પાંચ દાણા – અજ્ઞાત 5


ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું. દેશાવરની સાથે એમનો વેપાર ચાલતો. એમને આંગણે લક્ષ્મીની છોળો ઉછળતી હતી. ઘરમાં ખરચતાં ખૂટે નહીં એટલું ધન હતું. આમ છતાં શેઠ ગણતરીવાળા હતા. એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય.

શેઠને ચાર દીકરા હતા, એ દીકરાઓની ચાર વહુઓ હતી. દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતાં. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો. પણ દીકરાઓની વહુઓ ચાલાક અને ઘરરખ્ખુ છે કે નહીં એ જાણવાની શેઠને ઈચ્છા થઈ. એમનું પારખું કરવા શેઠે એક યુક્તિ વિચારી કાઢી.

એક દિવસ તેમણે ચારે વહુઓને બોલાવીને કહ્યું, ‘બેટા, હું આજે તમને દરેકને ડાંગરનાં આ પાંચ પાંચ દાણા આપું છું. કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માગીશ, માટે એ દાણાને જતન કરીને સાચવી રાખજો.’ એટલું કહી એમણે દરેક વહુને પાંચ પાંચ દાણા આપી વિદાય કરી. વહુઓ દાણા લઈ હસતી હસતી ચાલી ગઈ.

મોટી વહુ જરા ઉછાંછળી અને છીછરી બુદ્ધિની હતી. એને થયું, ‘ડોસાય કેવા ઝીણા જીવનના છે! આપી આપીને ડાંગરના પાંચ દાણા!’ એમ વિચારી દાણા બારી બહાર ફેંકી દઈ એ નિરાંતે સૂઈ ગઈ. સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં.

બીજા છોકરાની વહુ જરાક લાગણીવાળી પણ લહેરી હતી. એને થયું, ‘સસરાજીએ ભલે પાંચ દાણા આપ્યા, એ તો એમની પ્રસાદી ગણાય, એને મામૂલી ગણીને ફેંકી ન દેવાય. પાછા માંગશે ત્યારે જોયું જશે. કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતાં શી વાર લાગવાની છે?’ એમ વિચાર કરતી દાણા ફોલી કણ ખાઈ ગઈ. એને પણ સસરાજીની વાતનો મર્મ ન સમજાયો.

ત્રીજા છોકરાની વહુ ઝીણા સ્વભાવની હતી. એણે વિચાર્યું, સસરાજીએ આપેલા પાંચ દાણા દાબદીમાં મૂકીને સાચવી રાખવા અને માગે ત્યારે દાબડી ખોલીને કાઢી આપવા એમાં કંઈ મોટી વાત નથી.’ એમ વિચાર કરી એણે તો એ દાણાને દાબડીમાં મૂકી સંઘરી રાખ્યા. ત્રીજી વહુ પણ શેઠની વાતનો મર્મ સમજી શકી નહીં.

સૌથી નાના દીકરાની વહુ ચતુર અને સમજુ હતી. એને થયું, ‘સસરાજીની વાતમાં કાંઈક ઉંડો મર્મ હોવો જોઈએ. આ દાણા સંઘરી રાખવા એ વાત તો સાચી, પણ સંઘરી રાખેલા દાણા વખત જતા બગડી જાય. એના કરતાં એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો કેવું? કણમાંથી મણ થતા અનાજને કેટલી વાર? અને સસરાજીને પણ એ જરૂર ગમી જશે.

આમ વિચાર કરી એણે એ પાંચ દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા. એક સાલ ગઈ, બીજી સાલ ગઈ, આ રીતે પેલા દાણા વધતાં જ ચાલ્યા. પેલી ત્રણેય મોટી વહુઓ તો આ દાણાની વાત પણ ભૂલી ગઈ હતી. પણ ચોથી વહુને તો આ વાત હરહંમેશ યાદ રહેતી.

પછી એક દિવસ શેઠે ચારેય વહુઓને બોલાવીને કહ્યું, ‘વહુબેટા, ડાંગરના પેલા પાંચ દાણા પાછા આપો.’ પહેલી બે વહુઓ કહે, ‘એ દાણા તો એ દહાડે જ પૂરા થઈ ગયા, હવે એ દાણા ક્યાંથી લાવીએ? કહો તો કોઠીમાંથી પાંચ પાંચ દાણા લેતાં આવીએ.’ ત્રીજી વહુ કહે, ‘સસરાજી, મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે. થોભો હું દાબડી લઈ આવું.’ એમ કહી એ ઘરમાં ગઈ અને દાબડીમાંથી કાઢી એણે પાંચેય દાણા સસરાજીના હાથમાં મૂક્યા.

