લંડનની બસના ઉપલા માળેથી મુસાફરી કરવી એટલે જીવવું – ભદ્રા વડગામા 4


જ્યારે પણ મારે લંડનની બસમાં ઉપલે માળે બેસવાનું થાય ત્યારે આ પ્રસંગ યાદ આવે.

મારે ત્યાં કેન્યાથી એક બહેન મહેમાન થઈને આવેલાં. નાની વયે સમૃદ્ધ સંયુક્ત કુટુંબની વહુ બનીને આવેલી એ બહેન કાર ચલાવતાં જાણે; પણ બીજી રીતે બહારની દુનિયાના તેમના અનુભવો સંકુચિત (મર્યાદીત) કહેવાય. હું તેમને બસમાં ફરવા લઈ ગઈ. મને થયું કે બસના ઉપલે માળે બેસીશું તો તેમને બહારનાં દૃશ્યો જોવાની મઝા આવશે. મુસાફરી પૂરી થઈ અને અમે બસમાંથી નીચે ઉતર્યાં, ત્યારે તેમણે સહજતાથી મને કહ્યું, “અરે! બસનો ડ્રાઈવર તો અહીં નીચે છે! આપણે ઉપર બેઠાં હતાં તે તો મને યાદ જ નહીં રહ્યું! છેક આગળની સીટ ઉપર એક માણસ છાપું વાંચતો બેઠો હતો અને મને થતું હતું કે આ ડ્રાઈવર છાપું વાંચતાં વાંચતાં બસ કેમનો ચલાવતો હશે?”

મારી વિચારમાળાને આથી એક ધક્કો લાગ્યો. મને થયું, મુસાફરી કર્યા વિનાનો માણસ કેવો કૂપમંડુક બની બેસે છે! કેટલા દિવસ અને કેટલા કલાકની જિંદગી પ્રભુએ આપણને આપી છે તેની પણ જ્યારે આપણને ખબર નથી હોતી, ત્યારે તેમાં વધારો કરવાની વાત આપણા હાથની નથી જ એ નિશ્ચિત છે. તે છતાંયે મુસાફરી કરીને એ જિંદગીને લંબાવવી, એ સૌ કરી શકે તેમ છે. મુસાફરી કરીએ ત્યારે સમય આપણને તેનું ખરું સ્વરુપ બતાવે છે. એ અનંત તત્વની જેમ અદૃશ્ય થઈ જાય છે, લંબાય છે અને સંકોચાય છે. આપણે એક દિવસ જેવા જ બીજા હજાર દિવસ જીવીશું એ કરતાં જે હજાર દિવસ જીવીએ તે દરેક દિવસ એકમેકથી અલગ હશે તો જીવન ભર્યુંભર્યું લાગશે. અગત્યની વાત તો એ છે કે મૃત્યુ પછી પુનર્જન્મ કેવો હશે તેની ચિંતા કર્યા વિના મૃત્યુ પહેલાના જીવનનું ચિંતન કરીશું તો જિંદગીનું અનંત સ્વરૂપ પારખી શકીશું.

મુસાફરીથી આપણા જીવનમાં વૃદ્ધિ થાય છે. તેનાથી જીવન લંબાયું હોય તેવું લાગે છે. જ્યારે લાંબા ગાળા સુધી એક જ સ્થળે એક જ પ્રકારનું જીવન જીવીએ છીએ ત્યારે આપણે ઘણું જોઈએ છીએ; પણ તેનું દર્શન નથી કરતાં, ઘણું સાંભળીએ છીએ; પણ તેનું શ્રવણ નથી કરતાં. એકધારા દિવસોવાળું જીવન ઝડપથી પસાર થઈ જાય છે. મુસાફરી કરતાં હોઈએ ત્યારે આપણી ઈન્દ્રિયો સજાગ હોય છે. જે જોઈએ તેનું દર્શન કરીએ છીએ, જે ચાખીએ તે માણીએ છીએ, જે સુગંધો ભૂલાઈ ગઈ છે તે સજાગ થાય છે, જે સાંભળીએ છીએ તેનું શ્રવણ કરીએ છીએ. મુસાફરી દરમિયાન આપણે જીવંત છીએ એવી તીવ્ર લાગણી અનુભવીએ છીએ. આપણને લાગે છે કે સમય હયાત નથી, કેમ કે આપણે જીવનને તીવ્રતાથી માણી રહ્યા હોઈએ છીએ.

