તમારા ખેતર જેવા હજારો ખેતરો ખરીદી શકાય છે. જો એકાદ હીરો પણ મળી જાય તો તમારો બેડો પાર થઈ જાય. પછી તો આ રોજ ઊઠીને ખેતરમાં મજૂરી કરવાની કોઈ જરૂર જ ન પડે. તમે જિંદગીભર ખેતરમાં કાળી મજૂરી કરીને જેટલું પ્રાપ્ત કરી શકો તેનાથી હજારો ગણું મૂલ્ય એક હીરાનું હોય છે, સમજ્યા ? હીરો તો કાંઈ જેવી તેવી વસ્તુ નથી.”

ખેડૂત તો બિચારો મૂંઝાઈ ગયો અને અંજાઈ પણ ગયો. તે કાંઈક વિમાસણમાં પડી ગયો. તેના મનમાં વિચાર ઝબકી ગયો – આવો મૂલ્યવાન એકાદ હીરો મળી જાય તો!

ખેડૂતે ઝવેરીને પૂછ્યું, “મહાશય, આપણને હીરો મળે તો તેનાથી શું થાય?”

“અરે ભલા માણસ ! હીરો મળે તો હીરાના બદલામાં તમને અઢળક ધન મળે, અને ધન દ્વારા તો તમે તમારે જોઈએ તે સર્વ – જમીન, મકાન, અનાજ, કપડાં, સોનું, ચાંદી, વાસણો, ઘોડા, ગાય, બળદ, વગેરે તમે જે ઈચ્છો તે સર્વ મેળવી શકો છો. હીરાથી અઢળક ધન મળી શકે છે અને ધનથી શું નથી મળતું?”

ખેડૂત ઉંડા વિચારમાં પડી ગયો. તેનું મન જીવનમાં પહેલી વાર ચકરાવે ચડ્યું, તેને થયું – હીરો એવી મૂલ્યવાન ચીજ છે કે તેના બદલામાં અઢળક ધન મળે અને તે ધન દ્વારા આપણે જે ઈચ્છીએ તે સર્વ મેળવી શકીએ. જો આમ જ છે તો હીરો મેળવવાનો પ્રયત્ન શા માટે ન કરવો ?

ખેડૂતે ઝવેરીને પૂછ્યું, “મહાશય, તમે કહો છો તે વાત સાચી તો લાગે છે, હીરો મૂલ્યવાન વસ્તુ છે અને તેથી તે મેળવવાલાયક વસ્તુ પણ છે. આપ મને એ તો કહો કે હીરો મળે ક્યાંથી? હીરો મેળવવા માટે શું કરવું?”

હવે ઝવેરીએ ખેડૂતને માર્ગદર્શન આપવાનો પ્રારંભ કર્યો, “જુઓ ભાઈ ! હીરા તો ખાણમાંથી મળે છે. હીરાના ઝાડ થતાં નથી કે હીરા ખેતરમાં પાકતા નથી. હીરાની તો ખાણો હોય છે. ખાણમાં ખોદતાં ખોદતાં હીરા મળી જાય. ખાણમાં એકલ દોકલ હીરો નથી હોતો, એમાં તો સેંકડો, હજારો હીરા મળી આવે છે.” હવે ખેડૂત હીરાની પ્રાપ્તિ માટે આતુર બન્યો. તેણે પોતાની હીરા માટેની ઉત્સુકતા આગળ ચલાવી –

“હીરાની ખાણ મળે ક્યાં? હીરાની ખાણ મેળવવા આપણે શું કરવું જોઈએ?”

“જુઓ ભાઈ, હીરાની ખાણ એમ કાંઈ રસ્તામાં પડી નથી. આ પૃથ્વી પર કોઈક કોઈક દેશોમાં હીરાની ખાણ જોવા મળે છે. હીરાની ખાણ પ્રપ્ત કરવા માટે તો ભારે મોટો પુરુષાર્થ કરવો જોઈએ. સમગ્ર પૃથ્વી પર તપાસ કરતાં કરતાં કોઈક સ્થાને હીરાની ખાણ મળી શકે તેમ બને. હીરાની ખાણ પ્રાપ્ત કરવી મુશ્કેલ તો છે પણ જો મળી જાય તો બેડો પાર થઈ જાય. તો તો તમારી અગણિત પેઢીનું દળદર ફીટી ગયું જ સમજો.”

