પાણીપૂરી ડોટ કોમ – ચિત્રસેન શાહ 14


‘ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ.પાણીપૂરી.કોમ’ એ ડોમેઇન નેઈમ વાળી વેબસાઈટ કોઈકે લોંચ કરી છે કે નહીં તે ખ્યાલ નથી પરંતુ અમારે તો આજે ઇન્ટરનેટ પર લોકોને પાણીપૂરી ખવડાવવી છે.

પાણીપૂરી શબ્દ સાંભળીને જ મોટા ભાગના લોકોના મોઢામાં પાણી આવી જાય છે! પછી જરૂરત રહે છે ફક્ત પૂરીની! બસ પાણીપૂરી તૈયાર!

આજકાલ બે સિવાયના લગભગ બધા જ બિઝનેસમાં મંદી ચાલે છે. જે બે બિઝનેસમાં તેજી છે તેમાં એક છે ‘ખાણીપીણી'(એટલે કે પાણીપૂરી વગેરે)નો અને બીજો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ડોટ કોમ)નો! એટલે જ આ લેખના શિર્ષકમાં અમે આ બે વસ્તુની ભેળ (!) બનાવી છે.

રોજગારી શોધતા યુવાનોને સંદેશ કે તમારી અનુકૂળતા પ્રમાણે આ બે બિઝનેસમાંથી કોઈમાં પણ ઝંપલાવો – ‘આવતીકાલ નહીં’ પરંતુ ‘આજ’ તમારી છે! બેંકો વાળા લોન તો તમને સામે ચાલીને ઘેર બેઠાં આપી જશે! અમે એક મૌલિક શોધ કરી છે કે વધારેમાં વધારે પાણીપૂરીના ખૂમચા કે લારીવળા શાકમાર્કેટની આસપાસ જ હોય છે! મોટા ભાગનાં બહેનો શાક લેવા જાય ત્યારે સાથે સાથે પાણીપૂરી પણ ખાતાં આવે છે! ઘણી વાર તો આ પાણીપૂરીવાળું કામ (!) પહેલાં પતાવે છે ! આમ બહેનો, શાક અને પાણીપૂરી એ એક જ સિક્કાની ત્રણ બાજુઓ છે! (આમ તો ‘એક સિક્કાની બે બાજુ’ એવો રૂઢિપ્રયોગ છે પરંતુ અહીં ત્રણ શબ્દો એકમેક સાથે એવા જોડાયેલા છે કે મારે રૂઢિપ્રયોગ બદલવો પડ્યો છે! અને આમ જોવા જઈએ તો સિક્કો એ ત્રિ-પરિમાણીય (થ્રી- ડાયમેન્શનલ) જ હોય છે ને! બે બાજુ સપાટ અને ત્રીજી બાજુ વક્રાકાર – પાણપૂરીની માફક જ!) એકવાર અમે શ્રીમતીજીને પાણીપૂરી બનાવવાનું કહેલું ત્યારે જવાબ મળ્યો કે -‘ઘેર એવી ઝંઝટ કોણ કરે? જાઓ, શાક લઈ આવો ને પાણીપૂરી પણ ખાતા આવજો! એક કાંકરે બે પક્ષી!’

આ પ્રમાણે પાણીપૂરીવાળાનો બિઝનેસ ધમધોકાર ચાલ્યા કરે છે ને પણીપૂરી, લારીવાળા અને ગ્રાહકો એમ બન્નેનાં પેટ ભરે છે! લારીવાળા પાણીપૂરી વેચીને પેટ ભરે છે અને ગ્રાહકો પાણીપૂરી ખાઈને પેટ ભરે છે! ફરક માત્ર એટલો છે કે વેચનારો ફક્ત પેટ જ નથી ભરતો પરંતુ થોડા વર્ષોમાં બંગલા પણ બંધાવે છે, એ તો બધાને ખબર જ હશે! (મુંબઈમાં ચોપાટીના ભેલપૂરી પાણીપૂરીવાળાએ બંગલા બંધાવ્યા છે તે તો બધાને ખબર જ હશે.) પરંતુ મોટા ભાગની લારી ‘અનહાઈજેનિક’ પાણીપૂરી ખાઈને ખાનારા તાત્કાલિક તો પેટ ભરે છે પરંતુ પાછળથી ડૉક્ટરોનાં બિલ ભરે છે અને બંગલા ડૉક્ટરો બંધાવે છે!

