નાટ્યકાર બાબુભાઈ વ્યાસની ડાયરીમાંથી . . . 3


માણેકવાડી

મૂળનામ તો માણેકજીની વાડી, પણ લોકો અને ટપાલીના અલ્પભાષીપણાને લીધે થઇ ગયું “માણેકવાડી”.

આ લખાણનો હેતુ માણેકજીની વાડી નામની એક નાનકડી શેરીએ ભાવનગર શહેરને કેવા કેવા વ્યક્તિ વિશેષ – નાગરીકો આપેલા તેની માત્ર નોંધ છે.

માણેકજી શેઠ પારસી હતા. હાલમાં જ્યાં મુક્ત લક્ષ્મી કન્યા વિદ્યાલયની પાછલી દિવાલ છે ત્યાં વિલાયતી નળિયાવાળું બેઠા ઘાટનું તેમનું મકાન હતું. આ માણેકજી શેઠના નામ ઉપરથી માણેકવાડી નામ પડેલું. માણેકવાડીમાં મુખ્યત્વે કાછીયા, બ્રાહ્મણો, વાણીયા, ભરવાડ, થોડા સિપાહી અને હરીજનોની વસ્તી હતી.

ગોવિંદજી અંધારિયા ભાવનગર સ્ટેટ રેલ્વેમાં ટેશન માસ્તરની નોકરી કરતા હતા. નોકરીમાં અવારનવાર બીજે ગામ જવાનું થાય, બદલી થાય, પણ ગોવિંદજી ગમે ત્યાં જાય હાર્મોનિયમની પેટી હંમેશા તેમની સાથે જ હોય. શાસ્ત્રીય સંગીતનો એમને જબરો શોખ. એ સંગીતનો વારસો તેમણે તેમના સંતાનોમાં પણ ઉતાર્યો. તેમણે તેમના મોટા દિકરા બાબુલાલ અંધારીયાને તૈયાર કર્યા. શ્રી બાબુભાઈએ તેમના નાનાભાઈ રસિકલાલ અંધારીયાને તૈયાર કર્યા. રસિકલાલે સંગીતના સામ્રાજ્યમાં ભાવનગરનું નામ રોશન કર્યું, અને મુંબાઈની સંગીતસભાએ તેમને “સુરમણી” ની ઉપાધિ આપી.

એજ ખડકીમાં એક બ્રાહ્મણનો છોકરો રહેતો. એ પણ બંને ભાઈઓ સાથે તબલાની સંગત કરતો. એનું નામ લાભુભાઈ. લાભુભાઈએ શ્રી યશવંતરાય પુરોહિત અને શ્રી રસિકલાલ અંધારિયાના ઘણા કાર્યક્રમોમાં સંગત કરેલી.

બાજુની ખડકીમાં ગુલાબરાય ભટ્ટને પાંચ દિકરા. તેમના બીજા નંબરના શ્રી બટુકભાઈને નાનપણમાં માતા નીકળેલા. તેમાં તેમની બંને આંખો ગઈ. બાળક છ કે સાત વરસનું થાય ત્યાં સુધી દેખાતુ હોય અને પછી એકએક અંધકાર છવાઈ જાય, અંધાપો આવે ત્યારે એ બાળકના મનની અવસ્થા કેવી થાય એ વાતતો શ્રી બટુકભાઈ પાસેથી સાંભળીએ તોજ સમજાય.

હિંમત ન હારતા બટુકભાઈએ ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં દિલરુબા અને તબલા શીખવાનું શરૂ કર્યું. એવામાં એક સ્નેહીએ તેમને પંડિત ઓમકારનાથની બે ગ્રામોફોન રેકોર્ડ સંભળાવી. તે સાંભળી પંડિતજીનું સંગીત બટુકભાઈને એટલું સ્પર્શી ગયું કે તેમને નક્કી કર્યું કે ગુરુ મેળવવા તો પંડિતજી જેવા. અને તેમણે પ્રયત્નો શરુ કર્યા.