નાની વહુ આ બધું જોતી ધીમું ધીમું હસી રહી હતી. શેઠે કહ્યું, ‘દીકરા, તું કેમ કંઈ બોલતી નથી? જા, તારા દાણા લઈ આવ. કેમ, લાવી શકીશ ને?’

એણે કહ્યું, ‘સસરાજી, એ દાણા લાવવા માટે આપણે મારે પિયેર ગાડાં મોકલવા પડશે, હવે એ દાણા પાંચ નથી રહ્યા, એ વધી વધીને ગાડાં ભરાય એટલાં થયાં છે.’

પછી નાની વહુએ એ દાણાની વાત માંડીને કહી સંભળાવી. એ પરથી ધનપાલે ત્રણ મોટી વહુઓને કહ્યું, ‘તમારા સૌમાં આ નાની વહુ ઠરેલ અને ચતુર છે. આજથી આપણા આખા ઘરનો કારભાર એ ચલાવશે. તમે સૌ એના શાણપણનો લાભ લેજો.’

અને પછી શેઠ નાની વહુ તરફ ફરીને બોલ્યા, ‘દીકરી, આજથી ઘરના કોઠારનો કારભાર તને સોંપું છું. મને ખાતરી થઈ છે કે તું આ ઘરની લક્ષ્મી છે. તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે. તું જ મારા ઘરને સારી રીતે સાચવી શક્શે.’

પછી એમણે ત્રીજી વહુને કહ્યું, ‘બેટા, આજથી રસોડાનો કારભાર તારે સાચવવાનો.’ બીજી વહુને કહ્યું, ‘નોકરચાકર ઉપર દેખરેખ તારે રાખવાની.’ અને મોટી વહુને કહ્યું, ‘વહુજી ઘરની સફસૂફીની જવાબદારી તમારે સંભાળવાની.’

પછી શેઠે બધી વહુઓને કહ્યું, ‘સૌ પોતપોતાની સૂઝ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધાં સુખી થશો.’

– અજ્ઞાત

પ્રસ્તુત બોધકથા એક સરળ પણ અગત્યનિ વાત તરફ ધ્યાન દોરે છે, પહેલાના સમયમાં જે અગત્યનું મનાતું અને આજના સમયમાંતો જેની એથીય વધુ જરૂર છે એવું વ્યવહાર કૌશલ્ય – વિચારવિવેક સુખી અને ગૌરવપ્રદ જીવનનું એક અગત્યનું જમાપાસું છે. આજે અહીં મૂકેલી સરળ અને સુંદર વાર્તામાં વ્યવહારીક શાણપણ અને ચાતુર્ય દેખાડતી નાની વહુ જેવી ગૃહિણીઓ ખરેખર ગૃહલક્ષ્મી બની રહે એ ચોક્કસ છે.

બિલિપત્ર

એક માણસ મૃત્યુ પામે તે કરુણાંતિકા છે.
લાખો માણસો મૃત્યુ પામે તે તો ફક્ત આંકડો છે.
– જોસેફ સ્ટાલિન


Leave a Reply to YOGESH CHUDGARCancel reply

5 thoughts on “પાંચ દાણા – અજ્ઞાત

  • YOGESH CHUDGAR

    બચપણમાં સાંભળેલી આ વાત હાલના મોડર્ન જમાનામાં લોકો હસી કાઢે તેમ છે- પરંતુ આજના આ ભયંકર મોંઘવારીના કપરા સમયમાં ખૂબ જ પ્રસ્તુત છે. કોમ્પ્યુટર જમાનાના બાળકો ને આવી વાતો દ્વાર બોધ અપાય તો મને લાગે છે કે તે ઘણી જ ઉપયોગી થઇ પડશે.

  • વિનય ખત્રી

    વર્ષો પહેલા આ વાર્તા મારી બા પાસેથી સાંભળી હતી.

    આ જ વાત અન્ના હજારેજીએ એમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમ્યાન રામલીલા મેદાન પરથી કરી હતી કે જે અન્નનો દાણો જમીનમાં જાય છે તેમાંથી બીજા હજારો દાણા ઉત્પન્ન થાય છે (આમ તેનો વંશ-વેલો આગળ વધે છે) જ્યારે જે દાણો જમીનમાં જતો નથી તે પીસાઈ જાય છે! (અને તેનો અંત આવે છે)

    મજાની વાત.