આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર 8


મસ્જિદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે,
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.

પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝાલશે,
જંગલમાં ભાગે તો ભીલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈન્ડિયા છોડી દે,
તો રોમ ને રંગૂનમાં રંધાશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે,
સંતાઈ છુપાઈ જશે તો ગોતી ગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો,
મણિલાલ જાય ક્યાં?
મણિલાલ કરે શું?

– ઉદયન ઠક્કર.

શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા સંપાદિત ‘આપણી કવિતાસમૃદ્ધિ’ માંથી સાભાર.

શ્રી ઉદયન ઠક્કરનું પ્રસ્તુત સચોટ અને સુંદર અછાંદસ એક સામાન્ય વાતને – જીવનની રોજીંદી ઘટનાને એક મરઘાના વિચારબિંદુથી વિચારપ્રેરક રીતે પ્રસ્તુત કરે છે. જો કે વાત ફક્ત એક મણિલાલ નામના મરઘાની છે, પણ એ ફક્ત તેની પણ નથી. અહીં કરેલી વાત કોની છે તે સમજવું વાચક પર છોડીને કવિ છેલ્લે એક સવાલ પૂછે છે – મણિલાલ જાય ક્યાં? મણિલાલ કરે શું? એ ફક્ત એક મરઘાની કથની નથી, ક્યાંક તેનું પરિપ્રેક્ષ્ય તેથી વિશાળ થઈ જાય છે. માણવી ગમે તેવી શ્રી ઉદયન ઠક્કરની આ સરસ વિચારપ્રેરક રચના શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા સંપાદિત ‘આપણી કવિતાસમૃદ્ધિ’ માંથી સાભાર લીધી છે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર