તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે? – ડૉ. જગદીશ જોશી 9


ગૂગલ શોધમાં Relation શબ્દ લખી ક્લિક કરી જુઓ, સંબંધની જાતજાતની વ્યાખ્યાઓ અને ભાતભાતના પ્રકારો જોવા – વાંચવા મળશે. એવુંય બને કે તમે ગૂંચવાઈ જાવ કે શું વાંચવું અને શું સમજવું. છોડો આ બધું, આપણે તો ફક્ત ‘માનવીય સંબંધો, આપણા રોજીંદા જીવનમાં ઉદય પામતા અને અસ્ત થતા, ભરતી ઓટમાંથી પસાર થતા સંબંધોની જ વાત કરવી છે. માનવજીવનના સામાજીક ચક્રને ચલાવવા માતે સંબંધો જરૂરી છે. નાના જીવોનું જીવનચક્ર કુદરતી રીતે જ અવિરત ચાલતું રહે છે કારણકે ત્યાં સમાજ નથી, સમૂહ છે અને ખાસ તો પ્રકૃતિગત જરૂરીયાતો તથા લાગણી સિવાય કોઈ અપેક્ષાઓ નથી.

મનુષ્યના જીવનચક્ર અને સંબંધો આ રીતે જોઈએ –
જીવનનો ઉદય – સ્ત્રીપુરુષનો મર્યાદામાં રહીને સંબંધ (પતિ પત્ની)
જીવનની વૃદ્ધિ – મા બાપ અને બાળકનો સંબંધ (પુત્ર પુત્રી)
જીવનનો વિકાસ – કુટુંબના સભ્યોનો સંબંધ (ભાઈ, બહેન, કાકા, કાકી, દાદા, દાદી અને સમાજના અન્ય સભ્યો સાથે સંબંધ, મિત્રો અને અન્ય સગા સંબંધીઓ વગેરે)
અને જીવનના અંત પહેલા જીવનચક્રને ચાલુ રાખવા ફરી પતિ-પત્નીનો સંબંધ અસ્તિત્વમાં આવે અને ચક્ર સદા ફરતુ રહે છે.

આમ જીવનચક્રને ગતિશીલ અને સતત રાખવા સંબંધોનું અસ્તિત્વ અનિવાર્ય છે.

આપણે સૌએ અનુભવ્યું છે કે સંબંધોમાં પણ ઉદય, મદ્યાહ્ન અને અસ્ત આવતા રહે છે, પણ વ્યવસાયિક સંબંધો સિવાયના સામાજીક સંબંધોમાં ઘણીવાર અસ્ત પામતા સંબંધો દિલમાં દુઃખની લાગણી છોડતા જાય છે. ગુસ્સો, નિરાશા, હતાશા, એકલતા, ઈષ્યા જેવી નકારાત્મક લાગણીઓ ઉભી કરતા જાય છે. આવું થવાનું કારણ તમે ક્યારેય વિચાર્યું છે?

મારું માનવું છે કે આમ થવાનું કારણ સંબંધોના મૂળને – ઉદભવના કારણને આપણે જાણતા નથી અથવા તો નજરઅંદાજ કરીએ છીએ. એક રોજીંદો પિતા પુત્રનો સામાન્ય પ્રસંગ જોઈએ.

આખા દિવસની સતત મહેનત, દોડધામ, માનસિક તાણમાંથી પસાર થયેલો પિતા જ્યારે સાંજે ઘરે પાછો ફરે છે ત્યારે ઘરમાં નાનું બાળક કિલ્લોલતું હોય તેની સાથે બાળક બનીને તે બાળરમતમાં ગૂંથાઈ જાય. આપણે તેને પિતૃપ્રેમનું નામ આપી દીધું. બીજે દિવસે સવારે એ જ પિતા ઑફીસ જવા તૈયાર થતો હોય, મોડું થઈ ગયું હોય અને પિતૃપ્રેમની ભ્રાંતિમાં લપેટાયેલું બાળક પિતાને વળગવા દોડે ત્યારે પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. આવું કેમ?

