શકુની ની રોજનીશી (ભાગ ૫) – લોકશાહીની ઠોકશાહી 6


{ શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે. આ ડાયરીનાઆ પહેલા મૂકેલ પાના આપ અહીં ક્લિક કરીને વાંચી શક્શો. સમયાંતરે અન્ય પાનાં પણ ઉપલબ્ધ થતાં રહેશે. આજે પ્રસ્તુત છે આ ડાયરીના અંશો પ્રગટ કરતો પાંચમો ભાગ.}

આજે સંથાગારમાં નગરજનોની સભા ભરાવાની છે. ગાંધાર કાંઈ ગણતંત્ર નથી, પણ પિતાશ્રીને હવે રાજકાજના કામમાં, ગાંધારના ન્યાયતંત્રમાં રાજકાજની અનેક ખટપટો અને મંત્રીઓ વચ્ચે સતત રહેતા વિગ્રહને લઈને બહુ રસ રહ્યો નથી (તેમને ફક્ત રસ છે પેલી રાજનર્તકીમાં). રાજ્યના ન્યાયતંત્રની વ્યવસ્થા ગણતંત્રોના માળખા પ્રમાણે ગોઠવવાની એષણા સાથે સર્વસંમતિ સાધવા આજે નગરજનોની મહાસભા ભરાવાની છે. ચર્ચાના મુખ્ય બે મુદ્દા છે. એક છે ગાંધારમાં નવા માળખકીય ન્યાયતંત્રની સ્થાપના અને બીજું છે મહારાજ ગાંધારને મગધ જતા રોકવા.

જ્યારથી મગધની પેલી રાજનર્તકી સ્વર્ણપ્રભાનું નૃત્ય તેમણે જોયું છે, તેના અષ્ટપાદમહાલયમાં જવા તેઓ ઉતાવળા થઈ ગયા છે. પરંતુ ગાંધારના મહારાજ સામેથી મગધની નર્તકીના ભવને જાય તો રાજ્યને કેવું નીચાજોણું થાય? સ્વર્ણપ્રભાના મહાલયમાં પ્રવેશ મેળવવા માટે જ એકાદ સહસ્ત્ર કાષાર્પણ આપવા પડે છે, અને પછી તો જેવી રાજાની શક્તિ, પણ આ સમગ્ર ઘટના કેટલો ઉંધો સંકેત આપી જાય? જાણે અમારા રાજ્યમાં એવી કોઈ સ્વરૂપવાન અને સૌંદર્યની સ્વામિની સ્ત્રી છે જ નહીં! મહારાજને એ બાબતથી રોકવા માટે પણ એક સર્વસ્વીકૃત નિર્ણય કરાવવાનો મારો હેતુ આ સભા પૂર્ણ કરશે એમ મારું માનવું છે. સાથે સાથે બીજી પણ એક યોજના મેં વિચારી રાખી છે, અમારા ગાંધારના મહાઆમાત્ય નિલાંબરમ મહાચતુર છે, તેમણે કાન્યકુબ્જની રાજનર્તકી પ્રજ્જવલિતા અષ્ટકોણને અહીં બોલાવીને તેના માટે એક અનોખો દશાપાદમહાલયનું નિર્માણ કરાવવાનું ગોઠવી દીધું છે. તેને રાજનર્તકીની સાથે સાથે રાજનટી અને ગાંધાર એરલાઈન્સના મુખ્ય સંચાલક શ્રી સુજય આલીયાના પુત્ર સાથે એક ફિલ્મમાં અભિનય કરવાનો અવસર પણ આપવાનું નક્કી થઈ ગયું છે.

