ત્રણ ઇન્દ્રધનુષી પદ્યરચનાઓ – મનોજ શુક્લ 4


રાજકોટ જીલ્લામાં ન્યાયાધીશશ્રીના અંગત મદદનીશ તથા અંગ્રેજી લઘુલિપિજ્ઞ શ્રી મનોજભાઈ શુક્લની ભાવઉર્મિઓ તેમના વ્યવસાય ક્ષેત્રથી અલગ સાહિત્યગંગામાં તેમના પદ્યસંગ્રહ ‘લઈ ખિસ્સામાં તડકો’ દ્વારા ગીત, અછાંદસ અને ગઝલ જેવા વિવિધરંગી કાવ્યપ્રકારોમાં અભિવ્યક્ત થાય છે. રાજકોટની સાહિત્યિક અભિગમની સંસ્થા ‘વ્યંજના’ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. અનેક સાહિત્યિક સામયિકોમાં તેમની રચનાઓ પ્રસિદ્ધ થઈ છે. કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે તેમ, ‘સાહિત્યમાં સમાયેલ સહિત કે જેનો વ્યાપ અણુ પરમાણુથી બ્રહ્માંડ અને વ્યક્તિ, વ્યક્તિથી સમષ્ટિ સુધી અનેક તત્વો, ભાવો, તેની પ્રકૃતિ અને પ્રવૃત્તિના સ્થિત્યંતરો અનેકવિધ રીતે અભિવ્યક્ત થયા કરતાં હોય તે મેં મારા હોવાપણાની ક્ષુલ્લકતા સાથે ચાલતી સતત પ્રક્રિયામાં જે મન, હ્રદયને સ્પર્શી અને વ્યક્ત થવા મથ્યું અને જે થયું તે આ, અહીં થયું.’ આજે આ સંગ્રહમાંથી જ ત્રણ વિવિધરંગી રચનાઓ પ્રસ્તુત કરી છે.

અક્ષરનાદને આ સુંદર સંગ્રહ ભેટ આપવા બદલ શ્રી મનોજભાઈ શુક્લનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ. આશા છે તેમની કલમની સર્જકતાનો સ્વાદ આમ જ આપણને સતત મળતો રહેશે.

૧. સિંહના રખોપા !

બોટલ પર ઉછરેલી બકરીને ધાવેલા સિંહના રખોપે છે વાઘ* રે!
સિહના રખોપે છે વાઘ રે !

વાઘમાંય ‘વાઘ’ની દહેશત છે એવી
કે રક્ષકની ત્રાડમાંય કંપ છે,
વાઘનું હોવું જો કાગળ પર હોઈ
તો ય દહેશત સાચી છે ક્યાં જંપ છે!

હિંમતે આપનારા આપે પણ તેના પર ભયનો ક્યાં કોઈ ઓથાર છે?
બોટલ પર ઉછરેલી બકરીને ધાવેલા સિંહના રખોપે છે વાઘ રે!
સિહના રખોપે છે વાઘ રે !

લીલા થડ વેતરતી કરવતની સીડી ચઢ,
ટેરેસ પર બોનસાઈ વન છે,
કોણ કહી શકવાનું કોને કઈ ભોમકાથી
સાચુકલું કેવું સગપણ છે,

દાવાનળ ફેલાતો નાશ પામી ક્યાંક પાછો દિવાની શગમાં સચવાય રે,
માટીનું હોવું પણ જ્યાં લગ છે ત્યાં લગ તો લીલપનું હોવું પરખાય રે,
ભલે

બોટલ પર ઉછરેલી બકરીને ધાવેલા સિંહના રખોપે છે વાઘ રે!
સિહના રખોપે છે વાઘ રે !

* – ચરાવવા લઈ જવાતા ઘેટા બકરાનો સમૂહ અને વાડાને પણ વાઘ કહેવાય છે.

૨. સોનેટ (મંદાક્રાંતા)

કેમ જાણે નિબિડ વનમાં આંખ મિંચાય ના ના
તોયે ક્યાંથી સરવર કરી આંખમાં સ્વપ્ન પેસે,
હું ને મારું સપન વળગે વાત વાગોળવામાં,
કેવાં કેવાં નવનવતરે કલ્પનોમાંય મ્હાલે.

