નીંભાડો મારા નાથનો..(ભજન) – જયંતીલાલ દવે


નીંભાડો ખડકાણો મારા નાથનો,
માંહીં ઓરણા તમામ;
નાનાં ને મોટાં નીચે ઉપરે,
ઠાંસીને ભરિયા છે ઠામ.

લાગી રે લાગી આ ઝાળું આગની,
એના તમે કરી લ્યો ને સંગ,
ચારે રે દિશાથી તાપને નોતરો,
જો જો – એક્કે કાચું રહે નહીં અંગ. નીંભાડો..

આયખું ઉજાળો તપીને ટેકથી,
જોજો ભાઈ ખૂટી નવ જાય હામ!
ફૂટ્યાં તે દી’ કહેવાશે ઠીકરાં,
કોઈ કહેશે નહીં તમને ઠામ. નીંભાડો..

નીંભાડો ઉખાળી લેશે પારખાં,
છાપ દેશે છાતીને મોઝાર;
ઝીલીને રુદિયામાં એની છાપને
પહોંચવું દુનિયાને દુવાર. નીંભાડો..

કાળે રે ઉનાળે તરસ્યું ટાળવી,
શોષી સઘળા તાપ.
ભીતરની ભીનાશું ભાઈ, નવ મૂકવી,
પડે ભલે તડકા અમાપ. નીંભાડો..

– જયંતિલાલ સો. દવે (મોતીની ઢગલી – ૧’માંથી સાભાર. સંપાદક – મહેન્દ્ર મેઘાણી)

નીંભાડો એટલે પકવવા ગોઠવેલાં માટીનાં વાસણોનો ઢગલો અને ભઠ્ઠી. પ્રસ્તુત ભજનમાં રચનાકાર પ્રભુની રચના એવા મનુષ્યોનો નીંભાડો કલ્પે છે, અને એમાં પાકી જવા – એ તાપમાં તપવા અને મજબૂત થવા બધાને સૂચવે છે. એક વખત દુઃખનો, મુસીબતોનો તાપ ઝીલીને પાકા થઈ જઈએ પછી ગમે તેવી કપરી પરિસ્થિતિઓમાં પણ શ્રદ્ધા અડગ અને અવિચળ રહેશે – હિંમતભેર ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા કેળવાશે અને તેથી બહારથી કઠોર અને ભીતરે ભીનાશથી ભર્યાભર્યા એવા સંપૂર્ણ માનવ બનાવીને તે વિશ્વ સમક્ષ આપણને ઉભા કરશે એવી સુંદર ભાવના અને અર્થ ધરાવતું ભાવવાહી ભજન શ્રી જયંતિલાલ દવેની રચના છે.

બિલિપત્ર

ગુસ્સે થવું એટલે બીજાને મારવાની તક માટે હાથમાં ગરમ કોલસો પકડી રાખવો અને અંતે ખુદને જ નુકસાન કરવું.
– ગૌતમ બુદ્ધ

આપનો પ્રતિભાવ આપો....