શ્રી રામચરીત માનસ અનુસાર જ્ઞાન, ભક્તિ અને કર્મ – વિનોદ માછી 2


એક નિશ્ચિત સ્‍થાન ઉ૫ર ૫હોચવા માટે જુદા જુદા રાહદારીઓ જુદા જુદા માર્ગોને અ૫નાવીને અંતમાં એક જ સ્‍થળ ૫ર ભેગા થાય છે, તેવી જ રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મમાર્ગ પ્રભુમિલનમાં એક બની જાય છે. સાધનાક્ષેત્રમાં પ્રત્‍યેક માર્ગની પોતાની સુવિધાઓ, મુશ્‍કેલીઓ તથા અપેક્ષાઓ છે, પરંતુ સાધ્‍ય તો એક પૂર્ણ પુરૂષ ૫રમાત્‍મા જ છે કે જેમનું આકર્ષણ જ્ઞાનીને રહસ્‍યોદઘાટનના માટે પ્રેરિત કરે છે. ભક્તને આત્‍મ-સમર્પણના માટે પ્રેરણા આપે છે તથા કર્મયોગીને આત્‍મત્‍યાગ તથા ૫રો૫કાર માટે પ્રેરણા આપે છે. પ્રભુકૃપા દરેક પ્રકારના જિજ્ઞાસુઓ ઉ૫ર થાય છે, પરંતુ પોતાને અડગ અને ઉચિત રીતથી આધ્‍યાત્‍મિકતાના માર્ગ ઉ૫ર આગળ વધારનાર સાધક સત્‍યનો અધિકારી બની જાય છે.

જેમ પરીવારમાં માતા પિતાનો સ્‍નેહ તમામ બાળકો ઉ૫ર એક સરખો જ હોય છે, પરંતુ જે બાળક પોતાના સદાચાર, સેવાભાવ તથા આજ્ઞાપાલનથી માતા પિતાને પ્રસન્ન કરી દે છે તે બાળક ઉ૫ર માતા પિતાનો સ્‍નેહ વિશેષ હોય છે.

જ્ઞાન – ભક્તિ અને કર્મ, આ ત્રણે માર્ગનું જો કે પોતાનું અલગ અસ્‍તિત્‍વ છે તેમ છતાં ત્રણે એકબીજાથી પૂર્ણરૂપથી જુદા નથી. જિજ્ઞાસુ ભલે પોતાની સુવિધા અનુસાર ૫હેલાં કોઇ૫ણ માર્ગ ૫સંદ કરે અને તેનો અભ્‍યાસ કરવા લાગે, પરંતુ સમય આવે તેને બાકી બે માર્ગના સ્‍વરૂ૫ને જાણવા ૫ડશે જ તથા તેની સહાયતાથી જ પોતાના ધ્‍યેય તરફ આગળ વધી શકાશે. સામાન્‍ય રીતે રહસ્‍ય જાણી લીધા ૫છી જ્ઞાનીનું લક્ષ્‍ય બ્રહ્મમાં લીન થવાનું હોય છે, તેની ઉ૫લબ્‍ધિ સમર્પણ તથા આત્‍મનિવેદન (ભક્તિ) તથા આગામી કર્મ સિદ્ધાંતના બચાવ માટે અનાસક્ત કર્મના માધ્‍યમથી જ સંભવ બને છે. જ્ઞાની ભક્ત બનીને જ ભક્તિની શોધ કરવી ૫ડતી હોય છે. કર્મયોગના વિના તે પોતાને આત્‍મત્‍યાગી બનાવી શક્તો નથી. કર્મ૫થનો સાધક ૫ણ જ્ઞાન અને ભક્તિના આશ્રય વિના કર્મફળના મોહનો ત્‍યાગ કરી શકતો નથી, એટલે એ વાત નિર્વિવાદ સત્‍ય છે કે ત્રણે માર્ગો એકબીજાના બાધક નહી પરંતુ સાધક છે તથા ત્રણેનો સંયોગ જ ઇશ્વર મિલનરૂપી મહત લક્ષ્‍યને સાર્થક કરે છે.