ખેડૂત સરળ હ્રદયનો માનવી હતો. તેના મનમાં હીરાની ખાણનું અપરંપાર મૂલ્ય બસ વસી જ રહ્યું.

ખેડૂત અને ઝવેરી વચ્ચેની વાતચીત તો અહીં પૂરી થઈ પણ આ નાનકડી વાતનું પરિણામ ખેડૂતના ચિત્ત પર એટલું તો જબરદસ્ત પડ્યું કે ખેડૂતની જીવનશૈલી, વિચારધારા અને દ્રષ્ટિકોણમાં આમૂલાગ્ર ક્રાંતિ જ પ્રગટી.

તે રાત્રે ખેડૂત સૂઈ શક્યો નહીં. ખેડૂત આખી રાત વિચાર કરતો રહ્યો કે હીરાની ખાણ કેવી રીતે પ્રાપ્ત કરવી. તેના મનમાં હીરાની ખાનની પ્રાપ્તિની તીવ્ર ઝંખના ઉભી થઈ. આજ સુધી જીવનભર શાંતિથી સૂઈ રહેનાર ખેડૂતને આજે જીંદગીમાં પહેલીવાર અનિંદ્રાનો અનુભવ થયો. મહત્વકાંક્ષા જન્મી ને રાતોરાત ધનપતિ થવાની તમન્ના પેદા થઈ !

આખી રાતની વિચારણા, આયોજન અને તમન્નાને અંતે સવારે ખેડૂતે નક્કી કર્યું, ‘હીરાની ખાણ શોધવા હું વિશ્વના પ્રવાસે નીકળીશ.’ તેણે નિશ્ચય કરી લીધો – ‘હવે હું ખેતી નહીં કરું, હવે હું હીરાની ખાણનો માલિક બનીશ.’

વિશ્વના પ્રવાસે નીકળવા માટે પુષ્કળ ધન જોઈએ. આટલું ધન કાઢવું ક્યાંથી ? આખરે તેનો ઉપાય પણ ખેડૂતે વિચારી લીધો. તેણે તે માટે પોતાની બધી જ જમીન વેચી નાંખવાનો નિર્ણય કર્યો.

આમ એકાદ સપ્તાહમાં જ ખેડૂતે પોતાની આવી કિંમતી બધી જ જમીન વેચી નાખી અને તેમાંથી પ્રાપ્ત ધન સાથે લઈને તે હીરાની ખાનની શોધમાં વિશ્વના પ્રવાસે નીકળી પડ્યો. તે પ્રથમ તો આફ્રિકાના ભિન્ન ભિન્ન દેશોમાં ખૂબ ફર્યો, તેણે અરણ્યો, પહાડો, નદીઓ અને ખેતરોમાં બહુ તપાસ કરી પણ ક્યાંય હીરાના કોઈ ચિહ્નો જોવા મળ્યા નહીં. આફ્રિકામાં હીરાની ખાણ નહીં મળે એમ લાગવાથી તે અમેરિકા ગયો, કેનેડા, મેક્સિકો અને લેટિન અમેરિકાના દેશોમાં અરણ્યો અને પહાડોમાં તેણે ખૂબ શોધ કરી પણ હીરાનો કોઈ પત્તો મળ્યો નહીં. આખરે તે યુરોપ ગયો, યુરોપના દેશોમાં પણ તે ખૂબ ફર્યો, પરંતુ હીરા કે હીરાની ખાનના કોઈ સગડ તેને મળ્યા નહીં.

તેની પાસે જે ધન હતું તે બધું ખર્ચાઈ ગયું, હવે તે એક નિર્ધન માણસ બની ગયો. પોતાના જીવનના ઉત્તમ વીસ વર્ષો તેણે હીરાની ખાણની શોધ માટે ખર્ચી નાંખ્યા. પોતાની સઘળી મિલ્કત અને સઘળું ધન તેણે ખર્ચી નાંખ્યું. તે શરીરથી અને મનથી પણ સાવ તૂટી ગયો. તેને હીરો કે હીરાની ખાણ ન જ મળી. તે હીરાની ખાણની શોધ કરતો કરતો હારી થાકી ગયો અને બરબાદ થઈ ગયો પણ હાથમાં કશું જ ન આવ્યું.

