પરીક્ષા – પન્નાલાલ પટેલ 12 comments


સૂર્ય ઉગ્યો, ઘઉં-ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો.

વસંતનો વાયરો મોલ ઉપરનું સોનું સાંભરવા માંડ્યો. પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. પાંખોનો વીંજણો વીંઝતું હવામાંનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું.

ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું. ધરતી ઉપર વેરાયેલુ સોનું મોઢે મોઢે ફંફોળતું જતું ખાતું હતું. .. શાળાએ જવા છોકરા હાલ્યાં, મોલ જોતાં, હવા ખાતાં, પક્ષીઓના માળા પાડતાં, ખેતર શેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલાં પાડતાં…

એક છોકરો બોલી ઉઠ્યો, “ઉપાડો પગ, આજે મારે પરીક્ષા આપવાની છે, ઈન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે.”

“તારે આપવાની છે, અમારે શું?” ચારેયમાં મોટો છોકરો મશ્કરીમાં બોલી ઉઠ્યો.

“અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે?” બીજાએ ટાપશી પૂરી.

“તમે અરજી કરો તો તમનેય મળે.” ઉમેર્યું, “-પણ તમે કાંઈ મારા જેવા ગરીબ નથી.” પહેલો બોલ્યો.

“પણ તને જ ક્યાં મળી છે? તમારા દસની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ?” વડાએ કહ્યું.

“ને કેમ જાણ્યું કે પહેલા ત્રણમાં તું આવીશ?” ચોથોય વાતમાં પડ્યો.

“એમ તો નહીં પણ પહેલો આવીશ.” મહાદેવે સગર્વ કહ્યું.

“કહેવાય નહીં હોં મહાદેવ” વડાએ કહ્યું, “આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નય દોડે !”

“ન શું દોડે? એવી પાટી મેલાવું કે -“

ત્રીજો બોલ્યો, “મણિયાને તું કમ ન જાણતો, છઠ્ઠા (ધોરણ)માં પહેલે નંબર આવ્યો જ હતો ને વળી?”

“એ તો હું માંદો -“

ચોથો બોલી ઉઠ્યો, “-તે નટુડો ઓછો છે કે? એમાં પાછા બાપા એના હેડમાસ્તર છે.”

બીજાએ ત્રીજી વાત કરી, “મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે તે એને તો મળવાની જ.”

“ને ધનશંકરના માસા ? એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડક્લાર્ક છે. એમના જ હાથમાં બધું.”

મહાદેવ ન ડગ્યો, “ના રે ના, એવું હોત તો પરીક્ષા જ ન લેત. ખાલી તમે ઘોડાં દોડાવો છો.”

વડાએ કહ્યું, “ઠીક ભાઈ, જોઈએ છીએ ને! મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે.”

“હા હા, દીવો બળે એટલે ! પહેલો નંબર લાવું” મહાદેવ તાનમાં હતો.

“સારું તો તો, કેમ ભાઈ શંકા?” બીજાએ ત્રીજા પાસે ટેકો માંગ્યો.

“હાં વળી, આપણા ગામનું નાક રહેશે. પહેલો આવીશ તો દર મહીને પંદર રૂપિયા, બીજાને દસ ને ત્રીજો આવીશ તોયે પાંચ, પાંચેય ક્યાં છે ગાંડા!”

ત્રીજાએ લાગ સાધ્યો, “ને આપણને ઉજાણી મળશે.” ચોથાએ પાકું કર્યું, “હેં ને મહાદેવ?”

“નક્કી જાઓ.” મહાદેવ મંજૂર થયો.

આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે. અડખેપડખે લળી રહેલી ઉંબીઓને પસવારતા જાય છે. મોલ ઉપર બેસવા જતા પક્ષીઓને ઉડાડતાં જાય છે. દૂર દેખાતાં ઝાડના ઝૂંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે. ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે…

ીકાએક મહાદેવની નજર થંભી જાય છે. અટકીને ઉભો રહે છે. બોલી પડે છે, “ખાઈ જવાની.”

પેલા ત્રણેય અટકે છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે. પાણી સરખો કૂંળો કૂંળો ઘઉંનો મોલ છે. સારસ પક્ષી ફરતું હોય એવી એક ગાય છે. ધીમે ધીમે ચાલે છે ને ખાતી જાય છે.

“કાપલો કાઢી નાંખવાની!” મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા.

“તારી માસીના ખેતરમાં લાગે છે.” શંકાએ અટકળ કરી.

ત્રીજાએ કહ્યું, “શેઢા પર છે.”

મહાદેવ વિચારમાં હતો. બોલ્યો તે પણ વિચારતો હોય તેવી રીતે, “આ પા કે પેલી પા, પણ ખાવાની તો ઘઉં જ ને.”

ગામ તરફ એણે નજર દોડાવી. દૂર કોઈ માણસને જોયું. બૂમ પાડી કહેવા ગયો, “એ… મારી માસીને ત્યાં કહેજો કે ગાય -” વળી થયું, ‘ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલામાં કાપલો કાઢી નાંખશે ને?’

મહાદેવે શંકા સામે દફ્તર ધર્યું, “લે ને શંકા, ગાયને હું હાંકતો આવું.”

શંકાએ દફ્તર લીધું. યાદ આપ્યું, “તારે લ્યા પરીક્ષા છે ને -“

“આવ્યો આમ.” મહાદેવે પાટી લગાવી મોલ ઉપર ઉડતી ઉડતી સમડી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. કહેતો હતો, “તમ તમારે હેંડતા થાઓ, આવ્યો હું તો આમ!”

હરાયું ચરેલી ગાય! મસ્તાન હોય એમાં નવાઈ શી? મહાદેવ મન કરીને ઢેફાં મારે પણ ચરબીભરી ગાયને તો એ લાડનાં લટકાં હતાં. એટએટલામાં સોટું પણ ન હતું. શેઢા ઉપરથી આકડાનો એક ડોરો ભાંગ્યો. પણ ગાયને તો ચરમી જાણે શરીર પરથી માખી જ ઉડાડતી હતી.

માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું, તો બીજું પાછું કાકાનું આવ્યું. કાકા ખારીલા હતાં, “પણ એટલે કંઈ ગાયને ઘઉં ખાવા દેવાય? …”

તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું. મહાદેવને થયું, “ના, ના નારજીકાકાને આ આટલું એક ખેતર છે ને – કાપલો કાઢી નાંખશે.”

ને વળી ગાયને આગળ હાંકી. મહાદેવનામાં અધીરાઈ ને અકળામણ વધવા લાગી.

એક લાકડું હાથમાં આવતાં ગાયને ઝૂડવા માંડી. ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ તરફ જોયું. પણ ઓકરો એને મારવા સરખો ન લાગ્યો એટલે પછી આડા અવળે દોડવા માંડ્યું.

નારજીકાકાનું ખેતર પૂરું થયું. મહાદેવને થયું, ‘જઉં’ પણ શંકાનું જ એ ખેતર હતું, ‘એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો.’

મહાદેવની અકળામણનો પાર ન હતો. શાળા તરફ જઈ રહેલાં છોકરાંના હવે માથાં પણ નહોતાં દેખાતાં. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું, ‘આટલું ખેતર કાઢીને મેલીશને પાટી કે..’

ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી. મહાદેવની મૂંઝવણે હવે માઝા મૂકી. એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી.

અકળામણમાં રડવા સરીખો થઈ ગયો. ગાયને ભાંડતો ગયો, મારતો ગયો ને વળી વળીને પાછું જોતો ગયો.

પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરુ જીવ રડી ઊઠ્યો, ‘આ તો પેલા ખુશાલમાંનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાંકનાર તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે. એટલેથી હાંકી લાવી મેલી મેલીને ખુશાલમાંના ખેતરમાં જ મેલવી?’ ને ભલો મહાદેવ રડતો ગયો, માથા પર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂડતો ગયો.

