બે પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત 13


[૧] અંતરની શાંતિ

સંધ્યા થવા આવી. ધીમે ધીમે સાંજનું અંધારું આશ્રમ પર ઊતરી રહ્યું હતું. આશ્રમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ગુરુ મુક્તાનંદના પટ્ટશિષ્ય અભેદાનંદનો સાયંપ્રાર્થનાનો સમય થઈ ગયો હતો. સંધ્યા-પ્રાર્થના સમયે એમને પૂર્ણ શાંતિ જોઈએ. સ્નાન કરીને અભેદાનંદ આવી ગયા. શરીર પર પવિત્ર રેશમી પીતાંબર અને શ્વેત ઉત્તરીય શોભતાં હતાં.

મંદિરમાં વિરાજેલા ભગવાન શિવ સામે અભેદાનંદે આસન પર સ્થાન ગ્રહણ કર્યું. જળ-આચમન ઇત્યાદિ વિધિ પૂરી કરી અભેદાનંદે શ્લોકોનું સ્તવન શરૂ કર્યું. એટલામાં મંદિરના ગોખમાં બેઠેલાં બે કબૂતરોએ તેમનું ‘ઘૂ..ઘૂ..’ ચાલુ કર્યું. મંદિરની શાંતિ ડહોળાઈ ગઈ. અભેદાનંદ એકદમ ગુસ્સે થઈ ઊઠ્યા ને ગર્જ્યા, ‘કોણ છે અહીંયાં! ઉડાડી મૂકો પેલાં કબૂતરોને!’
અભેદાનંદની ગર્જનાથી જ જાણે કબૂતરો ચૂપ થઈ ગયાં. તોય શિષ્યોએ ઊઠીને કબૂતરોને ઉડાડી મૂક્યાં. અભેદાનંદ સ્તવનોનું ગાન પાછું શરૂ કરવા જતા હતા ત્યાં જ ગુરુ મુક્તાનંદ પ્રવેશ્યા. એમણે શાંતિથી કહ્યું,

‘અભેદાનંદ, કદાચ એવું પણ બને કે ઈશ્વર કબૂતરોના ‘ઘૂ..ઘૂ..’ થી પ્રસન્ન થતાં હોય.’

અભેદાનંદથી રહેવાયું નહીં. એણે પ્રતિવાદ કર્યો, ‘ગુરુદેવ, ક્યાં દેવવાણીમાં થતું શ્લોકોનું સ્તવન અને ક્યાં કબૂતરોનું કર્કશ ‘ઘૂ.. ઘૂ..’ ?’

ગુરુદેવે સ્મિત કર્યું. ‘અભેદાનંદ, આપણને શી ખબર? ‘ઘૂ.. ઘૂ..’ એ કદાચ કબૂતરોની પ્રાર્થના પણ હોય. કોઈ પણ પશુ કે પંખીને ઈશ્વરે અમસ્તું તો નહીં જ બનાવ્યું હોય. એને સ્વર નકામો તો નહીં જ બક્ષ્યો હોય. એ એની રીતે જીવે છે અને એને આપેલી શક્તિ મુજબ પ્રાર્થના કરે છે, આપણે આપણાં ધ્યાન અને શાંતિમાં મગ્ન રહી આપણી પ્રાર્થના કરવાની.’ ગુરુ વિદાય થયા. અભેદાનંદે મસ્તક નમાવ્યું અને પછી સ્તવનગાન ફરી ચાલુ કર્યું.

ઈશ્વરે એકલા મનુષ્ય માટે સૃષ્ટિ નથી બનાવી. વિશ્વની રચના સર્વ જીવો માટે કરવામાં આવી છે. ખરી શાંતિ અંદરના ધ્યાનની છે. અન્ય જીવોના બાહ્ય અવાજોથી એ ખંડિત ન થવી જોઈએ.

[૨] દુર્ભાગ્ય કે સદભાગ્ય

ચીનની એક લોકકથા છે. એક ઘરડો ખેડૂત હતો. એની પાસે એના જેવો જ એક ઘરડો ઘોડો હતો. એ ઘરડો ઘોડો ખેડૂત માટે બહુ ઉપયોગી હતો. ઘોડા વડે ખેડૂત એનું ખેતર ખેડતો અને જે અનાજ ઊપજે તેમાંથી નિર્વાહ ચલાવતો.

