લ્હાય – નરેશ સાબલપરા


એવી આભડી છે યાદ, વળગી ભૂલવાની લ્હાય,
આપી દે દવા એવી જ, ભાંગે ભૂલવાની લ્હાય,

ના ચુંબન તણી હો ભેટ, ના મીઠી નજર,આ રીત?
દેહે ક્યાં જળો ચોંટે, જિગરને ચૂસવાની લ્હાય,

નડતર છે મને મીંઢા પહાણા, તણખલાંની રાવ,
ઝાકળનેય ઉપડી પથ્થરને, ઓગાળવાની લ્હાય,

દોડીને હરણ થાકે, ન પામે તોય એ દોડે જ,
જો એ થોભ્યું ને હાંફે હવે આ ઝાંઝવાની લ્હાય,

જાણ્યો તો નિખાલસ શેઠ શામળિયો, ઉગારે છે જ,
પણ તેનેય લાગી છે હવે, ભક્ત પરખવાની લ્હાય.

– નરેશ સાબલપરા

અક્ષરનાદ દ્વારા ગત વર્ષે રજૂ કરાયેલ ચાલો ગઝલ શીખીએ શૃંખલા ઘણા મિત્રોને ઉપયોગી અને મદદગાર નીવડી છે એવો તેમનો મત છે. આવા જ એક વાચકમિત્ર છે શ્રી નરેશભાઈ સાબલપરા. તેઓ કહે છે, ‘આપની જ લેખમાળા ‘ચાલો ગઝલ શીખીએ’ દ્વારા જે શીખવા મળ્યું તે થકી મળેલા ઉત્સાહથી ઘણા પ્રયાસો કર્યા અને મારી રીતે જે મને સારું લાગ્યુ તે આપને મોકલું છું. ઊંડાણથી છંદશાસ્ત્ર અને ઉચ્ચારણભારનો અભ્યાસ નથી એટલે ભૂલો થઈ હોય તો માફ કરશો..’ આજે માણીએ તેમની એક સરસ ગઝલરચના જે મુક્તઝિબ બહેર – ગાગાગાલના આવર્તનમાં છે.

અક્ષરનાદને આ રચના પાઠવવા બદલ શ્રી નરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમને સર્જનની આ સફર માટે અનેક શુભકામનાઓ.

આપનો પ્રતિભાવ આપો....