એમાં વળી વાડ નડી, કાઢવી ક્યાં થઈને? –

ને મૂંઝાયેલો મહાદેવ વાડામાં છીંડુ પાડતો ગયો, નાક નસીંકતો ગયો, પસીનો લૂછતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાંડતો ગયો, “તને ચમાર ફાડે એ પાછી ક્યાં જાય છે? અહીં છીંડામાં મરને!”

દોડીને મહામહેનતે ગાય વાળી. છીંડા વાટે બહાર કાઢી.

ને અજબગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી તો મૂઠીઓ વાળી ! મોલની સપાટીએ ‘સનનન’ કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ લ્યો !..

પણ ! પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી.

દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઈન્સ્પેક્ટર આગળ ઉભો કર્યો.

ઈન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું. એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો. અંગે પણ પસીનામાં રેબઝેબ હતો. સવાલ કર્યો, “કેમ, ભાઈ મોડો પડ્યો?”

મહાદેવ રડતો ગયો ને પોતાની કથની કહેતો ગયો, “ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો, સાહેબ… જતાં તો જઈ લાગ્યો પણ મારે એ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? … એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મને -“

ઈન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતાં, પણ માનવતાની સરવાણી હતી. પોતાનેય પૂછતી હતી, ‘કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકવી સાહેબ – આપ જ કહો ?”

ને જાણે અજાણેય ઈન્સ્પેક્ટર પોતાના મનની વાત બબડી પડ્યાં, “પાસ છે, જા.” ખ્યાલ આવતાં શિક્ષકને હુકમ કર્યો, “આપો એને પેપર…”

મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયાં, અંગ ઉપરના પસીનામાં પ્રકાશે – શક્તિએ પ્રવેશ કર્યો. પેપર લઈને મંડી પડ્યો.

– પન્નાલાલ પટેલ

પન્નાલાલ પટેલનો જન્મ માંડલી (હાલ રાજસ્થાન)માં થયેલો. ચાર અંગ્રેજી ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જકોમાં તેમની ગણના થાય છે. મળેલા જીવ, માનવીની ભવાઈ, વળામણ જેવી નવલકથાઓ તથા સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા જેવા વાર્તાસંગ્રહો આપ્યા છે.

ખેતરમાં પાકને મુક્તપણે ચરતી ગાયને કાઢવા જતાં શિષ્યવૃત્તિની પરીક્ષા આપવા જવામાં મોડો પડતો ગરીબ મહાદેવ ઈમાનદારીની પરીક્ષામાં કઈ રીતે પાસ થાય છે તે અહીં પન્નાલાલ પટેલની વિશિષ્ટ શૈલી દ્વારા આસ્વાદક રીતે ઉભરી આવે છે.


12 thoughts on “પરીક્ષા – પન્નાલાલ પટેલ

 • arun

  પન્નાલાલ પતેલ નેી મલેલા જિવ નવલકથા મારે જોઇએ ચે. તે હુ ક્યાથેી મેલ્વેી સકિસ્.

  • Kalidas V. Patel { Vagosana }

   અરુણભાઈ,
   માત્ર ધો. ૮ સુધી ભણેલા સાક્ષરશ્રી પન્નાલાલ પટેલની ” મળેલા જીવ ” કોલેજમાં પાઠ્યપુસ્તક તરીકે હતી, આથી અમદાવાદના ગાંધીપુલ નીચે ‘ ઢગલા ‘ માંથી પણ તે સહેલાઈથી મળી જશે.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • amarshee baraiya

  ખુબજ મજા આવી આ વારતા વાન્ચી ને બાલપન યાદ આવી ગયુ આવી વારતા જીવનમા ઘનુ સમજાવી જાય ે