આખરે હારી થાકીને સાવ નિર્ધન અવસ્થામાં તૂટેલા શરીર-મન સાથે તે પોતાના વતનના ગામમાં પાછો ફર્યો. ગામ અને ગામની આસપાસના વિસ્તારની સિકલ જોઈને તે હેરત પામી ગયો. એક જંગલી વિસ્તાર આજે અતિ સમૃદ્ધ બની ગયો હતો. એણે આટલા મોટા પરિવર્તનનું કારણ શું છે તે જાણવા તપાસ કરી તો તેને જાણવા મળ્યું કે આ વિસ્તારમાં હીરાની એક મોટી અને અતિ સમૃદ્ધ ખાણ મળી છે. કઈ જગ્યાએ ખાણ મળી? એ જ ખેડૂતના ખેતરમાં ખાણ મળી આવી જે ખેતર એણે વીસ વર્ષ પહેલા વેચી નાંખ્યું હતું. અને જે ખેતર વેચીને હીરાની ખાણ શોધવા એ વિશ્વપ્રવાસે નીકળી પડ્યો હતો.

તે ખેડૂત પોતાના ખેતરની પાસે જવા પ્રયત્ન કરવા લાગ્યો પણ કશું જ ઓળખી શક્યો નહીં, ચારે તરફ વિશાળ ભવનો તૈયાર થઈ ગયા હતાં, અનેક પ્રકારની યંત્રસામગ્રી કાર્યરત હતી, આખરે પૂછતો પૂછતો અને શોધતો શોધતો તે પોતાના મૂળ ખેતર પાસે પહોંચ્યો તેણે ત્યાં જોયું કે તે જ ખેતરમાં તે જ સ્થાને હીરાની એક અતિવિશાળ અને અતિ સમૃદ્ધ ખાણ મળી આવી હતી.

એ ખેડૂતની શું દશા થઈ હશે? તેના હ્રદયમાં કેવી અનુભૂતિ થઈ હશે?

આ માત્ર કથા નથી, સત્યઘટના છે.

માનવી જીવનભર જે વસ્તુ બહાર શોધી રહ્યો હોય છે તે વસ્તુ, તે તત્વ તેની અંદર જ છે – તેની પાસે જ છે, જે હીરાની ખાણ શોધવા તે વિશ્વના પ્રવાસે નીકળે છે તે ખાણ તો તેના પોતાના ખેતરમાં જ છે. તમે જ્યાં ઉભા છો ત્યાં તમારા પગ નીચે જ અપરંપાર સોનું છે અને તમે જાણ્યા વિના પાંચ પૈસા માટે ભિક્ષા માંગો છો?

આપણે જે પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તે તો આપણને પ્રાપ્ત જ છે. આપણે જે બનવા ઈચ્છીએ છીએ તે તો આપણે પ્રથમથી જ છીએ. આપણે જીવનભરની દોડને અંતે જ્યાં પહોંચવા માંગીએ છીએ તે સ્થાન પર તો આપણે પહેલેથી ઉભા જ છીએ.

સાવધાન ! હીરાની ખાણ શોધવા વિશ્વપ્રવાસે નીકળતા પહેલા જુઓ તો ખરાં, તમારા ખેતરમાં જ હીરાની ખાણ છે.

કસ્તુરી કુંડલ બસે મગ ખોજે બન માંહી

મૃગની નાભિમાં કસ્તુરી છે, તે કસ્તુરીની સુગંધ લઈને સુગંધના કેન્દ્રની શોધ માટે વનમાં ભટકી રહ્યો છે. અરે ! તેને કોઈ તો સમજાવો કે જે વસ્તુની શોધમાં તે જંગલમાં ભટકી રહ્યો છે તે તેની પોતાની નાભિમાં જ છે – એ સુગંધ તેની નાભિમાંથી જ આવી રહી છે.

માણસનું પણ આવું જ નથી?

