ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ – ભાગ ૧ 14


Acer, HTC, Motorola, Samsung, Sony Ericsson જેવી અનેક મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ જે સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઈલ તથા અન્ય સાધનોને વધુ સગવડભર્યા અને સરળ બનાવે છે એ ટેકનોલોજીનું નામ છે એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમ. એન્ડ્રોઈડ એ મહદંશે સ્માર્ટફોન અને ટેબલેટ વગેરે મોબાઈલ સાધનો માટે વપરાતી ઓપરેટીંગ સિસ્ટમ છે. ૨૦૦૩માં સ્થપાયેલ એન્ડ્રોઈડ ઈન્ક. ને ગૂગલ દ્વારા ૨૦૦૫ના આખરમાં ખરીદવામાં આવી. સૌપ્રથમ એન્ડ્રોઈડ મોબાઈલ સાધન ૫ નવેમ્બર ૨૦૦૭ના દિવસે રજૂ કરાયું. આ સંચાલન પ્રણાલી લેપટોપ, નોટબુક, ગૂગલ ટીવી વગેરે જેવી અનેક ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાં પણ ઉપયોગી છે.

મારી પાસે સૌપ્રથમ સેમસંગ ગેલેક્સી ટેબલેટ વડે આ સંચાલન પદ્ધતિની માહિતી મળી. આજે દોઢ વર્ષથી તેનો સતત ઉપયોગ કરીને હું કહી શકું કે એ એક સરળ અને ઉપયોગી સંચાલન પદ્ધતિ છે. દરેક ઓપરેટિંગ સિસ્ટમની જેમ તેના પણ ફાયદા અને ગેરફાયદા છે, પણ અત્યારે તે મોટાપાયે સ્વીકારાઈ રહી છે ત્યારે અક્ષરનાદના વાચકમિત્રો માટે આ ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ છે. તો ચાલો કેટલીક ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ વિશે જાણીએ. અહીં મૂળભૂત સુવિધાઓ જેવી કે ફેસબુક, ટ્વિટર કે ગૂગલની એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ વિશે માહિતી આપી નથી કારણકે મોટાભાગે બધા વપરાશકર્તાઓને એ વિશે ખ્યાલ હોય છે..

૧. ડોલ્ફિન બ્રાઊઝર (Dolphin Browser)

એન્ડ્રોઈડ માટે મેં વાપરેલા બ્રાઊઝરમાં સૌથી સુગમ, સરળ અને ઉપયોગી બ્રાઊઝર. વેબ કન્ટેન્ટને – ચોક્કસ વેબસાઈટ્સને એક મેગેઝીનના સ્વરૂપે દર્શાવવાની સુંદર સગવડ, જેસ્ચર એટલે કે આકાર અથવા કોઈ અક્ષરના સંકેત વડે વેબસાઈટની કડી લખવાની પ્રક્રિયા જેથી હવે વેબસાઈટનું નામ ટાઈપ કરવાની ક્રિયામાંથી મુક્તિ મળે છે, ૬૦થી વધુ એડ-ઑન, લખાણના અક્ષરોનું માપ મોટું કરીને અથવા કોઈ એક ચોક્કસ વિસ્તારને ક્લિક કરીને મોટો કરી જોઈ શકવાની ક્ષમતા, મોબાઈલ બ્રાઊઝરમાં સૌથી ઉપયોગી એવું ટેબ બ્રાઊઝીંગ, ફોનની જેમ વેબસાઈટ માટે સ્પીડ ડાયલ અને બુકમાર્ક ફોલ્ડર જેવી અનેક ઉપયોગી સુવિધાઓ. જો કે અહીં યુનિકોડ UTF-8 ઑન કરવા છતાં ગુજરાતી લખાણ જોઈ શકાતું નથી. મોબાઈલ બ્રાઊઝરમાં લગભગ સર્વોત્તમ અને મારી પ્રમુખ પસંદગી.

