બે ગઝલ રચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ 5


૧. અંતે… – જિતેન્દ્ર પ્રજાપતિ

કો’ ખડક કો’ તૃણનો આધાર લઈને,
જિંદગી જીવ્યો બધાનો સાર લઈને.

એક ક્ષણ પણ જાતમાં ટકશે નહીં, કે –
નીકળ્યા છે શ્વાસ પણ તલવાર લઈને.

અંતમાં બારી મળે તો પણ ઘણું છે,
ઘર મહીં આવ્યો હતો હું દ્વાર લઈને.

બાળકોની આંખમાં વિસ્મય હતું કે,
બાળપણ આવ્યો હતો હું બહાર લઈને.

લાકડાના ભારથી અંતે દબાયો,
નીકળ્યો’તો જ્યાં કદી એ ભાર લઈને.

૨. પત્ર એનો… – જિતેન્દ્ર પ્રજાપતિ

અર્થને ભીતર ભરી શબ્દો સર્યા;
જો ગઝલ ! કૈં કેટલા ઝખ્મો સર્યા.

શબ્દ મારો આમ તો સાદો હતો,
પણ મઠાર્યો જો જરા, અર્થો સર્યા.

પત્ર એનો હાથમાં આવ્યો અને –
ટેરવા વાટે પરત સ્પર્શો સર્યા.

આરસીમાં કો’વદન ડોકાય છે.
કાચ જેવા કાચથી વર્ષો સર્યા.

સત્ય કેવળ જળ સભર વાદળ હતું,
નીતર્યું જો આંખથી તથ્યો સર્યા.

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. કવિતા જેવા અગ્રગણ્ય પદ્ય સામયિકો સહીત અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે. આજે તેમની કલમે માણીએ બે સુંદર ગઝલો. પ્રથમ ગઝલમાં જ્યાં જીવનના અંત વિશેની વાત મર્મસભર રીતે થઈ છે, તો બીજી ગઝલ રચનારીતોને ધ્યાનમાં લેતા એક પ્રયોગ છે. અક્ષરનાદને પ્રસ્તુત બંને ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “બે ગઝલ રચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ

  • dilip bhatt

    deep rooted feelings express very well lifting ones feelings for living moving journey stay steady in your kalam dilip bhatt edgware uk you may reply in gujarati many thanks happy good year

  • dhaval soni

    અદભુત…..
    બન્ને રચનાઓ એટલી સુંદર અને મર્મભરી છે કે વારંવાર વાંચવી ગમે..

    પણ મને ખાસ કરીને પહેલી રચના ખુબ જ ગમી…..

    કો’ ખડક કો’ તૃણનો આધાર લઈને,
    જિંદગી જીવ્યો બધાનો સાર લઈને,..

    જિંદગીનું ગણિત એટલે સુખ અને દુખ એ બંનેનો સરવાળો….
    સુખને જીવી જાણતા હોય તો દુખને પણ હસતા મોઢે જીવતા શીખી લેવું પડે છે અને એ જ રીતે જિંદગી જીવાતી જતી હોય છે.
    બહુત અચ્છે જીતેન્દ્રભાઈ…
    આવી સરસ રચનાઓ આ જ રીતે અપની કલમમાંથી નિરંતર વહ્યા કરે એવી શુભકામનાઓ….

    ધવલ સોની…