છાંયડી – અખંડ વ્યાસ


Chhanyadi By Akhand Vyas

અનિરુદ્ધ નિશાળના ખુલ્લા મેદાનમાં પહોંચ્યો હતો. તેને થયું, ‘અહીં એક ઓરડો જ તો હતો ત્યારે, ગામનાં પાંચ દસ છોકરાં માંડ ભણતા. આજે ઘણું મોટું મકાન ધરાવતી સ્કૂલ છાંયડીના વિકાસનું પહેલું પગથિયું છે.’

થોડા લીમડાના ટોળા નીચે છાંયે સાયકલ પાર્ક થયેલી હતી, તે તરફ તે દોરવાયો. પરંતુ તેની નજર ડાબી બાજુ વિસ્તરેલા વડને જોઈ રહી. તેની વડવાઈઓને તે જોઈ રહેલો. તેને થયું, ‘વિકાસપૂર્ણતા પછી પણ પોતાની જડોને મળવા તે કેવી ભૂમિગત લંબાતી રહી છે! ઋષિમુનિ સમો અને તપશ્ચર્યાના સમયપ્રવાહના ઈતિહાસને પ્રદર્શિત કરતો વડ એ જ તો અહીંની સંદર્ભકથા છે!’

તેને દલજીભાઈનો ચહેરો યાદ આવી ગયો.

સાયકલને વ્યવસ્થિત ગોઠવી તે શાળાની નજીક પહોંચ્યો. લાકડાના થાંભલાઓથી ટેકવાયેલ લાંબુ છાપરું અને તેના છાંયે વર્ગોની આગળ લંબાયેલ ઓટલો.

તેણે જોયું કે આચાર્યા ત્યાં સામે ઊભા છે અને ગામના લોકો પણ એકઠા થયેલા છે. ઉતાવળાં પગલાં ભરી તે પગથિયાં પાસે ત્યાં ક્રમબદ્ધ ગોઠવાયેલાં પગરખાં સાથે તેનાં સેન્ડલને ગોઠવી ‘આપ સૌને નમસ્તે’ કહી ઉપર ચઢ્યો.

‘અરે! હું આપ સૌ-માંનો જ એક છું, તમે બધાં ઉભાં કેમ છો?’ તેણે કહ્યું. દીવાલે અઢેલાઈને પાથરણાં ઉપર સૌ બેસવા લાગ્યાં. તેઓની સાથે તે બેસતો હતો ત્યાં આચાર્યાએ નજીક આવી તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું અને કહ્યું, ‘તમારા ચિત્રપ્રદર્શન વિશે અમારા સૌની શુભકામનાઓ હું વ્યક્ત કરું છું. અમે ગૌરવ અનુભવીએ છીએ અને તમને આવકારીએ છીએ.’

તેમણે શાળાની અને ગામની પ્રવૃત્તિઓ દર્શાવતા પેપર્સ પણ અનિરુદ્ધને આપ્યાં અને કહ્યું, ‘અનિરુદ્ધભાઈ, હું તમને સૌનો પરિચય કરાવું.’

રૂપજી તરફ તેમણે હાથ કર્યો.

‘એમનો તો પરિચય છે મને.’ અનિરુદ્ધે જણાવ્યું, ‘અને અન્ય સૌને હું નામથી કદાચ ન બોલાવી શકું છતાં ગામ પ્રત્યે દરેકના કાર્ય અને લગાવ જોઈ હું ચોક્કસ કહીશ કે ગૌરવ અને સન્માન તો આપ સૌનું હોય. આપ સૌએ હાથમાં હાથ મિલાવી જે વિકાસની કેડીને ચાતરી છે તેની મંજિલ વિશે વિચારું છું તો મને ગૌરવ થાય છે કે હું આ જ ભૂમિમાં જન્મ્યો હતો અને એણે જ આપેલી મૂડી મને આજેય સાચવી રહી છે.’

