Daily Archives: March 5, 2012


સાંઢ નાથ્યો… – ઈશ્વર પેટલીકર 9

તો આ જ નવલકથા વિશે શ્રી ઝવેરચંદ મેઘાણીજીએ લખ્યું છે, “ચોકઠામાંથી મુક્ત થયેલો કોઈ કોઈ લેખક એકાએક ઝબકે છે અને પોતાની અનુભવેલી, પગ તળે ખૂંદેલી કે પ્રાણ ભરીને પીધેલી નાની એવી લોકદુનિયાનું પણ કલાદર્શન લઈ આવે છે, ત્યારે ગુજરાતમાં નવાં અજવાળાં પથરાય છે અને અષાઢની પ્રથમ દ્રષ્ટિએ પલળેલી ધરતીની ધૂળમાંથી જે સોડમ ઉઠે છે તેવી સોડમ આપણને પ્રસન્ન કરે છે, એ સોડમ સાતેક વર્ષ પૂર્વે ભાઈ પન્નાલાલ પટેલ આવ્યા અને આજે ભાઈ ઈશ્વર પેટલીકર લાવે છે. ‘જનમટીપ’ની પાત્રસૃષ્ટિ પાટણવાડિયાના નામે ઓળખાતી ગુજરાતના ખેડુ – ઠાકરડાઓની એક સૌથી નીચલી કોમમાંથી લેવામાં આવી છે. એ કોમ જાણીતી છે મારફાડ અને ચોરીલૂંતના ગુનાઓ માટે, પણ કલાકારનું નિશાન ફોજદાર, સમાજસુધારક, જેલર કે ન્યાયકર્તાના ધ્યેયથી છેક જ અનોખું છે. એ ધ્યેય માણસમાત્રના બહિરંગનું પડ ભેદીને એના અંતરંગમાં ઉતરી તેમની માનવતાનું હાર્દ પકડવાનું છે. ‘જનમટીપ’માં એ માનવતા ઝીલાઈ છે. વાર્તાનો ઉપાડ, પ્રસંગોનો ઉપાડ, પાત્રોની બુદ્ધિશક્તિની ચતુઃસીમાને સાચવી રાખતો પાત્રવિકાસ, વાર્તાલાપોની સુરેખતા અને તે સર્વનેય જેનો અભાવ નિરર્થક બનાવે તેવું કસબીની ધીરતાનું તત્વ ‘જનમટીપ’ને સાંગોપાંગ કૃતિ બનાવી શક્યું છે.” કદાચ શાળામાં અથવા અન્યત્ર આ પાઠ વાંચેલો એવું આછુ યાદ છે ખરું. એ રસદાર કૃતિનો, એમાંના એક પ્રસંગની સાથે સ્વાદ આજે આપ સૌ સાથે ફરી લઈ રહ્યો છું.