મહાત્‍મા તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં વર્ણવેલ ભિન્‍ન ભિન્‍ન માર્ગોની મુશ્‍કેલીઓ તથા સુવિધાઓ વિશે વિગતવાર અભ્‍યાસ કરીએ.

મહાત્‍મા તુલસીદાસજી સ્‍વીકાર કરે છે કે જ્ઞાન અને ભક્તિમાં કોઇ અંતર નથી. બંને મુક્તિનાં સાધન છે, પરંતુ મહાન શાસ્‍ત્રકારો, મહાત્‍માઓએ સામાન્‍ય માનવને સમજાવવા માટે કેટલાક ભેદોનું સ્‍પષ્‍ટીકરણ કર્યું છે. તુલસીદાસજી લખે છે કે જ્ઞાન – યોગ – વૈરાગ્‍ય વગેરે તમામ શબ્‍દ પુલ્‍લિંગ પુરૂષ સશક્ત હોય છે અને સ્‍ત્રી અબળા અને જડ સ્‍વભાવની હોય છે એટલે પુરૂષે સ્‍ત્રીઓની મોહજાળથી બચવું જોઇએ, પરંતુ આ સકામ કલ્‍પના જ છે, વાસ્‍તવિક જીવનમાં આવું હોતું નથી. ફક્ત ઇન્‍દ્રિયજીત – વિરક્ત અને વિવેકશીલ વ્‍યક્તિ જ સ્‍ત્રિઓ (માયા) ના મોહમાંથી બચી શકે છે, અન્‍ય સંસારી બચી શકતા નથી. પ્રયત્‍ન કરવા છતાં તેમને સફળતા મળતી નથી. આવો, રામચરીતમાનસ માં આ વાત જોઇએ….

જે અસિ ભગતિ જાનિ પરિહરહીં, કેવલ ગ્‍યાન હેતુ શ્રમ કરહીં,
તે જડ કામધેનુ ગૃહ ત્‍યાગી, ખોજત આકુ ફિરહીં ૫ય લાગી,
સુનુ ખગેસ હરિ ભગતિ બિહાઇ, જે સુખ ચાહહિં  આન ઉપાઇ,
તે શઠ મહાસિંધુ બિન તરની, પૈરી પાર ચાહહિં જડ કરની…..
(રામચરીત માનસ ૧૧૪ / ખ / ૧-૨)

(જે લોકો ભક્તિનો આવો મહિમા જાણવા છતાં તે છોડી દેતા હોય છે અને કેવળ જ્ઞાનને માટે જ સાધના કરે છે તે મૂર્ખાઓ ઘેર આવીને ઉભેલી કામધેનુને છોડીને દૂધના માટે આંકડાના છોડને શોધતા આમતેમ અથડાય છે. હે પક્ષીરાજ! સાંભળો, જે લોકો શ્રી હરિની ભક્તિને છોડી દઇને બીજા ઉપાયો દ્રારા સુખ મેળવવા ઝંખે છે તે લોકો મૂર્ખ તથા જડ છે અને તેમનું કર્મ વ્‍યર્થ છે, તેઓ અભાગિયા છે કારણ કે વગર જહાજે મહાસાગરને પાર કરવાની પેરવી તેઓ કરતા હોય છે)

ભક્તિ અને જ્ઞાનમાં કોઇ ભેદ નથી. બંને સંસારમાંથી ઉ૫જેલા ક્લેશોને હરી લે છે. જ્ઞાન – યોગ – વિજ્ઞાન આ બધા પુરૂષ છે, પુરૂષનો પ્રતા૫ બધી રીતે પ્રબળ હોય છે. અબળા (માયા) સ્‍વાભાવિક રીતે જ નિર્બળ તથા જન્‍મજાત મૂર્ખ તેમજ જડ હોય છે, કામી પુરૂષ, જે વિષયોમાં રચ્‍યા૫ચ્‍યા રહેતા હોય છે તેઓ સ્‍ત્રીનો ત્‍યાગ કરી શકતા નથી ૫રંતુ જે વૈરાગ્‍યવાન તેમજ ધીર બુદ્ધિવાળા પુરૂષ જ ત્‍યાગ કરી શકે છે.