જે પરમતત્વને, પરમ આનંદને, શાંતિને શોધવા માટે આપણે અહીં ત્યાં સર્વત્ર ભટકીએ છીએ તે પરમાનંદનું કેન્દ્ર સચ્ચિદાનંદ આત્મા તો આપણી અંદર જ છે. અરે, તે આપણું પોતાનું નિજ સ્વરૂપ જ છે. આંખ ખોલો અને જુઓ – તમે જે શોધો છો તે તો તમારી અંદર – તમારી પાસે જ સદા સર્વદા છે.

– ભાણદેવજી (‘અધ્યાત્મ-કથાઓ’માંથી સાભાર)

(માળાના મણકા જેવી કુલ ૧૦૮ અધ્યાત્મકથાઓને વિવિધ ગ્રંથો, વેદોની સંહિતાઓ, બ્રાહ્મણ ગ્રંથો વગેરેમાંથી લઈ, આજના પરિપ્રેક્ષ્યમાં તેમને ઉપર્યુક્ત બનાવી, સંકલિત કરીને સુંદર રીતે પ્રસ્તુત કરાઈ છે શ્રી ભાણદેવજીના પુસ્તક ‘અધ્યાત્મ-કથાઓ’માં. આ પુસ્તક દરેક વાંચનપ્રેમીના પુસ્તકાલયમાં અવશ્ય હોવું જૉઈએ. ટૂંકી પરંતુ ચોટદાર વાતો – વાર્તાઓ – ઉદાહરણો આ પુસ્તકને અત્યંત સચોટ અને છતાં મનહર બનાવે છે. પુસ્તક પ્રાપ્ત કરી શકાય છે પ્રવીણ પ્રકાશન, રાજકોટથી.)

બિલિપત્ર

હું તને ભજું તો જ વરદાન આપે?

આમ તો તું પણ ઘણો મતલબી છે.

– અનિલ ચાવડા


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “હીરાની ખાણ (અધ્યાત્મ-કથાઓ) – ભાણદેવ

  • indushah

    ‘प्राप्तस्य प्राप्ति’,જે આપણુ છે જ છે તેને મેળવવા ઓળખવા આપણે જન્મો જન્મ પ્રયત્નો કરીએ છીઍ અને ૮૪ લાખ ફેરા ફર્યા કરીએ છીએ.
    સરસ વાત કરી

  • La'Kant

    વાત તો સાવ સાચી છે…

    જે પરમતત્વને, પરમ આનંદને, શાંતિને શોધવા માટે આપણે અહીં ત્યાં સર્વત્ર ભટકીએ છીએ તે પરમાનંદનું કેન્દ્ર સચ્ચિદાનંદ આત્મા તો આપણી અંદર જ છે. અરે, તે આપણું પોતાનું નિજ સ્વરૂપ જ છે. આંખ ખોલો અને જુઓ – તમે જે શોધો છો તે તો તમારી અંદર – તમારી પાસે જ સદા સર્વદા છે”
    .
    “સ્વસ્થ થઈ,એકલો બેસું છું,જાતને સાંભળી શકું છું!
    આંખમાં આંખ મેળવી– સામે જોઈ વાત કરી શકું છું.

    માત્ર કલ્પિત પારદર્શકતાનો પરદો છે,જોઈ શકું છું,
    એને મારો પડછાયો બની પ્રદક્ષિણા લેતો જોઈ શકું છું!”

  • Ramesh Champaneri valsad

    લોકો રૂપ જુએ છે, સ્વરૂપ જોતા નથી.જે સ્વરૂપને ઓળખે એ સ્વનો નિજાનંદ માણી શકે. ચોટદાર કથા છે.

  • Jayendra Thakar

    યો ધ્રુવાણી પરીત્યજય અ ધ્રુવમ પરીસેવતે
    ધ્રુવાણી તસ્ય નશ્યન્તિ અધ્રુવમ નષ્ટ મેવચ!

  • વિનય ખત્રી

    મજાની વાર્તા.

    રાજેશ રેડ્ડીનો એક શેર યાદ આવી ગયો,

    હમ ઢુંઢતે થે જીસે જમાને મેં ઉમ્રભર,
    વો જિંદગી તો અપને હી અંદર કા ખેલ હૈ!

  • Heena Parekh

    ખૂબ સરસ. જે આપણી પાસે પહેલેથી છે જ તેને જાણવાને બદલે તેની શોધ ક્યાંક બીજે જ કરીએ છીએ.