‘બાપુ – યુવાનોની નજરે’ વિષય પર સંગોષ્ઠિ અહેવાલ 2


એસ. એસ. પી. જૈન કોલેજ, ધાંગધ્રામાં શ્રી મહિમ્ન પંડ્યા ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ ગાંધી દર્શન કેન્દ્રના સંચાલક તરીકે પણ કાર્ય કરે છે. આ અન્વયે ગાંધીજી વિશે ચિંતન, મનન, અને ગાંધી વિચાર અધ્યયન જેવા વિષયો સાથે ચાર વર્ષથી વિષયાનુગત ચર્ચાઓ અને પરીક્ષાઓનું આયોજન થાય છે. અહીં માતૃભાષા સંવર્ધન કેન્દ્ર પણ ચલાવાય છે.

ગત બીજી ઓક્ટોબરે અહીં ગાંધીદર્શન કેન્દ્ર દ્વારા ગાંધીજયંતીની ઉજવણી નિમિત્તે ‘બાપુ – યુવાનોની નજરે ‘ વિષય પર એક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલું. સંગોષ્ઠિનો અહેવાલ આજે અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો સામાન્યતઃ આયોજનોનો અહેવાલ અક્ષરનાદ પર મૂકવામાં આવતો નથી, પરંતુ આ એક નવતર પ્રયત્ન છે ગાંધી દર્શન અને તેમની ફિલસૂફીને આજની પેઢી દ્વારા જ તેમની પોતાની પેઢી સુધી પહોંચાડવાનો. આવા આયોજનોને વધુ પ્રોત્સાહન મળે અને આપણા પોતાના મહાનુભાવોના જીવનમાંથી યુવાપેઢી ગ્રહણ કરી શકે એ હેતુથી અક્ષરનાદ પર આજે આ અહેવાલ પ્રસ્તુત થઈ રહ્યો છે.

બાપુ – યુવાનોની નજરે’ એક સંગોષ્ઠિ

મહાત્મા ગાંધીની ૧૪૨મી જન્મજયંતિ નિમિત્તે એસ એસ પી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધાંગધ્રા ખાતે ચાલતા ગાંધી દર્શન કેન્દ્ર દ્વારા એક સેમિનારનું આયોજન ‘બાપુ – યુવાનોની નજરે’ એ શિર્ષક હેઠળ કરવામાં આવેલું. જેમાં ચારણી છંદના જ્ઞાતા અને કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી મારુ સાહેબ તથા લેખક શ્રી ઠાકરની ઉપસ્થિતિ હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કાવ્યપઠન, નિબંધસ્પર્ધા, ગાંધીજી વિષયક કૃતિઓનો આસ્વાદ, ગાંધીજી રચિત કૃતિઓનો આસ્વાદ અને ગાંધીજી એક વ્યક્તિ વિશેષ – એ વિષયો અંતર્ગત એક દિવસીય સેમિનારનું આયોજન ગત બીજી ઓક્ટોબરે કોલેજના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલું.

પ્રથમ તબક્કામાં ગાંધીજીના વ્યક્તિત્વ ઘડતરના પરીબળો શીર્ષક હેઠળ પ્રસ્તુત થયેલા વિષયો હતા, વ્યક્તિઓનો ફાળો, પુસ્તકોનો ફાળો, પ્રવાસનો ફાળો અને પત્રો. ચાર વિદ્યાર્થીનીઓએ, અનુક્રમે કુ. શ્વેતા વૈષ્ણવ, કુ. રિદ્ધિ કણઝરીયા, કુ. પ્રિયંકા પરમાર અને કુ. કૈલાશ પરમારે પોતાના સંશોધન પત્રોનું પઠન કર્યું.

બીજા તબક્કામાં ગાંધીજી સંબંધિત કાવ્યપઠન થયું, જેમાં કુ. પ્રિયંકા પ્રજાપતિ, કુ. માધવી વ્યાસ, કુ. પૂનમ સોનાગ્રા, કુ. કોમલ પંચાસરા, કુ. કણઝરીયા શિલ્પા, કુ. શાંતિ બાર અને કુ. વર્ષા ચૌહાણે પઠન કર્યું.

ત્રીજા તબક્કામાં ગાંધીજી વિષયક કૃતિઓનો આસ્વાદ કરાવાયો, વિષયો હતા – સત્યના પ્રયોગો, દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઈતિહાસ, હિંદ સ્વરાજ, મારા ગાંધી અને ગિરમિટિયાથી ગાંધી સુધી. આસ્વાદ અનુક્રમે કુ. સ્મિતા જોશી, કુ. મીના સોલંકી, કુ. પૂનમ સોનાગ્રા, કુ. પૂજા રાઠોડ અને કુ. માધવી વ્યાસ દ્વારા કરાવાયો.

ચોથા તબક્કામાં ‘વર્તમાન સમયમાં ગાંધીજીના વિચારોની પ્રસ્તુતતા’ એ વિષય હેઠળ નિબંધ વાંચન થયું, જે અંતર્ગત કુ હાર્દિકા સોલંકી, કુ. મીના સોલંકી, કુ. હેમાંગી મકવાણા, કુ. રૂકસાના ભટ્ટી, શ્રી ગિરિશ ગેડીયા અને શ્રી ઋષિકેશ શુક્લ દ્વારા નિબંધ વાંચન કરવામાં આવ્યું.

