The Spy Who Came in from The Cold : એક બેઠકે વાંચવી પડે તેવી જાસૂસી નવલકથા – અશોક વૈષ્ણવ 2


બીજાં વિશ્વયુધ્ધ પછી તે યુધ્ધમા આગળ પડતો ભાગ લીધેલા ખેલાડીઓ સામ્યવાદી અને બીનસામ્યવાદી એમ બે મુખ્ય છાવણીઓનાં શીતયુધ્ધમાં વહેંચાઇ ગયા હતા. આર્થિક દ્રષ્ટિએ બન્ને વિચારધારાઓનો વિરોધાભાસ રાજદ્વારી દ્રષ્ટિએ એકબીજા માટે શંકા અને શકના મસાલાને કારણે એટલો બધો ગૂઢ બની ગયો હતો કે નવલકથાકારોને તો તેમાંથી રોચક કથાવસ્તુનો ખજાનો લાધી ગયો હતો. યુરૉપની અન્ય ભાષાઓનો આપણને ખાસ પરિચય નથી એટલે તે અંગે તો ન કહી શકીએ, પરંતુ અંગ્રેજી ભાષામાં તો શીતયુધ્ધના સમયની જાસૂસી નવલકથાઓ એક મહત્વનો અને લોકપ્રિય સાહિત્ય પ્રકાર બની રહ્યો.

ઇયાન ફ્લૅમિંગ, તેમના દિલફેંક જાંબાઝ નાયક જૅમ્સ બૉન્ડ અને તેની ડૉ. નૉ, ફ્રૉમ રશિયા વિથ લવ અને ગૉલ્ડફીંગર જેવી નવલક્થાઓનું ઘેલું તો તે સમયના નીકીતા ક્રુશ્ચેવ અને ફીડલ ક્રાસ્ટો સાથે આવા જ રોમાંચક કાવાદાવાના ખુદ સર્જક જ્હૉન એફ. કૅનૅડીને પણ લાગેલું. આ પ્રકારનાં સાહિત્યની લોકપ્રિયતા તો તેના પરથી બનેલી ફિલ્મોની પણ એટલી જ ચાહનામાં પણ દેખાઇ આવે છે. આજે આપણે વાત કરીશું મે ૧૯૭૦ની આસપાસ પહેલી વાર અને તે પછીથી દરેક દશકામાં ઓછામાં ઓછી એક વાર તો જરૂર વાંચેલી એક અનોખી નવલકથા ‘The Spy Who Came in from The Cold‘ ની.

આ નવલકથાના લેખક જ્હૉન લ. કૅરની ૧૯૬૩માં પ્રસિધ્ધ થયેલી આ ત્રીજી નવલકથા છે. તેમના જ શબ્દોમાં તે એટલી લોકપ્રિય થઇ કે તે પછીથી તેમનું કોઇ અંગત જીવન જ નહોતું રહ્યુ. પહેલી વાર પ્રસિધ્ધ થયા પછી તો તેની કંઇ કેટલીય આવૃતિઓ થઇ ચુકી છે. ગૂગલ પર શોધ કરીએ તો  62,200,000 પરિણામો 0.27 સેકંડમાં અંકિત થઇ જાય અને લેખકના નામથી શોધ કરીએ તો 0.17 સેકંડમાં 7,080,000 પરિણામો  અંકિત થશે. એવા અસંખ્ય ચાહ્કો છે જેમણે આ પુસ્તક એકથી વધારે વાર વાચ્યું છે.