જ્યારે દેશનાં બજારો મલ્ટીનેશનલ કંપનીઓની – પીનથી પિયાનો સુધીની વસ્તુઓથી ઊભરાય છે ત્યારે મલ્ટીનેશનલ કંપનીઓની ‘બાજ’ નજર પાણીપૂરી પર કેમ નથી પડીએ જ સમજાતું નથી! જ્યારે એ લોકોની નજર તેના પર પડશે કે એ લોકો તો રાતોરાત ‘પીઝા હટ’ ની બાજુમાં જ ‘પાણીપૂરી હટ’ ઊભી કરી દેશે! તેમાં પચ્ચીસ જુદી જુદી જાતની પાણીપૂરી મળશે! એકમાં ચણા વધારે હશે તો બીજીમાં બટેટાનો માવો વધારે હશે! તો વળી ત્રીજી વેરાયટીમાં ફૂદીનાના પાણીમાં સંચળ વધારે હશે! આમ ‘કોમ્બીનેશન- પરમ્યુટેશન’ ની થિયરી પ્રમાણે પચ્ચીસ કે તેથી પણ વધારે પાણીપૂરીની વેરાયટી તમારી સેવામાં હાજર હશે! લોકો અલગ અલગ વેરાયતીની પાણીપૂરી ખાઈ ખાઈને પેટ ભરશે અને બહુંજ ટૂંકા ગાળામાં ‘પાણીપૂરી હટ’ ફેરવાઈ જશે ‘પાણીપૂરી પેલેસમાં’!

જો આવી હટ કે પેલેસ આરોગ્યપ્રદરીતે વાનગીઓ બનાવતા હોય અને પીરસતા હોય તો તેના ભાવ સામે પણ વાંધો હોઈ શકે નહીં.

સિગારેટના પેકીંગ પર બહુ જ મુશ્કેલીથી વાંચી શકાય તેવા નાના અક્ષરોથી લખેલ કાનૂની ચેતવણી ‘ધુમ્રપાન એ આરોગ્યને હાનિકારક છે’ લખેલ હોય છે તે પરથી પ્રેરાઈએ છીએ! આરોગ્યખાતાએ પાણીપૂરીના ખૂમચાવાળાઓ કે લારીવાળાઓ માટે એક જાહેરનામું બહાર પાડવું જોઈએ કે દરેકે પોતાના ખૂમચા કે લારી પર ચેતવણી લખવાની રહેશે (ચેતવણીના અક્ષરની સાઈઝ પાણીપૂરીની સાઈઝ કરતાં નાની હોવી જોઈએ કે નહીં!) કે ‘બિનઆરોગ્યપ્રદ પાણીપૂરી ખાવી એ આરોગ્યને હાનિકારક છે!’

ઇન્ફોમેશન ટેકનોલોજીનો જમાનો છે! કોઈ ભેજાબાજ ‘પાણીપૂરી ડોટ કોમ’ નામની કંપની ઊભી કરવા કંપનીની વાસ્તવિક પરિસ્થિતિ કરતાં બહુ ઊંચા પ્રીમીયમથી ઇસ્યુ બહર પડશે તોપણ લોકો ભરણાને અનેક ગણું છલકાવી દેશે!

શેરબજારના આવા માહોલમાં વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા અનેક લોકો લલચાશે પણ ખરા! પરંતુ તેમણે ગંગામાં ડૂબી જવાની પણ પૂરતી માનસિક તૈયારી રાખવી પડશે! પરિસ્થિતિમાં પણ તરીને સામે પાર જવાની તૈયારી હોય તો ઝંપલાવો! કારણકે હિંમતે મર્દા તો મદદે ખુદા!

આગ ઝરતી તેજી હતી ત્યારે અમારા અનેક મિત્ર શેરબજારમાં સિંહ બનીને ઘેર પાછાં પહોચ્યાં! તેમનું સ્વાગત થયું પાણીપૂરીથી!

તેમને નવાઈ લાગી કે શ્રીમતીજીએ વળી આ ‘ઝંઝટ(!)’ કેમ વહોરી લીધી? આ અંગે તેમણે પુછ્યું તો શ્રીમતીજી હસતાં હસતાં જવાબ આપ્યો- ‘કેમ? આ ખુમચાવાળો તમને ન દેખાયો?’

પત્નીના આ આવકારથી ખુશ થયેલા એ મિત્ર પાણીપૂરી ખાતા ખાતા વિચારી રહ્યા હતા કે લાંબો સમય પાણીમાં પડી રહેલી પુરી અને ભંગાર કંપનીમાં લાંબા સમય સુધી કરેલું રોકાણ બેઉ સરખાં છે. બન્ને અફસોસ સિવાય કંઈ આપતા નથી.

– ચિત્રસેન શાહ

શ્રી ચિત્રસેન શાહ આમ તો એન્જીનીયર છે છતાં સાહિત્યરચનામાં તેમની હથોટી અનોખી છે. ‘ધણીને ધાકમાં રાખો (૧૯૯૨) નામનો તેમનો હાસ્યલેખોનો સંગ્રહ પણ પ્રસિદ્ધ થયો છે. તેમનો પ્રસ્તુત હાસ્ય લેખ ‘ગુજરાતી હાસ્ય – ગઈકાલ અને આજ’ માંથી સાભાર લેવામાં આવ્યો છે.

બિલિપત્ર

સમજદારી એ ઘણી વાર ક્ષમાનું પ્રથમ પગલું હોય છે. પણ એ બન્ને એક નથી. ઘણી વાર આપણે જેને સમજી નથી શક્તા તેને ક્ષમ્ય ગણીએ છીએ. અને જેને ક્ષમા નથી કરી શક્તા તેને ઘણીવાર સમજી શકીએ છીએ.

– અજ્ઞાત


Leave a Reply to Harish Rathod Cancel reply

14 thoughts on “પાણીપૂરી ડોટ કોમ – ચિત્રસેન શાહ

 • Kalidas V. Patel { Vagosana }

  મજાનો હાસ્યલેખ આપ્યો. ખરેખર, ખાણીપીણીમાં કદાપિ મંદી આવતી નથી. પણ દુઃખ માત્ર એટલું જ કે — શુધ્ધ અને સાત્વિક ખોરાકો — ખોવાતા જાય છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Harish Rathod

  આજે પાણીપુરી ખાઈને મે શ્રી ચિત્રસેનનો પાણીપુરીનો લેખ વાચ્યો એટલે આ લખવાની ચાનક ચઢી. બહુ સરસ, મઝા આવી ગઈ. વૈચારિક શક્તિ ઉચ્ચકક્ષાની અને નાવિન્યપૂર્ણ છે.
  હરીશ રાઠો$.

 • Harshad Dave

  પાણીપૂરી બિનસાંપ્રદાયિક અને બધાને પરવડે તેવી છે. પૂરી થી પેટ ભરાય અને પાણી એ ભરેલા પેટમાં પૂરીનું પાચન કરે. તે સર્વપ્રિય છે. કોઈ એમ કહે કે મેં ક્યારેય પાણીપૂરી ખાધી નથી તો તેની સત્યવાદિતા વિષે અવશ્ય શંકા થાય. તે નાસ્તાનો નાસ્તો અને ભોજનનું ભોજન છે. હવે તો લગ્ન જેવા સમારંભોમાં પણ ગોલા ગુલ્ફીની જેમ પાનીપૂરીએ પગપેસારો કર્યો છે અને ત્યાં આપનો વારો તરત આવતો નથી તેથી નારાજગી પણ જોવાં મળે. આવી લોકપ્રિય પાણીપૂરીની લારી ભલે રોડ ઉપર હોય પણ તેનાં માલિકો મહેલ જેવા મકાનમાં હોય તો તેને જ આભારી છે…(એટલે કે મારા જેવા તમારાં જેવા ગ્રાહકો થઇ…ભલે ગ્રાહકો ૧૦ક્ષ૧૦ ની ખોલીમાં રહેતા હોય!…ગુડ… હર્ષદ દવે.

 • Harshad Dave

  હિંદુ, મુસલમાન, જૈન અને બૌદ્ધ બધાને એકસરખી રીતે આકર્ષતી પાણીપૂરી કોને નહિ ખાધી હોય! કોઈ ના મેં નથી ખાધી એમ કહે તો તેની સત્યવાદિતા વિષે અવશ્ય શંકા જાગે. પૂરી પેટ ભરે પણ ભારે ન પડે અને પાણી તેને પચાવે આવા સ્વાસ્થ્યવર્ધક ગુણ ધરાવતી બિનસાંપ્રદાયિક પાનીપૂરીથી તૃપ્ત થવું….ગુડ…હર્ષદ દવે.

 • રૂપેન પટેલ

  લોકપ્રિય ખાણીપીણીનો સરસ લેખ છે .
  સાઉથમાં ઢોંસા પ્લાઝા અને મી ઈડલી જેવી ફૂડ ચેઈન સ્ટોર ધમધોકાર ચાલે છે ત્યારે આપનો આ પાણીપુરી હટ નો આઈડિયા જોરદાર અને વિચારવા જેવો છે .

 • Tushar Acharya

  આમાં હાસ્યલેખ જેવું શું છે એ જ સમજાતું નથી !! સોરી પણ મને તો હસવું ના આવ્યું… ફેસબુક પર ઘણા લોકો આનાથી પણ સારું લખે છે… એમાંથી કોઈને તક ન આપી શકાય ?? એક પુસ્તક બહાર પડી ગયું હોય એટલે એ સાહિત્યકાર થઇ ગયા એવું એમ ??? હવે સમજાઈ રહ્યું છે કે આપણો ટેસ્ટ કેટલો ખરાબ છે !!

  • dhaval soni

   શ્રીમાન તુષારભાઇ આચાર્ય..,
   આ માત્ર હાસ્યલેખ નથી…પરતું હાસ્ય-વ્યંગ્ય લેખ છે..મને લાગે છે કે એ બાબત પર તમારુ ધ્યાન નથી ગયું લાગતું….
   પાણીપુરી એ તો આપણા રોજિંદા જીવન સાથે જોડાઇ ગયેલી ચીજ છે…..આ હાસ્ય-વ્યંગ્ય લેખમાં આપણી પાણીપુરી સાથેની એ રોજબરોજની ઘટમાળની હળવા હાસ્ય સાથે સરસ રીતે વ્યંગ્યાત્મક રજુઆત થઈ છે…..