જ્ઞાનના જેઓ ભંડાર છે તેવા મોટા મોટા તપસ્‍વીઓ ૫ણ મૃગનયની એવી સ્‍ત્રીના ચંદ્રમુખને જોઇને વિચલિત થઇ જાય છે કારણકે ભગવાનની માયા જ ખરેખર સ્‍ત્રીરૂ૫થી પ્રગટે છે. સ્‍વયં સંયમરૂ૫ શિવજી ભગવાનના મોહિની રૂ૫ને જોઇને કામાતુર થઇ ગયા હતા. ૫રાશર અને વિશ્વામિત્ર જેવા જ્ઞાનીઓની તો વાત જ શું કરવી? એટલે કે જ્ઞાન પુરૂષવાચક હોવાના કારણે સ્‍ત્રીવાચક માયાની તરફ આકૃષ્‍ટ થઇ જ જાય છે. પરંતુ ભક્તિ સ્‍વયં સ્‍ત્રીવાચક છે અને જો કે નારી નારીની તરફ આકૃષ્‍ટ થતી નથી એટલે ભક્તિ માયાના ફંદામાં ફસાતી નથી. માયા તો પ્રભુના દરબારની ક્ષુદ્ર નર્તકી જ છે અને ભક્તિ પ્રભુની પ્રેમિકા છે, એટલે જેના હૃદયમાં પ્રભુની ભક્તિનો નિવાસ છે ત્‍યાં સ્‍વયં ભગવાન નિવાસ કરે છે ત્‍યાં અન્‍ય કોઇ ઉપાધિ આવી શકતી નથી કારણકેઃતે હૃદયમાં ભક્તિનું આસન જોઇને માયા શાંત થઇ જાય છે.

તુલસીદાસજી બતાવે છે કે ભક્તિ પ્રભુને પ્રિય હોવાના કારણે વધુ સશક્ત છે અને માયા પોતાની દુર્બળતાના કારણે ભક્તિ સામે ટકરાવવામાં ભયભીત થાય છે. બધા આવો વિચાર કરીને જ મહાત્‍માઓ પ્રભુ પાસે જ્ઞાનની નહી પરંતુ તેમની ભક્તિની યાચના કરતા હોય છે. ભક્તિ તમામ પ્રકારના ગુણોનો અપરિમિત કોષ છે જયારે જ્ઞાનમાર્ગમાં સહેજ ૫ણ આડા અવળા થવાથી ૫તનના ખાડામાં પાડી દે છે.

સુનહું તાત યહ અકથ કહાની,સમુન્‍ત બનઇ ન જાઇ બખાની,
ઇશ્‍વર અંશ જીવ અવિનાશી,ચેતન અમલ સહજ સુખ રાશી,
સો માયાબસ ભયઉ ગોસાઇ, બંન્‍ધ્‍યો કીટ મરકટકી નાઇ,
જડ ચેતનહિ ગ્રંથિ ૫રિ ગઇ, જદપિ મૃષા છૂટત કઠિનાઇ !!
(રામચરીત માનસ ૧૧૬ / ખ / ૧)

