એહવા આગેવાનને – ઝવેરચંદ મેઘાણી 3 comments


આજે મધ્યમવર્ગ તથા ગરીબીની રેખા નીચે જીવનારો વર્ગ અનેક વિષમતાઓ અને પડકારો વચ્ચે જીવે છે. મોઁઘવારી, અસુરક્ષા, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વધતી જતી ગરીબી, વિકાસના નામે ગણ્યાગાંઠ્યા લોકોની અઢળક સમૃદ્ધિમાં વધારો અને સરેરાશ લોકોની વધી રહેલી કંગાલીયત. આવા બધા સમવિષમ વિરોધાભાસોની વચ્ચે યાદ આવે ગાંધીજી અને તેમના માટે શ્રી ઝવેરચંદ મેઘાણીની પ્રસ્તુત રચના. એક અચ્છા આગેવાનની, એના લક્ષણોની તેમણે કરેલી વાત આજે ક્યાંય બંધબેસતી હોય એમ લાગે છે ખરું? જો કે એમણે અહીં મહદંશે સારા આગેવાનના લક્ષણો જ વર્ણવ્યા છે, તેની સામે કુ-નેતાઓ, પ્રજાને ખોટા રસ્તે દોરનારા અને પોતાના ખિસ્સા ભરનારા નેતાઓ વિશે તેમણે લખેલું એક પંક્તિયુગ્મ જ થોડામાં ઘણું કહી જાય છે!

બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર,
લ્યાનત હજો હજાર એહવા આગેવાનને!

બીજાંને બથમાં લઈ થાપા થાબડનાર,
પોતાનાં વડિયાં કરે કદમે રમતાં બાળ,
ખમા! ખમા! લખવાર એહવા આગેવાનને!

સિંહણ બાળ ભૂલી ગયાં ખુદ જનનીની કૂખ,
આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ;
મુગતિ કેરી ભૂખ જગવણહાર, ઘણું જીવો.

પા પા પગ જે માંડતા, તેને પહાડ ચડાવ,
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ,
રાતા રંગ ચડાવ એહવા આગેવાનને!

પગલે પગલે પારખાં, દમ દમ અણઈતબાર,
શાપો ગાળો અપજશો, ભરિયા પોંખણ થાળ;
કૂડાં કાળાં આળ ખમનારા, ઘણી ખમા.

બાબા! જીત અજીત સબ તેં ધરિયાં ધણી દ્વાર,
મરકલડે મુખ રંગિયાં દિલ રંગ્યા રુધિરાળ;
રુદિયે ભરી વરાળ, હસનારા! ઝાઝી ખમા.

– ઝવેરચંદ મેઘાણી


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

3 thoughts on “એહવા આગેવાનને – ઝવેરચંદ મેઘાણી

  • Harshad Dave

    ઝવેરચંદ મેઘાણીની વાત તો થવી નથી … આજના નેતામાં વેતા નથી અને માનવતા પણ નેવે મૂકી છે તેમને અને તેમને આપણે જ મત આપીને મોટાભા કર્યા છે. તેમનાં રુદિયે ભરી વરાળ ક્યાં ઠાલવીએ…
    તેમનું લખેલું ‘કોઈનો લાડકવાયો’ અને ‘ચારણ કન્યા’ પણ કોઈ પહોચાડશે તો ગમશે.
    હર્ષદ દવે.