આખરે મુંબઈમાં પંડિતજી સાથે તેમની મુલાકાત થઈ. મહામહેનતે પંડિતજીએ એક આંધળા છોકરાને શિષ્ય તરીકે સ્વીકાર્યો. પછી તો બટુકભાઈ પાછું વળીને જોયુ જ નથી. આગળ વધતા ગયા અને પોતાના ગુરુનું નામ દિપાવ્યું. એટલું જ નહિ, બનારસ યુનિવર્સિટીના સંગીત વિભાગનું અધ્યક્ષ પદ મેળવ્યું અને થયા પંડિત બલવંત ભટ્ટ. હજી પણ જયારે ભાવનગર આવે છે ત્યારે માણેકવાડીના સ્મરણો વાગોળતા એમની અંધ આંખોમાં પાણી આવી જાય છે.

મહાન વ્યક્તિની નાની વાત

ભાવનગરમાં આવેલા માણેકવાડી વિસ્તારમાં રહેતા થોડા યુવાનોએ ભેગા થઈ એક મંડળ સ્થાપ્યું. જેને નામ આપ્યું “યંગ ક્લબ”.

આ મંડળનાં ત્રણ કુમારો – તેમના નામ, ચિતરંજન પાઠક, હર્ષદ બધેકા અને નરહરી ભટ્ટ. તેમની ઉમર લગભગ તેર કે ચૌદ વર્ષની. તેમને જાણવા મળ્યું કે ગામમાં શ્રી ઓમકારનાથજી ઠાકુરનો સંગીત નો કાર્યક્રમ થવાનો છે. નસીબજોગે એ જ અરસામાજ પ્રસિદ્ધ થયેલી પંડિતજીની બે રેકોર્ડ્સ સાંભળેલી. “ચંપક” અને “નીલામ્બરી” નામના બે અપરીચિત રાગો તેમણે ગાયેલા. ત્રણે કુમારોને તે પસંદ પડી ગયેલા. તેમાંય નરહરી શાસ્ત્રીય રાગોનું અનુકરણ સરસ રીતે કરી શકતો.
ત્રણેય જણે નક્કી કર્યું કે કાર્યક્રમમાં જવું… પણ જવું કેવી રીતે?

ભાવનગરના જૂના સ્ટાર સિનેમામાં કાર્યક્રમ ગોઠવવામાં આવેલો. અંદર જવાની ટીકીટ લેવી પડે અને તેના પૈસા બેસે, સંગીત સાંભળવા માટે પૈસા કોઈ ઘરેથી આપે એમ હતું નહીં. બહુ વિચાર કર્યા પછી ત્રણેએ નક્કી કર્યું કે ખુદ પંડિતજીને મળવું અને તેમને વિનંતિ કરવી. કાર્યક્રમના સમયે ત્રણે જણ જલસાઘર પાસે ઉભા રહ્યા.

થોડીવારમાં પંડિતજી વિક્ટોરિયા ગાડીમાં પધાર્યા. ગાડીમાંથી ઉતરતાંજ પંડિતજીની નજર ત્રણ કુમારો ઉપર પડી. ત્રણેએ હાથ જોડ્યા. એટલે પંડિતજી એ પૂછ્યું, “ક્યા બાત હૈ?”

ત્રણે માંથી ચિતરંજનને હિન્દી આવડે એટલે તેને આવવાનું કારણ કહ્યું. પંડિતજીએ તેમને સમજાવતા કહ્યું કે હું અહી કોન્ટ્રાક્ટ પર આવ્યો છું એટલે તમને અંદર ન બેસાડી શકું. પણ મારો ઉતારો દરબારી ગેસ્ટ હાઉસમાં છે. ત્યાં કાલે વહેલી સવારે નવ વાગ્યે આવી જજો. હું તમને થોડું સંગીત સંભળાવીશ. ત્રણે જણા ખુશ થતા ઘરે આવ્યા.

બીજે દિવસે નવ વાગે માજીરાજવાડી ગેસ્ટહાઉસમાં પહોચ્યા. દરવાને અટકાવ્યા પણ ત્યાં તો અંદરથી પંડિતજીનું કહેણ આવ્યું કે નવ વાગે ત્રણ છોકરાઓ આવશે તેમને અંદર આવવા દેશો. ત્રણે અંદર ગયા. એક મોટા રૂમમાં તેમને બેસાડાયા. ત્યાં પંડિતજી આવ્યા અને કહ્યું “તમે સમયસર આવી ગયા તે મને ગમ્યું.”