ગાંધારમાં ન્યાયતંત્ર આમ તો વ્યવસ્થિત છે પણ તે ખાડે ગયું છે એવી લોકો બૂમો પાડે છે, કારણકે લોકોનું કહેવું છે કે તેમને અહીં ન્યાય રેશનકાર્ડ પર મળતા ઘઉંની જેમ મળે છે. મારો નાનો ભાઈ ષકુની મુખ્ય જજ છે, અને તેની નીચે બે નાના કઝિન ભાઈઓ સકુની અને હકુની છે. તેમના દ્વારા અપાતો ન્યાય મહદંશે સર્વપક્ષિય હોય છે (જેના તરફથી મળતા કાષાર્પણ વધુ તેના પક્ષમાં – આમાં બધાને સમાન અવસર મળી રહે છે.) પણ હમણાં એક વૃદ્ધ નાગરીક નામે ‘કેમના વિચારે’ એ જ્યારથી અંશન કર્યા ત્યારથી તેમનું કદ સુશ્રી બહેનજી ગાંધારીજી એ બનાવેલી મૂર્તીઓથી ક્યાંય વધી ગયું છે. ગત વર્ષે લાગુ કરાયેલા માહિતિ મેળવવાના અધિકાર હેઠળ એક નગરજને એવી માહિતી માંગી છે કે આ જજની ગુણવત્તા અને તેમની યોગ્યતા શી? એ પ્રશ્નથી વ્યથિત થઈને મહારાજે વિચાર્યા વગર આ આખી વાત સંથાગાર પર છોડી દીધી છે. એટલે હવે પ્રજા સર્વસંમતીથી નક્કી કરશે તે જ મુખ્ય અને ગૌણ ન્યાયાધીશ. સંથાગારમાં પણ મેં મારા સેવકો અને ગુપ્તચરો મારફત શત કાષાર્પણનો એક એમ ઘણાં મતો ખરીદી લીધા છે, એટલે મુખ્ય ન્યાયાધીશ તરીકે મારું નામ આવે એ નિશ્ચિત છે. પણ મને ન્યાય કરવાનો કંટાળો આવે છે, એટલે સમયાંતરે બીજા કાષ્ઠશિલ્પસમા સેવકને ત્યાં સ્થાનારૂઢ કરી દેવાનો વિચાર છે.

ગત દિવસોમાં ગાંધારના બે મહાપુરુષો – મહાઆમાત્ય નિલાંબરમ અને નગરશ્રેષ્ઠી પ્રખરશ્રેષ્ઠ વચ્ચેની ખેંચતાણ ખૂબ ચમકી રહી. ગાંધારની રાષ્ટ્રીય ચેનલ કૃરદર્શને તેને ખૂબ દર્શાવી. તેના છાંટા મહારાજ સુધી ઊડ્યા, પણ મહારાજ તો ‘વાઈબ્રેશન’ મોડ પર છે અને મહારાજ્ઞિની આજ્ઞા વગર એ વાઈબ્રેટ પણ નથી થતાં એ સર્વસ્વીકૃત હકીકત છે – એટલે આ મુદ્દો હજી ચાલ્યા કરશે. ગણતંત્ર કે જેને સુધરેલા નગરજનો લોકશાહી પણ કહે છે એ એક મહાભયંકર વ્યાધીના રૂપે ઉપસી રહ્યો છે. એમાં આ બે મંત્રીઓ વચ્ચેની ખેંચતાણ મહારાજનું પલ્લું નીચું કરી જશે અને નવા રાજાની નીમણુંક કરવા અથવા ગણતંત્ર સ્થાપવા તત્પર ઈર્ષાળુઓને નવો મુદ્દો મળી રહ્યો છે.

આમ તો ગણતંત્રનો અર્થ નો-તંત્ર એવો જ થાય છે. વૈશાલીનું ગણતંત્ર સર્વથા શ્રેષ્ઠ ગણતંત્ર ભલે ગણાય પણ ત્યાં રાજકીય ખટપટો વગર તો ઉદ્ધાર નથી જ. ત્યાં પણ આતતાયીઓના હુમલા અને જુદા જુદા પક્ષોના જુદા જુદા ધર્મ તરફના રાજકીય પક્ષપાતની વાતો ઉડ્યા જ કરે છે. ગણતંત્રના મંત્રીઓના નિત નવા ગોટાળા અને મગધ સામ્રાજ્યની બેંકોમાંના નામી-અનામી ખાતાઓમાં તેમના અબજો ખર્વો કાષાર્પણ હોવા એ ગણતંત્રને લાગેલો સૌથી મોટો ડાઘ છે. (મારું ખાતું તો જો કે કો-ઓપરેટીવ બેંક ઓફ મગધ સિટિઝન્સના નામે મેં બનાવેલી નાનકડી બંકમાં જ છે.) ગણતંત્રના સર્વસત્તાધીશોની એ ષંઢો સામે કોઈ પણ પગલા ન લેવા જેવી નઠોરતા તેમને અતિશય નિષ્ફળ અને અ-રાષ્ટ્રીય સાબિત કરી આપે છે. પણ જેમના હાથ બંધાયેલા છે તેવી રાજપ્રજા આ બધો તમાશો જોયા કરે છે અને ભોગવ્યા કરે છે. તેમની નિષ્ક્રિયતા અને નપુંસકતા તેમને જે મળે તેવું જીવન જીવવાની ફરજ પાડે છે. ગણ એટલે સમાજ – તો કોઈ એક કે બે વ્યક્તિઓ નેતાગીરી લે એવી અપેક્ષા કે લક્ઝરી ગણતંત્રના નાગરીકોએ રાખવી પોષાય નહીં. તેમને માટે વિકલ્પો એક સમાન ખરાબ અને નકામા હોય તો કોઈક ત્રીજા વિકલ્પને શોધવો, કે જે ઓછો ખરાબ હોય, એ ફરજ બની રહે છે. કોઈક ચલચિત્રમાં કહેવાયું છે કે ટુ ચેન્જ ધ સિસ્ટમ, યુ હેવ ટુ બી ઈન ધ સિસ્ટમ – પણ ગણતંત્ર જો આખી એક જ સિસ્ટમ હોય તો ગણ એટલે કે સમાજ તેમાં આવે જ છે – બદલાવની શરૂઆત ક્યારથી કરવી એ પ્રજા પર જ નિર્ભર છે અને ઈતિહાસ સાક્ષી છે કે જ્યાં પ્રજા જાગૃત છે એ ગણતંત્રો પ્રગતિના શિખરો સિદ્ધ કરે છે. ઉપરોક્ત ફકરાના ઘણા વાક્યો મેં અમારા મહાઆમાત્ય નિલાંબરમજી અને ગાંધાર યોજના આયોગના અધ્યક્ષ શ્રી ડોન્ટ મેક દેશ દીવાલીયા’ ના ભાષણમાંથી લીધા છે જેમાં તેમણે એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે 32 કાષાર્પણ પ્રતિ દિવસ ખર્ચી શક્તો નાગરીક સુખી કહી શકાય. (કદાચ તેમને કોઈ જમાદારે ચાર રસ્તે રોક્યા નથી અથવા તેમના છોકરાઓની નર્સરીની ફી ભરવાનો કે ઈવન અભિયાંત્રિક દ્વિ – ચતુષ્ચક્રી ગતિક વાહન ( બાઈક – ગાડી) માં પેટ્રોલ જાતે ભરાવવાનો અવસર તેમને મળ્યો નથી. તેમને સંથાગારના ભોજનકક્ષમાંથી બત્રીસ કાષાર્પણમાં આખો દિવસ ખાવાનું મળી રહે છે, વળી તેઓ અન્ય પદાર્થો એટલા ખાય છે કે ભોજનની તેમની જરૂરતો ઓછી જ રહે છે.) એટલે મારે એ જ સાબિત કરવાનું રહે છે કે ગાંધારનું રાજતંત્ર સર્વથા ઉચિત છે, એ માટેના મુદ્દા આવતીકાલે નોંધવાના રહેશે.

તો સામે પક્ષે એનજીટીવી કહે છે તેમ, ‘ગણતંત્રમાંનો સામાન્ય નાગરીક તેના ઉચ્ચસ્થાનો સુધી પહોંચી શક્તો નથી કારણકે એ માટે ધનસંપત્તિ અને ઓળખાણ ઉપરાંત ઘાતકી હૈયુ હોવું પણ એક ઓપ્ટીમમ ક્વોલિફિકેશન્સ ગણાય છે. તમારી સામે પસંદગીમાં સ્પર્ધા કરવા ઉભા રહેનારા સ્પર્ધકને બેસાડી દેવો અને તે માટે ન માને તો સૂવડાવી દેવો એ એક કળા ગણાય છે. એટલે ગણતંત્ર અને રાજતંત્રની વચ્ચેની લડાઈમાં રાજતંત્ર સર્વથા ઉત્તમ વિકલ્પ રહે છે, કારણકે અહીં ફક્ત એક જ રાજા ને ગોટાળા કરવાનો અધિકાર હોય છે, ગણતંત્રમાં તો ગોટાળા કરતા અનેક રાજાઓ નીકળી આવે છે.’ મારી આ સ્પોંસર્ડ જાહેરાત ત્યાં ગૂંજતી રહે છે. એ રાજાઓની, મંત્રીઓની, ગણરાજ્યના એ ઠેકેદારોની હિંમત અને નપાવટતાને સલામ… સલામ થી યાદ આવ્યું – કોઈક કવિ લખી ગયા છે…

આ મારા પરમ પવિત્ર ઈત્યાદિ દેશને સલામ,
આ દેશની સુ-ઉદાત્ત સુ-મંગળ, સુ-પરંપરાને સલામ,
જાતિભેદના ઉકરડાને સલામ,
આ ઉકરડામાંથી સત્તાનો પાક માણનારને સલામ,
ઉપનિષદો અને વેદોને સલામ,
સાકર-કારખાનાંના દાદાઓને સલામ,
તેમની સેંકડો લોરીને સલામ,
ચૂંટણીને સલામ, ચૂંટણીફડને સલામ,
અદ્રશ્ય મુક્કાને સલામ,
મતના આંધળા સિક્કાને સલામ

સત્તા સંપતિના ભડવાનો દેશ કહું, તો માથું ફોડી નાખશે,
હલકટ લાચારોનો દેશ કહું, તો રસ્તા પર ઝૂડશે,
ખરીદવામાં આવનારાઓનો દેશ કહું, તો રસ્તો રોકાશે,
દેવધર્મ વિશે, નેતાઓ વિશે ખરાબ બોલું તો નાકા પર પકડીને ઠોકશે,
શોષણ કરનારાઓનો દેશ કહું, તો નોકરી પરથી કાઢશે,
એટલે મારાં નપુંસકત્વને સલામ,
પછી ઠોકી શકનાર પ્રત્યેક હાથને સલામ,
અને તે પછી અલબત્ત જ આ મારા
પરમ પવિત્ર ઉદાંત્ત સુમંગલ દેશને સલામ,
આ દેશની મહાન પરંપરાને સલામ,
સલામ, પ્યારે ભાઈયો ઔર બહેનો સબકો સલામ.

(અને આ કોઈ હાસ્યલેખ નથી, હું ક્યારેક ડાયરીમાં સીરીયસ પણ ન લખી શકું યાર?)

આજે નિંદ્રાદેવી મને તેમની તરફ ખેંચી રહી છે… વધુ ફરી ક્યારેક

જય જય ગરવી ગાંધાર.

– યુવરાજકુમાર ગાંધાર, શકુનિ


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “શકુની ની રોજનીશી (ભાગ ૫) – લોકશાહીની ઠોકશાહી