I too had a love story (પુસ્તક સમીક્ષા) – જીજ્ઞેશ અધ્યારૂ 6


Book Review of “I Too Had A Love Story” – Ravinder Singh

મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ ત્રણ કલાક મોડી હોવાથી સમય પસાર કરવા બુકશૉપમાં પ્રવેશ્યો. ત્યાં જ મારા હાથમાં આવ્યું પુસ્તક “Can Love happen Twice” પુસ્તકની ઉપરના વાક્યએ મારુ ધ્યાન ખેંચ્યુઁ. – The Sensational and much awaited novel by Best selling author of I too had a love story.

મેં બુકશૉપમાંના બહેનને એ પુસ્તક વિશે પૂછ્યું તો તેમણે પાસેના ઘોડા તરફ નિર્દેશ કર્યો. આ પુસ્તકનું નામ અને તેના લેખકનું નામ મેં ક્યારેય સાંભળ્યું હોય એવું યાદ આવ્યું નહીં. પણ પેલા બહેન કહે, “બઢિયા પઢનેલાયક કિતાબ હૈ” એટલે ત્યાંથી મેં એ પુસ્તક ખરીદી લીધું. તેની ઉપર પણ એક કડી લખેલી છે – Simple, Honest and touching – N R Narayana Murthy.

રવિન્દ્ર સિંહનું આ પુસ્તક મેં ખરીદ્યું અને ત્યાં એરપોર્ટ પર જ વાંચવા માંડ્યો. મારા સિનીયર તો પહેલેથીજ તેમનું બંગાળી સામયિક ક્યાંકથી શોધીને વાંચવા બેસી ગયેલા. ચેક ઈન કરી લીધું હતું એટલે હવે સુરક્ષા તપાસ માટેની જાહેરાત થાય ત્યાં સુધી તો નવરાશ જ હતી અને અંતિમ માહિતી મુજબ ફ્લાઈટ મોડી હોવાને લીધે મારી પાસે કમસેકમ ત્રણેક કલાક તો હતા.

I too had a love story

I too had a love story (Source : Ravinder Singh's website)

શરૂઆતના પાનાઓ પર રવિન્દ્ર સિંહનો ટૂંકો પરિચય અને પુસ્તક વિશેના વર્તમાનપત્રોના અવતરણો હતાં, ત્રણ પાનાં પછી જે સૌથી પહેલું ધ્યાન ખેંચે તે વાક્ય હતું, “Not everyone in the world has the fate to cherish the fullest form of love. Some are born, just to experience the abbreviation of it.”

અને તેના પછીના તરતના જ પાના પર પુસ્તક અર્પણ કરતાં લખેલ હતું – “Dedicated to The loving memory of the girl whom I loved, yet could not marry.”

ઘણા પુસ્તકો તેમના દેખાવને લીધે આકર્ષે છે, ઘણાં તેમના લેખકના નામને લીધે, ઘણાં સતત ચર્ચામાં રહેવાથી અને અમુક પુસ્તકો તેના લેખનની સત્યાર્થતા – પ્રમાણિકતાથી નામ મેળવી જાય છે. આ પુસ્તકના પહેલા ત્રણ પાનાઓ જ આખા પુસ્તકની વાત કહી જાય છે, અહીં વાર્તામાં સસ્પેન્સ નથી, કોઈ થ્રીલર કે નાટકીય વળાંકો નથી, એક ખૂબ સીધી સાદી અને આપણી લાગે એવી પ્રેમકથા છે, અને એ જ આ પુસ્તકનો સૌથી મોટો હકારાત્મક પરિચય છે.

વાર્તા શરૂ થાય છે ચાર મિત્રોના ફરી મિલનથી જે કૉલેજ પછી વર્ષો વીત્યા પછી મળી રહ્યા છે. મનપ્રીત, અમરદીપ, હેપ્પી અને રાવિન – રવિન્દ્ર. આ મિલનમેળા દરમ્યાનમાં ભવિષ્ય વિશેની ચર્ચાઓ કરતાં અચાનક તેઓ લગ્ન વિશેની વાત પર પહોંચે છે અને લગ્નવિષયક વેબસાઈટની મદદથી પોતાના માટે યોગ્ય જીવનસાથી શોધવાની વાત ચર્ચે છે.

રાવિન – વાર્તાનો નાયક થોડાક દિવસો પછી આ જ વાતના સંદર્ભમાં યોગ્ય જીવનસાથી માટેની તલાશ કરવાનો એક અખતરો કરી જોવાનો વિચાર કરે છે અને એક આવી જ વેબસાઈટ પર પોતાનો પરિચય મૂકે છે. સમય પસાર થતો રહે છે અને વેબસાઈટ પર – છોકરીઓ તરફથી મળતા પ્રતિભાવની આશા નિરાશાની વચ્ચે તેને એક દિવસ ખુશીનો સંદેશ મળે છે – અને તેમની વચ્ચે વાતો શરૂ થાય છે. પરિચય વધતો રહે છે – પરિચય પ્રેમમાં પરિણમે છે. સમય પસાર થતો રહે છે અને મોબાઈલ તથા ઈન્ટરનેટના પ્રતાપે મળ્યા વગર પણ ખુશી અને રાવિન એકમેકની ખૂબ નજીક આવે છે – એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે, મહદંશે તેમની પસંદ મળતી આવે છે.

