મારી નોકરી… – તેજસ જોશી 12


“Next candidate” મહેતા એસોસિએટ્સની એ.સી.માં ઠંડી કરેલી કેબિનમાંથી અવાજ આવ્યો.

“શું નામ તમારું…?”

“આમ તો મારા હજારો નામ છે પરંતુ અહીં લખવા ખાતર કૃષ્ણલાલ વાસુદેવ યાદવ.”

“જુઓ એમ નહીં ચાલે, પૅન કાર્ડમાં શું નામ છે તમારું?”

“પૅન કાર્ડ….! એટલે?”

“એટલે ઈન્કમટેક્સમાં શું નામ છે તમારું?”

“જુઓ, હું કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવામાં માનતો નથી, ઉલટુ હું ટેક્સ ન ભરવા આખા ગામને સમજાવું છું.

“તમે કોઈ યુનિયનના સભ્ય લાગો છો.”

“જી ના, પરંતુ મારું માનનારા ઘણાં છે.”

“તમે પહેલેથી જ આવા બળવાખોર છો?”

“જી હા…”

“હા પાડતા તમને શરમ નથી આવતી?”

“જી ના, જેવા હોઈએ એવા જ રજૂ થવું જોઈએ.”

“અચ્છા ઠીક છે, તમારો જન્મ ક્યાં થયો?”

“જેલમાં.”

“શું કહ્યું? જેલમાં? જુઓ ભાઈ કૃષ્ણલાલ, આ એક અત્યંત સંસ્કારી વકીલાતની કંપની છે. અહીં સૌએ શિસ્ત પાળવી પડે છે.”

“શિસ્ત…? અરે સાહેબ જીવનમાં કેવી શિસ્ત પાળવી એ વિશે મેં એક ગ્રંથ પણ લખ્યો છે.”

“જુઓ મિ. યાદવ, અમને લેખકની નહીં, ક્લાર્કની જરૂર છે. તમે આ પહેલા કેવા પ્રકારના કેસ સંભાળ્યા છે?”

“બધા જ પ્રકારના કેસ મારી પાસે આવે છે. પતિના ત્રાસના, આત્મહત્યાના, પૈસાના…”

“ઠીક છે, પણ તમારી ફાવટ કેવા પ્રકારના કેસોમાં છે?”

“ફાવટમાં તો એવું છે ને કે બસ કેસ કોઈપણ હોય, લોકોનું દુઃખ દૂર થવું જોઈએ.”

“હં..અ.. અ.. અ.. જુઓ વકીલાતમાં ભાવનાઓને સ્થાન નથી. વકીલાતમાં તો બસ આપણો ફાયદો જોવો પડે.”

સત્યને ભોગે પણ?”

“જી હા, સત્યના ભોગે પણ.”

“મને એ નામંજૂર છે.”

“મેં તમારી મંજૂરી નથી પૂછી. તમારા ફેમિલી બેકગ્રાઊન્ડ વિશે કંઈ કહેશો?”

“જી જરૂર, મારે બે બાપ છે…”

“શું કહ્યું ? બે બાપ…?”

“જી હા, એક તો વાસુદેવજી અને એક નંદલાલજી, બે માતાઓ છે, અનેક પત્નિઓ છે, બીજા સગાસંબંધી બધા અંદર અંદર ઝઘડીને મરી ગયા છે. નાનપણમાં એકાદ અફેર પણ હતું.”

“તમારો ભૂતકાળ બહુ જ વિવાદાસ્પદ અને ગુનાહિત લાગે છે.”

“વિવાદોમાં રહેવું મને હંમેશા ગમે છે.”

“કઈ સ્કૂલમાં ભણ્યા છો?”

“નાનપણમાં નિશાળે ગયો જ નહોતો. ફક્ત સાંદિપની યુનિવર્સિટીમાં દાખલ થયો.”

“અચ્છા તો ડાયરેક્ટ બી.કોમ વાળો કેસ છે…”

“..”

“એમ.બી.એ છો?”

“એમ બીએ એવા અમે નથી, અમારાથી લોકો બીએ છે.”

“જવા દો, શું નામ કહ્યું? સાંદિ…. સાંદિપની યુનિવર્સિટી? કોનવેન્ટ છે?”

“જી ના, સંસ્કૃતમાં ભણ્યો છું.”