જવાબમાં આ જ પ્રસંગને ફરી સમજવાનો યત્ન કરીએ, થાકી ગયેલા અને માનસિક રીતે ત્રસ્ત પિતાને તે પરિસ્થિતિમાંથી મુક્ત થવું હતું, બાળસહજ પ્રવૃત્તિ કરીને હળવા થવું હતું, કહો કે એમ કરવું તેની જરૂરીયાત હતી. આ જરૂરીયાતને આપણે પિતૃપ્રેમનું નામ આપી દીધું. જરૂરીયાત સંતોષાઈ ગઈ અને પિતૃપ્રેમ ઓગળી ગયો. મોટાભાગના મા-બાપો સંતાનો સાથે આવી જરૂરીયાતો અને અપેક્ષાઓથી જોડાયેલા છે. વૃદ્ધાવસ્થામાં મારો ટેકો બનશે કે નામ ઉજાળશે એવી ઈચ્છાઓ અને અપેક્ષાઓથી બંધાયેલો સંબંધ વિપરીત પરિણામ આપે ત્યારે દુઃખ પહોંચાડે જ. નાનું બાળક પણ પોતાની જરૂરીયાત સંતોષવા જાતજાતના નુસખાઓ અજમાવતું હોય છે. તો આવી પરિસ્થિતિમાં પિતા પુત્રના સંબંધનો પાયો શું?

જ્યાં આપણે ‘ઘર જેવા સંબંધો’નો અસ્ત જોવા માંડીએ ત્યારે ખૂચે પણ એ વિચારતા નથી કે આ ઘર જેવો સંબંધ બંધાયો કેમ? નવી ઓળખાણ થઈ અને મનમાં ઝબકારો થયો કે કામનો માણસ છે, સંબંધોમાં ભરતીના મોજા આવવા લાગે છે. પણ જ્યારે કામનો લાગતો માણસ કામ ન આવે ત્યારે એ જ સંબંધોમાં ઓટ આવવા માંડે છે – અસ્તનો આરંભ થાય છે. જ્યારે આ સંબંધના અંતે દિલમાં દુઃખ્યું ત્યારે આપણે એ ન વિચાર્યું કે મારા સંબંધની ઈમારતનો પાયો જ જરૂરીયાત કે અપેક્ષા હતી. જો મેં એવી કોઈ અપેક્ષા વગર જ સંબંધ બાંધ્યો હોત તો તેનો અસ્ત થવાનો પ્રશ્ન જ ઉભો ન થાત. સામેવાળી વ્યક્તિને પણ આવો જ પ્રશ્ન ઉભો થાય, તેને પણ લાગે કે પહેલા તો બહુ રાખતા હતા, હવે શું થયું? હકીકતમાં તેણે પણ નવો સંબંધ બંધાય ત્યારે વિચારી લેવું જોઈએ કે આ નવો સંબંધ અપેક્ષાના પાયા પર નથી ને? જો એવું લાગે તો સંબંધોમાં ભરતી આવે તે પહેલા સ્પષ્ટતાઓ કરી લેવી જોઈએ જેથી સંબંધોની અચાનક જ ભરતી ન આવે અને ઓટ આવવાનો પ્રશ્ન જ ઉભો ન થાય.

જૂની પેઢી અને નવી પેઢીના ક્લેશમાં આ સંબંધોની સમજણ જ રહેલી છે. નવી પેઢીના સંબંધો જરૂરીયાત કે અપેક્ષા પર રચાયેલા છે અને તેની બેઉ પક્ષોને જાણકારી છે. આથી જ તેઓને સંબંધોમાં ભરતી-ઓટ, ઉદય-અસ્તના પ્રશ્નો નડતા નથી.

શોધી કાઢો કે તમારા કેટલા સંબંધો આમ જરૂરીયાતના પાયા પર રચાયેલા છે? ફક્ત નજર સૂક્ષ્મ રાખવી – બનાવવી પડશે.