તેમણે પટાવાળા ને કહ્યું, “આ લોકો ને નાસ્તો આપો, હું હમણા આવું છું.” નાસ્તો આવ્યો. તે દરમ્યાન એક મોટર કાર ગેસ્ટહાઉસના દરવાજેથી અંદર આવી. ગાડીમાંથી બે જણા ઉતર્યા, તેઓ શામળદાસ કોલેજના પ્રોફેસર શાહ અને પ્રોફેસર ભરૂચા હતા.

આ ત્રણે છોકરાઓ જોતા તેઓ ઉભા રહ્યા. ત્યાં પંડિતજી હાથમાં, સૂતેલા બાળકને ઉપાડ્યું હોય તેમ તાનપુરો લઇને અંદર આવ્યા અને બંને પ્રોફેસરોને કહ્યું, “મેં આ ત્રણ સદગૃહસ્થોને મેં વચન આપ્યું છે કે થોડુક સંગીત તેમને સંભળાવીશ. એટલે આપણે કૉલેજના ભાષણમાં જરા મોડું થશે. તમે પણ સાંભળો.” એમ કહી તેમણે ગાદી તકિયા ઉપર સ્થાન લીધું. બે સાજીંદાઓ પણ બાજુમાં ગોઠવાઈ ગયા. પંડિતજીની આંગળીઓ તાનપુરા પર ફરવા માંડી. પંડિતજીએ ગાવાનું શરુ કર્યું. …..ઓમ અનંત હરી…. અને પછી જે મૌસીકી શરુ કરી… આંખો મીચી તેઓ ગાતા હતા. “નોમ તોમ” પૂરું કરી તેમણે આંખો ખોલી પૂછ્યું, “મજા આવી?”. ત્રણેએ ડોકા હલાવ્યા. “તમે મારી બે રેકર્ડ સાંભળી છે તેમાં મેં અપ્રચલિત રાગો ગાયા છે અને તમે અત્યારે સાંભળ્યો તે પણ એક અપ્રચલિત રાગ છે… તેનું નામ છે ગાંધારી” … પંડિતજી ગાતા રહ્યા… મહેફિલ કેમ અને ક્યારે પૂરી થઇ તેનો ખ્યાલ પેલા બંને પ્રોફેસરોને કે ત્રણ કુમારોને પૂછીએ તો જાણી શકાય…. પણ એક અત્યંત નાના ઑડીયન્સ માટે પંડિતજી જિંદગીભર યાદ રહે તેવું નજરાણું આપી ગાયા.

(આ પ્રસંગ ૧૯૩૮ની આજુબાજુનો છે. ડાયરીમાં આવા નાના પ્રસંગો લખ્યા છે.)

અને શામળદાસ કોલેજે ભજવ્યું “કાકાની શશી”…

વડવાની સરહદ પર આવેલું શામળદાસ કૉલેજનું જૂનું મકાન – તેના મધ્ય ખંડમાં કૉલેજના વિદ્યાર્થીઓ નાટક ભજવી રહ્યા હતા. નાટકનું નામ, મુનશીનું લખેલું “કાકાની શશિ.”

એ જમાનામાં ગણીગાંઠી વિદ્યાર્થિનીઓ કૉલેજ સુધી ભણતી. પણ સમાજ એટલો આગળ નહોતો કે કુટુંબની દીકરીઓ નાટકમાં ભાગ લે. મતલબ કે નાટકમાં આવતા સ્ત્રી પાત્રો છોકરાઓએ જ ભજવવા પડતા. શિયાળાનો દિવસ એટલે નાટક સાંજે સાડા છએ શરૂ થઈ નવ વાગ્યે પૂરું થવાનું હતું. નગરના સન્નારીઓ અને સદગૃહસ્થો આવ્યે જતા હતા. મધ્યસ્થ ખંડ ચિક્કાર ભરાઈ જવામાં હતો. આગલી બે હરોળ તો ખાલી રાખેલી, મહાનુભાવોને સત્કારવા માટે કૉલેજની લાંબી પગથારમાં પ્રિન્સિપાલ શહાણી, ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રવિશંકર જોશી અને બીજા કેટલાક પ્રોફેસરો ઉપસ્થિત હતા. સર પ્રભાશંકર પટ્ટણીની રાહ જોવાતી હતી.

એવામાં કોલેજની પાછળના દરવાજેથી એક ભાઈ દાખલ થયા ને આજુબાજુ જોવા લાગ્યા. એમના લિબાસ પરથી એવું નહોતું લાગતું કે એ આમંત્રિત મહેમાન હશે. એમણે ત્યાં ઉભેલા પટાવાળાને કૈંક પૂછ્યું, એના જવાબમાં પટાવાળો પ્રો. જોશીસાહેબ પાસે આવી તેમને બોલાવી ગયો.

જોશીસાહેબે પુછ્યું, “કેમ ભાઈ શું કામ છે? ”

“મારો દીકરો ક્યાં છે ?” પેલાભાઈએ થોડે મોટેથી કહ્યું.

“તમારા દીકરાનું નામ શું?” જોશીસાહેબે શાંતિથી પૂછ્યું.

પેલાભાઈએ નામ કહ્યું. “એ તો સ્ટેજ ઉપર હશે, નાટકમાં ભાગ લીધો છે”, જોશીસહેબે કહ્યું.

“શું?”, પેલા ગૃહસ્થ વિફર્યા. “મને પૂછ્યા વિના નાટકમાં ઉતાર્યો છે? એ નાલાયકને અહી બોલાવો.” પેલા ભાઈ ખૂબ ગુસ્સામાં બોલ્યા.

“આપ શાંત થાવ… તેણે તો મેકઅપ કર્યો હશે અને એના પાઠ પ્રમાણે પોશાક પણ પહેરી લીધો હશે. અત્યારે એ કેમ બહાર આવી શકે?” જોશીસહેબે દલીલ કરી.

“એ ન આવી શકે તો મને અંદર લઇ જાવ.” પેલા ભાઈ તાડૂક્યા. ત્યાં પટાવાળાએ આવીને જોશીસાહેબને કહ્યું કે દીવાનસાહેબની મોટર નીકળી ગઈ છે.

“જુઓ ભાઈ, તમે અંદર બેસી નાટક જુઓ. દીવાનસાહેબ હમણા આવી પહોંચશે.”

“તે ભલે આવે,” પેલા ભાઈ બોલ્યા. “હું પણ તેમને કહીશ કે અહીં છોકરાઓને ભણાવાય છે કે તેમની પાસે નાટકો કરાવાય છે?”

સ્ટેજ પર ખબર પડી કે બહાર કંઈક ગડબડ થઇ રહી છે એટલે મંગળદાસ રાજપુરા – નાટકનું મુખ્યપાત્ર, તેના મેકઅપ અને પોશાક સહીત તથા દિગ્દર્શક, બંને બહાર આવ્યા.

“એલા મંગલ, મારો છોકરો ક્યાં છે?”, પેલાભાઈ મંગળદાસને જોતાં જ બોલ્યા. શ્રી રાજપરા અને પેલા ભાઈનું ઘર પાસે પાસે અને તેમનો દીકરો રાજપરાનો મિત્ર એટલે એણે નાટકમાં ભાગ લીધેલો.

“અરે કાકા, એ તો અંદર તૈયાર થઈને બેઠો છે. એ બહાર કેવી રીતે આવે?”

“તો તું મને અંદર તેની પાસે લઈ જા.“ પેલા ભાઇએ તો છોકરાને મળવાની હઠ લીધી. એવામાં દીવાનસાહેબની મોટર પીલ ગાર્ડનના રસ્તા પર દેખાઈ.

“જુઓ કાકા,” પેલા ભાઈને સ્ટેજ પાછળ – અંદર લઈ જતા રાજપરાએ કહ્યું, “તમારા દીકરાનો પાઠ પહેલા દ્રશ્યથીજ છે. નાટકની શરૂઆતજ તેનાથી થાય છે. જો તમે તેને બળજબરીથી ઘેર લઇ જાશો તો અમારે નાટક બંધ રાખવું પડશે. અને આવતીકાલે આખા શહેરમાં ખબર પડશે કે કોલેજનું નાટક બંધ રહ્યું અને તેનું કારણ થશો તમે !”

સ્ટેજ ઉપર શિવગવરીનું પાત્ર ભજવવા તેમનો દીકરો તૈયાર ઉભેલો. તેના પર નજર પડતાં જ કાકા તાડૂક્યા, “અરે સાલ્લા નાલાયક, મને પૂછ્યા વગર નાટકમાં ઉતર્યો છે અને પાછો બાઈડીનો વેશ પહેરીને? સાલ્લા ડફોળ.”