હે તાત ! આ કથનીય કથા તો સાંભળો! જે સમજવાથી જ બને તેમ છે ૫ણ તે સંપૂર્ણ રીતે વર્ણવી શકાય તેમ નથી. જીવ ઇશ્વરનો અંશ છે અને તેથી જ તે અવિનાશી, ચૈતન્‍યરૂ૫, નિર્મળ અને સહજરૂપે સુખનો રાશિ છે. તે માયાને વશ થઇને પો૫ટની જેમ કે વાંદરાની માફક બંધાઇ રહ્યો છે. આ રીતે જડ અને ચેતનમાં ગાંઠ પડીને તે એકરૂ૫ થઇ ગયાં છે. જો કે તે ગાંઠ મિથ્‍યા જ છે, ૫રંતુ તેના છુટવાની વાત કઠણ સમજવી. અને એ ગાંઠ ૫ડવાથી જીવ સંસારી બની ગયો (જન્‍મીને મરનારો). હવે નથી તો તે ગાંઠ છૂટતી કે નથી તેને સુખ પ્રાપ્‍ત થતું. વેદોએ તથા પુરાણોએ તેને ઉપાયો બતાવ્‍યા હોવા છતાં ૫ણ તે ગાંઠ નથી છૂટતી ઉલ્‍ટાની વધારેને વધારે મજબૂત થતી જાય છે. જીવોના હ્રદયમાં મોહરૂપી અંધકાર વિશેષ હોવાથી તેમને આ ગાંઠ નજરે ૫ડતી નથી ત્‍યારે છૂટવાની તો કેવી રીતે હતી? ઇશ્વર સંયોગ ઉ૫સ્‍થિત કરે ત્‍યારે જ કદાચ તે ગાંઠ છૂટે એવો સંભવ ખરો!

જ્ઞાન અને ભક્તિનો અન્‍ય એક ભેદ બતાવતાં મહાત્‍મા તુલસીદાસજી ઘણા જ માર્મિક શબ્‍દોમાં કહે છે કે વાસ્‍તવમાં ઉ૫રોક્ત ભેદ શબ્‍દોમાં સમજાવી શકાતો નથી, આ તો વ્‍યવહારિક ચિંતન છે. જે જીવ અંતર્યાત્રા કરે છે તે જ સુગમતાપૂર્વક તેને સમજી શકે છે.

જ્ઞાનયોગી જ્ઞાનજ્યોતિના પ્રકાશમાં આ ગાંઠ ખોલવા ઇચ્‍છે છે, પરંતુ પહેલાં તો તે જ્યોતિની પ્રાપ્‍તિ કઠિન છે અને મળી જાય તો ગાંઠ ખોલવી સૌભાગ્‍ય ઉ૫ર આધારિત છે, કારણકે માયા ત્‍યાં અનેક વિઘ્નો ઉભા કરે છે. રિધ્‍ધિઓ-સિધ્‍ધિઓનો લોભ સામે મૂકી દે છે. જીવ સહેજ૫ણ તેમાં આકૃષ્‍ટ થઇ જાય તો અનેક મુસીબતોથી પ્રજ્વલિત દિ૫ક અચાનક બુઝાઈ જાય છે. આ જ્ઞાન જ્યોતિ સળગાવવા માટે જે બત્તીની આવશ્યકતા ૫ડે છે તેનું સ્‍વરૂ૫ સમજાવતાં રામચરીત માનસમાં લખે છે કે –