બસમાં ઉપલે માળે બેસી મુસાફરી કરી જે જોઈએ–માણીએ છીએ તે પરદેશની મુસાફરી દરમ્યાન અનુભવેલું હોય તેવું જ કંઈક અવનવું હોય છે. પછી ભલે તે સૃષ્ટિ–દર્શન, લોક–દર્શન, શહેર–દર્શન કે પછી આંતર–દર્શન હોય.

– ભદ્રા વડગામા, લંડન

પ્રસ્તુત પ્રસંગકૃતિમાં સર્જક એક નાનકડી ઘટનાને લઈને ઉપસતા તેમના વિચારોને બૃહદ પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. લંડનની બસના ઉપલા માળેથી મુસાફરી દરમ્યાનના નાનકડા અનુભવને એક અનોખો વિચાર વિસ્તારનો આયામ તેઓ આપે છે.

પૂર્વ આફ્રિકાના ઝાંઝીબાર ટાપુમાં મુસ્લિમ સલ્તનત, બ્રિટિશ શાસન અને હિંદુ સંસ્કૃતિના સંમિશ્રિત વાતાવરણ વચ્ચે ઉછરી, ભદ્રા વડગામાએ પોતાનું વ્યક્તિત્વ વિકસાવ્યું. મકેરેરે યુનિવર્સિટી કંપાલામાં બી.એ.ની ડીગ્રી મેળવી. લગ્ન પછી એડ્યુકેશન ડીપ્લોમા કરીને કેન્યામાં નવેક વરસ શિક્ષિકા રહ્યા બાદ તેઓ ૧૯૭૩માં યુ.કે. આવી વસ્યાં. અહીં તેમણે લાઈબ્રેરી સાયન્સનો અભ્યાસ કર્યો, લંડનમાં લઘુમતી પ્રજા માટે એક અનોખી લાઈબ્રેરી–સેવા શરુ કરી અને તે ક્ષેત્રે ત્રેવીસ વરસ કામ કરી એવોર્ડ પણ મેળવ્યો. બાળપણમાં રોપાયેલાં ગુજરાતી ભાષા અને સાહિત્યરસનાં બી આ વ્યવસાયમાં રહ્યે પાંગર્યાં. નિવૃત્તી બાદ તેમણે હવે વાર્તાઓ લખવી શરૂ કરી છે. તેમની પાસેથી ઉત્તરોત્તર પ્રાણવાન કૃતિઓ મળતી રહે તેવી શુભેચ્છા..

(‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ બીજું – અંકઃ 56 – July 3, 2006 માંથી સાભાર ઉત્તમભાઈ ગજ્જર.)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “લંડનની બસના ઉપલા માળેથી મુસાફરી કરવી એટલે જીવવું – ભદ્રા વડગામા

  • Capt. Narendra

    ભદ્રાબહેનનો લેખ ઘણો ગમ્યો. તેમને કદાચ યાદ નહિ હોય, પણ ૨૬ વર્ષ પહેલાં કેટલાક ગુજરાતી સમાજસેવકોએ લંડનમાં બોલતું અખબાર ‘કિરણ’ શરૂ કર્યું, ભદ્રાબહેને તેમની વૉન્ડઝવર્થ લાયબ્રરીમાં તેને સ્થાન આપ્યું એટલું જ નહિ, સ્થાનિક ગુજરાતી સમાજમાં તેનો પ્રસાર પણ કરાવ્યો હતો. આમ તેમની પ્રવૃત્તિ કેવળ પુસ્તકાલયમાં સિમીત ન રહેતાં સમાજવ્યાપી હતી. કદાચ તેઓ બ્રેન્ટ કાઉન્સિલના કાર્યકર્તા નરેન્દ્રના નામથી પરિચિત હશે!
    http://www.captnarendra.blogspot.com

  • Harshad Dave

    અહીં જીવન પ્રત્યેની એક નવી જ દૃષ્ટિ સાંપડે છે. નિરાશાવાદી અથવા અંતિમવાદી જીવાન્ધારથી મુક્ત થઇ વિશાલ વિશ્વમાં જીવનની વિવિધતા અને વિશાળતા માણવાનું આમંત્રણ ખુદ જીવન આપણને આપે છે અને એ વાતની સાક્ષી આપણે ખુદ અને આપણું જ જીવન છે. સબાર ઉપર માનુષ બડો તાહાર ઉપર નાઈ. અહીં માનુષ એટલે મનુષ્ય જીવન. -હદ.