વિચારમોતીઓ, અમૃતબિંદુઓ – મહાત્મા ગાંધી 5


  • મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. પણ જે થોડાં પુસ્તકો વાંચ્યા છે તેને હું ઠીક ઠીક પચાવી શક્યો છું. આપણામાં જે સારી ભાવનાઓ સૂતેલી હોય તેને જાગૃત કરવાની શક્તિ જે ધરાવે તે કવિ છે.(સત્યના પ્રયોગો)
  • મને ‘મહાત્મા’નું પદ મળ્યું છે એની કિંમત જૂજ છે. એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના જીવન ઉપર દ્રષ્ટિ નાખતો જાઉં છું તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું.(સત્યના પ્રયોગો)
  • બાળક આંખેથી ગ્રહણ કરે છે તેના કરતાં કાનેથી સાંભળેલું ઓછા પરિશ્રમથી ને ઘણું વધારે ગ્રહણ કરી શકે છે. વાંચવામાં તેમને કંટાળો આવતો, સાંભળવામાં તેઓ રસ લેતાં.(સત્યના પ્રયોગો)
  • કર્તવ્યનું ભાન થવું એ હંમેશા દીવા જેવું સ્પષ્ટ નથી હોતું. સત્યના પૂજારીને ઘણી વેળા ગોથાં ખાવાં પડે છે.(સત્યના પ્રયોગો)
  • સત્યાગ્રહથી લડતાં જો લડત ખોટી હોય તો માત્ર લડત લેનાર દુઃખ ભોગવે છે એટલે પોતાની ભૂલની સજા પોતે ઉઠાવે છે. (હિંદસ્વરાજ)
  • મારી મર્યાદાઓનું મને ભાન છે. એ ભાન એકમાત્ર બળ છે. મારા જીવનમાં હું જે કંઈ કરી શક્યો હોઉં તે, બીજી કોઈ પણ વસ્તુ કરતાં, વિશેષે કરીને મારી પોતાની મર્યાદાઓના જ્ઞાનનું ફળ છે. (સિલેક્શન્સ ફ્રોમ ગાંધી)
  • એક ભાઈએ મને છાપાંની કાપલી મોકલી છે, તેમાં ખબર છે કે મારા નામનું મંદિર ચણાવી તેમાં મારી મૂર્તિની પૂજા થાય છે. આને હું ભૂંડામાં ભૂંડા સ્વરૂપની મૂર્તિપૂજા માનું છું. આનાથી આપણે હિંદુ ધર્મને છેલ્લે પગથીયે ઉતારીએ છીએ, મૃત્યુ પહેલાં કોઈ માણસને પૂર્ણપણે સારો ન કહી શકાય. (હરિજનબંધુ ‘૪૬)
  • ઈશ્વરે મારા જેવા અપૂર્ણ મનુષ્યને આવા મહાપ્રયોગને માટે કેમ પસંદ કર્યો હશે? અહંકારથી નથી કહેતો પણ મને ચોખ્ખું ભાસે છે એટલે કહું છું કે પરમાત્માને હિંદુસ્તાનનાં કરોડો મૂંગા, અજ્ઞાન ગરીબોને માટે કામ લેવું હતું એટલે તેણે મારા જેવા અપૂર્ણને પસંદ કર્યો. મારા કરતાં વધારે પૂર્ણ પુરુષને જોઈને એ બાપડા કદાચ મૂંઝાઈ જાત. પોતાની જેમ ભૂલો કરનારા મને જોઈને તેમને પણ વિશ્વાસ બેઠો કે તેઓ પોતે પણ પોતાની ભૂલો સુધારી શકે અને આગળ વધી શકે. (હરિજનબંધુ ‘૪૦)
  • દુનિયાના અનેક દુષ્કર્મોનો કાજી હું બનતો નથી. હું પોતે અપૂર્ણ હોવાથી અને સહિષ્ણુતા તથા ઉદારતાની મને ગરજ હોવાથી ફળદાયી સમજાવટ માટેની તક હું ખોળી કે પેદા કરી શકું ત્યાં સુધી દુનિયાની અપૂર્ણતાઓ હું સહી લઉં છું. (મહાત્મા)
  • મારી આખી જિંદગીમાં મારા બોલવાનો અનર્થ થવા વિષે મને નવાઈ નથી રહી. દરેક અનર્થનો જવાબ આપવો પડે અને ખુલાસો આપવો પડે તો જિંદગી વસમી થઈ પડે. જ્યાં પ્રવૃત્તિને ખાતર આવશ્યક હોય તે સિવાયના કોઈ પણ પ્રસંગે અનર્થોના ખુલાસામાં ન ઊતરવું. (નવજીવન ‘૨૬)
  • મારું મગજ નાનું છે, મેં ઝાઝું સાહિત્ય વાંચ્યુ નથી, મેં બહુ દુનિયા પણ જોઈ નથી. મેં જીવનમાં કેટલીક વસ્તુઓ પર મારું લક્ષ કેન્દ્રિત કર્યું છે, અને એ સિવાય મને બીજો રસ નથી. (મહત્મા)
  • મેં જે અભિપ્રાયો બાંધ્યા છે, જે નિર્ણયો પર હું આવ્યો છું એ છેવટના નથી. હું એ કાલે બદલું (હરિજનબંધુ ‘૩૬)
  • ક્યાંયે પ્રતિષ્ઠા મેળવવાની મને ઝંખના નથી. હું સેવક છું, સેવકને પ્રેમની જરૂર હોય, પ્રતિષ્ઠાની નહીં.(માઈન્ડ ઑફ મહાત્મા ગાંધી)
  • જે બુદ્ધિસંમત ન હોય તથા જે નીતિમત્તાથી વિરુદ્ધ હોય એવો કોઈ પણ ધાર્મિક સિદ્ધાંત મને માન્ય નથી.(સિલેક્શન્સ ફ્રોમ ગાંધી)
  • સત્ય એટલે ઈશ્વરને છોડીને હિંદુસ્તાનનું ભલું નથી ચાહતો, કારણ મને વિશ્વાસ છે કે જે માણસ ઈશ્વરને ભૂલી શકે છે તે દેશને ભૂલી શકે છે, માતાપિતાને ભૂલી શકે છે, પત્નીને પણ ભૂલી શકે છે. (નવજીવન ‘૨૬)
  • કડવા અનુભવથી હું મારો ક્રોધ સંઘરી રાખવાનો એક મોટો પાઠ શીખ્યો છું. સંઘરવામાં આવેલી ઉષ્ણતાનું શક્તિમાં પરિવર્તન થવા પામે છે તેવી જ રીતે કાબૂમા રાખેલો ક્રોધ દુનિયાને હલાવે એવી તાકાતમાં પલટી શકાય. (માઈન્ડ ઑફ મહાત્મા ગાંધી)
  • વિજ્ઞાનશાસ્ત્રીઓ જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામોને તે છેવટનાં ગણાવતો નથી, અથવા તો એ તેનાં સાચાં પ પરિણામ છે એ વિષે પણ સાશંક નહીં તો તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગોને વિશે મારો દાવો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકેએક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે પણ તેમાંથી નિપજતા પરિણામ એ સહુને સારુ છેવતના જ છે, એ ખરાં છે અથવા તો એ જ ખરાં છે એવો દાવો હું કોઈ દિવસ કરવા ઈચ્છતો નથી. (સત્યના પ્રયોગો)
  • મારે તો અધર્મ સામે લડવું રહ્યું, હમણાં અધર્મ રાજદ્વારી ક્ષેત્રમાં ધૂસ્યો છે એટલે ત્યાં પહોંચીને અધર્મ સામે ઝુંબેશ ચલાવવી પડે છે. (સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર ઈન્ડિયા – વેજવૂડ બેનને)
  • પવિત્રતા કંઈ કૃત્રિમ રીતે ઉછેરી શકાય એવો છોડ નથી. એ ઉપરથી લાદી ન શકાય, એ તો અંદરથી ઉગવી જોઈએ અને બધાં જ પ્રલોભનો સામે ટકી શકવાનું સામ્યર્થ એમાં હોય તો જ એની કિંમત છે.(પડદાપ્રથાના વિરોધમાં બોલતા)

