ત્રણ કાવ્યરચનાઓ – સંકલિત 3


૧.

અમદાવાદના શ્રી ધવલભાઈ સોની આમ તો શેરબજારના વ્યવસાયી છે, પણ એ ભૌતિક ઉતરચડની વચ્ચે લાગણીના સંકેતોને ઝીલવાનો પ્રયાસ તેઓ કરતા રહે છે. રચનાનો આ આનંદ તેમના મતે ઈશ્વરનો આભાર માનવાનો માર્ગ છે. પ્રસ્તુત કાવ્યરચના તેમના એ ભાવવિશ્વની જ નિપજ છે. જેમને રોજેરોજ મહેનત કરીને પેટીયું રળવાનું છે એવા મહેનતકશ લોકોની વાત અહીં પ્રસ્તુત થઈ છે. ધવલભાઈ સોનીનો આ રચના અક્ષરનાદને પાઠવવા બદલ ખૂબ આભાર અને અનેક શુભેચ્છાઓ. પ્રસ્તુત છે એક હાથલારીવાળાની આત્મકથા……

“હાથલારી”

મારા દરેક દિવસનો આધાર હાથલારી,
રાતની અધૂરી નીંદરનો મદાર હાથલારી,

સવાર-સાંજ વેંઢારે ભાર હાથલારી,
રાતે જીવતા આંસુઓનો ઓથાર હાથલારી,

કોઈ માટે મજુરી, કોઈને માત્ર હાથલારી,
અમારા માટે તો સુખનું ઓજાર હાથલારી,

સો દુખો વચ્ચે જીવનની મલ્હાર હાથલારી,
ડગમગ અમારી જિંદગીનો સંચાર હાથલારી,

હતાશાના દરિયામાં આશાની કિનાર હાથલારી,
છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનો ખુમાર હાથલારી,

આખર ઘડી સુધી કરુણા અપાર હાથલારી,
મોતના જનાજા રુપે પણ તૈયાર હાથલારી,

સમયની એક એક પળમાં મદદગાર હાથલારી,
મારે માટે તો ખુદ પરવરદિગાર હાથલારી..

– ધવલ સોની

૨.

મુંબઈમાં ૧૩ જુલાઈએ થયેલા બોમ્બધડાકાને અનુલક્ષીને સમાજ પ્રત્યે, એવા હુમલાઓના દોષિતોને સજા કરવામાં, તેમાં ઘવાયેલા, મૃત્યુ પામેલા બાંધવો પ્રત્યે જવાબદારીથી છટકતી સરકાર પ્રત્યે અભિવ્યક્ત થયેલા રોષમાં, પોતાના, ‘સ્વ’ પ્રત્યેના રોષમાં આ રચનાનું સર્જન કર્યું હોય એમ લાગે છે. જનકભાઈ ઝીઁઝુવાડિયાની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આ રચના અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

ક્યાં સુધી આમ બોદા રહીશું.
ક્યાં સુધી આમ મોતના સોદા જોઈશું.
ક્યાં સુધી આમ બોદા રહીશું.

લોહી રેડાય છે હવે તો નિર્ણય લો,
ક્યાં સુધી ક્ષણિક આવેગના પરપોટા થઈશું.
ક્યાં સુધી આમ બોદા રહીશું.

ઘડીકમાં પીંખાય છે કેટલાય ઘર,
ક્યાં સુધી આ બધું જોતા રહીશું.
ક્યાં સુધી આમ બોદા રહીશું.

લોહી નીગળતી ચીસો સંભળાય ચારેકોર,
ક્યાં સુધી છાપામાં આ ફોટા જોતા રહીશું.
ક્યાં સુધી આમ બોદા રહીશું.

બસ હવે તો બહુ થયું ખુદથી જાગો હવે,
ક્યાં સુધી માણસોને રોતા જોઈશું?
ક્યાં સુધી આમ બોદા રહીશું.

– જનક ઝીંઝુવાડિયા

૩.

વાંચકમિત્ર શ્રી હર્ષદભાઈ દવેએ તેમની મૌલિક રચના એવી આ સુંદર ગઝલ અક્ષરનાદને પાઠવી છે. અક્ષરનાદને આ સરસ ગઝલ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ.

લાગણીના તારને છંછેડ માં,
રણઝણે છે શબ્દ મારા કોષમાં!

એક પગલું મેં ભર્યું આવેશમાં,
એક પગલું તેં ભર્યું આક્રોશમાં!

કોણ સાચું, કોણ ખોટું, તોલ માં,
ફર્ક છે ‘આરોપ’માં ને ‘દોષ’માં.

રાઈનો પર્વત કરે છે રોષમાં,
આવશે ક્યારે હવે તું હોશમાં!

કાન સરવા ભીંતના પણ હોય છે!
વાત જાશે આપણા પાડોશમાં!

‘આજ’ના આનંદને અવરોધમાં,
મનવટાના ખ્યાલને તું પોષમાં!

– હર્ષદ દવે


Leave a Reply to urvashi parekhCancel reply

3 thoughts on “ત્રણ કાવ્યરચનાઓ – સંકલિત

  • harshad dave

    શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની બે ગઝલો ગમી. હાથમાં કાગળ અને આંખમાં જળ એ પ્રશ્ન કરવા પ્રેરે છે કે ક્યાંથી આવેછે આ બળ…? અભિનંદન …અભાર.

  • kalyani vyas

    ખુબ જ સરસ રચનાઓ. અક્ષરનાદ પર પ્રગટ થતું સાહિત્ય ખુબ જ સરસ હોય છે. અભિનંદન.