બંનેના પરિવારોને આ વિશેની વાત કરાય છે. બંને પરિવારો આ બાબત માટે સંમતિ આપે છે પરંતુ હજુ મળવાનું બાકી છે. રાવિન ખુશીને મળવા તેના શહેર ફરીદાબાદ જાય છે. તે દિલ્હીની હૉટલમાં ઉતરે છે અને ખુશીના ઘરે જાય છે – તેના પરિવાર સાથે પરિચય થાય છે – અને બધાને તે ગમે છે, તે ખુશીને પ્રથમ વખત જુએ છે, તેના સ્મિતને, તેના ભોળપણને, તેની આંખોમાં રહેલા અનેક સ્વપ્નોને અને તેના પ્રેમને તે અનુભવે છે. સામે પક્ષે ખુશી પણ તેની સાથે ખૂબ ખુશ છે. એકલા સમય ગાળવાની બંનેની મથામણ અને ઉભા થતા પ્રતિકૂળ સંજોગો ખૂબ સુંદર રીતે ગૂંથાયા છે અને હાસ્યના તથા ઉત્સાહના સાગરમાં હિલોળા અપાવે છે. તો રાત્રે ખુશીને તેના ઘરે પહોંચાડવામાં થતી તકલીફ વાચકના શ્વાસ અદ્ધર કરી દે છે. આમ તેઓ એકબીજાને મળે છે અને પ્રેમ લગ્નમાં પરિણમવા તરફ આગળ વધે છે.

પુસ્તકમાં વચ્ચે વચ્ચે મૂકાયેલ અલગ રંગની પાર્શ્વભૂમી સાથેનું લખાણ પણ લેખનમાં અનોખી ભાત પાડે છે. અને એ બધા જ અલગ લખાણો મને ખૂબ આકર્ષે છે. તેમાંના એક લખાણમાં રાવિન અને ખુશી વચ્ચેના ઝઘડાની વાત છે. અબોલા છતાં રાવિન તેને ફોન કરે છે અને બંને એ પરિસ્થિતિ પર હસી પડે છે. અંતે ખુશી કહે છે, “હવે આપણા જીવનમાં લગ્ન પછીનો નિયમ બનાવીએ કે ઘરમાં હોઈએ તો સાંજે એક જ થાળીમાં જમીશું. ગમે તેવો મોટો ઝઘડો થાય, એકબીજા સાથે બોલતા ન હોઈએ તો પણ એક રોટલીના ટુકડા કરવાનો વારો આવે તે માટે રાહ જોવામાં – એમ કરતાં સ્પર્શી જતા હાથો વડે એ ગુસ્સો ઓગળી જશે. એકબીજાની પાસે બેસવામાં એ ભોજન અનોખો સ્વાદ આપશે.”

બંનેના પરિવાર તેમની સગાઈ નક્કી કરે છે. બંને તરફ સગાઈની તૈયારીઓ પૂરજોશમાં છે. રાવિન તેની ઑફીસમાંથી રજાઓ લેવા માટેનું ફોર્મ ભરે છે અને ટિકિટ પણ રિઝર્વ કરાવે છે. આ તરફ ખુશી સગાઈની વાતથી આનંદના સાગરમાં છે, તે પોતાની મસ્તીમાં ડૂબી ગઈ છે. આ જ મદહોશીમાં એક રાત્રે તેમની લાંબી ફોન પરની વાત પછી રાવિનને સવારે પાંચ વાગ્યે ઉઠાડવાનું કહીને તે ફોન મૂકે છે અને સવારે સાડા છ થયા છતાં રાવિનને તે ફોન કરતી નથી.

અચાનક જ આ સરળ રીતે વહેતી પ્રેમકથામાં એક અણધાર્યો અકસ્માત થાય છે – ખુશીનો અકસ્માત અને તેનો ઈલાજ – આઈ સી યુ – કૉમા અને અંતે તેનું મૃત્યુ એ સમગ્ર ઘટનાક્રમ વાચકને સ્તબ્ધ કરી દે છે. પ્રેમકથામાં અચાનક દુઃખ, નિરાશા અને હતાશા ભરાડો લે છે અને વાર્તા એ જ વળાંક પર પૂરી થાય છે.