બસ, તો સંબંધોના પરિણામે ઉદભવેલી કડવાશને દૂર કરવા સંબંધની ઈમારતના પાયાની પરખ કરી લો. અને સ્વીકારી લો કે સર્વ અપેક્ષા અને જરૂરીયાત હંમેશા સંતોષાતી નથી અને તેનો અંત પણ નથી. આવા સંબંધોનો આપણી લાગણી સાથેનો છેડો ફાડી નાંખો. બાકી રહી જશે નિર્મળ અને પ્રેમાળ સંબંધો અને મન શાંત થઈ જશે એ નફામાં.

શુભેચ્છાઓ.

– જગદીશ જોશી
(શુષ્ક સંબંધોના વિશાળ રણમાં મીઠી વીરડી જેવા પ્રેમ સંબંધોની વાત ફરી ક્યારેક.)

સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જગદીશભાઈ જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે. યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધો વિશેની પ્રારંભિક વાત તેઓ આજે આપણી સમક્ષ મૂકી રહ્યા છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આજે આ અનોખી વાત રજૂ કરી રહ્યા છીએ. અક્ષરનાદને આ પ્રયોગ માટે ઉપર્યુક્ત માધ્યમ માનવા અને પ્રસ્તુત લેખ પાઠવી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. જગદીશભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.


Leave a Reply to Jagdish JoshiCancel reply

9 thoughts on “તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે? – ડૉ. જગદીશ જોશી

  • PRAFUL SHAH

    I DONT REMEMBER BUT MANY SAINTS SAY. IN SANSKRIT…
    .EVERY BODY LOVES OTHER FOR REASON TO BE HAPPY, WIFE/HUSBAND, FATHER/SON MOTHER/DAUGHTER OR FRIENDS….
    APEKSHA..IF NOT SATISFIED THAN THERE IS TROUBLE..TILL ITS O.K.
    SELFLESS LOVE IS VERY RARE

  • ashalata

    આજ્નો યુગ ઝડપી તેમજ યત્રવાળો ,રોજબરોજની જરુરીયાતને પુરી કરવા કરવી પડતી હરણ્ાફાળ દોડ આમા માનવી કેવો બને?
    સબધોને પણ યત્ર સમાન જ કેળવે.
    જુની પેટી અને યુવા પેટી સમજણ બનેમા છે સબધોનુ મૂલ્ય પોતપોતાની રીતે મુલવે ——–

    • Jagdish Joshi

      I think our life is bundle of ‘Need’ moments and it goes by its only – take and give. But there are certain moments where ‘take and give’ does not required to balance and they are happy moments to live and at that moment our relation is not based on ‘need’. Next article will may clear my views.

  • Ashok Vaishnav

    સાંપ્રત સમયની આ એક બહુ જ મોટી કમનસીબી છે કે આજે ,સામાન્યતઃ, સંબંઘો સગવડીયા અને જરૂરીયાત આધારીત થઇ ગયા છે. હજૂ – તથાકથિત, અમારા સમયની – ગઇ કાલ સુધી એવા કેટલાક સંબંધો હતા કે જેનો અધાર તત્કાલીન ગરજ નહોતો.
    અહીં આજનો સમય ખરાબ છે તેવું કહેવાનો આશય નથી. હેતૂ છે માત્ર આ હકીકતને સ્વીકારી અને તે પ્રમાણે આપણી અપેક્ષાઓ, આપણાં આયોજનો અને જીવન પ્રત્યેની આપણી વ્યૂહાત્મક દ્રષ્ટિને વાસ્તવિક બનાવવાની જરૂરીયાતનો.
    યુવા પેઢી આ અંગે વધારે બીનલાગણીશીલ અભિગમ ધરાવે છે, કારણ કે તેઓ એ તો તેમની આસપાસ આમ થતું જ જોયું છે. તેઓને પણ સંબંધની નિષ્ફળતાનું માનવસહજ દુઃખ તો થતું જ હશે,પરંતુ તેને પચાવી જવાની શક્તિ તેઓ વધારે કેળવી શકશે.