૨. ન્યૂઝહન્ટ (News Hunt)

૯ જેટલી વિવિધ ભારતીય ભાષાઓના ૫૦થી વધુ વર્તમાનપત્રો તમારા એન્ડ્રોઈડ મોબાઈલ (અથવા અન્ય કોઈ પણ મોબાઈલ) પર વાંચવા માટેની એક સુંદર એપ્લિકેશન એટલે ન્યૂઝહન્ટ. જ્યારે મોબાઈલ યુનિકોડ આધારિત નહોતા એ સમયથી ન્યૂઝહન્ટની આ એપ્લિકેશન અસ્તિત્વમાં છે અને ગુજરાતી સહિત અનેક ભાષાઓના વર્તમાનપત્રો ઉપલબ્ધ કરાવતી રહી છે. ગેટજાર વેબસાઈટ મુજબ સૌથી વધુ વખત ડાઊનલોડ થયેલ ‘સમાચાર આપતી એપ્લિકેશન’ છે. સરળ અને ઉપયોગી એપ્લિકેશન.

3. રાગ.કોમ (raaga.com)

ભારતની ૧૮ ભાષાઓમાં ગીતોનો વિશાળ સંગ્રહ ધરાવતી અને પીસીવર્લ્ડ વેબસાઈટનો શ્રેષ્ઠ સંગીતની વેબસાઈટનો પુરસ્કાર જીતનાર વેબસાઈટ રાગ.કોમની એન્ડ્રોઈડ એપ્લિકેશન એક ખૂબ ઉપયોગી સાધન છે. ઓનલાઈન સાંભળી શકાય તેવા ૧૨થી વધુ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ અનેક ગીતો, ભાષા પસંદગી પછી અનેક ઉપવિભાગો જેમ કે નવા ગીતો, મુખ્ય ૧૦, ભક્તિ ગીતો, પ્રચલિત ગીત વગેરેમાં ઉપલબ્ધ છે. ગમતા ગીતોનું પ્લેલિસ્ટ બનાવી શકાય છે, ગીતોને ફેવરીટ કરી શકાય છે, આ ઉપરાંત ‘માય રાગ’ અંતર્ગત ઉપરોક્ત બંને સુવિધાઓ સાથે છેલ્લે વગાડેલા ગીતોની યાદી પણ મળે છે. તથા ચોવીસ કલાક લાઈવ ગીતો પણ સાંભળી શકાય છે. ટૂંકમાં એક ખૂબ જ સરસ, ઉપયોગી અને વૈવિધ્યસભર એપ્લિકેશન. જો કે આ એપ્લિકેશન વાપરવા માટેની મૂળભૂત જરૂરીયાત તરીકે રાગ.કોમ પર રજીસ્ટર કરવું ફરજીયાત છે.

૪. એનડીટીવી (NDTV)

એનડીટીવીની આ ઓફિશીયલ એન્ડ્રોઈડ એપ્લિકેશન તાજા સમાચારો અને વિડીયો સાથે ઘણુંબધું લઈને આવે છે. ફક્ત ૧.૩ એમબીની મૂળભૂત સાઈઝ વાળી આ એપ્લિકેશન તેના ઉત્તમ પરિણામોથી ખૂબ પ્રચલિત છે. અહીં સમાચારો વાંચવાની, વિડીયો જોવાની, ક્રિકેટ વિશેની અપડેટ્સ જાણવાની તથા એવી અનેક વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઝડપી રેન્ડરીંગ, સરસ વિડીયો ગુણવત્તા, સરળ ઈન્ટરફેસ અને ઝડપી શરૂઆત આ એપ્લિકેશનની વિશેષતાઓ છે.