રાજપરાએ કાકલુદી ભર્યા સ્વરે કહ્યું, “કાકા તમે અંદર પ્રેક્ષકગૃહમાં બેસી જાવ, દીવાનસાહેબ આવી ગયા છે. અને ગામ આખામાંથી આવેલા પ્રેક્ષકો પડદો ઉઘડે તેની રાહ જોઈ રહ્યા છે. મહેરબાની કરી તમે શાંત થાવ અને નાટક શરૂ થવા દો.” રાજપરાએ ફરી આજીજી કરી.

“ઠીક છે” કાકા બોલ્યા “હું નાટક જોવા બેસું છું” અને પછી એના દીકરાને ઉદ્દેશીને કહ્યું, “હવે જો આ બાયડીનું પાત્ર બરાબર નથી ભજવ્યુંને તો તને ઘરમાં નહિ પેસવા દઉં…..”

ઉદયશંકર

પ્રખ્યાત નૃત્ય વિશારદ ઉદયશંકર અને તેમના નૃત્યવૃંદનો એક કાર્યક્રમ ભાવનગરના ટાઉનહોલમાં રાખવામાં આવેલો. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમને ખાસ આમંત્રણ આપેલું, એવું કહીને કે અમારા ગામડાઓમાં તમારે માટે જોવા જેવી કેટલીક કલાઓ છે. રાત્રીના બરાબર નવ વાગ્યે કાર્યક્રમ શરૂ થયો.

શરૂઆત થઇ તબલા અને સરોદ પર એક હળવી ધૂનથી. એ સમયમાં માઈક નહોતા. વાદ્યવૃન્દ અને ગાયકો સ્ટેજ ઉપર અર્ધા ગોળાકારે નૃત્યકારોની પાછળ પ્રેક્ષકો દેખી શકે તેમ બેઠેલા. નૃત્ય બધા જ ખૂબ સારા હતા. ઉદયશંકરના નૃત્યોનું સંગીત અલ્લાદ્યાખા અને તિમિર બરન આપતા.

આ લખવાનું કારણ તો એટલું જ છે કે એ જમાનામાં કોઈ રાજા ભારતના શ્રેષ્ઠ કલાકારોને પોતાના શહેરની આમ જનતા નિહાળે એટલા માટે થઈને આમંત્રણ આપી બોલાવે એવું ભાગ્યે જ બીજે ક્યાય બન્યું હશે. ટાઉનહોલમાં ગોઠવાયેલા કાર્યક્રમના અંતે એવું જાહેર કરવામાં આવ્યું કે બીજા દિવસે નૃત્યાકારોનું વૃંદ
ઝાંઝમેર જશે. અને તે પછીના દિવસે એટલે કે એક દિવસ વધુ રોકાઈને શહેરની કૉલેજ તથા શાળાના વિદ્યાર્થીઓ માટે એક પ્રોગ્રામ વધુ કરશે.

બીજે દિવસે આખુ મંડળ શિક્ષણ અધિકારી શ્રી ગજાનનભાઈ ભટ્ટની રાહબરી નીચે ઝાંઝમેર ગયું. ત્યાંની શાળામાં કાર્યક્રમ હતો. દાંડિયારાસ અને ગરબીની રમઝટ નિહાળી. એ વૃંદના માદામ સીમ્કી અને અમલાએ છાણાં થાપતી સ્ત્રીઓને જોઈ ગજાનન ભાઈને પૂછ્યું કે આ લોકો શું કરે છે? તેમને કહેવામાં આવ્યું કે છાણમાંથી ચૂલા માટે બળતણ તૈયાર કરે છે.

મહારાજા સાહેબની વિનંતિને માન આપીને ઉદયશંકરના ગૃપે ત્રીજા દિવસે વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે એક ખાસ કાર્યક્રમ આપ્યો. કાર્યક્રમનું આયોજન ગામના તળાવમાં ખાસ ઉભા કરાયેલા રંગમંચ પર કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં બે આઈટમ વધારેલી. એક હતી દાંડિયારાસ અને બીજી ગામડાની સ્ત્રીઓ છાણા થાપે છે તેનું માઈમ માદામ સીમ્કીએ રજૂ કરેલું.