વાર્તાનું કથાનક શીતયુધ્ધનાં પ્રતિકસમી બર્લિનની દિવાલથી શરૂ થાય છે અને ત્યાં આવીને જ પૂરૂં થાય છે. કથાવસ્તુનું હાર્દ શીતયુધ્ધના સમયની ગુપ્તચર સંસ્થાઓની ઘંટીનાં પડની વચ્ચે દળાતી માનવીય લાગણીઓ અને સસ્થાઓ દ્વારા અને તેમના વતી ઠંડા કલેજે ખેલાતા આટાપાટાઓના મીંઢા દ્રષ્ટિકોણ છે. ૧૯૮૯ની આ પુસ્તકની એક આવૃતિની પ્રસ્તાવનામાં લેખકે કહ્યું છે કે વાર્તાની પ્રેરણા માટે બર્લિનની દિવાલ – પાગલ થઇ ગયેલ વિચારધારાની પાશવતાનું મૂર્ત પ્રતિક – આદર્શ મંચ બની રહી હતી. બર્લિનની દિવાલે જાણે ગુપ્તચર્ય ઉદ્યોગને વધારે ગૂઢ, વધારે ખતરનાક, વધારે સંશયાત્મક અને હોય તેના કરતાં વધારે અગત્ય ધરાવવાનો દેખાવ કરતો કરી નાખ્યો હતો. તે ઉપરાંત આ નવલકથા લખવા માટે તે સમયના તેમના વ્યાવસાયિક અને અંગત જીવનના ખાલીપા અને ગુંચવાડાને પણ તેઓ કારણભૂત જણાવે છે. વાર્તાનાં મુખ્ય પાત્ર, ઍલૅક લીમસનાં પાત્રાલેખનમાં આ લાગણીઓ સચોટપણે તાદશ્ય થતી જોઇ શકાય છે. ઇતિહાસના એક ઘૃણાસ્પદ સમયકાળ અને તેની અંદર છટપટાતી લાગણીઓનું સંયોજન શિર્ષકમાં જે The Cold  છે તેને યથાર્થ ઠેરવે છે.

બ્રિટીશ ઇન્ટૅલીજન્સના બર્લિન કાર્યક્ષેત્રના વડા ઍલૅક લિમસની ચૅકપૉઇન્ટ ચાર્લી પર તેના પૂર્વ જર્મનીમાંના મહત્વના જાસૂસના પશ્ચિમ તરફ ભાગી આવવાના પ્રયત્નના ઉચાટ ભર્યા ઇંતેજારથી વાર્તાની શરૂઆત થાય છે. એ ઘડીથી જ વાંચક પણ લેખકની નાનાં રહસ્યોની સીધી અને સરળ જણાતી ગૂંથણીમાં લીન થતો જાય છે. આ ઑપરેશનની સરિયામ નિષ્ફળતાને અંજામ આપવા માટેની સંસ્થાનાં વડામથક [ઇઆન ફ્લૅમિંગનું MI5, તે અહીં The Circus અને ફ્લૅમિંગનો વડો M તે આમનો The Control]માં The Controlના ઉંદર બિલાડીના ઠંડા કલેજાનાં દાવપેચમાંનું એક કથન ખૂબ જ માર્મિક છે, “આપણે સહાનુભૂતિ વગર જીવવાનું તો છે જ. જો કે કાયમ તો તે અવસ્થામાં રહેવાય પણ કેમ? માટે દરેકે એક વખત તો શીતાગારમાંથી પાછા ફરવું જ પડે છે.”

એ શિતાગાર એટલે લિમસનું દારૂની લત પર ચડી જવું, અત્યંત મુફલીસીમાં દિવસો વીતાવવા, પૂર્વ જર્મનીની ઇન્ટૅલીજન્સના હાથોમાં પકડાઇ જવું અને તેની પ્રેમિકાનો ઠંડે કલેજે ઉપયોગ કરીને થઇ રહેલો વિશ્વાસઘાત. કથાનકમાં સમાંતરપણે એવો આંતરપ્રવાહ પણ વહેતો રહે છે જેમાં એક નાટકના સ્વરૂપે જે ભજવવાનું દેખાડવાનુ હતું તે દરેક તબક્કે તે લિમસનું સાચું જીવન થઇ રહે છે. બ્રીટીશ ઇંન્ટૅલીજન્સની ત્રીપાંખીયા દાવપેચની દારૂણ દાસ્તાન વાંચકનાં દિલોદીમાગને પહેલેથી છેલ્લે સુધી જડબેસલાક રીતે જકડી રાખે છે.