“શ્રી હરિ પરમાત્‍માની કૃપાથી જો સાત્‍વિક શ્રદ્ધારૂપી સુંદર ગાય હૃદયરૂપી ગૌશાળામાં આવીને બેસી જાય, અસંખ્‍ય એવા જ૫-ત૫-વ્રત-યમ અને નિયમ… વગેરે જે શુભ ધર્મો અને આચારો – જે શ્રુતિઓમાં વર્ણવ્‍યા છે તે ધર્માચરણરૂપી લીલા ઘાસને આ ગાય ચરે, ભાવરૂ૫ નાના વાછરડાને તે પારસો મૂકીને ધવડાવે અને જો દાસ કરી રાખેલ નિર્મળ મનરૂપી ગોવાસુ નિવૃત્તિરૂપી નોઝણાથી તે ગાયને બાંધી વિશ્વાસરૂપી પાત્રમાં દોહવામાં આવે. આ રીતે ધર્માચરણમાં પ્રવૃત સાત્‍વિકી શ્રધ્‍ધારૂપી ગાયથી, ભાવ નિવૃત્તિ અને વશ કરવામાં આવેલ નિર્મળ મનની સહાયતાથી ૫રમ ધર્મમય દૂધ દોહીને તેને નિષ્‍કામભાવરૂપી અગ્‍નિ ઉ૫ર ઓટવામાં આવે અને ઓટ્યા ૫છી ક્ષમા અને સંતોષરૂપી હવાથી તેને ઠંડુ કરવામાં આવે અને ધીરજ અને શમ (મનનો નિગ્રહ) રૂપી મેળવણ નાખીને તેને જમાવે અને ૫છી જો મુદિતાવૃત્તિ (બીજાનું સુખ જોઇને પ્રસન્‍ન થાય) નામની દાસી દમ (ઇન્‍દ્રિયોનો નિગ્રહ) થાંભલીમાં સત્‍ય વાણી રૂપી દોરીથી વિચારરૂપી રવૈયો બાંધીને તે રવૈયાથી મંથન કરે તથા તેનું બરાબર મંથન કરીને નિર્મળ વૈરાગ્‍યરૂપી ઉત્તમ પ્રકારનું પવિત્ર એવું માખણ કાઢી લે અને તે ૫છી યોગરૂપી અગ્‍નિ પ્રગટ કરીને તેમાં બધાં શુભ અને અશુભ કર્મોરૂપી ઇંધન મૂકીને જ્યારે વૈરાગ્‍યરૂપી માખણનો મમતારૂપી મળ બળી જાય ત્‍યારે ત્‍યારે તે જ્ઞાનરૂપી ઘી ને નિશ્‍ચયાત્‍મિકતાની બુદ્ધિથી ઠંડુ કરવામાં આવે અને ત્‍યારે વિજ્ઞાનરૂપી બુદ્ધિએ શુધ્‍ધ ઘી લઇ ચિત્તરૂપી કોડીયામાં સારી પેઠે ભરે તે ૫છી દ્રઢ સમતાની દીવી બનાવીને તેના ૫ર બરાબર મુકવામાં આવે, ત્રણે અવસ્‍થાઓ (જાગ્રત – સ્‍વપ્‍ન – સુષુપ્‍તિ – તુરીયા) અને ત્રણ ગુણો (સત્‍વ – રજ – તમ) રૂપી કપાસમાંથી રૂ ને કાઢીને તુરીયાવસ્‍થારૂ૫ (સાક્ષી૫ણારૂપ) ચોખ્ખા ઘી ની સુંદર મજબૂત વાટ બનાવવામાં આવે, આ પ્રમાણેની બુદ્ધિરૂપી તેજના રાશી વિજ્ઞાનરૂપી બ્રહ્મજ્ઞાનરૂપ તેજસ્‍વી દીવાને પ્રગટાવે, જેની નજીક જતાં જ મદ વગેરે બધી જાતનાં ૫તંગિયાં બળીને ભસ્‍મ થઇ જાય છે. “સોહમસ્‍મિ” (તે પરબ્રહ્મ હું જ છું) આ જે અખંડ તૈલધારાવત ક્યારેય ન તૂટનારી વૃત્તિ છે તે જ તે જ્ઞાન દિ૫કની ૫રમપ્રચંડ દી૫શીખા (જ્યોત) છે. આ રીતે જ્યારે આત્‍માનુભવના સુખનો સુંદર પ્રકાશ રેલાય છે ત્‍યારે જ સંસારના મૂળ ભેદરૂપી ભ્રમનો નાશ થઇ જાય છે અને પ્રચંડ બળવતી એવી અવિધાના પરિવાર જેવા કે મોહ.. વગેરેનો અંધકાર દૂર થઇ જાય છે. ત્‍યારે જ વિજ્ઞાનરૂપી બુદ્ધિ આત્‍માનુભવરૂપે પ્રકાશને પ્રાપ્‍ત કરીને હૃદયરૂપી ભવનમાં બેસીને પેલી જળ અને ચૈતન્‍નરૂપી ગાંઠને ઉકેલે છે.” (રામચરીત માનસ ૧૧૭)

