સ્વર્ગસ્થ બાને ગઝલાંજલી – જિતેન્દ્ર પ્રજાપતિ 5


૧. બા સમું…….

બા સમું કોઇ સ્વજન જ્યાં યાદ આવે,
આંખથી વહેતી તરત ફરિયાદ આવે.

કો’ક દી આવી ચડે બા સ્વપ્ન મધ્યે,
ગામ-શેરી, ચોક-ફળિયે નાદ આવે.

આજ પણ હું સાંભળુ છું ને ગ્રહું છું,
ભીતરે બાનો હજીયે સાદ આવે.

શાહી ખૂટતાં ઝૂરતી કોઇ કલમ જેમ,
બાની આંખે નિત્ય કૈં વરસાદ આવે.

જિંદગી વિશે ઘણુંયે …ધારતી’તી,
શ્વાસ લેતાં બા તણો સંવાદ આવે.

૨. બા હવે….

એટલું સંભારણું મૂકી ગઇ છે બા હવે,
જાતમાં મારી ખૂંપી ગઇ છે બા હવે.

તુલસીનો છોડવો આજેય લીલોછમ્મ છે,
એંમ લાગે એનામાં ઊગી ગઇ છે બા હવે.

એ પછી જાણ્યું અમે, કે જિંદગી શું ચીજ છે,
આંગળીથી જયારથી છૂટી ગઇ છે બા હવે.

એક સાંધો તેર તૂટે એમ કૈ જીવન મહીં,
રોજ થોડી થોડી થઇ તૂટી ગઇ છે બા હવે.

આંખમાં ઝુરાપો લઇને જિંદગી જીવ્યા પછી,
આંસુના દરિયા મહીં ડૂબી ગઇ છે બા હવે.

– જિતેન્દ્ર પ્રજાપતિ

આજે વેલેન્ટાઈન દિવસ છે. પશ્ચિમની રીતભાત મુજબ પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. પણ શું પ્રેમ અભિવ્યક્તિ માટે આ એક દિવસનો મોહતાજ છે ખરો? પ્રેમ તો શાશ્વત છે અને એમ જ શાશ્વત પ્રક્રિયા એટલે તેની અભિવ્યક્તિ. જો કે આપણી સંસ્કૃતિમાં તેની અભિવ્યક્તિ બોલીને નહીં પરંતુ અનુભવે કરાવવાનો રિવાજ છે. ‘આઈ લવ યૂ’ તો આજે આવ્યું, પેઢીઓથી આપણી પરંપરા રહી છે એક બીજાની કાળજી રાખીને એ વાતની ખાત્રી કરાવવાની કે જીવનના ગમે તેવા કપરા સમયે એક બીજાનો સાથ હશે તો ગમે તેવી મુસીબતો હસતા હસતા વીતી જશે.

ફક્ત એક યુવાન અને એક યુવતિ વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિથી આગળ વધીને આજના દિવસે એક અનોખી ગઝલાંજલી આપીએ. શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ આજે વેલેન્ટાઈન દિવસે તેમની બે સુંદર ગઝલોના માધ્યમથી આપે છે સ્વર્ગસ્થ બાને એક સ્મરણાંજલિ. સૌથી શાશ્વત અને સનાતન પ્રેમ હોય તો એ છે માંનો પ્રેમ, મમતા અને તેની કાળજી. એ જ ભાવનાઓને કેન્દ્રમાં રાખીને આજે પ્રસ્તુત છે બે ખૂબ સુંદર ગઝલો.

કોઈક વાર આપણા ‘બા’ ને પણ એ જાણવાનો અવસર આપવો કે આપણે તેની કાળજી લઈએ છીએ, એ આપણને ગમે છે એ તેની પાસે અભિવ્યક્ત કરવું – કરી જોજો! આપને વેલેન્ટાઈન દિવસની અનેક શુભેચ્છાઓ.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “સ્વર્ગસ્થ બાને ગઝલાંજલી – જિતેન્દ્ર પ્રજાપતિ