દાંડીયારાસમાં ચાર વ્યક્તિઓ હતી. જે ગીત ઝાંઝમેરમાં સાંભળેલું તેની ધૂન બંસરી અને તબલા પર વાગી અને શિક્ષણ અધિકારીએ તેમને ત્યાંના પોશાક પણ મેળવી આપેલા. એટલે દાંડીયારાસ જોવાની બધાને બહુ મજા આવી. આટલા ઓછા માણસો રાસ લેવામાં હતા તે કોઈને ખૂંચ્યું નહિ. ત્યાર બાદ છાણાં થાપવાનું માઈમ માદામ સીમ્કીએ રજૂ કર્યું. એક ફ્રેંચ સન્નારીએ, કાઠીયાવાડના ગામડાની સ્ત્રીનું કેટલી બારીકાઈથી અવલોકન કર્યું હશે ત્યારે આવા આલા દરજ્જાની આઈટમ રજૂ કરી શક્યા હશે!

પહેલા તો મલયની ચાલે તે સ્ટેજ ઉપર આવ્યા. જમણાં હાથમાં પકડેલું પાણી ભરેલુ બેડલું બાજુ પર મૂક્યું. પછી છાણ ભરેલો સુંડલો માથેથી ઉતારી બીજી બાજુ પર મૂક્યો. પછી કેડ ઉપર પહેરેલું થાપડું બંને હાથના કાંડાથી ગોઠણ સુધી ચડાવ્યું. હાથની કલાઈથી ઓઢણું માથે ખેંચ્યું, અને ઉભડક પગે બેસી છાણમાં પાણી ભેળવ્યું અને થાપવાનું શરૂ કર્યું. છાણા થાપતી જાય ને ઓઢણુ સરખું કરતી જાય, મોં પર ઉડેલા છાંટા લૂછતી જાય. હાથના બલોયાં હાથ ઊંચા કરીને અવારનવાર ચડાવતી જાય. આ બધી અદાઓ એક ફ્રેંચ સ્ત્રી કરે એ ખરેખર આશ્ચર્યજનક હતું. તેની પાસે એક માત્ર ગામડાની સ્ત્રીનો પહેરવેશ હતો, અને એક વખતનું થોડા સમયનું નિરીક્ષણ, બીજું કઈ નહિ. અને છતાં આપણને લાગે કે કોઈ ગ્રામ્ય નાંરીને છાણાં થાપતી જોઈ રહ્યા છીએ. તેમાં પણ જયારે ઉભા થઇને થાપેલા છાણાં ગણ્યા ત્યારે તો દર્શકોએ તાળીઓના ગડગડાટથી તેમને અભિનંદન આપ્યા.

શ્રી ઉદયશંકરે ઝાંઝમેરની શાળાના વિદ્યાર્થીઓના રાસથી પ્રભાવિત થયેલા. તેમાંથી બે વિદ્યાર્થીઓને પોતાના ગૃપમાં લેવાની તૈયારી તેમણે બતાવેલી. પણ છોકરાઓના મા-બાપને દીકરાઓ નૃત્ય શીખે તેમાં રસ નહતો. તેમનેતો દાંડિયા અને ગરબી સરસ રીતે ખેલી શકે તેમાં જ પરમ સંતોષ હતો.

 – બાબુભાઈ વ્યાસ

૧૯૩૫ થી ૧૯૬૫ ના વર્ષોમાં જેમના નાટકો ભાવનગરના ‘યંગ ક્લબ’ દ્વારા ભજવાતાં એવા નાટ્યલેખક શ્રી બાબુભાઈ વ્યાસે ૪૫થી વધુ નાટકો લખ્યા છે અને તેમના ત્રણ પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં છે. તેઓ સતત પોતાની ડાયરી લખતાં, એ ડાયરી તેમના વ્યવસાયિક જીવનનો સરસ પરિચય આપી જાય છે, સાથે સાથે એ સમયના સમાજજીવનના અનેરા પાસાઓ પણ આપણને ઉઘાડી આપે છે. આજે એમની ડાયરીના ચાર પ્રસંગો અને તેમણે વિવિધ ઘટનાઓ પ્રત્યે દર્શાવેલ વિચારો અહીં પ્રસ્તુત કર્યા છે. આશા છે અક્ષરનાદના વાચકમિત્રોને શ્રી બાબુભાઈ વ્યાસની ડાયરીના માધ્યમથી અદના ગુજરાતી નાટ્યકારના ભૂતકાળમાં ડોકીયું કરવાની તક ગમશે. અક્ષરનાદને આ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી બાબુભાઈ વ્યાસના પુત્ર શ્રી નિતિનભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર.