 • Bharat Chauhan

  સરસ મજાની આ વાર્તા અમે ધોરણ – ૬ માં ભણે ગયા છીએ, તેમ છતાં આજે ફરીથી વાંચી અને જીવનમાં ઉતારીને ખુબ આનંદ થયો…આ વાર્તા ખરેખર જીવનમાં ઉતારવા જેવી છે So, Thanks to પન્નાલાલ પટેલ……

 • રૂપેન પટેલ

  પન્નાલાલ પટેલે ઘણી બધી યાદગાર નવલકથાઓ અને
  પન્નાલાલની બધી વાર્તાઓ સરસ જ હોય છે .
  કેટલીક ઇનામ મેળવેલ નવલકથા પણ લખી છે . જેમાં વળામણાં , મળેલા જીવ , યૌવન , વળી વતનમાં , સુરભી , નવું લોહિ , તાગ ,એકલો , નથી પરણ્યાં નથી કુંવારા , નગદનારાયણ , અમે બે બહેનો , પાછલે બારણે , રામે સીતાને માર્યા જો ભાગ ૧ થી ૫ , કૃષ્ણ જીવન લીલા ભાગ ૧ થી ૫ , પાર્થને કહો ચડાવે બાણ ભાગ ૧ થી ૫ , અંગારો , ગલાલસીંગ , શિવપાર્વતી ભાગ ૧ થી ૬
  “સદાય ચમકતા રહે એવાં હીરા જેવા ગુજરાતી સાહિત્યના સર્જક એટલે…પન્નાલાલ પટેલ” વાંચવા ક્લિક કરો
  http://rupen007.wordpress.com/2011/05/07/pannalal-patel/

 • Kedarsinhji M. Jadeja

  વો કલરવ કહાં ગયા?

  વિદ્યા મંદિર કે પાંસ ગુજરતે, મૈને દેખા એક તમાશા
  બોજ ઢો રહી ગધે કી ભાંતી, દેશ કી ઉજ્વલ આશા…

  નીંદ કે મારે આધે શહર ને, છોડા નહીં થા બિસ્તર
  નન્હા ફુલ તબ દૌડ રહાથા, ઠુંસકે પુસ્તક દફ્તર..

  દેખ કે ઐસી હાલત ઉસકી, આંખ મેરી ભર આઇ
  બાલ ચરિત્ર કા હનન કરે જો, કૈસી પઢાઇ યે આઇ..

  ભોર ભયે કભી તરૂવર પર નિત, ચિડિયાં ચેહકા કરતી
  ઘર આંગનમેં માસુમ ટોલી, કિલકારી થી કરતી…

  ગોટી લખોટી ગીલ્લી ડંડા, છુપા છુપી સબ છુટા
  ભૂલ ગયા બચપન અબ બચ્ચા, મિત્ર ન બાલ લંગોટી..

  ભૈડ બકરીસા ભરકર બાલક, દૌડતી ઓટો રીક્ષા
  પાઠ શાલાસે ટ્યુશન ભાગે, શિક્ષા હે યા પરિક્ષા..

  જીસકી નહીં જરૂરત ઐસે, વિષય ઉસે ના પઢાવો
  યે કુદરત કી અમુલ્ય દેન હે, યંત્ર ના ઉસે બનવો…

  ભોલાપન ઉસકા મત છીનો, કુછ કરો ઉનપર ભી દયા
  “કેદાર” કહીં ના પ્રશ્ન યે ઉભરે, “વો કલરવ કહાં ગયા”?…

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

 • Viranchibhai C.Raval

  સરસ વાર્તા મજા આવી જો કે પન્નાલાલ પટેલ વિશે શુ લખવુ ગુજરાત ના મહાન વાર્તાકાર

 • Harshad Dave

  This is really a very good story which expresses the feelings of a child who saves the standing crop at cost of his examination. At the end everything set right. The language must be taken note of. I suggest it to be translated into English/Hindi and be put for the readers.

 • sanket

  આ વાર્તા ભણવામાં આવતી.. બહુ મજાની છે. પન્નાલાલની વાત જ નિરાળી છે..

Comments are closed.