શિબિરાજા – નાનાભાઈ ભટ્ટ 4


ઘણાં ઘણાં વર્ષો પૂર્વે શિબિ નામનો એક રાજા હતો. શિબિ એકવાર પોતાની યજ્ઞશાળામાં બેઠો હતો; ત્યાં તેના ખોળામાં એકાએક એક હોલો આવી પડ્યો. હોલાના શરીરે ચાંચના જખમ હતા, તેની પાંખો વિખરાયેલી જેવી હતી, તેની આંખો ભયથી વિહ્વળ હતી, તેનું શરીર હાંફતું હતું, તેના પગ ટટ્ટાર થઈ શક્તા ન હતા. હોલો ચીસ પાડીને ખોળામાં પડ્યો કે તરત જ રાજાએ તેને લઈ લીધો, તેના પર ઠંડુ પાણી રેડ્યું, અને પછી તેની આંખ પર હાથ ફેરવીને તેને ચૂમીઓ લેવા લાગ્યો.

એટલામાં સામેથી અવાજ આવ્યો, ‘રાજન, આ હોલો મારો છે. તું મને એ સોંપી દે.’ રાજા આંખ ઊંચી કરીને જુએ છે તો સામે એક ટોડલા પર બાજ બેઠેલો. બાજની આંખમાં ક્રૂરતા હતી, તેના અવાજમાં કર્કશતા હતી. પોતાનો શિકાર આ પ્રમાણે છટકી ગયો તેથી તે ચિડાયો લાગતો હતો.

બાજના વચન સાંભળીને હોલો રાજાના ખોળામાં વધારે ઊંડો ભરાયો. રાજા બોલ્યો, ‘પંખીરાજ! મારા ખોળામાં આવ્યા પહેલા આ હોલો તારો હતો, મારા ખોળામાં આવ્યા પઈ તે મારો થયો છે, એટલે મારો ખોળો છોડીને ઊડી જશે એટલે એ પોતે સ્વતંત્ર થશે.’

બાજથી આ સહન ન થયું, તે તરત બોલ્યો, ‘રાજન! યજ્ઞશાળામાં બેઠો બેઠો તું આવું અધર્મવચન કેમ બોલે છે? હોલા તો અમ બાજોનો સ્વાભાવિક ખોરાક છે. ઈશ્વરે અમારા માટે એવું નિર્માણ કર્યું છે. આ હોલો તું મને નહીં આપે તો હું અને મારા છોકરાં ભૂખે મરશું તેનું પાપ તને લાગશે. એક હોલાને બચાવીને તું બીજાં કેટલાંને મારશે તેનો તો વિચાર કર.’

રાજા શાંતિથી બોલ્યો, ‘જો, આ હોલો તો હજીય તારી બીકથી હાંફે છે. હોલા તમ લોકોનો ખોરાક છે એ હું સમજું છું. પણ આ હોલા સિવાય મારા મહેલમાં ખાવાના અનેક પદાર્થો પડ્યા છે, તે તારા માટે ખુલ્લા છે. તું માંગે તો તારા માટે અને તારાં બચ્ચાં માટે તને દેશપરદેશના અનાજ આપું; તું માગે તો દેશદેશાવરના મીઠા મેવા તારી પાસે ધરું; તું કહે તો આખી દુનિયાના શાકભાજી અહીં ખડાં કરું. તું કહે તો તારી પાસે દુનિયામાં થતાં બધાં ફળફૂલો હાજર કરું; પણ આ હોલો તને નહીં જ આપું. બાજ! તમ લોકોમાં દયાનો છાંતો સરખો પણ હોય તો તમે આવા ગરીબ પ્રાણીઓને ન મારો.’

શિબિના આવા વચનો સાંભળીને બાજ હસતો હસતો બોલ્યો, ‘માનવરાજ! પૃથ્વીપતિ થઈને આવું કેમ બોલો છો? જે માનવીઓ પોતાના ઉદરનિર્વાહ જેટલું મળ્યા પછી પણ શિકાર કર્યા જ કરે છે, તે માનવીઓ પોતાની જીભ પર આવા દયા જેવા શબ્દો શા માટે લાવતા હશે? રાજન પ્રાણીમાત્ર પોતાનું પેટ ભરાય પછી જ દયા અને ધર્મની વાતો કરી શકે છે. તું ધરાયેલ પેટે જે બોલે તે મારે ખાલી પેટે શી રીતે સાંભળવું? માટે તું આ હોલો મને આપ; હું પેટ ભરી લઉં પછી તારું ધર્મપ્રવચન સાંભળવા આવીશ.’