“સંસ્કૃતમાં? હે ભગવાન, કેવા-કેવા લોકો આ નોકરી માટે એપ્લાય કરે છે? જુઓ ભાઈ, આ વકીલાતની કંપની છે, કોઈ મંદિર કે ટ્રસ્ટ નહીં. અહીં રોજ અંગ્રેજીમાં કાગળો લખવા, કેસ તપાસવા, પુરાવાઓ એકત્ર કરવા, કાયદાના થોથા ઉથલાવવા માટે ક્લાર્ક જોઈએ છે. પંડિતાઈ કરવાની નથી. કોઈની ભલામણચિઠ્ઠી લાવ્યા છો?”

“જી ના”

“કોઈ મોટી વ્યક્તિ ઓળખે છે તમને?”

“બધા જ ઓળખે છે મને.”

“બધા જ એટલે કોણ?”

“બધા એટલે … બધા જ.”

“તમે તો એવી વાત કરી રહ્યા છો કે ટાટા, બિરલા, બજાજ અને અંબાણી બધા જ ઓળખે છે તમને.”

“ઑફકોર્સ, બધા જ ઓળખે છે મને.”

“તો પછી એમાંથી કોઈએ તમને ભલામણ ચિઠ્ઠી ન આપી?”

“હું લેવા જ નથી ગયો એમની પાસે.”

“વાહ, ધન્ય છે તમને… કોઈ અનુભવ છે તમને?”

“હા છે ને! ઘણો અનુભવ છે મને, એક નારીની આબરૂ બચાવી છે મેં. અશ્લીલ ભાષા બોલનારને સ્વધામ પહોંચાડ્યો છે મેં. ૧૮ દિવસ સુધી ચાલેલા યુદ્ધનું સંચાલન કર્યું છે મેં.”

“જુઓ ભાઈ કૃષ્ણલાલ, હું તમને ફરી ફરી કહી રહ્યો છું કે અહીં પોલિસ કે આર્મીવાળાની જરૂર નથી, ક્લાર્કની જરૂર છે. નોકરી કરી શકો એવી લાયકાત છે તમારી પાસે?”

“..”

“ટાઈપિંગ આવડે છે?”

“ના”

“કોમ્પ્યુટર?”

“ના.”

“ડિક્ટેશન લેતા આવડે છે?”

“ડિક્ટેશન એટલે?”

“ડિક્ટેશન એટલે બોસ બોલે અને તમારે એ પ્રમાણે લખવાનું.”

“હરગીઝ નહીં, અમે સ્વયં માલિક છીએ.”

“જુઓ ભાઈ કૃષ્ણલાલ વાસુદેવ યાદવજી, મને કહેતા અત્યંત દુઃખ થાય છે કે તમે જેને તમારા સદગુણો માનો છો એ અહીં દુર્ગુણો ગણાય છે. અમારે અહીં કહ્યા પ્રમાણે કામ કરી આપનાર ક્લાર્કની જરૂર છે. તમારા જેવા બળવાખોર, વિવાદાસ્પદ, બીજી કોઈ લાયકાત કે લાગવગ ન ધરાવનાર સ્વતંત્ર માણસની અમને કોઈ જરૂર નથી.”

“મારી કોઈ જરૂર નથી?” વિષાદભર્યા સ્વરે કૃષ્ણલાલજીએ પૂછ્યું.

“જી ના, કોઈ જરૂર નથી, તમે જઈ શકો છો.”

કૃષ્ણલાલજીએ ઉપર લટકાવેલી છબી તરફ જોયું, એમાં ગીતાસાર લખેલો હતો.

“કર્મ કર – ફળની આશા ન રાખ.”

આમ અંતે ભગવાનને નોકરી ન મળી, હવે એ નોકરી હું કરું છું…..

– તેજસ જોશી

ચિત્રલેખા દીપોત્સવી, નવનીત સમર્પણ, આરપાર દીપોત્સવી અને મુબઈ સમાચાર જેવા પ્રકાશનોમાં જેમની ટૂંકી વાર્તાઓ છપાઈ ચૂકી છે તેવા લેખક શ્રી તેજસભાઈ જોશીની પ્રસ્તુત વાર્તા ભગવાન કૃષ્ણની પૃથ્વી પર કૃષ્ણલાલ તરીકે નોકરી મેળવવા આપેલા ઈન્ટરરવ્યુની – સાક્ષાત્કારની ઝલક દર્શાવે છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને મોકલવા બદલ અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ શ્રી તેજસભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ આપણને મળતી રહે તેવી શુભેચ્છાઓ.


Leave a Reply to Dhruv BhattCancel reply

12 thoughts on “મારી નોકરી… – તેજસ જોશી