ચેતન ભગતની “ટુ સ્ટેટ્સ” પછી મેં ઘણા વખતે ખરીદેલું અને વાંચેલું આ પુસ્તક ખરેખર વાંચવાલાયક છે. કહાની ખબર હોવા છતાં તેની સચ્ચાઈ, પ્રમાણિકતા અને સાહિત્યના ભારેખમ શબ્દો – વાક્યો વગરનું સરળ સ્વરૂપ તેને એક સરસ અનુભવ બનાવે છે અને કહાનીના સરળ પાત્રોને, લાગણીશીલ – પ્રેમાળ સંવાદોને, સહજ અને રોજીંદી લાગતી ઘટનાઓને અને એક અનોખા નિઃસ્વાર્થ પ્રેમને – તમારા હૈયાને સ્પર્શવામાં સફળ બનાવે છે. આ લેખકના જીવનની સત્યઘટના છે એ વાતને ધ્યાનમાં રાખીએ તો આ વાતને સુંદર રીતે આલેખી શક્યાની ક્ષમતા કાબિલેદાદ છે. હાસ્યથી રુદન સુધી, પ્રેમમાં પાગલ ધડકતા હૈયાથી પોતાના પ્રેમને ગુમાવીને તૂટેલા હ્રદય સુધી આ પુસ્તકની આખી સફર અનોખી છે છતાં સહજ છે અને જરા પણ કૃત્રિમ લાગતી નથી. કદાચ એટલે જ રવિન્દ્ર કોઈ જાણીતા લેખક ન હોવા છતાં તેમના પ્રથમ પુસ્તકને આટલી મોટી સફળતા મળી છે.

ખરીદવા માટે હાલ ફ્લિપકાર્ટ.કોમ પર આ પુસ્તક 40% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.

અને અંતે પુસ્તકમાંથી મને ગમી ગયેલ કેટલાક વાક્યો…

બિલિપત્ર.

“she died. I survived
because I survived. I die everyday.”

“Recalling something about her, you happen to laugh and in no time, sometimes even as you laugh, you taste your own tears.”

– Ravinder Singh (From his maiden book “I too had a love story”)

His website is at http://www.ravindersinghonline.com


Leave a Reply to VjoshiCancel reply

6 thoughts on “I too had a love story (પુસ્તક સમીક્ષા) – જીજ્ઞેશ અધ્યારૂ

  • Vjoshi

    Jigneshbhai,
    she died, I survived,
    because I survived, I die everyday.

    what a lucid lyrical way of expressing love.
    No wonder it is said love is a many splendored thing.
    I do not normaly read fictions but this one I might enjoy. Thanks for beautifully exposing
    the essence of the book. It seems to be from the two quotes from the book that the heart and soul of the book are its words, they seem to flow and transform effortlessly from emotions to words.

  • નિમિષા દલાલ

    જીગ્નેશભાઈ આભાર
    આમ તો હુ અંગ્રેજી પુસ્તક નથી વાંચતી.. એટલેકે સમજ નહી પડે એટલે હિમ્મત નથી થતી પણ આપે લખ્ય મુજબ સરળ ભાષા હોય તો હિમ્મત જરુર કરીશ અને મારી પર્સનલ લાયબ્રેરીમાં રાખીશ. ચેતન ભગતની તમામ બૂક્સ મેં વાંચી છે પણ અનુવાદિત.. ગુજરાતીમાં… આમના બંને પુસ્તકો નું ગુજરતીમાં અનુવાદ થયો હોઇ તો એ માહિતિ પણ આપવા વિનંતિ.. અંગ્રેજીમાં વાંચવાની કોશીશ પણ જરુર કરીશ. આભાર અહી આ માહિતિ મુકવા બદલ્..

  • dhaval soni

    જીગ્નેશભાઈ,
    તમારી વાત બિલકુલ સાચી છે, atleast દરેકે એકવાર તો આ પુસ્તક જરૂરથી વાંચવું જોઈએ અને પોતાની અંગત લાયબ્રેરીમાં એને સ્થાન આપવું જોઈએ…. એકદમ સરળતાથી વહેતી વાર્તા,પોતીકી લાગે એવું વાર્તાનું સુદર આલેખન અને ભારેખમ શબ્દોના ઉપયોગથી દુર એકદમ હળવી શૈલીમાં લખાયેલી આ વાર્તા વાંચતી વખતે જાણે-અજાણે આપણે પણ એમાં જોડાઈ જતા હોય એવી અનુભૂતિ થાય છે,
    મને યાદ છે આજથી લગભગ એકાદ વર્ષ પહેલા book fair માંથી મેં આ પુસ્તક ખરીદ્યું હતું માત્ર ત્યાનાં વિક્રેતાની ભલામણથી, ના લેખકનું નામ સાંભળ્યું હતું કે ના તો એ પુસ્તકનું… પણ એકવાર વાંચ્યા પછી વારંવાર વાંચવાનું મન થાય એવું પુસ્તક છે….
    આ પુસ્તક પછી રવીન્દ્રભાઈનું બીજું પુસ્તક બહાર પડ્યું એ ખબર ના હતી , તેની માહિતી આપવા બદલ અપનો ખુબ ખુબ અભાર….