નવલકથાનાં કથાનકની સાથે સાથે માનવીય લાગણીઓને લેખકે બખૂબી વણી લીધી છે. પોતાના  વિચારોમાં ખોવાયેલ લિમસ reflex action થી પોતાની ઝડપથી જઇ રહેલ કારને બીજી કાર સાથે અથડાતાં બચાવી લે છે. તે ઘડી એ હાશકારી અનુભવવાને બદલે, તેને એ વિચાર તરત જ ઘેરી વળે છે કે પોતાની આ ભૂલ ને કારણે જન્મી ઉઠેલ પેલી ગાડીના ચાલકની હતપ્રભતાને કારણે તેનો અકસ્માત તો હજુ પણ પાછળ આવી રહેલી ટ્રકોના ટ્રાફીક સાથે તો થશે જ. તે જ ઘડીએ તેની નજર એ કારના પાછલા કાચમાંથી તેનાં તરફ, આવી રહેલા મોતથી અજાણ, ચાર બાળકો તેના તરફ મસ્તીથી હાથ હલાવી રહ્યાં હતાં તે તરફ જાય છે. તે હવે સાવ પાણી પાણી થઇ જાય છે. તે સમયે તેનાં મનમાં લેખકે આ વિચાર મૂક્યો છે, “મોતનું ફરમાન જેમને માટે થઇ ચૂક્યું છે તેઓ આનંદની અણધારી ઘડીઓને આધીન છે; જેમ શમા પર ન્યોછાવર પરવાનાની કુરબાની સાથે તેનું પરમસુખ વણાયેલું છે.” [“Men condemned to death are subject to sudden moments of elation; as if, like moths in the fire, their destruction were coincidental with attainment.”]. પોતાના વ્યાવસાયિક સ્વાર્થમાટે કરીને મનુષ્ય તેનાં પ્રાકૃતિક સુલક્ષણોને આટલી હદ સુધી કઇ રીતે દબાવી દઇ શકે એવી લેખકની મનોવ્યથા લિમસ અને તેની આ આટાપાટામાં ભરાઇ પડેલ પ્રેમિકાના સંવાદોમાં વાંચક પણ અનુભવે છે.

દેખીતી રીતે આ નવલકથા બહુ લાંબી નથી. તેમાંનાં ઘણાં પ્રસંગોનેતો ખાસ્સાં ટૂંકાણમાં વર્ણાવાયા છે, જેમ કે લિમસનો ત્રણ મહિનાનો કારાવાસ કથાનાં ત્રણ પાનામાં જ પૂરો થઇ જાય છે. પરંતુ  લિમસ પર એ ત્રણ મહિનામાં શું વીતી હશે તે નખશીખ સમજવા માટે વાંચકને એ ત્રણ પાનાં પૂરતાં થઇ રહે છે. લેખક ઘટનાઓનું વર્ણન કરતાંની સાથે વાચકના મનને પણ તેમની વિચારયાત્રાની મનોદશામાં સાથે ખેંચી લીધા પછી પૂરી સ્વતંત્રતાથી વિહરવા દે છે. જાસૂસી નવલકથાઓમાં આ શૈલી એક નવી જ ભાત પાડે છે. લખાયેલા શબ્દો, એક તરફ  સરળ અને મુદ્દાસરની સીધી ભાષામાં લખાયેલ શબ્દોના પ્રવાહમાં કથાનક આગળ વધતું રહે છે તો બીજી તરફ તેટલા જ વિશાળ માનસપટ પર વાચક પણ તેના મનોભાવ જગતમાં સફર કરતો રહે છે.

અને આ જ એક મુખ્ય કારણ છે જેને કારણે આપણે આ પુસ્તક ફરી ફરીને વાંચવા મજબૂર થઇ જઇએ છીએ. આને કારણે દરેક વાચન અનુભવનાં નવાં જ અર્થઘટન ખોળી આપે છે. તો વળી આપણને એમ પણ અહેસાસ રહ્યા કરે કે વાંચતાં વાંચતાં આપણાથી કંઇક છૂટી ગયું છે અને ફરીથી જ્યારે વાંચીએ ત્યારે એવું કશુંક જરૂર મળી પણ આવે.

