પાવૈયા કે શહેરમેં… – સંપાદકીય 5


જે રચનાની એક પંક્તિને આજની આ વાતના શીર્ષક તરીકે લીધી છે એ આખી રચનામાં કોઈ અજ્ઞાત કવિએ કાંઈક આમ કહ્યું છે,

પાવૈયા* કે શહેરમેં પાતર* કરી દુકાન
તેલ જલાયા ગાંઠકા, કછુ ન પામી માન.

કછુ ન પામી માન, રૈન બીતી તબ રોઈ
ઓ ગંડૂકે ગામ, આ કે અપની પત ખોઈ.

કહે દિન દરવેશ, ભેખ હૈ ભજવૈયા કા,
ક્યું નહીં સમજી નાર, શહર હૈ પાવૈયાકા.

(પાવૈયા – ષંઢ,, નપુંસક / પાતર – ગણિકા, વેશ્યા)

આજના લેખનું શીર્ષક કાંઈક વિચિત્ર લાગ્યું? ખૂબ જૂની, પુઠું ફાટી ગયેલી એવી એક ચોપડીમાંથી આ રચના મળી આવેલી. કેટલાય વર્ષો પહેલા લખાયેલી આ પંક્તિઓ કોઈ પણ સમય માટે કેટલી અચૂક ઠરે? તેમાં અપાયેલું ઉદાહરણ થોડુંક જુગુપ્સાપ્રેરક ખરું, કદાચ કેટલાક નાકનું ટીચકું પણ ચડાવે, પણ છતાંય એ પ્રસ્તુત સંજોગો જોતા કેટકેટલાને લાગુ પડી શકે?

બોમ્બધડાકા થયા એ સમાચાર સાંભળીને એક મિત્રની પહેલી પ્રતિક્રિયા હતી –  કેટલા મર્યા? કેટલા ઘાયલ થયા? ત્રણ દિવસ ટીવી ચેનલો અને સમાચારપત્રોમાં છવાયેલા રહેલા લોહીયાળ ફોટાઓ, નમાલા રાજકારણીઓ પર ધોવાતા માછલા અને પછી… ફરી વોહી રફ્તાર બેઢંગી. ખરેખર કોઈને દેશની સુરક્ષાની, દોષિતોને સજા કરવાની અથવા વ્યવસ્થાની ખામીઓ શોધી, આવા દુઃખદ બનાવોમાંથી બોધપાઠ લઈને લોકો માટે દેશનો દરેક ખૂણો વધુ સુરક્ષિત બનાવવાની ફિકર અને જવાબદારી છે કે નહીં એ વિષય પર શંકા થાય એવા સંજોગો સર્જાયા છે. અત્યારના સમયે સર્જાઈ રહેલી અંધાધૂંધી ઝડપથી દેશને અધોગતિની દિશામાં ખેંચે છે. દેશના મહત્તમ રેલ્વે સ્ટેશન અને અન્ય અગત્યના સ્થળો પર, જ્યાં રાજકારણીઓની કાયમી અવરજવર નથી અને જ્યાં તેમની સુરક્ષાના પ્રશ્નો ઉભા થતા નથી ત્યાં બીપ કર્યા કરતા કોઈ પણ પોલીસ વગરના દેખાવ પૂરતા લગાડાયેલા મેટલ ડિટેક્ટર જુઓ તો ખ્યાલ આવે કે આપણે કેટલા સુરક્ષિત છીએ. એ એક જ ઉદાહરણ આપણી વ્યવસ્થાની ખામીઓ ઉઘાડી પાડી આપે છે. આવા કેટકેટલા ઉદાહરણો આપણી આસપાસ સહેલાઈથી મળી જશે.

