પરિતૃપ્તિ – કલ્યાણી વ્યાસ 3


કાજળઘેરા અંધકાર મા
એક કાળુમેંશ વાદળ સરક્યું
અને વડની બખોલમાથી એ
ઘરડા ઘુવડે જોયું…
તેની આંખના ચમકારે જોયું.

બિહામણી તીણી તેની કીકીયારીએ
આગીયાનુ પંખી જરા ઝબક્યું,
કોઈ તારલીયો ટમક્યો ને થયો વિલીન.

અને બે ઘડી પેલી નદી પણ થંભી ગઈ,
તેના પ્રવાહ વચ્ચેના વમળો
વાદળાની વાત સાંભળવા
જાણે ચક્રવ્યુહો રહ્યા બનાવી.

પાનના ખડખડાટે નાનકી ખિસકોલી ભાગી,
તેના પગમા અટવાયો પવન
ને ઠોકર ખાઈ ગયું વાતાવરણ.

અજાણ્યો તે ભીની સુંગંધે મહેકેલો તે
અચાનક આ કોલાહલથી સાવધ થયો.

ત્યાં તેની ટચલી આંગળીનું ટેરવું બોલ્યું
મને આભે ઉડવાનો અભરખો છે
કવિની કલ્પના થઈ
કલમે રેલાવાનો અભરખો છે.

ભાઈ હું તો સંગે હોવા છતા દૂર છું,
મારા થીજેલા લોહીને ફરી ગરમ કરો,
બસ આટલો મુજ પર ઉપકાર કરો.

તે સ્તબ્ધ બની જોઇ રહ્યો તેની તરફ..
અને અચાનક શું થયું
તેણે તેની ટચલી આંગળી કરડી ખાધી
અને વહેતા ગરમ લોહીમા
બોળી કલમ તે આભે અક્ષર પાડી રહ્યો.

તેમાંથી એક કાળુંમસ વાદળ સરક્યું
કાજળઘેરા અંધકાર માં….

– કલ્યાણી વ્યાસ

(વાંચકમિત્રોની કૃતિઓ સતત અક્ષરનાદને મળતી રહે છે, જેમાં પદ્ય રચનાઓ વિશેષ હોય છે. જો કે તેમાંની બધી કૃતિઓ અહીં સમાવવી શક્ય નથી, પરંતુ મહત્તમ રચનાઓને અહીં સમાવવાનો પ્રયત્ન કરાય છે. યોગ્ય અને બળુકી રચનાઓ વહેલી મોડી પણ અવશ્ય પ્રસ્તુત કરાય છે. થોડાક સમય પહેલા અક્ષરનાદને મળેલ શ્રીમતી કલ્યાણીબેન વ્યાસની અછાંદસ રચના આજે પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.)


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 thoughts on “પરિતૃપ્તિ – કલ્યાણી વ્યાસ

  • harshad dave

    આપની રચના એક ભાવ વિશ્વ રચે છે. પગમાં પવન અટવાય અને વાતાવરણ ઠોકર ખાય! ભીની સુગંધે મહેકેલો તે આ કોલાહલથી સાવધ થાય..
    સરસ… – હર્ષદ દવે.

  • indushah

    કાળામસ વાદળ જોઇ, કવિતા બની અંતે કાળામસ વાદળમા સામઇ,
    સરસ કલ્પના કલ્યાણીબેન્