* * * *
શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત ગાંધી ગંગાના બંને ભાગ હંમેશા મારા ડેસ્ક પર રહે છે. ગાંધી વિચારોની પારદર્શી, પ્રાયોગીક અને સ્પષ્ટ સરળતા અને વિષયોની વિવિધતા મને સદાય આકર્ષે છે, અને એવા જ સરસ વિચારો અને પ્રસંગોનો સંચય શ્રી મહેન્દ્રભાઈએ આપ્યો છે. આ જ ગાંધીગંગાના કેટલાક અમૃતબિંદુઓ આજે અહીં સંકલિત કર્યા છે. ગાંધી ચીંધ્યા પથ પર ચાલનાર અન્ના હઝારેનું અનશન ચાલી રહ્યું છે ત્યારે મમળાવવા જેવા આ વિચારો આજના સમયની તાતી જરૂરીયાત છે.


Leave a Reply to ParesH PanchaLCancel reply

5 thoughts on “વિચારમોતીઓ, અમૃતબિંદુઓ – મહાત્મા ગાંધી

  • La'Kant

    સાદગી ,સરલતા, અર્થ-પૂર્ણતા,સચ્ચાઈ અને પારદર્શકતાનો આગ્રહ એ ગાંધીજીની ખાસ ધ્યાન ખેંચે
    તેવી બાબતો.જીવનમાં કર્મણ્યતા દ્વારા થતી રહે તેજ કામનું !
    લા’કાંત / ૨૩-૮-૧૧

  • s u shukla

    If we can stop giving and other side stop taking we all can stop corruption.
    All those supporting Anna should give such promise.He will get confident for his goal
    we all have to agree to follow govt.rules.
    1000 lacs people should come forward to accept and follow this.
    All crowd puller and media can gather such people for removal of Bhrastachar.

  • Harshad Dave

    ગાંધીજીનું નામ વિશ્વમાં જાણીતું છે પરંતુ તેનાં વિચારો કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. ગાંધીજીને તો વગોવી શકાય તેમ નથી તેથી ઘણાં લોકો તેનાં નામને વગોવે છે અને તેમનાં નામે પોટે હાંક્યે રાખે છે. આ વિચારમોતીઓ તેમની ઉજ્જવળ છબીને વધારે સારી ઝળહળતી કરે છે. સુંદર કર્યા જે સહુને સુંદર બનવા પ્રેરે છે. ….હર્ષદ દવે.