અને આવા દુઃખદ બનાવો પછી – અમે તપાસ કરી રહ્યા છીએ, આ એક આતંકવાદી હુમલો હતો, આવા હુમલાઓની અમે નિંદા કરીએ છીએ, માર્યા ગયેલાઓ અને ઘાયલો માટે અમુક રકમ આપવાની જાહેરાત કરી છે, આ એક સુનિયોજીત કાવતરું હતું, અમે આવું ચલાવી લઈશું નહીં, રાજ્ય સરકારો અને સુરક્ષા એજન્સીઓને આ હુમલા વિશે પહેલેથી સાવચેત કરાયેલ વગેરે બેફામ વિધાનો કરતા અને પછીથી કાંઈ થયું નથી એમ સરેઆમ બ્લેક કમાન્ડોની ટોળીની મધ્યમાં લપાઈને હોસ્પિટલોમાં હાથ જોડીને ફરતા નેતાઓથી હવે દેશને થોડીક વધુ આશાઓ છે.

ના, અમારે તમારું રાજીનામું નથી જોઈતું કારણકે અમે જ તમને ચૂંટીને મોકલ્યા છે, તમારા વિકલ્પે ઉપલબ્ધ બીજા પણ તમારી જ નાતના છે, સામાન્ય લોકોની પહોંચથી દૂર છે. પણ હવે સમય છે કામ કરવાનો – વર્ષોથી સંઘરી રાખેલા દેશના શત્રુઓને સરેઆમ ફાંસી આપો અને આવા હુમલાથી પ્રજાને બચાવવાના સરળ અને પ્રજાને હેરાન ન કરે તેવા રસ્તા વિચારો અને તેને તરત અમલમાં મૂકો. પણ, એવું થવાની વાત જાગતા સ્વપ્ન જોવા જેવી છે.

ટ્વિટર આવા સમયે વિચારોનો વંટોળ લઈને આવતી એક સતત વહેતી ધારાની જેમ છલકાયા કરે છે, શોભા ડેના એક ટ્વિટમાં કહેવાયું છે, ‘ભારત આજે સાચી નેતાગીરી જોવા ઈચ્છે છે. ગૃહમંત્રીજી, આ સમય છે નિર્ણયો લેવાનો. અફઝલ જેવા દોષીઓને શક્ય ઝડપથી ફાંસીએ ચડાવો. દેશની શાખ અને લોકોના જીવ બચાવો, તમારી છબી નહીં.’ તો કિરણ બેદી તેમના એક ટ્વિટમાં કહે છે, ‘જ્યારે ભ્રષ્ટાચાર જીવનનું કેન્દ્રબિંદુ બની જાય છે ત્યારે તેનો બદલો લોકો પોતાના જીવથી ચૂકવે છે.’ તો તેમના જ એક બીજા ટ્વિટમાં તેઓ કહે છે, ‘સામાન્ય લોકોને, પોલીસને આ લડાઈમાં ભાગીદાર બનાવો, સૂચનાઓને વ્યવસ્થિતપણે આયોજીત કરો અને તે માટેની દિશાઓ ખોલો. સાચી જાણકારીને યોગ્ય સન્માન આપો. અત્યારે તો એવી લાગણી ઉભી થઈ રહી છે કે સત્તાના કેન્દ્રમાં કોઈ નથી કે જે નિર્ણયો લઈ શકે, ઉકેલ ચીંધી શકે અને તેમનો અમલ કરાવી શકે. આજે આપણા નેતા કોણ છે?’ રાજદીપ સરદેસાઈ અન્યને ટાંકીને એક ટ્વિટમાં કહે છે, ‘વિભાજીત રાજકારણ / પોલીસ એ એકત્રિત આતંકવાદીઓની સામે લડી શકે નહીં. પોલીસને એક સશક્ત અને આયોજીત નેતાગીરીની જરૂર છે અને આપણને એક સ્વચ્છ અને આયોજીત તંત્રની’