રાજાને આવા મર્મવચનોથી સહેજ જાગૃતિ આવી હોય એમ તે ટટ્ટાર થઈને બોલ્યો, ‘પંખીરાજમ ક્ષત્રિય બચ્ચો છું. આડે દિવસે તું આવા કેટલાયે હોલાને મારીને ખાતો હોઈશ; ત્યાં હું તને રોકવા નથી આવતો. પણ આજે આ હોલો મારે શરણે આવ્યો છે એટલે હું તને સોંપવાનો નથી, શરણે આવેલા પ્રાણીને બચાવવા માટે જરૂર પડતાં પ્રાન સુદ્ધાં પાથરવા એ અમારા ક્ષત્રિયોનો અણલખ્યો ધર્મ, શિબિ આ ધર્મનો ત્યાગ કરે તો શિબિનું જીવન ધૂળધાણી થઈ જાય; ત્યારે તો શિબિ જીવતો મૂઆ જેવો બને.’

બાજે ચાલાકીથી સંભળાવ્યું, ‘મહારાજ, શું શિબિ ક્ષત્રિય અવતર્યો એ બાજનો અને તેના બચ્ચાંઓનો ગુનો? શિબિને જો ક્ષત્રિયવટ જાળવવી જ હોય તો મને અને મારાં બચ્ચાને મારીને શા માટે જાળવે છે? તું મારા માટે તારા બધા કોઠારો ખુલ્લા મૂકવા તૈયાર છે તો એ કોઠારો તારી ગરીબડી પ્રજા માટે ખુલ્લા મૂકી દે એટલે ક્ષત્રિયવટની હદ આવી જાય. બે પાંખવાળા એક નાનકડા શા હોલાને પકડી રાખવામાં શી ક્ષત્રિયવટ છે?’

રાજા ઘડીભર તો અકળાયો પણ વળી સ્વસ્થ થઈને બોલ્યો, ‘પક્ષીરાજ! ક્ષત્રિયવટ એ સાવ એવી વેપારની ચીજ નથી કે આપણા ત્રાજવામાં તોળાય. એવી એવી વાતોને તોળવાના ત્રાજવાં પ્રભુએ સંતોના હ્રદયમાં જ ગોઠવ્યાં છે. કોઈ પણ ઉપાયે હું તને આ હોલો આપવાનો નથી. તેને બદલે તું બીજો જે આહાર માંગે તે આપવા હું તૈયાર છું.’

બાજ જરા વધારે નજીક આવીને બેઠો અને બોલ્યો, ‘રાજન, આ હોલાનું લોહીમાંસ જેવું મીઠું છે એવું મીઠું લોહીમાસ તું મને ક્યાંથી આપીશ? તેં મોટા મોટા યજ્ઞો કર્યા છે એટલે કદાચ તારા લોહીમાંસ મીઠાં હોય.’

રાજા તરતજ બોલી ઉઠ્યો, ‘તો હું મારો આખો દેહ આપવા તૈયાર છું ભલા બાજ! તેં ઠીક માર્ગ કાઢ્યો.’

બાજ વળી હસ્યો અને બોલ્યો, ‘તારો દેહ તો છે જ પણ મારાથી એ શી રીતે લેવાય? તારા પર આ આખી પ્રજાનો આધાર; તારા પર વર્ણાશ્રમ ધર્મનો આધાર; તારા પર આ હોલા જેવા અનેક દીન જીવોનો આધાર. એ બધાયના આધારનો નાશ કરું એ કેમ પાલવે? અને રાજા! તું પણ એક હોલા માટે આ ત્રણ લોકનું રાજ્ય, આ જુવાની, આવો સુંદર દેહ એ બધું ફના કરવા તૈયાર થયો છે એટલે તારા જેવો બીજો કોઈ મૂર્ખ મને દેખાતો નથી.’

રાજાએ હરખાતાં હરખાતાં જણાવ્યું, ‘પંખીરાજ! તારી વાત સાવ સાચી છે. વટને સાચવવાનો આગ્રહ રાખનારા લોકો મૂર્ખ જ હોય છે. ડાહ્યા લોકો માટે ભાગે વટ જેવી ચીજને માનતા નથી. અને માને છે તો પ્રસંગ આવ્યે વટને જતી કરતા અચકાતા નથી. દુનિયા આવા ડાહ્યા લોકોથી જ ચાલે છે. તું સાચું બોલ્યો. એવું સાચું ભાગ્યે જ કોઈ બોલે છે. સાચું ન બોલવું એ પણ એક ડહાપણ જ છે ના? ભાઈ! હવે તું ક્યારનો ભૂખ્યો છે, એટલે મને ખાવા માંડ. તું ખાતો જા અને આપણે વાતો કરતાં જઈશું.’