‘અનિરુદ્ધભાઈ’ આચાર્યાને કોઈ વાત કહેવી હતી. તેમણે એક દ્રષ્ટિ રૂપજી તરફ કરી પરંતુ રૂપજી તેમની ઝુકેલી પાંપણોમાં કશા વિચાર સાથે સ્થિર હ્તાં.

અનિરુદ્ધ તેને અપાયેલાં પેપર્સમાં નજર ફેરવવા લાગ્યો હતો. આચાર્યાને થયું કે તેમને થોડો સમય અપાય.

સૌમાં થોડી અનૌપચરિક હલન-ચલન શરૂ થઈ.

‘અનિરુદ્ધભાઈ’, ડૉક્ટર ત્યાં ઉપસ્થિત હતાં, તેમણે કહ્યું, ‘હું તો શહેરમાંથી છાંયડી ગામમાં આવી ગયો છું. મારી સર્વિસિસનો સંતોષ અહીં હું મેળવું જ છું છતાં મનમાઁ એક વિચાર જન્મેલો, મારા બાળકોને ગ્રામ્ય જીવનનો સ્પર્શ અને તેના અનુભવો સાંપડે તો! એન્ડ આઈ હેડ ડિસાઈડ ટુ કમ ઓવર હિયર, શહેરમાં માણસથી માણસ ડિસ્ટન્સ રાખીને જીવતો થયો છે જેમાં વિકાસના હેતુઓ બાળકોમાં કોઈ દિશા નિર્દેશે?’

‘એક મિનિટ ડૉક્ટર સાહેબ, અનિરુદ્ધભાઈ, તેઓ ડૉક્ટર તરીકેની તેમની સેવાઓ અહીં આપે છે અને વિશ્વમાં થતી વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ વિશે હોંશિયાર બાળકો સાથે કામ પણ કરે છે.’ આચાર્યએ જણાવ્યું.

ડૉક્ટર કહેવા લાગ્યા, ‘સાગરભાઈ પણ હમણાં જ ગામ સાથે જોડાયા, મારા પછી તેઓ વિમલાબહેનના ધ્યેય સાથે સહમત બન્યા. હું અહીં ખુશ છું અને ખાસ મારે જણાવવું હતું કે આપ સાથે મારી શુભેચ્છાઓ અને આદર હોય જ પરંતુ હું ગામને છોડીને દિલ્હી ઉપસ્થિત નહીં રહી શકું એ માટે ક્ષમા. હમણાં ગમે ત્યારે મારી અહીં જરૂર પડી શકે છે. દલજીભાઈની રોજ સારવાર કરતા રહેવું પડે છે.’

આજ તો સાચા મિત્રો છે.’ અનિરુદ્ધના મુખેથી શબ્દો સરી પડ્યા. ‘જીવનને અર્થપૂર્ણ અને માનવીય રંગ દેતી ક્ષણો જ અદભુત સૌંદર્યરસને પ્રદર્શિત કરે અને ડૉક્ટર સાહેબ તમારા બાળકોની પરવરીશનો જે વિચાર તમે રજુ કર્યો તે સંદર્ભમાં કહું તો તમે નિશ્ચિંત બની જજો. હું તમારી સાથે સહમત છું.’

‘અને અનિરુદ્ધભાઈ, મારી એક વિનંતી ગામ વતી તમને કરીશ. બાપુ દ્વારા તમને સોંપવાની જવાબદારીમાં અમે સૌ મદદરૂપ બનીશું જ. અને તે દ્વારા ગામના વિકાસની વ્યાખ્યા ઘડવામાં તમારા દ્વારા મોટો વ્યાપ મળી રહેશે.’

‘હું તો આપ સૌને એ માટે સક્ષમ જોઈ રહ્યો છું પરંતુ બાપુ જે પ્રાયશ્ચિતની ભૂમિકાને પામી શક્યા તે હું જાણું છું, સમજું છું. એ કાગજાત અને જમીન જાયદાદનું એક ટ્રસ્ટ તૈયાર કરીશ અને હું એ કાર્યમાં ચોક્કસ જોડાઈશ.’

‘અનિરુદ્ધભાઈ’ આચાર્યા વચ્ચે કહેવા લાગ્યાં, ‘વિમલાબહેને પણ ટ્રસ્ટ વિશેનો જ વિચાર સૂચવ્યો છે.

‘મેં કહ્યુંને કે આ છાંયડીને મળેલો અનોખો છાંયો જ નિરાળો છે! સુક્કી ભઠ્ઠ ધરતી પર પણ લોકો તેમના પરિશ્રમ અને સૂઝબૂઝની હરિયાળી વિકસાવી શક્યા છે. અને એટલે ખીલી ઉઠતાં હશે અનોખા પુષ્પો. એના રંગ અને સુવાસ તો જાણે છાંયડીના ઉત્સવો!’

‘હું કાંઈ કહીશ.’

કોઈ પક્ષીના ચ્હેંકાર સમો એ અવાજ ઉભર્યો. અનિરુદ્ધના એ છાંયડી વિષયક નૈસર્ગિંક ગાનમાં જાણે તે કિલકિલાટ ભેળવી ગયો. સૌને કેન્દ્રિત કરી ગયેલો એ સ્વર અને અનિરુદ્ધ એ સૂરના જન્મ સ્થળ રૂપજીને જોઈ રહ્યો.

રૂપજી સ્વગત સંવાદ કરી રહેલાં, ‘મારો એમની પ્રત્યેનો પ્રેમ એ એક ભક્તિ છે. અને એ ભક્તિ દ્વારા મેં આદરેલા યજ્ઞમાં આ ગામની ક્ષિતિજોને વિસ્તારવા તેઓ એક ઉદાહરણ બનીને આવ્યા છે. હે કૃષ્ણ, તારો જ આ કોઈ સંકેત મને મારા એ યજ્ઞમાં લીન બનાવી શક્શે. મારા મન-હ્રદયનાં એ કુમળાં બાળ અને કેડી દર કેડી તેનાં પગલાં, તેને ક્ષિતિજો સુધી વિસ્તારે તે માટે તેમને આંગળી પકડવા તો નથી મોકલ્યા ને? જો એ મારા માંહેલા બાળુડાના લલાટ અને તેના પોચા પોચા ગાલ. કેવા લાલ ગુલાબી રંગોને ખીલવી બેઠા છે!’

‘આપના મધુર સ્વરે કાંઈ કહેશો?’ અનિરુદ્ધે જાણે તેની આતુરતા ઉચ્ચારી દીધી.

‘કેવાં રંગ આ માટીમાંથી ઉભર્યાં છે! સતત અહીં કશુંક ને કશુંક ધબકતું રહે છે.’

લયકારી અને રણકા સાથે સૌની સ્તબ્ધતા વચ્ચે રૂપજી જાણે કૃષ્ણરૂપ સામે વ્યક્ત થવા લાગ્યાં. તેમની તેજપૂર્ણ – વિશ્વાસપૂર્ણ ખુલ્લી આંખો કોઈ નિર્મળ પ્રવાહને વહાવ્યે જતી હતી.

‘નથી મારે ફરીથી કોઈ રૂપલીને નિઃસહાય, ડરી ડરીને બંધ કમાડે ગોંધાઈ ગયેલી જોવી કે એ રંજાડ કે જમીનદારીના જુલ્મ નથી જોવા.’

રૂપજીના એ શબ્દોએ સ્તબ્ધ સૌના મન પર સન્નાટો રચી દીધેલો. આચાર્યાની આંખો તો નીતરવા લાગી.

રૂપજીએ ઊંડો શ્વાસ લીધો. તેમનું ટટ્ટાર પોશ્ચર વિકસીને ઊંચકાયું. અનિરુદ્ધ તેના તરફ નિષ્પલક જોઈ રહ્યો હતો. રૂપજીના હોઠથી વાણી સરવા લાગી, ‘મારે પણ એક દિ’ ઝૂમી ઉઠવું છે. અસીમ આ છાંયડી ગામનો વિસ્તાર હોય, રંગોથી ભરેલા કોડીયાં હોય, બસ નાના – મોટાં સૌના મુક્ત ઉલ્લાસ વચ્ચે રંગભરી માનવ્યની છોળો ઉડતી હોય, એક એવો રંગોત્સવ રચાય જે દુનિયાને સમાવી લે અને એ ઐક્યનો નિર્દેશ સઘળા જીવોને આ પ્રકૃતિમાં શાંતિનો નિર્દેશ ચીંધે.’

પળોએ જાણે વહેવાનું થંભી દીધેલું. રૂપજીના ચહેરા પરનું હળવું સ્મિત સૌની તરફ એક ઝલક સમું પ્રસરી ગયું.

‘સાચે જ મને એ ઉત્સવ રચી રહેલી ક્ષિતિજો દેખાય છે અને એ મારગ પણ. આપ સૌને નમસ્તે.’

અનિરુદ્ધ તેમની નમસ્તેની મુદ્રામાં ભળેલો એ પ્રતિભાથી અચંબિત થઈ ગયેલો. તેની હથેળીઓ એમ જ નમસ્તેની મુદ્રામાં આવી ગઈ. તેના માનસ પર અસંખ્ય દીપ પ્રજ્વલિત બની ઊઠ્યા.

– અખંડ વ્યાસ
(‘છાંયડી’ માંથી સાભાર)

અખંડભાઈના બંને પુસ્તકોના વિમોચન વિશેનો આ પહેલાનો લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

‘છાંયડી’ નો પરિચય આપતાં ક્યાંક આપણા સિદ્ધહસ્ત સાહિત્યકાર શ્રી ચિનુ મોદીએ લખ્યું છે, ‘મને છાંયડી અધ્યાપકીય કે સાક્ષરીય ઢબેછબે જાણીતી થયેલી નવલકથા સંજ્ઞાની વિભાવનાઓના તૈયાર બીબાંમાં ઢળે તેમ નથી લાગતી તેથી આ કૃતિને હું સ્વસ્વરૂપા કહું છું. અખંડ કલમઘસું વ્યવસાયિક કે ટેવ પડેલો લેખક નથી, અને એથી એ વહેવાર સિવાય પહેલી વાર ભાષા દ્વારા કળાનું કામ કરે છે.’

છાંયડી પોતાનામાં એક સ્વરૂપ સિદ્ધ કરતી કૃતિ છે. આ આખીય રચનામાં આધુનિકતા સાથે અખંડ ઉભેલા એક શહેરનો અને તેની સામે સજ્જડ ઉભેલા એક ગ્રામ્ય પરિવેશનો અનોખો ચિતાર છે. ઘટનાઓ, વ્યક્તિઓ, લાગણીઓ, અનોખા પરિવેશ અને અનેકવિધ અભિવ્યક્તિઓનો આ એક અનોખો મહાસાગર છે. અને તેની સફર એક સુખદ ઘટના બની રહે છે. આ કૃતિમાંથી આજે એક નાનકડો અંશ અત્રે પ્રસ્તુત કર્યો છે. અખંડભાઈના પ્રથમ બંને પુસ્તકો, શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર’ તથા ‘છાંયડી’ અક્ષરનાદને ભેટ કરવા અને તેમાંથી આ પ્રસ્તુતિ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.

બિલિપત્ર

એક શહેર માણસમાંથી જન્મે છે,
માણસની માણસ બનવાની પ્રક્રિયામાંથી આકાર ધારણ કરે છે.
– અખંડ વ્યાસ

આપનો પ્રતિભાવ આપો....