પાંચમા તબક્કામાં પ્રશ્નોત્તરીનું આયોજન થયેલું, જેમાં હિંદ સ્વરાજ વિષય પર વૈકલ્પિક પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓએ ગાંધીજીના આ પુસ્તક ઉપર સંતોષકારક જવાબ આપેલો અને દરેક તબક્કામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.

સવારે લગભગ ૮.૩૦ કલાકે વિદ્યાર્થીનીઓએ ગાંધીજીના પ્રિય ભજનો – પ્રાર્થનાઓ અને પછી ગાંધીગુંજ અંતર્ગત સુવાક્યોથી સંગોષ્ઠિનો પ્રારંભ કરાવ્યો. કોલેજના આચાર્ય શ્રી ડૉ. પ્રતીકભાઈ દવેએ ગાંધીજીના જીવનમાંથી યુવાનોને આઠ સ્તંભો માટેનાં એક સ્તંભને ચરિતાર્થ કરી પોતાના જીવનમાં કઈ રીતે કંડારી શકાય તેનો ઉલ્લેખ રસપ્રદ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ કર્યો.

ગાંધી દર્શન કેન્દ્રના અને આ સમગ્ર કાર્યક્રમના સંયોજક પ્રો. મહિમ્ન પંડ્યાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ગાંધીજીનું જીવન એક પ્રયોગશાળા હતું, એ રીતે એક નવતર પ્રયોગ તરીકે કોલેજની વિદ્યાર્થીઓના હાથમાં કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને સંકલન સોંપીને વિદ્યાર્થીઓની વિશેષતાને પ્રગટ કરવાનો પ્રયોગ હાથ ધરી ગાંધીજયંતિની ખરા અર્થમાં ઉજવણી કરી.

હિન્દી વિભાગાધ્યક્ષ ડૉ. એસ બી મકવાણાએ દરિયારૂપી ગાંધીજીવનનું બિંદુ સ્વરૂપે આચમન થાય તો આ આંધીમાં ગાંધીનું દર્શન કઈ રીતે થાય તેના પર પ્રકાશ ફેંક્યો.

અતિથિવિશેષ લેખક શ્રી ભુપતભાઈ ઠાકરે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા આયોજીત કાર્યક્રમમાં પૂતળીબાઈ અને કસ્તુરબાના ઉદાહરણ દ્વારા બહેનોનો ફાળો કેટલો મહત્વનો હોય છે તે વિશે વાત કરી. રવિવારનો દિવસ હોવા છતાં ભરચક હાજરી સાથે જીલ્લાની કોઈ એક કોલેજના ખૂણામાં ગાંધીવિચારને પુનર્જીવિત કરવાનું કાર્ય કરવાનો પ્રયત્ન થાય છે એના ભાગરૂપ બન્યાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો.

અંતે કાર્યક્રમના પ્રમુખસ્થાનેથી સંગોષ્ઠિ અધ્યક્ષ સર્જક, વિવેચક ડૉ. આર સી મારુ દ્વારા ગુજરાતી સાહિત્યકારો જેવા કે દુલા કાગ, મુનશી, કાલેલકર, બોટાદકર, મેઘાણિ વગેરે સર્જકોના સર્જનમાં ગાંધી વિષયક છબી તેમના સર્જનો દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ રસપ્રદ રીતે છંદબદ્ધ ગાન દ્વારા ઉપસાવી. વિદ્યાર્થીઓ આમાં રસતરબોળ થઈ ગયા.

કાર્યક્રમના આયોજન બદલ અને પ્રોત્સાહન માટે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા પુસ્તક પ્રદર્શન માટે તથા ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપી તથા હિન્દી વિભાગના પ્રો. મકવાણા દ્વારા સ્મરણાંજલી રૂપે ગાંધીજીનો ફોટો કેન્દ્રને ભેટ અપાયો.

કાર્યક્રમનું સમગ્ર સંચાલન કુ. પ્રિયંકા પ્રજાપતિએ કર્યું તથા કાવ્યપઠનનું સંચાલન કુ. રિદ્ધિ કણઝરીયા એ કર્યું. અંતે ‘બાપુ – યુવાનોની નજરે’ સંગોષ્ઠિનું આભારદર્શન કુ. કોમલ પંચાસરાએ કર્યું.

અક્ષરનાદને આ સમગ્ર આયોજનનો અહેવાલ અને ફોટોગ્રાફ્સ મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ એસ. એસ. પી. જૈન કોલેજ, ધાંગધ્રાના ગાંધીદર્શન કેન્દ્રના કો-ઑર્ડીનેટર પ્રો. મહિમ્ન પંડ્યા તથા આચાર્ય ડૉ. પ્રતીક દવેનો ખૂબ ખૂબ આભાર અને આવી અનેક પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને તેમના આયોજનો થકી પ્રાપ્ત થતી રહે તે માટે શુભકામનાઓ.

આ સંગોષ્ઠિના ફોટોગ્રાફ્સ ટૂંક સમયમાં અહીં મૂકાઈ રહ્યા છે.


2 thoughts on “‘બાપુ – યુવાનોની નજરે’ વિષય પર સંગોષ્ઠિ અહેવાલ