૫. ક્રિકેટ ફિવર (Cricket Fever)

એન્ડ્રોઈડ માર્કેટમાં સૌથી સરસ ક્રિકેટ ગેમ. ટુર્નામેન્ટ, વન ડે ઈન્ટરનેશનલ, ટી ૨૦ અને પાવરપ્લે જેવા વિવિધ વિકલ્પો સાથે રમવાની સગવડ આપતી સરસ ગેમ, સાચા પ્રસારણના લાગે તેવા ગ્રાફિક્સ, એનાલિસીસ તથા એનિમેશન. બેટીંગ અને બોલીંગ માટેના સરળ કંટ્રોલ, લોર્ડ્સ અને ઈડન ગાર્ડન્સ જેવા મેદાનોની પસંદગી, આઠ આંતરરાષ્ટ્રીય ટીમ માંથી પસંદગી કરી શકાય તેવી સગવડ તથા ફોર અને સિક્સ પછી નાચતી ચીયરલીડર્સ. ક્રિકેટના જીવંત પ્રસારણ જેવી આ ગેમ રમવામાં સરળ અને મહદંશે સચોટ છે. ફિલ્ડીંગની ગોઠવણી, બોલીંગનો પ્રકાર તથા ઝડપ અને બેટિંગના વિવિધ વિકલ્પો આપતી આ ગેમ એક સંપૂર્ણ ક્રિકેટ ગેમ છે.

૬. કેમ સ્કેનર (Cam scanner)

એન્ડ્રોઈડના કેમેરાને ખૂબ ઉપયોગી રીતે વાપરીને ઉપયોગી કાગળ – ડોક્યુમેન્ટને સ્કેન કરી શકવાની ક્ષમતા આપતી એપ્લિકેશન. શરૂ કર્યા બાદ સ્કેન વિકલ્પ પસંદ કરીએ એટલે કેમેરા સમક્ષ કાગળ મૂકી તેને પૂર્ણ રીતે દેખાય તેમ ગોઠવવો પડે છે. તે પછી સ્કેન ક્લિક કરતા આપોઆપ તેની સાઈઝ, દેખાવ અને રેઝોલ્યૂશન એપ્લિકેશન વડે સંચાલિત થાય છે. ફ્રી વર્ઝનમાં મહત્તમ પચાસ સ્કેન કરવાની સગવડ છે, પરંતુ જૂના દસ્તાવેજ ડીલીટ કરવાથી નવા સ્કેન કરી શકાય છે. એક ખૂબ ઉપયોગી અને સંકટ સમયની સાંકળ જેવી એપ્લિકેશન.

૭. મોબાઈલ પ્રેયર (Mobile Prayer)

મોબાઈલના મૂળભૂત એલાર્મથી અલગ, પ્રાર્થનાઓ સાથે સવારે ઉઠવાની સુંદર સગવડ આપતી એપ્લિકેશન. વિવિધ ધર્મોના ભક્તિગીતો અને પ્રાર્થનાઓ અહીં સમાવિષ્ટ છે, જેમાં હિંદુ, ઈસ્લામ, ખ્રિસ્તી, શિખ વગેરે ધર્મના ધર્મગીતો અને તેને આનુષંગીક વોલપેપર સમાવિષ્ટ છે. જે તે ગીત અમુક વાર માટે પસંદ કરી શકાય છે, અને સૂચવેલા સમયે પસંદ કરાયેલ ગીત વાગે તેવી સરસ સગવડ. એક અનોખી એપ્લિકેશન.  સેમસંગ મોબાઇલ એપ્લિકેશન વેબસાઈટ દ્વારા તેમની વિશેષ એપ્લિકેશન દ્વારા મોબાઈલ પર ઈન્સ્ટોલ કરી શકાય છે.

આજે આ પ્રથમ કડીમાં સામાન્ય એપ્લિકેશન્સ જેવી કે એન્ગ્રી બર્ડ્સ, ટ્વિટકાસ્ટર, વિકિડ્રોઈડ વગેરે વિશે માહિતિ આપી નથી. સમયાંતરે તેમનો પણ આ શૃંખલામાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું. એન્ડ્રોઈડ માર્કેટમાં હજારો એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, તેમાંથી ફક્ત મને ઉપયોગી અને જરૂરી લાગી તેવી જ સગવડોનો અહીં ઉલ્લેખ કરી રહ્યો છું. આપને આથી વિશેષ કોઈ એપ્લિકેશન ઉપયોગી થતી હોય તો તે વિશે પ્રતિભાવમાં જણાવશો.

– જીજ્ઞેશ અધ્યારૂ


Leave a Reply to DipamCancel reply

14 thoughts on “ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ – ભાગ ૧