એક દિવસ ખેડૂતનો ઘોડો તબેલામાંથી નાસી ગયો. ઘોડો ડુંગરાઓમાં અદ્રશ્ય થઈ ગયો. આડોશપાડોશના લોકોને ખેડૂત માટે બહુ સહાનુભૂતિ થઈ. એક પછી એક સૌ ઘરડા ખેડૂત પાસે ગયા અને આશ્વાસન આપવા માંડ્યા, ‘બહુ ખોટું થયું… હવે ખેતર કેવી રીતે ખેડશો? તમારા પર મોટું દુર્ભાગ્ય આવી પડ્યું.’

ખેડૂત સમતાથી કહેતો, ‘થયું તે થયું, સારું શું ને નરસું શું? કોને દુર્ભાગ્ય ગણવું અને કોને સદભાગ્ય કહેવું એની કોને ખબર છે?’

અઠવાડીયા પછી ખેડૂતનો ઘોડો પાછો આવ્યો. એની સાથે એ જંગલી ઘોડાઓનું ટોળું લઈ આવ્યો હતો. પાડોશીઓએ હવે ખેડૂતને અભિનંદન આપ્યાં. તેમણે તેમનો આનંદ વ્યક્ત કર્યો અને ઘરડા ખેડૂતને કહ્યું કે તે સદભાગી છે. ઘરડા ખેડૂતે પહેલાંની જેમ જ કહ્યું, ‘ભાઈઓ, શાનો આનંદ મનાવવો અને શાનું દુ:ખ લગાડવું એ કોણ કહી શકે એમ છે? કઈ બાબતને સદભાગ્ય કહેવું અને કઈ બાબતને દુર્ભાગ્ય ગણવું એ કહી શકાય એવું નથી.’

થોડો સમય ગયો ને ઘરડા ખેડૂતનો છોકરો જંગલી ઘોડાને પલોટતાં ઘોડા પરથી પડી ગયો. તેના પગનું હાડકું ભાંગી ગયું. પાડોશીઓ દુ:ખ વ્યક્ત કરવા આવ્યા, ‘અરેરે, જુવાન છોકરાનો પગ ભાંગી ગયો. કેવું દુર્ભાગ્ય? હવે તો બે એક મહિનાનો ખાટલો!’ ઘરડા ખેડૂતે તો પોતાની એ જ વાત દોહરાવી, ‘કોને ખબર આની પાછળ શો સંકેત હશે? આ સદભાગ્ય છે કે દુર્ભાગ્ય તે તો કાળના ગર્ભમાં છુપાયેલું છે. વખત જતાં જ ખબર પડશે.’

એટલામાં રાજ્યને પાડોશી રાજ્ય સાથે યુદ્ધ થયું. રાજાએ રાજ્યમાંના બધા સશક્ત યુવાનોને સૈન્યમાં ભરતી કરવા પોલીસોને મોકલ્યા. પોલીસો ઘરડા ખેડૂતને ત્યાં પણ આવ્યા. ખેડૂતનો પુત્ર યુવાન હતો તેથી સામાન્ય સંજોગોમાં ભરતી કરવામાં આવ્યો હોત, પણ તેનો પગ ભાંગ્યો હતો તેથી તે પથારીવશ હતો. આથી તેને ભરતીને લાયક ગણવામાં ન આવ્યો. આમ ઘરડા ખેડૂતનો છોકરો બચી ગયો.

માણસ તરતનું પરિણામ જ જુએ છે. ભાવિના ગર્ભમાં શુભ કે અશુભ શું સમાયેલું હશે તેનો વિચાર કરતો નથી. સુખ લાગે ત્યારે છકી જાય છે, દુ:ખ દેખાય ત્યારે ઈશ્વરને ગાળો આપે છે. ખરેખર તો સમતા રાખવી જોઈએ. સદનસીબમાંથી બદનસીબ અને બદનસીબમાંથી સદનસીબ એમ દુર્ભાગ્ય અને સદભાગ્યનું ચક્ર તો ચાલ્યાં જ કરે છે.

– સંકલન – મહેશ દવે

શ્રી મહેશ દવે દ્વારા સંકલિત પુસ્તક ‘પાંદડે પાંદડે જ્યોતિ’ અનેક સરસ ટૂંકી બોધકથાઓનો સંગ્રહ છે. તેમાંથી આજે બે સરસ બોધપ્રદ ટૂંકી કથાઓ આજે પ્રસ્તુત કરી છે. પ્રથમ કથા કહે છે કે ઈશ્વરે એકલા મનુષ્ય માટે સૃષ્ટિ નથી બનાવી. વિશ્વની રચના સર્વ જીવો માટે કરવામાં આવી છે. ખરી શાંતિ અંદરના ધ્યાનની છે.તો બીજી કથા ભાવિના ગર્ભમાં સમાયેલા મોઘમ ઈશારાઓને સમતા પૂર્વક સ્વીકારવાની વાત કરે છે.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “બે પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત