લક્ષ્મીનું વેપારી-ચક્ર કે વિપરીત ચક્કર? – મુર્તઝા પટેલ 13


વેકેશન અને વરસાદની પૂરજોશ સીઝનમાં હિલ સ્ટેશનની એક હોટેલ આ વર્ષે મંદીને લીધે લગભગ ખાલી જેવી રહી હતી. એટલે દેખીતું હતું કે હોટેલ માટે એક એક મુસાફર મૂલ્યવાન હતો.

પોકેટમાં કેશ અને દિમાગમાં ક્રાઈસીસની અસર લઈને એક મુસાફર પ્રવેશ્યો. કાઉન્ટર પર આવતાની સાથે તેણે રૂમનું ભાડું પૂછી રિસેપ્શનિસ્ટના હાથમાં ૫૦૦ રૂપિયાની નોટ મૂકી દીધી. બીજા હાથે રૂમની ચાવી અને પોતાનો સર-સામાન સંભાળીને રૂમ તરફ ચાલી નીકળ્યો.

૫૦૦નુ પત્તું હાથમાં આવતાની સાથે જ ફટાકડી રિસેપ્શનિસ્ટના પગમાં પણ જાણે ચેતન આવ્યું હોય એમ એ કાઉન્ટર તેની બીજી આસિસ્ટન્ટને સોંપીને ફટાફટ નજીકમાં આવેલા શાકભાજીવાળાના વખાર તરફ ચાલી નીકળી. તેના ૨ દિવસના બાકી રહેલા ૫૦૦/- રૂપિયાની ચૂકવણી હવે થઇ ગઈ હતી.

હવે શાકભાજીવાળા પાસે રિસેપ્શનિસ્ટના રૂ. ૫૦૦/- અને પગનું ચેતન બંને ટ્રાન્સફર થયા. એ સીધો પહોંચ્યો તેને શાકભાજી સપ્લાય કરનાર ખેડૂત પાસે. એક સાથે ૪ દિવસની ઉધારી હાથમાં આવતા ખેડૂતને તો જાણે પાંખો આવી. એ પાંખોની ઉડાન તેને સીધી મહેસૂલ અધિકારીની ઓફીસમાં લઇ ગઈ. એક મહિનાથી ન ચૂકવાયેલા પેલા ૫૦૦ રૂપિયાથી આજે એના મહેસૂલનું દેવું ચૂકતે થયું. આ નોટનું રહેઠાણ હવે એ મહેસૂલ અધિકારીની પોકેટ હતું. પણ એ માત્ર થોડા જ સમય માટે.

“આ ૫૦૦ રૂપિયા તો પેલી હોટેલના મેનજરને ચૂકવવાના બાકી છે…નોટ ઉડી જાય એ પહેલા લાવ આજે જ આપી દેવા દે ભાઈ..” આમ વિચારી ને ચાનો કપ બાજુ પર મૂકી પેલી હોટેલમાં સમયાંતરે ‘જલસા’ કરનારા આ જયંતીલાલે પોતાની મોટરને એ તરફ હંકારી. રૂપિયા ૩૦૦ ના રૂમનું ભાડું ૫૦૦ લઈને આ મેનેજર ‘દોસ્તે’ એની ઉધારીનો હિસાબ ફરીથી ક્લીઅર કરી દીધો.

આ ચક્કર દરમિયાન માત્ર થોડાંજ કલાક પહેલાં આવેલા પેલા મુસાફરને શું સુઝ્યું કે તે પોતાનો સર-સામાન અને લડવાનો મૂડ લઈને રિસેપ્શન કાઉન્ટર પર પાછો આવી ગયો.

“તમારી હોટેલ નું રૂમ જરાય રેહવા લાયક નથી. ના ચાદર ના ઠેકાણા છે…. ના બાથરૂમમાં સફાઈ છે…..સર્વિસ પણ બરોબર નથી” ….વગેરે …વગેરે …વગેરે કારણોનો સામનો એ મેનેજર ના કરી શક્યો. શીખેલી ‘કસ્ટમર સર્વિસ’ના અનુભવને કામે લગાડી પોતાની સર્વિસ અને હોટેલની ઈજ્જત બચાવવા હમણાંજ આવી પહોંચેલી પેલી ૫૦૦ની નોટને પાછી જ્યાંથી આવી હતી ત્યાંજ પહોંચાડી દીધી. ફરીથી એજ મુસાફરના પેન્ટના ખિસ્સામાં!

શું લક્ષ્મીનું ચક્કર અહિયાં પૂરું થયું કે ફરી શરુ થયું?

– મુર્તઝા પટેલ

જો પોતાની માતૃભાષામાં લખવાની ઈચ્છા હોય તો વિશ્વના કોઈ પણ ખૂણેથી હવે નેટજગતમાં હાજરી પૂરાવી શકાય છે, અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, દુબઈ જેવી જગ્યાઓથી તો અનેક ગુજરાતી બ્લોગર મિત્રો છે જ, ઈજીપ્તના પાટનગર કેરોથી પણ શ્રી મુર્તઝાભાઈ પટેલ તેમનો “નેટવેપાર” (http://Netvepaar.wordpress.com) નામનો સરસ બ્લોગ ચલાવી રહ્યા છે. સાહિત્ય સિવાયના વિષય પીરસતો બ્લોગ પણ ધમધોકાર ચાલી શકે છે તેમના બ્લોગથી એ વાત સાબિત કરી રહ્યા છે. શુદ્ધ સાહિત્ય પીરસવાનો તેમનો પ્રયત્ન નથી, પરંતુ ફક્ત માતૃભાષાના આશ્રયે વેપારી ગણાતા ગુજરાતીઓને પોતીકી ભાષામાં વેપાર અને મેનેજમેન્ટ વિષયે તેઓ ઘણું કહી રહ્યા છે. આજની આ કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

બિલિપત્ર

We all have our time machines, don’t we? Those that take us back… are memories. Those that carry us forward… are dreams.

– ફિલ્મ The Time Machine (2002) માંથી


Leave a Reply to PreetiCancel reply

13 thoughts on “લક્ષ્મીનું વેપારી-ચક્ર કે વિપરીત ચક્કર? – મુર્તઝા પટેલ