બે પદ્યરચનાઓ – હર્ષદ દવે 2


અકોણી આરજૂ . . .

ભીતરી આકાશમાં ઘટના ઘટી,
ઓરતા શરમાય છે શાથી કહો?

ઝલક એવી જ્યારથી પામી તમારી,
શક્યતા ઠેલાય છે શાથી કહો?

ઊછળે અવઢવ અષાઢી મન મહીં,
ઝંખના ફેલાય છે શાથી કહો?

ઊમટે ઈચ્છા અનાડી, બેફિકર,
અભરખા પરખાય છે શાથી કહો?

એ અકોણી આરજૂનું શું કરું?
ઝૂમવું કે ઝૂરવું શાથી કહો?

અંકન. . .

એ જરા મલકાય એવી વાત કર,
પ્રેમથી છલકાય એવી વાત કર!

આ નજર એકીટશે ઘેરી વળી,
એ હવે પલકાય એવી વાત કર.

સાવ ઠાલાં સૌ પ્રભાવિત થાય છે,
આંખ બે અંજાય એવી વાત કર.

અવનવા આકાર પથ્થરને મળે,
આરજૂ ટંકાય એવી વાત કર.

ક્યાં સુધી આનંદ ચર્ચાસ્પદ બને,
વેદના અંકાય એવી વાત કર.

– હર્ષદ દવે.

અક્ષરનાદના વાચકમિત્ર શ્રી હર્ષદભાઈ દવેની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેઓ બે સરસ પદ્ય રચનાઓ લઈને હાજર થયા છે. અકોણી આરજૂ અને અંકન જેવા અનોખા શીર્ષક ધરાવતી આ રચનાઓની બાંધણી પણ એટલી જ સુંદર છે. આ બંને કૃતિઓ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભેચ્છાઓ.


Leave a Reply to La'KantCancel reply

2 thoughts on “બે પદ્યરચનાઓ – હર્ષદ દવે