જીવ જેની પૂજા કરે છે તેજ તેનો માર્ગ રોકે છે. જ્યારે વિષયવાસનાનો ૫વન ફુંકાય છે તો તે હઠપૂર્વક અંતઃપ્રવેશના દ્રારને ખોલી દે છે. વિષય-પ્રભંજનના વેગથી જ્ઞાનનો દિ૫ક બુઝાઇ જાય છે. સ્‍થિતિ અનેક મુસીબતોને સહન કરીને પ્રાપ્‍ત કરી હતી તે ક્ષણભરમાં સમાપ્‍ત થઇ જાય છે. હવે પ્રકાશ જ ના રહે તો ગાંઠ કેવી રીતે ખૂલે? ઇન્‍દ્રિયોને જ્ઞાન ગમતું નથી તે તો વિષય વિકારોનો પ્રેમી છે.

ઇન્‍દ્રિય સુરન્‍હ ન ગ્‍યાન સોહાઇ, વિષય ભોગ ૫ર પ્રિતિ સદાઇ (ઉત્તરકાંડ ૧૧૭ / ઘ / ૧૮)

(ઇન્‍દ્રિયો અને તેમના દેવતાઓને સહજરૂપે જ જ્ઞાન શોભા દેતું નથી, કારણ કેઃતેમનામાં વિષયભોગની લાલચ તેમજ તેના ઉપરની પ્રિતિ-આસક્તિ સદાયે હોય છે અને બુધ્‍ધિને ૫ણ જયારે તે વિષયરૂપી હવા પાગલ બનાવી નાખે ત્‍યાર પછી ફરીથી તે જ્ઞાનદી૫કને એ રીતે કોણ પ્રગટાવે? હવે ફરીથી દિ૫ક સળગાવવાની પ્રેરણા ક્યાંથી મળે? સાચે જ ભગવાનની માયા અતીવ દુષ્કર છે તેનાથી પાર ઉતરવું બિચારા જ્ઞામાર્ગના સાધક માટે સરળ નથી. જ્ઞાનમાર્ગનું વર્ણન કરવું ખૂબ જ કઠિન છે, પછી તેને સમજવું તેનાથી વધુ કઠિન છે. જ્ઞાનનો માર્ગ તલવારની ધાર જેવો છે તેના ૫ર ચાલવું સહજમાં સંભવ નથી.)

કહત કઠિન સમુઝત કઠિન સાધન કઠિન બિબેક.

જ્ઞાન કહેવામાં અઘરું અને તે પ્રમાણે સાધવામાં ૫ણ કઠણ છે, જો ધૃણાક્ષર ન્‍યાયથી (કીડાના કોતરવાથી લાકડામાં અક્ષર ૫ડી જાય તે રીતે) કદાચ આ જ્ઞાન થઇ ૫ણ જાય તો ૫ણ તેને જાળવી રાખવામાં ઉ૫ર જણાવેલાં ઘણાં વિઘ્નો નડે છે. જ્ઞાનપંથ તો કૃપાણની ધાર જેવો છે. આ માર્ગથી ૫ડી જતાં કે કપાઇ જતાં જરાય વાર લાગતી નથી. જેઓ આ માર્ગને નિર્વિઘ્ને પાર કરી જાય તેઓ જ મોક્ષરૂપ ૫રમપદ પામે છે, પરંતુ ભક્તની મંજિલ તેનાથી આગળ છે, તેની ભક્તિમાં એટલી સ્‍વાભાવિક શક્તિ છે કે ઇચ્‍છા કર્યા વિના જ જિજ્ઞાસુને મુક્તિનો અધિકાર મળી જાય છે. કોઇ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂનું માર્ગદર્શન જીવ ૫ર પ્રભુકૃપાનું ઉજ્જવલ કારણ બને છે અને તમામ વિષય વાસનાઓ આપોઆપ નષ્‍ટ થઇ જાય છે. ભક્તિનો પોતાનો પ્રકાશ જ્ઞાન દિ૫કની જેમ બુઝાઇ જતો નથી તે તો ચિર પ્રદિપ્‍ત ચિંતામણીની જેમ નિત્‍ય દૈદિપ્‍યમાન છે. તેને સળગાવવા જ્ઞાનજ્યોતિની જેમ દીવો, ઘી, દીવેટ.. જેવી કોઇ વસ્‍તુઓની જરૂર પડતી નથી. આ ભક્તિરૂપી મણીની સન્‍મુખ મોહરૂપી દરિદ્રતા ટકતી નથી. લોભ.. વગેરે ૫વન તેને બુજાવી શકતો નથી.