જાણે જોગી જુગ જુગતણાં તાપતા હોય તેજો,
તેજોન્મેષે તગ તગતગે તારલા નેત્ર કેરા,
કેવાં કેવાં નયન વરસે હેત ને તેજ બાણો,
એકાનેકો શબદ કરતા ઘાવ રોમાંચ ભેરા.

ભારે તોયે હળુક હળવું લાગતું સ્વપ્ન ઝોકું,
જાણે ધીમે મલક મલકે ફૂલ કો’બારમાસા,
આઘે ઓરે પવન લયમાં વાહ રે નૃત્ય મ્હોર્યું.
કેડી કોરી હ્રદય રણમાં માર્ગ કાઢે રસાળા.

મીઠા મીઠા કલરવ કરી થાય ગાતા પખેરું,
ત્યાંતો સામે રથ રણકતે આવતાં રશ્મિ ઓપે.

૩. એક સંવાદી ગઝલ

ચીંધવામાં આંગળી ત્રણ તો અમે સામે લીધી,
શું હતું? શા કારણે ખટપટો જામી લીધી.

ધાડ પાડી ધર્મના નામે ધરીને વલ્કલો,
આબરુ કોની ઘટે? શા કારણે ખામી લીધી.

તસ્બીના મણકા વચ્ચેની ખાઈ પણ ક્યાં પાર થઈ?
કે કહી દઉં મેં અહીં પયગંબરી પામી લીધી.

કાન પર હાથ ધરું પત ગેબની ના સાંભળું,
ગૂંજતી કાને યુગોની વાસના થામી લીધી.

ધારણા માફક વજુ સંગે વજૂદે ત્યાગવું,
આપ નહીં ખોવા અમે સૌ શીખ ઉથામી લીધી.

જાણ છે હું તું જ છે પણ કંઈ નથી તેથી જ તો,
લે અમે માગી અને આ છાપ ઈમામી લીધી.

– મનોજ શુક્લ

(પુસ્તક પ્રાપ્તિસ્થાન – પ્રકાશક, મનોજ જ. શુક્લ, ૬૪, મધુવન સોસાયટી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, જલારામ – ૩, રાજકોટ – ૩૬૦ ૦૦૫,
ફોન – ૦૨૮૧ ૨૫૮૬૯૫૨)

બિલિપત્ર

સંગતી સૂરની, શબ્દની, દ્રશ્યની,
સાધવી સાધકે ઓગળીને,
ના રહે સાધકો, સાધનો કે કશું,
ત્યાં સમાધિ તણો પંથ લાધે.
– મનોજ શુક્લ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ત્રણ ઇન્દ્રધનુષી પદ્યરચનાઓ – મનોજ શુક્લ

  • Kalidas V. Patel { Vagosana }

    મનોજભાઈ,
    ત્રણેય રચનાઓ ગમી. અભિનંદન. ખાસ તો મંદાક્રન્તા છંદમાં રચેલું સોનેટ ગમ્યું. આજે જ્યારે છંદોબધ્ધ તથા ગેય કાવ્યોનો દુકાળ સર્જાયો છે તેમાં આ રણમાં વીરડી સમાન છે. આભાર
    અંગુલિનિર્દેશઃ આ કાવ્યની પ્રથમ પંક્તિમાં — પ્રથમ શબ્દમાં જ બંધારણમાં છૂટ લેવાને બદલે — “કેમ જાણે” ને બદલે “જાણે શાથી” શબ્દપ્રયોગ કર્યો હોત તો તે યોગ્ય ગણાત તથા કડીનો અર્થ પણ સચવાત. … વળી, ચોથી લીટીમાંઃ “નવનવતરે” શબ્દપ્રયોગને બદલે ” નવિન નવલાં ” કર્યો હોત તો ? … અને, છેલ્લેથી બીજી લીટીમાંઃ ” થાય”ને બદલે” જાય’ ન હોવું જોઈએ ? { કદાચ ટાઈપ ભૂલ છે }
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}