રાજકારણીઓના કૌભાંડો, સત્તાનો મહત્તમ દુરુપયોગ, ધર્મક્ષેત્રના અગ્રણીઓનો સત્તા અને પ્રભાવ માટેનો પ્રયત્ન, એ માટે ગમે તેવી રાજરમત પણ રમી જવાની તૈયારી, પ્રજાના પૈસે પોતાની તિજોરીઓ અને સત્તા વધારતા ધનલોલુપો, તકવાદી વેપારીઓ, પ્રજાને સત્તત રંજાડતા આતંકવાદીઓ, રાજકારણીઓ અને નેતાઓ, અને આ સર્વ વચ્ચે સંજોગો બદલવા માટે હામ ભીડનાર કેટલાક વીરો એ જ સત્તાની સામે બાથ ભીડી રહ્યા છે જેમાંના નેતાઓને તેમણે ચૂંટીને મોકલ્યા છે. આજે આસપાસ જેટલી ઝડપે ઘટનાઓ બને છે અને તે પછી નવી ઘટનાઓ બન્યા કરે છે તે માટે ‘બ્રેકીંગ ન્યૂઝ’ શબ્દ જૂનો અને ઘસાઈ ગયેલો લાગે છે. ઘટનાઓનું પરીપ્રેક્ષ્ય વિશાળ અને લાખો લોકોને સ્પર્શતું થઈ ગયું છે તેની સામે તેને કાબૂમાં રાખવા પ્રયત્ન કરતા કે તેના માટે જવાબદાર લોકોની સંખ્યા એટલી જ ઝડપે ઘટતી જાય છે. ગંદી રીતે ખુરશીદાવ રમાય છે ત્યારે તેનો વરવો નાચ દેશ જ નહીં, આખી દુનિયા જોઈ રહે છે, દંગ થઈ જાય છે અને લોકશાહીની સાર્વત્રિકતા અને અસરકારકતા વિશે તેમના મનમાંના પ્રશ્નો નકારાત્મક જવાબો સાથે શમતા જાય છે.

આપણા સમાજજીવનના સદીઓથી પ્રસ્થાપિત મૂલ્યો જેમ કોઈ સંકોચ કે શરમ વગર તદ્દન બિભત્સપણે જાહેરમાં રગદોળાઈ રહ્યા છે, એક પછી એક કૌભાંડો, તકસાધુઓએ કરેલી લીલાઓ, ધર્મક્ષેત્રમાં, વિદ્યાક્ષેત્રમાં ઉપસી રહેલા ચીભડા ગળતી વાડ જેવા વ્યક્તિત્વો ઉપસી રહ્યા છે તેમને જોઈને એવો પ્રશ્ન અચૂક થાય કે આ સમાજના પાયામાં પહેલેથી જે મૂલ્યો ધરબાયેલા હતાં તે સંસ્કારગત, વારસાગત હતા કે બળજબરીથી રાજસત્તાઓ અને ધર્મસત્તાઓ દ્વારા રોપવામાં આવ્યા હતાં? એ વ્યવસ્થિત રીતે વેડવામાં આવી રહ્યા છે કે ડર ખતમ થતાં પોતાની જાતે જ કાંચળી ઉતારીને સાપ બહાર આવે તેમ માણસની અંદરનો ત-ક-માણસ જાગી રહ્યો છે? નાનકડા ખાબોચીયામાં નિરંકુશ થઈ જતા દેડકા જેવા સત્તાના નાના નાના કેન્દ્રો બિલાડીના ટોપની જેમ ઠેરઠેર ફૂટી નીકળ્યા છે, અને એ દેડકાઓ પોતાના અવાજથી પોતાની સત્તા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એવા અનેક દેડકાઓનો અવાજ સામૂહિકપણે એક ભયંકર શોરબકોર જ પેદા કરી રહ્યો છે એ વાતની અનુભૂતિ તેમને થતી નથી.