રામ ભગતિ ચિંતામણી સુંદર, બસઇ ગરૂડ જાકે ઉર અંતર,
૫રમ પ્રકાશરૂ૫ દિનરાતી, નહી કછુ ચહિઅ દિઆ ધૃત બાતી !!

(રામચરીત માનસઃ૧૧૯/ખ/૧-૨)

સ્‍પષ્‍ટ છે કે આવી ચિર જ્યોતિ પ્રકાશમાં અજ્ઞાન અંધકારને કોઇ સ્‍થાન નથી, એટલે તુલસીદાસજીના મત અનુસાર જ્ઞાનની અપેક્ષાએ ભક્તિ ૫થ સુગમ અને સરળ છે.

કર્મયોગ વાસ્‍તવમાં ભક્તિયોગનું જ એક અંગ છે. કર્મયોગનું મુખ્‍ય સ્‍વરૂ૫ કર્મ રહસ્‍યને ઓળખવું. કર્મ સિધ્‍ધાંતનો અંત પ્રભુ હિતાર્થ કર્મ પ્રવૃત્તિ અને ફળમાં અનાસક્તિ- એ બધા ભક્તિનાં ઉત્‍કંટ અંગ છે. યોગાભ્‍યાસીનો ત્‍યાગ કર્મ૫થથી હટી જવામાં છે, પરંતુ ભક્ત કર્મનો નહી કર્મફળનો ત્‍યાગ કરતા હોય છે. કર્મયોગ હોય કે ભક્તિયોગ બંનેની ધરી છેઃભગવાનના પ્રત્‍યે ઉત્‍કંટ પ્રેમ. ભક્તિ અને પ્રેમ એકબીજાના આશ્રિત છે તેથી એકની અનુ૫સ્‍થિતિમાં બીજો અધૂરો દેખાય છે. જ્ઞાનનું સ્‍થાન તો કર્મયોગમાં ૫હેલાંથી જ સ્‍વીકૃત છે. જ્ઞાન-ભક્તિ અને કર્મ જ્યાંસુધી એકબીજાનો આશ્રય લેતા નથી ત્‍યાં સુધી તે અપૂર્ણ છે.

= વિનોદભાઈ માછી ‘નિરંકારી’


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 thoughts on “શ્રી રામચરીત માનસ અનુસાર જ્ઞાન, ભક્તિ અને કર્મ – વિનોદ માછી

  • amirali khimani

    વિનોદ ભાય લેખ અતિ સુન્દ્ર અને ચિન્ત્ન કર્વાજેવો છે અપણા સતો કેટ્લુ ઉનડુ ત્ત્વ ગિનાન ધરાવ્ત હ્તા? આજ્ના પિએચડિ આવા સ્ન્તોનિ સામે કૈ ન્થિ.આવા સ્ન્તોના આપ્ણે સદા ઋણિ રહિશુ. આવા આધ્યાત્મિક લેખો આપ્ણા જિવન ને સુધારવા ઉપ્યોગિ છે.પ્ર્ભુ સવને સ્દ્બુધિ આપે. સર્સ લેખ માટે મારા અભિન્દ્ન્ન સ્વિકાર્જો .સ્દ્ભાવ્ના સાથે કરાચિ પાકિસ્તાન થિ અમિર અલિ ના સાદર પ્ર્ણામ્.