૧૯૬૫માં તો આ કથાનું ફિલ્માંકન (જુઓ અહીં) પણ થઇ ગયું. બધા જ વિવેચકો એ માર્ટિન રીત્તનાં સિધ્ધ હસ્ત નિર્દેશનમાં રીચર્ડ બર્ટનને તેની અદાકારીની ગહનતાને લિમસનાં પાત્રમાં સ્વાભાવિકતાથી ભળી જવાને બીરદાવી છે. અન્ય કિરદારોનાં પત્રાલેખન, સીનેમેટોગ્રાફી જેવાં સાધનોના અસરકારક પ્રયોગની મદદથી નિર્દેશકે મૂળ કથાનું વાતાવરણ ફિલ્મમાં પણ ધબકતું કરેલ છે. આ ફિલ્મ  ડીવીડી પર ઉપલ્બધ છે, તો વળી યુ ટ્યુબ પર તે બાર ટુકડાઓમાં ચડાવાયેલ પણ છે. તેમાંના પહેલો ટુકડો અહીં છે.

http://youtu.be/DAHuDg3DQF4

બી.બી.સી એ તેને શ્રાવ્યપુસ્તક સ્વરૂપે પણ પ્રસિધ્ધ કરેલ છે, જે અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાય છે, પુસ્તક પીડીએફ સ્વરૂપમાં પણ મળી રહે  છે.

લેખક વિષે –

જ્હૉન લ કૅર એ લેખકનાં મૂળ નામ ડૅવીડ કૉર્નવૅલનું તખલ્લુસ છે. ૧૯૫૦થી ‘૬૦સુધી તેઓ બ્રીટીશ ઇન્ટૅલીજન્સ સંસ્થામાં જ કામ કરતા હતા. એ દ્રષ્ટિ એ એમની વાર્તાઓમાં વાસ્તવિકતાની છાંટ જોવા મળતી હોય તો તે માત્ર સાંયોગિક જ છ તેવું તેઓ એ પોતે જ નોંધ્યું છે. તેમણે ૨૨ નવલકથાઓ લખી છે. શીતયુધ્ધના અંત પછીથી લખાયેલી તેમની નવલકથાઓમાં તેમણે જાસૂસી સંસ્થાઓ, મોટાં આંતરરાષ્ટ્રિય વ્યાપારી ગૃહો અને રાજકારણની સાંઠગાંઠને આવરી છે. દા.ત. તેમની  Our Kind of Traitor નવલકથા એક ફાર્માસ્યુટીકલ કંપની દ્વારા કેન્યામાં કરાયેલા ફીલ્ડ ટેસ્ટની દિલધડક કહાની છે. તેમના ઇરાક યુધ્ધ, અમેરીકાની ઇરાન પ્રત્યેની નીતી, નાણાંના આંતરરાષ્ટ્રીય વિનિમય જેવા વિષયો પરના વિચારોને, યુ ટ્યુબપરના આ ચાર ટુકડામાં ચડાવાયેલા તેમના અમેરિકામાં અપાયેલા ઇન્ટરવ્યુમાં સાંભળી શકાશે., જેનો પ્રથમ ભાગ અહીં છે.

આમ આ નવલકથા The Spy Who Came in from The cold એ તેના સમયનું હાડકાં થીજાવી દે તેવું સંવેદનશીલ કથાનક છે, જે આજે લગભગ ૫૦ વર્ષ પછી પણ એક નવલકથા તરીકે સમયની કસોટીએ ખરું ઉતરે છે.

– અશોક વૈષ્ણવ


2 thoughts on “The Spy Who Came in from The Cold : એક બેઠકે વાંચવી પડે તેવી જાસૂસી નવલકથા – અશોક વૈષ્ણવ