બાજ ફરી વાર હસ્યો અને બોલ્યો, ‘રંગ છે શિબિરાજા, રંગ છે. તારે જેવી ક્ષત્રિયવટ છે એવી મારે પક્ષીવટ છે. મારો અધિકાર આ હોલાનાં લોહીમાંસ જેટલાં જ લોહીમાંસ પર છે. હું તને એમ ને એમ ખાવાનો નથી. તું મને આ હોલાના ભારોભાર લોહીમાંસ તોળી આપ એટલે હું તે લઈ જઈશ અને અમે બધાંય તેનું ભોજન કરશું.’

બાજના આ વાક્યો સાંભળીને રાજાએ તરત જ યજ્ઞશાળામાં જ ત્રાજવા મંગાવ્યા, એમ મોટી છરી મંગાવી, માંસને તોળનારો બોલાવ્યો, અને પછી દેહને કાપ મૂકવો શરૂ કર્યો. ત્રાજવાના એક પલ્લામાં હોલો બેઠો, બીજા પલ્લામાં રાજાએ પોતાનો જમણો પગ કાપીને મૂક્યો.’

રાજાએ જમણો પગ કાપીને મૂક્યો અને તોલનારે ત્રાજવું ઉંચુ કર્યુ એટલે તરત જ બાજ બોલ્યો, ‘રાજન! હજી ઓછું છે. હોલાવાળું ત્રાજવું ઊંચું પણ નથી થતું.’

રાજાએ તરત જ પોતાનો ડાબો પગ કાપીને પલ્લામાં મૂક્યો. ત્રાજવું ફરીથી ઉંચું થયું અને બાજ બોલ્યો, ‘રાજન, હજી થોડું ઓછું લાગે છે. આ હોલો તો ભારે વજનદાર!’

ત્યાર પછી તો રાજાએ જમણી જાંઘ મૂકી, ડાબી જાંઘ મૂકી અને છતાંયે પલ્લું ઊંચું પણ ન થયું એટલે તો રાજા પોતે જ આખો પલ્લામાં બેસી ગયો અને બોલ્યો, ‘પંખીરાજ, હું નહોતો કહેતો કે મને જ ખાવા માંડ? હવે તારી પણ વટ રહી. લે આવ.’

રાજા આ પ્રમાણે બોલે છે ત્યાં તો આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ! બધાં લોકો સ્તબ્ધ થઈ ગયાં અને રાજાની સન્મુખ બે તેજસ્વી દેવો આવીને ખડા થયા.

‘રાજન, તને ધન્ય છે. આજે તારા ત્યાગથી તેં ત્રણેય લોકને આંજ્યા છે અમે દેવો તારી પરીક્ષા કરવા માટે જ આ બાજ અને હોલો થઈને આવ્યા હતાં. રાજન, તેં શરણે આવેલા પંખીનું રક્ષણ કર્યું તે માટે તેં શરીરના બધાં અંગો કાપીને પલ્લામાં મૂક્યા હતાં. હવે તારું શરીર પહેલાં જેવું બની જાય એવું અમે વરદાન આપીએ છીએ. હવે અમને રજા આપ.’

શિબિ ત્રાજવાના પલ્લામાંથી ઉભો થયો અને બન્ને દેવોને પ્રણામ કરતો બોલ્યો, ‘પ્રભુ, મારા પર આપે કૃપા કરી, આપની શું સેવા કરું?’

દેવો ચાલતા થયા અને જતાં જતાં કહેવા લાગ્યા, ‘તારા જેવા સાધુ પુરુષોનું અસ્તિત્વ એ જ માનવ સમાજની મોટામાં મોટી સેવા છે. તારા જીવનની સુવાસ આસપાસ ફેલાય એથી વધારે મોટી સેવા બીજી શી હોય?’ એમ કહી દેવો અંતર્ધ્યાન થઈ ગયાં.

– નાનાભાઈ ભટ્ટ (હિન્દુધર્મની આખ્યાયિકાઓ ૨ માંથી સાભાર.)

આપણી સંસ્કૃતિમાં શરણે આવેલાને રક્ષણ આપવાનો મહિમા ખૂબ મોટો છે. માનવી તો ઠીક, પણ શરણે આવેલા પશુ પક્ષીની સેવા તથા રક્ષા માટે જીવન ત્યજવા તૈયાર થયેલા અનેક મહાપુરુષોની કથાઓ જાણીતી છે. શિબિરાજા પોતાને શરણે આવેલા હોલાના પ્રાણની રક્ષા માટે કઈ રીતે પોતાની જાતનો ભોગ આપવા તત્પર થાય છે અને દેવોની કસોટીમાંથી તે પસાર થાય છે તેવી વાત પ્રસ્તુત વાર્તામાં સરસ રીતે આલેખાઈ છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “શિબિરાજા – નાનાભાઈ ભટ્ટ