બિલિપત્ર

લોકોને તમારા પગલાંઓને – વર્તનને સમજાવવામાં સમય વેડફશો નહીં. લોકો ફક્ત એ જ સાંભળશે જે તેઓ સાંભળવા માંગે છે.

 – પાઉલો કોએલ્હો (તેમના ટ્વિટમાંથી)


3 thoughts on “નાટ્યકાર બાબુભાઈ વ્યાસની ડાયરીમાંથી . . .

  • Bhavesh N. Pattni

    હું બાબુભાઈ વ્યાસનો સગો છું અને બાળપણમાં એમની સાથે સરસ સમય વિતાવ્યો છે તેના કરતાંય વધુ આનંદની વાત એ છે કે એમને ખૂબ વાંચ્યા છે, સાંભળ્યા છે અને હંમેશ જાણ્યા અને માણ્યા છે. ‘દાદાઝ અને યંગ ક્લબ’ બંને વિષે પણ ખૂબ રસપ્રદ વાતો છે.

    દાદાઝના સાનિધ્યમાં બેસી ને ખૂબ વાતો સાંભળી છે. કેમેરામેન હરુભાઈ ભટ્ટે શમ્મી કપૂરની ફિલ્મ ‘છોટે નવાબ’માં પહેલી વાર ડબલ રોલના પાત્રો એક બીજાને એક જ ફ્રેમમાં હોવા છતાંય કેવી રીતે સ્પર્શી શકે એ શમ્મી કપૂર પાસે કરાવેલું. ‘છોટે નવાબ’ એટલે આર. ડી. બર્મનની સ્વતંત્ર સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મ. પહેલાં એવું હતું કે ડબલ રોલના પાત્રો એક બીજાને હાથ જ અડાડે, જો અડાડે તો હાથ બીજા કોઈકનો હોય. ડબલ રોલ ફિલ્મમાં શૂટ કરવો વધુ અઘરો હતો ત્યારે, કેમ કે મોનીટર નહોતા, માત્ર કેમેરામેનના વ્યુ ફાઈન્ડર પર ભરોસો રાખવો પડે. દાદાઝ પાસે આવું ઘણું જાણ્યું છે.

    નાટકના બેક-સ્ટેજ વિષે, નાટકનો સેટ કેવો હોય તે વિષે, દરેક વિષયમાં બાબુભાઈ વ્યાસ પાવરધા. વળી, સરળતાથી બધી વાત સમજાવે. સલામ છે તેમને અને યંગ ક્લબ તથા દાદાઝ ના કામને.

    બીજું પણ આવું છાપતા રહેશો.
    સપ્રેમ અને સાભાર
    ભાવેશ એન. પટ્ટણી

  • Dhiren Pandya

    હમણાં જ શ્રી ધરમશીભાઇ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે તેઓને નૃત્ય ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આ લેખમાં લખાયેલ શ્રી ઉદયશંકરજીના શાળા કોલેજનાં વીદ્યાર્થીઓ માટે યોજાએલ પ્રોગ્રામ માંથી મળેલી….

  • Harshad Dave

    શ્રી બાબુભાઈ વ્યાસની ડાયરી શબ્દો વાંચી શ્રી મહાદેવભાઈ દેસાઈની ડાયરી શબ્દો યાદ આવી ગયા. બંને વાંચીને મનન કરવા પ્રેરે છે. મને મારા પિતાશ્રીની પણ ઘણી વાતો યાદ આવી ગઈ તેઓ તિમિર બરનનો ઉલ્લેખ પણ કરતાં તે આ વાતો વાંચી યાદ આવી ગયું. અને તે સમયના સંગીતકારોની સહૃદયતા અને માનવતા ભર્યા વ્યવહારો પણ સ્મૃતિમાં ધસી આવ્યા. શ્રી કુંદનલાલ સાયગલ સાહેબની એક એવી જ વાત યાદ આવી જે હું ભવિષ્યમાં અક્ષરનાદ.કોમ ઉપર જણાવીશ. એ લોકો જે કાઈ કરતાં તેમાં બિલકુલ ઓતપ્રોત થઇ જતા. હવે એવી ખેવના બહુ ઓછા લોકોમાં જોવાં મળે છે. સુંદર. સહુનો આભાર. જે નહોતું વાંચી શકાયું તે ઉપલબ્ધ કરાવી આપવા માટે. – હર્ષદ દવે.