દેશભક્તોનો – મૂલ્યો અને સંસ્કૃતિ બચાવવાની આલબેલ પોકારતા સમાજના હિતચિંતકોનો – સુધારાવાદીઓનો અવાજ હવે પાવૈયાઓના શહેરમાં એક પાતરની (ગણિકાની) દુકાન જેવો થઈ રહ્યો છે જેનો અવાજ સાંભળવા કોઈ નવરું નથી કારણકે એ માટે કોઈ લાયક નથી. આમ આદમી કહેવાતા સામાન્ય જનસમૂહનો અવાજ આજે ક્યાંય સંભળાતો નથી. જેને પોતાની વાત કહેવા માટે એક થી બીજા અને બીજે થી ત્રીજા નમાલા લોકો પાસે ફરવું પડે એને કઈ ઉપમા આપી શકાય? એ માટે કવિએ વર્ષો પહેલા આ ઉદાહરણ આપ્યું હશે ત્યારે તેમના મનમાં કેવી કડવાશ ભરી હશે? પણ એ સંજોગો આજ કરતા ખરાબ તો નહીં જ હોય એમ મને લાગે છે. અનેક મુદ્દાઓ અને અનેક ઘટનાઓને કેન્દ્રમાં રાખીને આજની આ વાત મૂકી રહ્યો છું ત્યારે બે વાત મારા મનમાં ખૂબ સ્પષ્ટ છે.

રાજાશાહીના યુગમાં ઈટાલીના નિકોલો મક્જાવેલીએ એક પુસ્તક લખેલું, ‘ધ પ્રિન્સ’. એ પુસ્તક કટાક્ષિકા છે કે નહીં એ વાત બાજુ પર મૂકીએ તો એમાં તેણે રાજકારણની બધી બાજુઓ દર્શાવી છે, વરવી બાબતોનું પણ સમર્થન કર્યું છે. આપણા રાજકારણીઓએ પણ એ પોતાની ગીતા બનાવી હોય તેમ લાગે છે. હાર્દિકભાઈ યાજ્ઞિકે ગત મહીને એક નાટકની સ્ક્રિપ્ટ સંભળાવેલી, ‘અમારા આરાધ્યદેવ કુભકર્ણ’. . . . નામ જ નેતાઓ વિશે કેટલું કહી જાય છે?

મિથ્યાભિમાની નેતાઓને જોઈને કવિ દલપતરામનું નાટક ‘મિથ્યાભિમાન’ યાદ આવે, જીવરામ ભટ્ટનું પાત્ર એટલું તો આબેહૂબ ઘડ્યું છે કે ભારતીય રાજનીતીના આજના સંજોગોને જુઓ તો અચૂક ખ્યાલ આવે કે કેટકેટલા જીવરામો આપણા પર રાજ કરે છે. પોતાની બડાશોનો એ નગ્ન લવારો કરતા રહે છે. શ્રી ગુણવંત શાહ આવા નેતાઓ વિશે કહે છે, ‘આત્મવંચનાની આળપંપાળ પેઈનકિલર તરીકે ખપ લાગે છે. દેશને ઘેનમાં રાખવો એ જેનું સ્થાપિત હિત હોય તેમણે આ જ રસ્તો લેવો પડે. દેશ જાગી જાય તો કેટલાય નેતાઓ અને ઉપદેશકો બેકાર બની જાય તેવી સ્થિતિ છે, નબળી ઘોડી અને બગાઈ ઘણી છે.’

તેમના જ એક પુસ્તકની પ્રસ્તાવનાની કડીઓથી આજની આશાનો મિનારો શ્રદ્ધાના પાયા પર ટકે એવી આશા ધરીએ…

આનંદ વગરના ભારેખમ અધ્યાત્મથી,
થોરિયાના ઠૂંઠા જેવા વૈરાગ્યથી,
કાયરતાની કૂખે જન્મેલી અહિંસાથી
અંધશ્રદ્ધામાં ડૂબકાં ખાતી ભક્તિથી
સ્ત્રીઓથી દૂર ભાગનારા બ્રહ્મચર્યથી
ગરીબીના ઉકરડા પર ઊગેલા અપરિગ્રહથી
કર્મના ટેકા વગરના જ્ઞાનથી અને
જ્ઞાનના અજવાળા વગરના કર્મથી
હે પ્રભુ ! મારા દેશને બચાવી લેજે.

– જિજ્ઞેશ અધ્યારૂ, સંપાદક

બિલિપત્ર

પોતાની કડકડતી એકલતા લઈને
સૌ બેઠા છે ટોળાને તાપણે !
– રમેશ પારેખ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “પાવૈયા કે શહેરમેં… – સંપાદકીય