વિચારો, સુવાક્યો, કણિકાઓ… – સંકલિત 5


કોઈને ‘માફ કરશો’ કહો, ત્યારે સામા માણસની સાથે આંખ મેળવીને એ ઉચ્ચારજો. – અજ્ઞાત

પ્રેમને તેના પૂર્ણ સ્વરૂપમાં મેળવવાનું નસીબ દરેકને હોતું નથી, કેટલાકને ફક્ત તેની વ્યાખ્યા કરવાની જ તક મળે છે. – અજ્ઞાત

વિજ્ઞાન એટલે જીવન વિશેના કૌતુકની લાગણી, ધર્મ એટલે જીવન વિશેના આદરની લાગણી અને સાહિત્ય એટલે જીવનની ભવ્યતા અંગેની લાગણી – અજ્ઞાત

સાહિત્યનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી, પણ તેને ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે. – અજ્ઞાત

તેજસ્વી માનવીને દુઃખ તો પોતાની શક્તિની મર્યાદાનું છે; લોકો પોતાની શક્તિની કદર નથી કરતા, એ વાતનો રંજ તેને નથી થતો. – અજ્ઞાત

કોઈ દિવસ જે ધ્યેયનો પરાજય થવાનો છે તેમાં આએજ વિજય મેળવવા કરતાં કોઈક દિવસ જેની ફતેહ થવાની છે તેવા ધ્યેયને કાજે હાર પામવાનું હું પસંદ કરું. – વુડ્રો વિલ્સન

એક ઝરણું જોઈને માની લેવું કે ક્યાંક મહાસાગર હશે જ; એનું નામ શ્રદ્ધા – વિલિયમ વૉર્ડ

બાળકને ચાહવું એટલે એની હરકોઈ ધૂનને તાબે થવું એમ નહીં, તેને ચાહવું એટલે તેની અંદર પડેલા ઉત્તમને બહાર લાવવું, જે મુશ્કેલ છે એને ચાહતાં તેને શીખવવું. – પ્રેમળ જ્યોતિ

આદર્શ પત્ની એટલે એવી કોઈ પણ સ્ત્રી જેને આદર્શ પતિ મળેલો હોય.

ઉપવાસ સહેલો છે પણ સંયમપૂર્વકનો આહાર અઘરો છે, એ જ રીતે મૌન સહેલું છે પણ સંયમપૂર્વક બોલવું અઘરુ છે.

આંકડા અને હકીકતો – બધું ભૂલાઈ જાય પછી જે બાકી વધે એનું નામ કેળવણી. – અજ્ઞાત

જીંદગીમાં આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ છે – દીકરા વિનાની માતા અને માતા વિનાનો દીકરો.

દીવાને અજવાળે એકલા બેઠા હોઈએ અને સાથે એક પુસ્તક ખુલ્લું પડ્યું હોય – એ આનંદની તોલે બીજુ કાંઈ ન આવે.

હે પ્રભુ, આ જગતને સુધારજે – અને તેની શરૂઆત મારાથી કરજે. – અજ્ઞાત

સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપણે શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.

સમસ્ત વિશ્વને ચાહવું એમાં કોઈ મોટી વાત નથી, સવાલ તો પડોશમાં રહેતા પેલા અભાગિયાનો છે.

મોટી વાત આપણા જીવનમાં વરસો ઉમેરવાની નહીં, આપણા વરસોમાં જીવન ઉમેરવાની છે.

રમવા જતા ભૂલકાંઓથી લઈને ચોરે બેસવા જતા ઘરડાંઓને રોકી રાખી શકે એનું નામ વારતા.

ઉત્તમ માતાપિતાની જોડી એટલે બહારની કઠોરતા તળેના મૃદુ પિતા અને બહારની મૃદુતા તળેની કઠોર માતા.

મૌન ઉચિત હોય ત્યારે બોલવું એ નબળાઈ છે, પણ બોલવું ઉચિત હોય ત્યારનું મૌન પણ નબળાઈ છે.

પ્રસંશા અત્તરની માફક સૂંઘવા માટે છે, પાણીની માફક તેને પીવાની નથી.

પોતાના વિના દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી જગતના કબ્રસ્તાનો ભરચક પડ્યા છે.

નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજુ કોઈ નથી.

દરેક ઉષા કોરા કેનવાસ જેવી છે, અને તેના પછીની સંધ્યાને તમે તમારી ઉત્તમ કૃતિ બનાવી શકો છો.

જે વાત લખી આપીને નીચે તમે સહી કરી શકો નહીં, એ વાત બોલશો નહીં.

* * *
કેટલાક સુવાક્યો, કેટલીક જીવનપ્રેરક કણિકાઓ – ફક્ત એક વાક્યની અંદર સમાયેલ જીવનનું સાર તત્વ ઘણી વખત લાંબા લાંબા નિબંધો કરતા સચોટ અસર ઉપજાવી જતી હોય છે. આવી જ થોડીક કણિકાઓ આજે અહીં પ્રસ્તુત કરી છે. આ સુવાક્યો કોઈ વિષયવિશેષ ન હોતા અનેક બાબતોને સ્પર્શે છે. આજે આ વિવિધા પીરસવાનું મન થયું. આશા છે વાચકમિત્રોને ગમશે.

બિલિપત્ર

લોકનું તો ભઈ એવું,
એક ઘડી એ કબૂતરાં
ને ઘડી અન્ય એ સાવજ,
મીણ સમાણાં પોચાં આ પળ
પણ બીજી એ વજ્જર;
– હસિત બૂચ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “વિચારો, સુવાક્યો, કણિકાઓ… – સંકલિત